બુધવાર, 25 મે, 2022

ઑડીટરની કરૂણાંતિકા - દેવદત્ત પટ્ટનાઈક

મદદ માટેની રામની પોકારો સાંભળીને સીતાએ જીદ કરીકે લક્ષ્મણ તેમની મદદે જાય. લક્ષ્મણ થોડા અચકાયા. જો તે રામને મદદ કરવા બહાર જાય છે તો સીતાની રક્ષા કોણ કરશે? તેમણે એક ઉપાય વિચારી નાખ્યો :તેમની ઘાસની વાટિકાની આસપાસ તેમણે એક રેખા ખેંચી દીધી અને સીતાજીને તેની અંદર જ રહેવા જણાવ્યું, 'આ સંસ્કૃતિની અંદર તમે સલામત છો. તેની બહાર જંગલ છે, જ્યાં કોઈ સલામત નથી'

લક્ષ્મણ રેખાની આ ક્થા આપણને બંગાળનાં કૃતિવાસ રામાયણ કે સાતેક સદીઓ પહેલાં તેલુગુમાં લખાયેલાં રંગનાથ રામાયણ જેવાં ક્ષેત્રીય રામાયણોમાં જોવા મળે છે. બે હજાર વર્ષ પૂર્વે સંસ્કૃતમાં લખાયેલ વાલ્મિકી રામાયણ કે હજારેક વર્ષ પહેલાં લખાયેલ, સૌથી જૂના ક્ષેત્રીય રામાયણ, કંબનનાં તમિળ રામાયણમાં તેનો ઉલ્લેખ નથી.

લક્ષ્મણ રેખાને આપણે કઈ દૃષ્ટિએ જોઈશું? એક યુવાન માણસે પોતાની ભાભીની રક્ષા માટે રચેલ પ્રેમનું પ્રતિક ગણીશું કે દમનનું એક એવું પ્રતિક ગણીશું જે એક પુરુષ દ્વારા સ્ત્રીની હીલચાલ પર નિયમન લગાવવા માટે બનાવાયેલ છે. ૨૧મી સદીનાં નારીવાદી સાહિત્યની અસર હેઠળ આપણને આ બીજો દૃષ્ટિકોણ જ ગમશે. બહુ બહુ તો, લક્ષ્મણ એક મુરબ્બીપણુ જતાવતા વડીલ તરીકે સામે આવશે. વ્યાપાર ઉદ્યોગમાં પણ કંઈક આવું જ છે.

સંસ્થાના સંરક્ષણ માટે નિયમો બનાવવામાં આવે છે. કેટલાક નિયમો કાર્યદક્ષતા વધારે છે તો કેટલાક કંપનીનાં જોખમો ઘટાડે છે. બધું મળીને આ નિયમો કંપનીની સમૃદ્ધિ અને સલામતી વધારે છે. તેમના થકી સંસ્થા વધારે નિયંત્રણક્ષમ, વધુ અનુમાનિત અને વધુ સંચાલનક્ષમ બને છે. લોકો એ નિયમોને અનુસરતાં રહે તે જોવા માટે જુદી જુદી ટેક્નોલોજિઓ પણ વિકસાવવામાં આવે છે. નિયમો જણાવવા માટે અલગ અલગ પ્રોટોકોલ, માર્ગદર્શિકાઓ, કાર્યપધ્ધતિઓ, નિયમનો અને નીતિઓને લગતી ટેક્નોલોજિઓ હોય છે. નિયમો પળાય છે કે નહીં તે માપવા માટે પાછી બીજી ટેક્નોલોજિઓ હોય છે. વારંવાર થતા નિયમભંગ તરફ ધ્યાન દોરવા અને તેને ઉપરની કક્ષાએ ધ્યાન દોરવા લઈ જવા માટે વળી બીજી ટેક્નોલોજિઓ હોય છે. તત્ત્વતઃ, નિયમો આપણને વાતાવરણ સાથે વધારે અનુકૂળ બનાવવા અને વધારે વ્યવસ્થિત કરવા માટે હોય છે.

પછી દાખલ થાય છે - આંતરિક અને બાહ્ય - ઑડીટર. એમનું કામ છે આપણે નિયમોનું અનુપાલન કર્યું છે કે નહીં તે તપાસવાનું. એ લોકો દસ્તાવેજો જુએ છે, ખર્ચની આપણી રીતભાત જુએ છે અને તપાસે છે કે નિવેષકોની પુંજી સલામત છે કે નહીં, અમલીકરણ નક્કી થયેલ વ્યુહરચના કે રણનીતિ અનુસાર છે કે નહી, અને સંસ્થાએ સમયસર કર ભરવાનાં, નફો ઓછો કરતા બધા ખર્ચાઓ બરાબર સમજાવવાનાં પોતાનાં ઉત્તરદાયિત્વ બરાબર નિભાવ્યાં છે કે નહીં. એ દૃષ્ટિએ ઑડીટર સંસ્થાનો લક્ષ્મણ છે જે નિયામક મંડળ અને નિવેષકોને સુરક્ષિત રાખે છે.

આ સરખામણી ઘણા લોકોને ગમતી નથી કેમકે તે સંસ્થાને સીતા બતાવે છે અને જેને રામની સંપત્તિ ગણાવે છે. વળી તે પુરુષપ્રધાન પધ્ધતિની પુષ્ટિ કરે છે. અને તેમ છતાં, નિયામક મંડળ અને સંસ્થાનો સંબંધ રામ અને સીતા જેવો જ છે. સંસ્થા (સીતા) વગર નિયામક મંડળ (રામ)નું કોઈ મૂલ્ય, કે ઉદ્દેશ્ય કે અર્થ જ નથી રહેતો. એમનું અસ્તિત્ત્વ જ સંસ્થાનાં પાલનપોષણ અને સંરક્ષણ માટે છે. તેના બદલામાં સંસ્થા તેમને મહત્ત્વના, ચિત્તાકર્ષક અને પૂજનીય પણ બનાવે છે.

સંસ્થા સલામત રહે તે નિશ્ચિત ઑડીટર (લક્ષ્મણ) કરે છે. નિયમો પળાય તે તો તે જૂએ જ છે પણ તે સાથે નિયમો પળાય છે તે સુનિશ્ચિત કરવા માટેના બીજા નિયમો પણ તે બનાવે છે. સંસ્થાના અન્ય લોકોને તે કદાચ અત્યાચારી પણ જણાય કેમકે તેનાં પગલાંઓ લોકોને બંધનકર્તા જણાતાં હોય છે. તેની આવશ્યકતાઓ લોકોનાં સ્વાતંત્ર્ય પર તરાપ મારતી જણાય છે. જેમ કંપની મોટી, જેમ તેનાં રોકાણો મોટાં, તેમ નિયમો પણ વધારે અને ઑડીટરનું મહત્ત્વ પણ એટલું વધારે. વધારે નિયમો અને વધુ પ્રભાવશાળી ઑડીટર ત્વરિત નિર્ણયો લેવામાં અડચણ બનવા લાગે, અને ઉદ્યોગસાહસિકતાની ભાવના પણ અવરોધે. તેટલે અંશે, સંસ્થામાં ચપળતા પણ ઓછી જ જણાય.

સંસ્થાની અસ્કમાયતની વૃદ્ધિ કરવાને બદલે પોતાના અંગત સ્વાર્થ માટે સ્થાપક જો નિવેશકોની પુંજીનો દુરુપયોગ કરતા ભાળવામાં આવે તો પણ ઑડીટરનું આવી બને છે. બીજા શબ્દોમાં કહીએ તો રામ રાવણ બની જાય અને અંગત ફાયદાઓ સારૂં કરીને સંસ્થાઓને નિયમો તોડવા તરફ દોરવા લાગે ત્યારે ઑડીટરની જવાબદારી બને છે કે તે સંસ્થાપકની પ્રમાણિકતા અને કર્તવ્યપરાણતા તપાસે અને સાબિત કરે. જ્યારે કંપનીનૂ હસ્તાંતરણ થતું હોય ત્યારે તો આ પરિસ્થિતિનું મહત્ત્વ બહુ જ બની રહે છે. આપણે જ્યારે બહુ મોટી કંપની બની જઈઃછીએ ત્યારે ઘણીવાર આપણે લોકો, સંસ્થાને પરિવર્તનક્ષમ ન રહેવા દેનાર તરીકે કે ચપળ ન રહેવા દેનાર દમનકાર તરીકે, ઑડીટર કે કંપની સેક્રેટરીની મજાક ઉડાવતાં હોઈએ છીએ.પરંતુ ઑડીટર રામનો એવો નાનો ભાઈ છે જે રામને વફાદાર છે અને રામનાં દરેક મૂલ્યને સંરક્ષિત રાખવા માટે પ્રતિબધ્ધ છે.

  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧૧ સપ્ટેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Auditor’s Tragedy નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ǁ ૨૫ મે, ૨૦૨૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો