બુધવાર, 8 જૂન, 2022

વૈદિક સંચાલન વ્યવસ્થાની પુનઃમુલાકાત - દેવદત્ત પટ્ટનાઈક

વેદોને સંચાલન વ્યવસ્થા સાથે સંબંધ હતો, કે પછી માત્ર કોઈ દીક્ષા પામેલ લોકો સમજી શકે, બહારથી સ્વીકારેલ, સંચાલન વ્યવસ્થા જેવી દુન્યવી બાબતો જેને સ્પર્શી ન શકે એવા ઉપદેશ કે બોધ સાથે જ તેમને લેવાદેવા હતી ? આ સવાલનો જવાબ તમારા વેદ, અને સંચાલન વ્યવસ્થા, અંગેના દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. વેદો એવાં વિચારબીજોનો સમુહ છે જે ઋગ્વેદમાં છંદોબદ્ધ સ્ત્રોત્રોના રૂપમાં, સામવેદમાં સુરાવલીઓના રૂપમાં, યજુર્વેદમાં ક્રિયાકાંડોના રૂપમાં, અથર્વવેદના મંત્રોની મોહિની ક્રિયાકાંડોના રૂપમાં કે તેમના પરનાં બ્રાહ્મણ, આરણ્યક કે ઉપનિશદોનાં વિસ્તૃત વિવરણોના સ્વરૂપમાં વ્યક્ત થાય છે, વેદો ૪,૦૦૦ વર્ષો પહેલાં ઉત્તર ભારતમાં અસ્તિત્વમાં આવ્યા અને બહુ લાંબા કાળ સુધી મૌખિક રીતે પ્રસાર પામ્યા અને લગભગ ૧,૫૦૦ વર્ષ પહેલાં જ લેખિત સ્વરૂપમાં ઢળ્યા. પછીથી જે હિંદુ ધર્મ તરીકે ઓળખાયો તેના પર આ ગ્રંથોની ઊંડી અસર રહી. હવે તો તેમને 'ધાર્મિક' ગ્રંથો જ માની લેવામાં આવેલ છે, એટલે કે તેમનો સંબંધ અલૌકિક અને અભૌતિક બાબતો સાથે જ છે, અને એટલે એમ માનવામાં આવે છે કે સંચાલન વ્યવસથા જેવી ભૌતિક બાબત સાથે તેને કંઇ જ સંબંધ ન હોઈ શકે. જોકે આવા ભેદ લોકોએ માની લીધેલ છે જે આપણે માની લેવાની કોઈ જરૂર નથી.

આપણે ઋગ્વેદના પહેલા મંત્રને સમજીએ. ભાષાવિદો એવાં તારણ પર આવેલા છે કે ઋગ્વેદમાં આ પહેલાંના શ્લોકો પણ છે, પરંતુ જ્યારે પુસ્તકોને પુનઃગઠિત કરાયાં ત્યારે આ સૂક્ત સૌ પ્રથમ મુકવામાં આવ્યું . સામાન્ય લોકોને,એક યા બીજાં જુનવાણી કારણો વડે, સમજણની આ પ્રક્રિયાથી પરંપરાવાદીઓ દુર રાખશે. આ અલગતાવાદી નિયમો ૠચાઓની અલંઘ્યતાને સુરક્ષિત કરવા બનાવાયા હતા, પણ પુજારી વર્ગમાં તો લાયસન્સ રાજની પેઠે ભ્રષ્ટાચાર વિકસાવતા નીવડ્યા. ૨૧મી સદીમાં આપણે આ આપણે આવી માન્યતાઓનો બોજ પણ વેંઢારવાની જરૂર નથી. આ ઋચાને ઋગ્વેદ ૧.૧.૧ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તે પહેલાં મડળ (દસ પુસ્તકોનો સમુહ)નાં પહેલાં સૂક્તની પહેલી ઋચા છે. બીટલ્સને વાંચ્યા એમ જેમ કહેવાય તેમ નથી તેમ વેદો પણ વાંચી જવાય એવા ગ્રંથો નથી. તેમને ધ્યાનથી સાંભળવાના છે અને ઋચાઓને દસ સમકેન્દ્રી વર્તુળો જેવા ધ્વનિની જેમ, બ્રાહ્મન (સંધિ= બ્રહ [વિશાળ) + માનસ] વિચાર શક્તિ])ને આહવાન કરવા માટે, કલ્પવાની છે. તે પછી ૨,૦૦૦ વર્ષ બાદ રચાયેલ ભગવદ ગીતામાં વેદોને ઈશ્વરની સાથે સરખાવાયા અને તેની ઋચાઓને, અને તેમ કરીને ભાષાને, અને તેમના થકી ખુદ ઈશ્વરને, સાચવી રાખનારા બ્રાહ્મણ કહેવાયા.

એ ૠચા આ મુજબ છે -
अग्निमिळे पुरोहितं यज्ञस्य देवमृत्विजम ।
होतारं रत्नधातमम् ।। (ऋग्वेद १/१/१)

આ ઋચાનો શબ્દાર્થ આ મુજબ થાય - અમે એવા અગ્નિદેવની સ્તુતિ કરીએ છીએ જે (શ્રેષ્ઠ પરમાર્થનાં કામ) યજ્ઞના પુરોહિત (આગળ ધપાવવા વાળા), દેવતા (અનુદાન દેવાવાળા), ઋત્વિજ[1] (સમય મુજબ વિધિ સંપન્ન કરનાર), હોતા (દેવોનું આહવાન કરનાર) અને રત્નધાતમમ (રત્નો- યજ્ઞના લાભો -વહેંચનાર) છે.

[ગુજરાતીલેક્ષિકોન.કોમ શબ્દકોશ ભગવદ્‍ગોમંડળ દ્વારા કરાયેલો 'પુરોહિત' એક અન્ય અર્થ 'આગળ મૂકેલ કે સ્થાપેલ; અગ્રે ધરેલ' પણ બતાવે છે. એ અર્થના પ્રાસમાં આ ઋચાનો શબ્દાર્થ આ રીતે પણ કરાય છે - (દરેક બાબાતમાં) અગ્રસ્થાન ધરાવતા એવા અગ્નિદેવની અમે સ્તુતિ કરીએ છે જે (શ્રેષ્ઠ પરમાર્થનાં કામ) યજ્ઞના દેવતા (અનુદાન દેવાવાળા), ઋત્વિજ (સમય મુજબ વિધિ સંપન્ન કરનાર), હોતા (દેવોનું આહ્વાન કરનાર) અને રત્નધાતમમ (રત્નો -યજ્ઞના લાભો- વહેંચનાર) છે.][2]

અગ્નિનું મહત્ત્વ એ બાબતે છે કે માણસ જાત જ એક એવી છે જેનો અગ્નિ પર અંકુશ છે, અને તેથી તે અગ્નિ વડે આસપાસની દુનિયાને કાબુમાં રાખે છે, જંગલો સાફ કરી નાખીને ખેતરો બનાવે છે અને પોતાનો ખોરાક પણ પકવી લે છે. વેદોમાં અગ્નિ માનવીય દુનિયા અને દૈવી તત્ત્વોની દિવ્ય દુનિયા વચ્ચેનો મધ્યસ્થી હતો. પુરોહિત, ઋત્વિજ અને હોતા એ બધા યજ્ઞ કરાવનાર યજમાન અને દેવતા વચ્ચેના મધ્યસ્થીઓ હતા. યજમાન દેવોને આહવાન કરે છે, તેમને ભોગ ધરે છે અને પછી રત્નોની પોતાની ઈચ્છાની પૂર્તિ માગે છે. આપણે એમ દલીલ કરી શકીએ આ બધાં ગૂઢાર્થ ધરાવતાં પદો છે, એટલે 'રત્નો'નો અર્થ 'જ્ઞાન' પણ થઈ શકે. શ્રી અરવિંદ 'રત્ન'નો અનુવાદ 'પરમાનંદ' કરે છે, જોકે, તત્ત્વતઃ આ ઋચા વિનિમય તરફ ધ્યાન દોરે છે: અને વિનિમય તો અર્થશાસ્ત્રનો પાયો છે. ચિંપાઝી અને વાગોળ સિવાયનાં પ્રાણીઓ વિનિમય નથી કરતાં જોકે ચિંપાઝી અને વાગોળ દ્વારા કરાતા વેપાર-વિનિમય માણસ દ્વારા કરાતા વેપાર-વિનિમયની કક્ષા નથી હોતા. યજ્ઞ સંસ્કૃતિનો પાયાનો પથ્થર માનવામાં આવે છે. સંચાલન વ્યવસ્થા આ વિનિમયોને વધારે કાર્યકુશળ અને અસરકારક બનાવે છે.

માલિકી અંશાધારક, અને કંપની, કર્મચારી અને સંસ્થા, ગ્રાહક અને સંસ્થા કે રાજ્ય અને સંસ્થા વચ્ચે વિનિમયો થતા રહે છે. જ્યારે એક પક્ષને વધારે ફાયદો થાય ત્યારે વિનિમય ઓછો કાર્યકુશળ મનાય છે, અને શોષણ સુધીની કક્ષાએ કે નીતિના અભાવની કક્ષાએ પહોંચી શકે છે. કંપનીના નિયામકો, સંચાલકો કે સુપરવાઈઝરો, આ વિનિમયમાં ભાગ લેતા પુરોહિતો, ઋત્વિજો કે હોતાઓ છે. જર્મન ભારતવિદોએ 'યજ્ઞ'નો ખોટી રીતે 'ભોગ' અર્થ કર્યો હતો. તેનો અર્થ એમ થાય કે એક વર્ગે કંઈ પણ મેળવ્યા વિના આપવાનું જ છે. જોકે એ અર્થમાં ધર્મની રોમાંચકતા પણ રહેલી છે, એટલે યજ્ઞ કરનારાઓ પણ આ અનુવાદને જ પસંદ કરે છે.

આપણને 'આપનારો' થવાનું વધારે ગમે, પણ યજ્ઞમાં 'મેળવવા'નું - લઈ લેવાનું નહીં - પણ મહત્ત્વ એટલું જ છે. એટલે યજ્ઞ એ એક પ્રકારે કરાર નથી. કરાર તો સંચાલન વ્યવસ્થાનો પાયાનો પથ્થર છે, જે એક વિચારબીજ તરીકે વેદોમાંથી નહીં પણ અબ્રાહમી પુરાણકથાઓમાંથી આવેલ છે. દેવને કરારની કોઈ જવાબદારીનું બંધન નથી, કેમકે એ માટે કોઈ નિયમન સત્તા નથી, જેની પાસે કરાર ભંગના કિસ્સામાં દાદ માગી શકાય.એ તો ગ્રાહક અને વેચનાર કે સાધક અને સંગ્રહકાર વચ્ચેના વિશ્વાસની જ વાત છે.જ્યારે બરાબરનો વિનિમય થાય ત્યારે આ બન્ને સંબંધો ખીલે છે અને સમાજ પણ સમૃદ્ધ બને છે. ઋગ્વેદની પ્રથમ ઋચા આપણને એ દિશા તરફ દોરે છે.
  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧૨ સપ્ટેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Revisiting Vedic managementનો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા


[1] મોટા યજ્ઞમાં ઋત્વિજ {[ સં. ઋતુ ( મોસમ ) + યજ્ ( પૂજવું ) ] - ઋતુ પ્રમાણે વૈદિકકર્મ કરનાર}ી સંખ્યા સોળ હોય છે. તેમાં ચાર મુખ્ય છે : () ઋગ્વેદ અનુસાર ક્રિયા કરાવનાર તે હોતા. સ્વરાનુપૂર્વી રહિત મંત્રોથી સ્તુતિ કરવારૂપ કર્મ તે હોતાનું કામ છે () યજુર્વેદ અનુસાર ક્રિયા કરાવનાર તે અધ્યર્વુ. દેવતાઓને ઉદ્દેશી દ્રવ્યત્યાગરૂપ ઇજ્યાકર્મ તે અધ્વર્યુનું કામ છે. () સામવેદ અનુસાર કર્મ કરાવનાર તે ઉદ્દગાતા. સ્વરાનુપૂર્વી સહિત મંત્રોથી સ્તુતિ કરવારૂપ સ્તુતિસ્તોમ એ ઉદ્દગાતાનું કામ છે. () ચારે વેદ જાણનાર અને સમગ્ર કામની દેખરેખ રાખનાર તે બ્રહ્મા. પ્રાયશ્ચિત એ બ્રહ્માનું કામ છે. એ ઉપરાંત મૈત્રા વરુણ, પ્રતિપ્રસ્થાતા, બ્રાહ્મણચ્છંસી, પ્રસ્તોતા, અચ્છાવાક, નેષ્ટા, આગ્નીધ્ર, પ્રતિહર્ત્તા, ગ્રાવસ્તુત્, ઉન્નેતા, પોતા અને સુબ્રહ્મણ્ય એમ બીજા બાર ઋત્વિજો પણ છે.  - સદર્ભ સ્રોત - ગુજરાતીલેક્ષિકોન.કોમ શબ્દકોશમાં ભગવદ્‍ગોમંડળ દ્વારા કરાયેલો અર્થવિસ્તાર

[2] સંચાલન વ્યવસ્થાનો સંદર્ભ લઈને અનુવાદકર્તા આ ચાનો આ ભાવાર્થ કરે છે –

અગ્રણી સ્થાને રહેલા એવા અગ્નિની અમે સ્તુતિ કરીએ છે (સંસ્થાના તત્કાલિન સંદર્ભ માટે યથોચિત કાર્ય) યજ્ઞ કરનાર (જરૂર પડ્યે વધારાની મદદ પુરી પાડનાર) દેવતા, (પરિવર્તન સાથે અનુકૂલન સાધનાર) હોતા અને (કાર્યસિદ્ધિમાંથી થનારા લાભોને બધાજ હિતધારકોને ફાયદો થાય તેમ) ફળસિદ્ધિ વહેંચનાર રત્નધાતમમ છે. એટલે કે દરેક અગ્રણી સ્થાન પર રહેલ સંચાલકમાં અગ્નિનો એવો તણખો હોવો જોઈએ જે સંસ્થા માટે ઉચિત કાર્ય કરે અને એ કાર્યની ફલશ્રુતિ અપેક્ષિત પરિણામો લાવી રહે એટલે જે કંઈ અપેક્ષિત હોય તે બધી જ ભૂમિકાઓ ભજવે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો