બુધવાર, 2 માર્ચ, 2022

વટ વૃક્ષનું પડવું - દેવદત્ત પટ્ટનાઈક

સો વર્ષ જૂનાં એક વટ વૃક્ષને કાપી નાખવા કેટલાક કઠિયારા એક દિવસ આવ્યા. વૃક્ષે તેમને કહ્યું, 'થોડું ખમી જશો ! આ વસંત પસાર થઈ જાય એટલે મારાં ફૂલોમાંથી મધમાખીઓ અને પતંગિયાંઓને આ ઋતુ પુરતો રસ મળી જાય. અને જો તે પછીનો ઉનાળો પણ નીકળી જવા દો તો મારાં ફળોથી ચામાચિડીયાં અને ખિસકોલીઓનું પેટ ભરાય. પછી પણ જ્યારે કાપવાનું શરૂ કરો ત્યારે એક એક કરીને ડાળીઓ કાપજો, જેથી જેથી આ ડાળીઓ પર રહેનારાં પક્ષીઓ, વાંદરાઓ અને સાપોને નવું ઘર શોધવાનો સમય મળી રહે. મારૂં થડ પડે ત્યાં હજુ તો ફૂટીને જીવન શરૂ જ કરી રહેલા છોડવા ન હોય એ જોશો ને ! મારૂં લાકડું ખુશીથી વાપરજો, પણ મારા પર અત્યારે જે નભી રહેલાં છે તેમને ઓછામાં ઓછી તકલીફ પડે એટલું જરૂર કરજો, હોં!' કઠિયારાઓ વૂક્ષની આટલી ઊંડી સમજથી દંગ રહી ગયા. પણ પછી તેમને ખ્યાલ આવ્યો કે આ તો બોધિવૃક્ષ હતું, જ્યાં સિદ્ધાર્થને દયા ને પ્રેમનું કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તે બોધિસત્ત્વ બન્યા હતા.

ઘણી વાર નિયમનકારો, અને મોટી કંપનીઓ પણ, એવા દેખીતી રીતે નાના નાના નિર્ણયો લેતા હોય છે જેની બજારો પર બહુ વ્યાપક અસરો પડતી હોત છે. જે નિર્ણય લે છે તેનું ધ્યાન તો પોતાનાં કામ અને નિયમો પર કેન્દ્રિત થયેલું હોય છે, તેના નિર્ણયથી પેદા થનારાં વમળ કેટલે દૂર સુધી ફેલાશે અને ક્યાંક્યાં, કેટકેટલી, અને કેવીકેવી અસરો પેદા કરશે તે તેના ધ્યાન પર જ નથી હોતું.તેમનો નિર્ણય જાતક કથાનાં પેલાં વટવૃક્ષને પાડવા જેવો છે, જેમાં એક વૃક્ષને પડવાથી તેની સાથે સીધી અને આડકતરી રીતે સંકળાયેલ, આસપાસની વ્યાપક, પરિસ્થિતિઓ, સંજોગો અને તંત્રવ્યવસ્થાઓ હંમેશ માટે પરિવર્તિત થઈ જાય છે, જેનાં પરિણામો સારાં, ખરાબ કે અતિશય નુકસાનકારી નીવડી શકે છે. વ્યાપાર વિશ્વમાં, આ પરિણામો સ્વરૂપે અનેકની રોજીરોટી છીનવાઈ શકે છે. આવી વ્યાપક અસરોના સંદર્ભમાં આપણે વાત માત્ર વરિષ્ઠ સંચાલક મંડળની જ નથી કરી રહ્યાં, પણ સિક્યોરિટી કર્મચારીઓ, ચા-નાસ્તાઓ બનાવવાળાં, ડ્રાઈવર, મકાનની સફાઈ વગેરેનું કામ કરતાં કર્મચારીઓ, જેવાં અનેક નાનાં મોટાં દેખીતાં અને ન દેખાતાં લોકો, તેમ જ તેમનાં કુટુંબો,ની પણ વાત કરી રહ્યાં છીએ,જેમના માટે પરિસ્થિતિનો બદલાવ તેમની રોજેરોજની આજીવિકા પર વજ્રાઘાત સાબિત થઈ શકે છે.

એટલે, એકાદ ખાવાની વસ્તુ પર નૈતિક રીતે સાવ જરૂરી દેખાતો પ્રતિબંધ બહુ વ્યાપક પરિણામો સર્જી શકે છે. જે આવી પેદાશોનું વેચાણ કરે છે એ આંતરરાષ્ટ્રીય મોટી કંપનીઓ જ નહીં પણ એ પેદાશ વાપરવા ટેવાયેલાં અનેક ગ્રાહકો અને એને ગ્રાહકો પાસે પહોંચાડનારી પુરવઠા સાંકળની દરેક કડી પ્રભાવિત થઈ શકે છે. ક્યારેક તો આવા પ્રતિબંધો કાળાં બજારથી માંડીને દાણચોરીને પણ પોષણ આપીને ગુન્હાહીત પ્રવૃતિઓને વેગ આપી શકે છે. આવાં પ્રકારના અનિયંત્રિત વેપારથી એ પેદાશની ગુણવત્તા પર જો અવળી અસર થઈ તો સમાજના બહુ મોટા ભાગનાં લોકોનું આરોગ્ય સુદ્ધાં જોખમમાં મુકાઈ શકે છે.

વાત આટલેથી નથી અટકતી. ચુકવણાંઓ અટકી જવાથી વ્યાપાર ધંધાની ધોરી નસનો રક્તપ્રવાહ અટકી જવા જેવી સ્થિતિ થશે. તેની અસરો પિરામિડની ટોચ, મધ્ય અને છેક તળિયે આવેલ દરેક નાના મોટા વ્યાપાર અને તેની સાથે સંકળાયેલ લોકોને થશે, જોકે આ અસરનું સૌથી વધારે દર્દ સૌથી નીચે આવેલ, ઓછાં શક્તિશાળી અને ઓછી સગવડો ધરવતાં સ્તરને થશે.

સામાજિક અસરો પણ જેવી તેવી નહીં હોય. અમુક ખ્યાતનામ બ્રાંડ સાથે સંકલાયેલ હોવાનું એક ચોક્કસ બહુમાન આખી પુરવડા સાંકળની દરેક કડીને પોતપોતાની રીતે મળતું હોય છે., જે માત્ર બેંઓ તરફથી મળતાં ધિરાણોમાં જ નહીં પણ લગ્નસંબંધો જેવા વ્યવહારોમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મોટી કંપનીઓની શાખ પર પડતી અવળી અસરો તેના શેરના ભાવ કે અન્ય દેશોનાં બજારોને પણ પ્રભાવિત કરી શકે છે.

સમાજના અમુક વર્ગનાં ધાર્મિક, સામાજિક કે નૈતિક ધારાધોરણો કે માન્યતાઓને ધ્યાનમાં લઈને લેવાતા નીતિવિષયક નિર્ણયો બીજા વર્ગોનાં ધાર્મિક, સામાજિક કે નૈતિક ધારાધોરણો કે માન્યતાઓને તો બહુ ઘણી અવળી અસર કરી શકે છે, પણ તેની આર્થિક અસરો સૌથી નબળી કડી જેવાં પુરવઠા સાંકળનાં જથાબંધ કે છુટક વેપારીઓ , એ પેદાશોનો ઉપયોગ કરીને ચાલી રહેલ અન્ય નાના નાના વ્યવસાયો જેવા વર્ગ માટે તો જીવનભરનો કુઠારાઘાત નીવડી શકે છે. જીવદયા પ્રેમીઓ કે પર્યાવરણ સંરક્ષકો કે ધાર્મિક /નૈતિક ભાવના્ના પ્રહરીઓના એક દિશામાં વહેતા પ્રેમની અસરોના ઉપાય આર્થિક કે સામાજિક કક્ષાએ સમર્થ લોકો તો નુકસાન સહન કરીને પણ અન્ય વિકલ્પ સ્વરૂપે ખોળી શકશે, પરંતુ સમાજના કેટલાક વર્ગનાં માનવ જીવનનાં અસ્તિત્વ દાવ પર લાગી જઈ શકે છે.

આજે એક તરફ જ્યારે 'વિશ્વને બચાવો 'જેવા ભાવવડે જોવામાં આવતાં સમષ્ટિ અર્થતંત્ર પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ 'આજીવિકા બચાવો' કે 'આજિવિકાઓ નાઅ સ્ત્રોતો વધારો 'જેવાં સૂક્ષ્મ અર્થશાસ્ત્ર તરફ ઓછુ ધ્યાન અપાય એ આમ તો સ્વાભાવિક કહી શકાય. નફા સાથેના કે બિન-નફાના કોઈ પણ વ્યાપારમાં પુરવઠાકારો, સહભાગીઓ અને કરાર હેઠળના કામદારોની એકમેક સાથે ગાઢપણે સંકળાયેલી પોતાની એક આગવી પારિસ્થિતિક તંત્રવ્યવસ્થા સર્જાઈ જતી હોય છે. પરંતુ વ્યાપાર વિશ્વમાં નૈતિક વ્યવહારો અને વિચારસરણીનાં વધતાં જતાં ચલણમાં આ પાયાના ઘટકનાં અસ્તિત્વ જેવાં પાયાના વિષયનો આ ચર્ચાઓમાંથી છેદ ઉડી જતો જોવા મળે છે. અર્થતંત્રના સૌથી નીચેનાં સ્તરમાં આવેલાં લોકોની પાસે આજિવિકાના સ્રોતનો એક માત્ર વિકલ્પ જ હોય છે. ગ્રાહકનાં હિતની સુરક્ષા કે આપણી પૃથ્વીને આવનાર પેઢી માટે સંપોષિત રાખવી જેવા ઉચ્ચ નૈતિક ધોરણો અપનાવવાની હોડમાં કોઈની એક માત્ર આજિવિકા છીનવી લેવાનો કોઈને પણ હક્ક હોઈ શકે એ નૈતિકતાનો પાયાનો વિચાર નૈતિકતાનાં દૃષ્ટિક્ષેત્રમાંથી બહાર જતો રહે એવું કેમ થતું હશે ! અહીં સવાલ કુદરતી સંસાધનોના સંપોષિત વપરાશ થકી પૃથ્વીને આવતી પેઢી માટે બચાવવી કે આજની પેઢીની આજિવિકાને સાચવવી એ બે વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવાની ચર્ચા છેડવા માટે કોઈ અવકાશનું સ્થાન જ ન હોવું જોઈએ ! અહી સવાલ 'આ કે પેલું'નો નહીં કે 'આ પહેલાં કે પેલું પહેલાં'નો પણ સવાલ ન હોઈશકે. અહીં તો 'આ અને પેલું' એ બન્ને સરખે ભાગે મહત્ત્વનાં છે તેનો સ્વીકાર જ નૈતિકતાનું સ્વીકૃત ધોરણ હોવું જોઈએ.
  • ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૧૪ ઓગસ્ટ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખFelling the Great Treeનો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ǁ ૨ માર્ચ, ૨૦૨૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો