બુધવાર, 24 નવેમ્બર, 2021

સૂરજ ક્યાં સુધી છુપાવી શકાય ? - દેવદત્ત પટ્ટનાઈક

વેદોનો સૌથી પહેલો શ્લોક અગ્નિને સમર્પિત છે. સૌથી વધારે શ્લોક વાયુના દેવ ઈન્દ્ર વિશે લખાયા છે, જ્યારે નભોમંડળમાં સૌથી વધારે વટથી દૃશ્યમાન તો સૂર્ય દેવ છે. સુર્યનાં વેદોમાં આદિત્ય, સવિતા, માર્તંડ, ભાસ્કર એવાં અનેક નામો પણ પ્રયોજાયાં છે. આજે ભલે પ્રાચીન વૈદિક દેવોનું મહત્ત્વ  શિવ, વિષ્ણુ કે દેવી જેવાં પુરાણોના દેવો સામે ઘટી ગયું હોય પણ વહેલી સવારની પૂજાઓમાં તો સૂર્યની જ આરાધના કરાય છે. જોકે ઉડીસાનાં કોણાર્ક કે ગુજરાતનાં મોઢેરા કે જમ્મુ-કાશ્મીરનાં માર્તંડનાં સૂર્ય મંદિર ભલે આજે ખંડેર હાલતમાં હોય, પરંતુ હકીકત તો એ જ છે કે સૂર્ય વૈદિક દેવો પૈકી એક એવા દેવ છે જેનાં આગવાં મંદિરો હતાં. વળી, જ્યોતિષશાસ્ત્રનો દરેક વિદ્યાર્થી જાણે છે કે, ભવિષ્ય જાણવા ઈચ્છનારાંઓની દુનિયામાં સૂર્યની જ આણ વર્તે છે.

સૂર્યની કથાઓ વેદોમાં પણ છે અને પુરાણોમાં પણ છે. તેમને આદિ પુરુષની આંખ કહેવામાં આવે છે. તેઓ જે રથ પર સવારી કરે છે તેનાં બાર પૈડાંઓને સાત ઘોડાઓ ગતિ આપે છે. તેમનો સારથી, અરૂણ, તેમની માતાની અધીરાઈને કારણે સમયથૉ વહેલો જન્મ્યો હતો એટલે જે જાતિરહિત જ રહ્યો છે. સૂર્યનાં પત્ની, સારણ્યા, તેમની પાસેથી એટલે ભાગી છૂટ્યાં કે તેઓથી તેમનાં પુરુષત્વનું તેજ ન જીરવાયું, અને પોતાને સ્થાને છાયા, પડછાયા,ને ત્યાં સુધી મુક્યાં જ્યાં સુધી સૂર્યએ પોતાના તેજનો આંશિક રીતે ત્યાગ કરીને સમાધાન ન કર્યું. તે આદિ માનવ મનુના પિતા છે, તો મૃત્યુના દેવ, યમ,ના પણ પિતા છે. પોતાના ગુરૂ પરંપરાગત ગોખણપટ્ટીની રીતથી વિદ્યા શીખવાડવાનો આગ્રહ રાખતા હતા એટલે જેણે વિદ્રોહ કરેલો એવા ઊપનિષદોના ઋષિ યાજ્ઞવલ્ક્યના તેઓ ગુરુ બન્યા. વેદ શીખવા માટે જેમણે પોતાના પ્રકાશપુંજોની જ્વાળાઓની પરવા કર્યા વિના પોતાના રથથી આગળ ઊડવાનું તપ આદર્યું એવા હનુમાનના પણ તેઓ ગુરુ બન્યા. જેમને જ્ઞાનનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે તેવા અશ્વો સાથે પણ સૂર્યને સંબંધ છે. લોકકથાઓ અનુસાર સૂર્ય ભલે તેના તરફ ધ્યાન ન આપે પણ સૂર્યમુખીનું ફુલ તો આખો દિવસ તેમને જ જોતું રહે છે, તો વળી પોતાના પ્રેમને ઠુકરાવ્યો હતો એટલે જાસ્મીન (પારિજાત, રજનીગંધા, રાતની રાણી)નું ફુલ તો જ્યાં સુધી સૂર્ય આકાશમાં દેખાય ત્યાં સુધી ખીલવાનું જ ટાળે છે. યોગીઓએ તેમના પોતાના (સૂર્ય)નમસ્કાર સૂર્યને જ અર્પણ કરેલ છે.

સૂર્યનો ઇતિહાસ જોઈશું તો જણાશે કે તેમની ભવ્યતા પર બીજા દેવો હંમેશાં છવાઈ જતા રહ્યા છે. વૈદિક યુગમાં ઈન્દ્ર મહત્ત્વ પામતા દેખાય, તો પુરાણોના સમયમાં વિષ્ણુ પ્રધાન સ્થાને રહેલા જણાય. જ્યોતિષ વિદ્યામાં પણ રાહુ તો સૂર્યને ગ્રસી જઈ શકે. પાશ્વાત્ય પુરાણવિદ્યામાં પણ સૂર્ય સાથે સંબંધ ધરાવતી વિધિઓ અને ઉત્સવો પણ ખ્રિસ્તી ધર્મના ઈશ્વરે પોતાને કબજે કરી લીધા છે, એટલે જ રવિવારે ખ્રિસ્તીઓ આરામનો દિવસ, સૅબ્બથ, રાખે છે.  ઈશુ ખ્રિસ્તનો જન્મ દિવસ પ્રાચીન સમયથી સૂર્યની મહિમાના ઉત્સવ શરદસંપાત સાથે સાંકળી લેવાયો છે, અને ઈશુના પુનર્જીવનનો દિવસ, ઈસ્ટર,એ સૂર્યના મૂર્તિપૂજક અધર્મીઓ દ્વારા ઉજવાતા એક અન્ય ઉત્સવ, વસંતસંપાત, સાથે સાંકળી લેવાયેલ છે.

રામાયણ્માં સૂર્યના પુત્ર સુગ્રિવને તેનો ભાઈ વાલી, એક ગેરસમજણને કારણે, રાજગાદી પરથી ઊઠાડી મુકે છે. પછીથી રામ સુગ્રિવને મદદ તો કરે છે, પણ રામાયણની બધી જ કીર્તિ પવનસુત, વિનમ્ર, હનુમાન,ને મળે છે. મહાભારતમાં કુંતીને સૂર્યથી થયેલ પુત્ર કર્ણને સારથીએ ઉછેરીને મોટો કર્યો એટલે મહાસમર્થ બાણાવળી હોવા છતાં, તેને સુતપુત્રનું મેણું જીવનભર સાંભળવું પડ્યું અને દુષ્ટ કૌરવોનો સંગાથ કરવો પડ્યો.  કૃષ્ણ ઈન્દ્રના પુત્ર અર્જુનના પક્ષમાં બેસે છે, અને કર્ણને મળેલા શ્રાપનો ગેરલાભ લઈને યુદ્ધમાં મરાવી નાખે છે.

કોર્પોરેટ વિશ્વમાં પણ એવા સૂર્યોની કમી નથી જે ખુબ જ પ્રતિભાશાળી વ્યક્તિઓ છે પણ તેમની પ્રતિભાઓને પણ અનેક પરિબળોનાં ગ્રહણ લાગ્યા કરે છે જેને કારણે તેમની પ્રતિભા ઝંખવાયેલી રહે છે. આ પરિબળોમાં તેમનું સમયથી આગળ હોવું, કે બજાર (કે સંસ્થા)નું તેમના માટે તૈયાર ન હોવું, કે સાધારણ લોકોની સ્પર્ધાનાં મોજાં એટલાં પ્રબળ થવાં કે આ પ્રતિભાઓના વિચારોને અમુક સમય પુરતા તો ડુબાડી દેવા, કે પછી અદેખા અને ધરાર અપ્રમાણિક લોકો વડે ઘેરામાં ઘેરીને તેમનાં કામને એટલી હદે તહેસનહેસ કરી દેવું કે એ પ્રતિભાશાળી વ્યક્તિ સદંતર નાસીપાસ થઈ બેસે જેવાં અનેક અવરોધક વલણો હોઈ શકે છે.

ઘણી વાર  અમુક જ ઢબે વ્યવસાય ચલાવવામાં પોતાની કાબેલિયત ધરાવતતી સંસ્થાઓ,  કે આ પહેલાં જે સફળ થઈ ચુક્યા છે તેવા ઉદ્યોગસાહસિકો, જેવાં સ્થાપિત હિતો નવઉદ્યોગસાહસિકનેને તુચ્છતાના ભાવથી જૂએ છે; કોઈ કોઇ વાર તો તેમને જરૂરી નાણાં કે બજારના સ્ત્રોતને રૂંધી નાખવાના દાવ પણ ખેલી કાઢે છે. દરેક ઉગતો નવો ઉદ્યોગસાહસિક એ લોકોને  તો ઉગતો જ ડામી દેવા જેવો શત્રુ જ દેખાય છે. નવી પેઢીના ઉદ્યોગસાહસિકને એ લોકોની ક્લબમાં પ્રવેશ ત્યારે જ મળે છે જ્યારે એમની બે ત્રણ પેઢી એ સફળતા, સમૃદ્ધિ અને પ્રભાવ કાયમ રાખી બતાવે. આમ કદાચ એટલે બનતું હશે કે ત્યાં સુધીમાં એ નવલોહિયાઓ પણ જૂના જોગીઓ જેવાજ રીઢા બની ગયા હોય અને હવે તેઓ નવી પેઢી સામે એ જ દાવપેચો રમતા થઈ ગયા હોય.

નકારાત્મક પરિબળો ગમે એટલા ધમપછાડા કરે, પણ સૂર્યના પ્રકાશ અને ગરમીની ઉર્જા વગર તો તેમનું પણ અસ્તિત્ત્વ શકય નથી. એજ રીતે વ્યાપારઉદ્યોગ વિશ્વમાં પણ, બધી જ પ્રતિકુળતાઓ હોવા છતાં નવઉદ્યોગસાહસિકો તો પેદા થતા જ રહેશે અને વિકસી પણ બતાવશે. કર્ણની જેમ એ લોકો આ લડાઈમાં વીરગતિ પામવાનું પસંદ કરશે પણ પોતાના વિચારોરૂપી હથિયાર તો હેઠાં નહીં જ મુકે, જેથી વ્યાપારઉદ્યોગ જગતના ઇતિહાસકારો તેમની ગાથાઓને  બીરદાવતા રહે અને દરેક નવી પેઢીને એ જ ખુમારીથી પોતાના વિચારોને અમલ કરી બતાવવાની પ્રેરણા મળતી રહે. 

  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧૭ જુલાઈ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમપરના અસલ અંગ્રેજી લેખWhere is the Sun?નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ǁ ૨૪  નવેમ્બર૨૦૨૧

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો