શુક્રવાર, 3 જૂન, 2022

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત : મર્ફીનો નિયમ અને તેનાં વિવિધ સ્વરૂપો : મર્ફીનો નિયમ - અન્ય ૧૩ (પૂરક)સ્વરૂપોમાં

 ઈન્ટરનેટ પર મર્ફીના નિયમનાં અન્ય સ્વરૂપો શોધવા બેસો તો તમને એક પણ વાર નિરાશ નહીં થવું પડે, કેમકે દરેક વખતે કંઇ ને કંઇ નવા જ સંદર્ભ સાથેનું સ્વરૂપ મળી આવશે. એટલે આપણે હાલ પુરતી મર્ફીના નિયમ અને તેનાં વિવિધ સ્વરૂપોની ચર્ચાનો અંત કરવા માટે તેનાં અન્ય ૧૩ સ્વરૂપોની જ નોંધ લઈએ તો પણ કૃષ્ણનાં વિરાટ દર્શનની જેમ બાકી બધાં જ સ્વરૂપો એક યા બીજા અર્થમાં આ ૧૪ સ્વરૂપોમાં સમાઈ જાય.

મર્ફીનો પહેલો નિયમ'જે કંઈ અવળું પડી શકવાનું છે તે થશે.

મર્ફીનો બીજો નિયમ :  દેખાતું હોય તેટલું સહેલું કંઈ પણ હોતું નથી.

મર્ફીનો ત્રીજો નિયમ :  ધાર્યું હોય તેના કરતાં દરેક કામ વધારે જ સમય લે છે.

મર્ફીનો ચોથો નિયમ :  જો બહુ બધી બાબતો અવળી પડવાની સંભાવના હોય તો, જે સૌથી વધારે નુકસાન કરી શકે તેમ હોય તે જ અવળી પડશે.

પેટાનિયમ: અવળું પડવાનો જ્યારે સૌથી વધારે ખરાબ સમય હશે ત્યારે જ અવળું પડશે.

મર્ફીનો પાંચમો નિયમ :  જે કંઇ કોઈ જ રીતે અવળું પડી શકે તેમ ન હોય તે કોઈ પણ રીતે અવળું તો પડશે.

મર્ફીનો છઠ્ઠો નિયમ : જો તમને એમ લાગે કે કોઇ પ્રક્રિયા ચાર રીતે અવળી પડે તેમ છે અને તમે તે દરેકનું નિવારણ પર કરી રાખશો, તો પાંચમી, અણધારી, રીત અચાનક જ આવી પડશે.

મર્ફીનો સાતમો નિયમ  :  જો પરિસ્થિતિઓને તેમના હાલ પર છોડી દેવામાં આવે તો, છે તેના કરતાં વધારે બગડશે.

મર્ફીનો આઠમો નિયમ :  જો બધું બરાબર ચાલી રહેલું જણાય, તો તમે કંઇક જરૂર ચુકી ગયા છો.

મર્ફીનો નવમો નિયમ :  કુદરત હંમેશાં છુપાઈ રહેલી ખામીનો જ સાથ દેશે.

મર્ફીનો દસમો નિયમ :  કુદરત બહુ અવળચંડી છે.

મર્ફીનો અગીયારમો નિયમ :  કોઈ પણ મુર્ખો ભુલ ન કરી શકે એવું કંઈ પણ બનાવવું અશક્ય છે કેમકે મુર્ખાઓ બહુ ચાલાક હોય છે.

મર્ફીનો બારમો નિયમ : જ્યારે કંઈ પણ કરવા ધારો, ત્યારે કંઈક બીજું જ પહેલાં કરવું પડશે.

મર્ફીનો તેરમો નિયમ :  દરેક ઉપાય નવી સમસ્યા પેદા કરે છે.

મર્ફીનો ચૌદમો નિયમ :  જો પોતાની મેળે કંઇ અવળું ન થાય, તો કોઈ તેને અવળું કરી નાખશે.

મૂળ નિયમનાં આ બધાં સ્વરૂપો મર્ફીના નિયમના સ્ટીવાર્ટના પેટાનિયમની જ હામી ભરે છે:

મર્ફીનો નિયમ મોડો તો જ પડે કે અચોક્કસ સમય સુધી મુલતવી પણ તો જ રહે, જો આ ઢીલનાં પરિણામે પછીથી થતું નુકસાન ઘણું જ વધારે નુકસાનકારક હોય.

એટલે, આપણે તો એ આશા સાથે જ વીરમીએ કે મર્ફીનો નિયમનો સાક્ષાત્કાર થવાનો જ હોય તો વિના વિલંબે થાય અને જે કંઈ નુકસાન થાય તે આપણે ખમી શકીએ તેટલું હોય.……………… પરંતુ મર્ફીનો નિયમ એ આશા ફળીભૂત થવા દેશે ખરો?

બસ, રાહ જોઈએ અને પછી તો, પડશે તેવા દેવાશે…__________________

મર્ફીનો નિયમ અને તેનાં વિવિધ સ્વરૂપો 'ના, આ બ્લૉગ પર , અલગ અલગ પ્રકાશિત થયેલ લેખોને એક જ જગ્યાએ સંકલિત સ્વરૂપમાં, હાયપર લિંક પર ક્લિક કરીને, વાંચી / ડાઉનલોડ કરી શકાશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો