બુધવાર, 22 જૂન, 2022

સંપત્તિ સાથેનો આપણો સંબંધ - દેવદત્ત પટ્ટનાઈક

છેલ્લાં સોએક વર્ષોથી, તેમાં પણ કરીને મુડીવાદ કે સામ્યવાદ જેવી વૈજ્ઞાનિક આર્થિક વિચારધારાઓના ઉદય પછી તો ખાસ, વ્યાપારને વધારેમાં વધારે ભૌતિકવાદી, ભ્રષ્ટ અને દૂષિત કરનાર દુષ્ટ બળ તરીકે જોવાય છે. પૈસો (વ્યાપાર ) બનાવવો ખરાબ છે, પણ તેને (દાનમાં) વહેંચી દેવો એ સારૂં કામ છે. ધનિક વર્ગને હંમેશાં ગરીબ જ મનાતા 'સામાન્ય વર્ગ'ની સામે ખડો કરી દેવામાં આવે છે. જેની પાસે પૈસો છે તે પ્રમાણિત થયેલા શોષણકારો જ મનાય છે.

આ જ ધારણાથી મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરૂ પણ પ્રભાવિત થયા હતા, અને તેથી સમાજવાદી નીતિને પસંદ કરતા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ આ ભાવનાની અસરમાં છે, એટલે તેના સ્વયંસેવકો - સંઘપ્રચારકો- પાસે પણ સાદગી, ગરીબી અને બ્રહ્મચર્યનાં પાલનનો આગ્રહ રાખે છે. તેમાંના સૌથી નોંધપાત્ર પ્રચારક, આપણા વર્તમાન પ્રધાનમંત્રીના ધનિક ઉદ્યોગપતિઓ સાથેના સંબંધો તેમના જ પક્ષના કેટલાક લોકોને ખુંચે છે. ભણેલી, બ્રાહ્મણ, નોકરશાહી પણ આવી જ શંકા સેવે છે કેમકે તેમણે કિનારે ઊભીને, વીસમી સદીના અંતમાં આપણા દેશમાં ઉભરતી નવ્ય-વર્ણવ્યવસ્થામાં ક્ષત્રિય રાજકારાણીઓ સાથે મળીને ઓળખીતા પારખીતાંને ફાયદો કરાવતા મૂડીવાદમાં રાચતા વૈશ્ય વર્ગને જોયો છે.

જોવાનું એ છે કે જૈનો, મારવાડીઓ અને ગુજરાતી વેપારી વર્ગ પણ પૈસો અનિષ્ટ છે એ ધારણાને માને છે. એ પાપને ધોવા સારૂ કરીને એ લોકો શાકાહારી રહે છે, મોટાં મંદિરો બનાવવામાં કે તેમના વતી ઉપવાસ વ્રતો પાળનાર ગુરૂઓને મસમોટાં દાનો કરે છે. કેસરી રંગનાં વસ્ત્રોમાં સજ્જ ગુરુઓ મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે, એફએમસીજી, આરોગ્યસેવાઓ કે સ્પા જેવાં વિશાળ વ્યાપાર સામ્રાજ્યો ફેલાવીને બેઠા છે, અને તેમની તેજ વ્યાપારી સૂઝને છુપાવીને જાહેર કરતા રહે છે કે આ બધું તેમની માલિકીનું છે જ નહીં; તેમની વૈભવી રહેણીકરણી તો ભક્તોની કૃપાદૃષ્ટિને આભારી છે. પોતે મહેનત કરીને પૈસો કમાયા છે અને હવે તેને પોતા માટે ખર્ચે છે એમ કહેવું એ તેમની કારકિર્દી માટે મૃત્યુઘંટ બની શકે છે.

હિંદુ પુરાણોમાં સંપત્તિ સામે કદિ પણ વાંધો નથી બતાવાયો. સંપત્તિ તો સૌથી જુનાં,દેવી લક્ષ્મી છે જેમનું ઋગ વેદનાં શ્રી સુક્તમાં ગાયો, અનાજ, સોનું અને સંતાન માટે આહ્વાન કરાય છે. સવાલ સંપત્તિ સાથેના આપણા સંબંધનો છે. પુરાણોમાં બ્રહ્માનો પુત્ર ઈંદ્ર હંમેશાં સંપત્તિની પાછળ ભમે છે. તેની સામે, વિષ્ણુ સંપત્તિને આકર્ષે છે તો શિવ સંપત્તિથી વિરક્ત છે. સંપત્તિની પાછળ ભમનારાઓની પૂજા નથી થતી અને સંપત્તિને અવગણનારાઓને મંદિરોમાં બેસાડી દેવામાં આવે છે. વિષ્ણુને ગૃહસ્થ સાથે અને શિવને સંન્યાસીઓ સાથે સાંકળવામાં આવે છે પરંતુ શિવને પર્વતોની રાજકુંવરી પાર્વતી સાથે લગ્ન કરવું પડે છે, જે ખુદ અન્નની દેવી અન્નપૂર્ણા છે . આમ માનવ સમાજનું ધ્યાન સંપત્તિ પર નહીં પણ અનાજ પર દોરવામાં આવે છે. સંપત્તિનો ત્યાગ કરનાર સંન્યાસીને પણ અનાજની જરૂર તો પડે જ છે. આમ અનાજ અને સંપત્તિ બન્ને મહત્ત્વનાં હોવા છતાં તેમનાં ઉત્પાદન અને વહેંચણીને અલગ કરી દેવાયાં છે.

સંપત્તિ સાથેના સંબંધનો આ વિચાર ડાબેરી કે જમણેરી અર્થાશાસ્ત્રીઓને પસંદ નથી પડતો. વર્તણૂક આધારિત વ્યવહારૂ અર્થશાસ્ત્રની વાતમાં પણ લાગણીને સ્થાન નથી, તેનું સીધું કારણ છે કે લાગણીઓ માપી ન શકાય અને એટલે વિજ્ઞાનના દાયરાની બહાર છે. તેની સામે, હિંદુ શાસ્ત્રો માનવીના સંપત્તિના સંબંધોથી મનોગ્રસ્ત છે.આપણી કેટલા પૈસા છે એ શું આપણી ઓળખ છે?દુનિયાના સૌથી સંરુદ્ધ લોકોની વાહ વાહ એટલા સારુ જ થાય છે? સ્વાભાવિક છે કે જો જવાબ 'હા' હોય, તો તે સારૂં તો નથી જ. એનો અર્થ એ કે, જેને પોતાની જાતને પ્રમાણિત કરવા માટે સંપત્તિની જરૂર ન હોવા છતાં સંપત્તિને આકર્ષનારા વિષ્ણુને બદલે સંપત્તિની પાછળ ગાંડા ઈંદ્રને કે સંપત્તિને વળગી રહેનારા બ્રાહ્મણોને આપણા આદર્શોનાં સિહાસને બેસાડીએ છીએ.

જો આપણા રોકાણકારો તેમની મુડીને જોખમમાં મુકીને ભારતીય સામાજિક વ્યવસ્થાને ઊંચી લાવે એમ ઈચ્છતાં હોઇએ, તો તેમનો સંપત્તિ સાથેનો સંબંધ આપણે સમજવો જોઈશે. તવંગર લોકોને ખબર છે તેમના માટેનો ભય કે પ્રીતિ તેમનાં ગજવામાં ખણકતા રૂપિયાને પ્રતાપે છે. તો પછી જે નાણાં કોથળી ખુલ્લી મુકવાથી પોતાને ગરીબીના દહાડા જોવા પડે એવું તેઓ શા માટે કરે?

હિંદુ આધ્યાત્મિકતાની ભૂમિકા બહુ સરળ છે અને હિંદુ ભૌતિકવાદ સાથે વણાઈ ગયેલી છે. ગરીબોએ પરિસ્થિતિઓથી સંતોષ માનવો અને ધનિકોએ છૂટ્ટા હાથે દાન કરવાં. પરંતુ આધુનિક મૅનેજમૅન્ટ વિશ્વમાં સંતોષ તો ખરાબ શબ્દ મનાય છે અને ઉદારતા (આપવાની ઈચ્છા) કરતાં દાન (આપવું) એટલે વધારે અગત્યનું મનાય છે કે ઉદારતા માપી નથી શકાતી જ્યારે દાન માપી શકાય છે. અને આખી સમસ્યાનું મૂળ પણ અહીં જ છે.
  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧૯ સપ્ટેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Our relationship with wealthનો અનુવાદ | પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો