બુધવાર, 15 જૂન, 2022

નવા શબ્દો (૧૯૪૦) - [૪] - જ્યોર્જ ઑર્વેલ

નવા શબ્દો (૧૯૪૦) / New Words [] થી આગળ

આમ જેમ ગર્ભને માતાનાં ગર્ભાશયની બહાર વિકસાવવાનો વિચાર, માણસ જાતિ, સમાજ, અને કુટુંબ પરની તેની સંભવિત અસરો સિવાય પણ જેમ અપવિત્ર છે તેમ જ ભાષા જેવી મૂંળભૂત બાબત પર હુમલો કરવો, કે આપણાં મનનાં સ્વાભાવિક માળખાં પર જ હલ્લો કરવો એ પણ અનાચાર જ છે, અને માટે જોખમી છે. મારૂં એવું કહેવું નથી કે કોઈ કદાચ ચોક્ખેચોક્ખુ આ રીતે ભલે કદાચ ન કહે, પણ ભાષાને સુધારવી એ ઈશ્વર પર હલ્લો કરવા સરખું જ છે. આ વાંધો મહત્વનો છે, કેમકે મોટા ભાગનાં લોકો તો આવા વિચારથી જ ભાષા સુધારની વાત જ નહીં વિચારે. અને જો અનેક લોકો આ પ્રયોગ ન કરવાનાં હોય તો આ વાત જ અર્થહીન બની જાય છે. મારા માનવા મુજબ જેમ્સ જૉઈસ અત્યારે કરી રહ્યા છે તેમ એકાદ વ્યક્તિ, કે મુઠ્ઠીભર લોકો પણ,આવો પ્રયાસ કરે એ એકલો ખેલાડી એકલોએકલો ફુટબૉલ રમે એટલું જ હાસ્યાસ્પદ છે. જરૂર તો છે હજારો પ્રતિભાશાળી, પણ અન્યથા સામાન્ય, લોકો નવા શબ્દો શોધવામાં એટલી જ સંન્નિષ્ઠતાથી મચી પડે જેટલું શેક્સપિયર પરનાં સંશોધનો કરવામાં મચી પડે છે. જો આમ થાય તો, મારૂં માનવું છે કે આપણે ભાષાની બાબતે કમાલ કરી શકીએ.

હવે વાત કરીએ સાધનોની. એક ઉદાહરણ તરીકે લેવું હોય તો બહોળા પરિવારનાં સભ્યો દ્વારા, બહુ જ સામાન્ય રીતે, નાના પાયા પર, શબ્દોની શોધને લઈ શકાય. લગભગ દરેક મોટા પરિવારમાં બે ચાર એવા શબ્દો હોય જ છે જેના શબ્દકોશની બહારના, આગવા મર્મના જ, અર્થ લોકોને ખબર હોય છે. બધાં જ જેનો એક જ અર્થ સમજતાં હોય એવા ઘરઘરાઉ  શબ્દો, એ કુટુંબની જ સીમામાં રહ્યે રહ્યે પણ, શબ્દકોશમાં  રહી ગયેલ છીડાંઓને વિશેષણો મારફત પુરી લઈ શકે છે. આ કુટુંબને આવા શબ્દો ખોળી કાઢવામાં લગભગ આખાં કુટુંબને થયેલા અનુભવો કામ આવે છે. સર્વસામાન્ય અનુભવ વિના તો કોઈ શબ્દોનો કંઈજ અર્થ ન બેસે. મને કોઈ એમ કહે કે 'બર્ગમૉટએક ખુશબોદાર છોડ- ની સુગંધ કેવી હોય?' તો તેમને મારો જવાબ 'વર્બેના - ખુશબોદાર પાંદડાંવાળો એક છોડ- જેવી' તો જ સમજાય જો તેમને વર્બેનાની સુગંધ કેવી હોય તેનો આછોપાતળો પણ ખ્યાલ હોય. એટલે નવા શબ્દોની ખોજ અને સર્વસામાન્ય અનુભવના દાખલામાં બહુ જ સ્પષ્ટ સમાનતા છે; દરેક પાસે, વર્બેનાની સુગંધ જેવાં  સ્થૂળ અને પ્રત્યક્ષ  માપદંડ હોવાં જોઇએ જેનો ઉપયોગ કરવાથી ગેરસમજણની કોઈ જ ગુંજાઈશ ન રહે.

વ્યાખ્યાઓની ખાલી ખાલી વાતો કરવાનો કોઈ અર્થ નથીકોઈ સાહિત્યિક વિવેચક દ્વારા વપરાયેલા (ભાવુક[1], અણઘડ કે માંદલું જેવા) શબ્દોનો જ્યારે જ્યારે અર્થ કરાતો હોય છે ત્યારે આ વાત દેખાઈ આવે છે. દરેક વપરાશકાર તેને પોતાનાં અર્થઘટન અનુસારે પ્રયોજે છે, પરિણામે અસર અર્થવિહિન બની રહે છે. નામ આપવા માટે, બહુ જ સ્પષ્ટ સ્વરૂપે તેનો અર્થ દેખાય તે જરૂરી છે, અને પછી જુદાં જુદાં લોકોએ પોતપોતાનાં મનમાં તે ગોઠવી કાઢેલ હોય, અને હવે તેને ખાસ નામ મળવું જોઇએ એવું જણાઈ પણ ચુક્યું હોવું જોઈએ. પછી એ વિચારને નિર્ભેળ અસ્તિત્ત્વ કેમ આપવું એટલો જ સવાલ રહે છે.

એક વસ્તુ જે આ તબક્કે આપોઆપ ધ્યાન પર આવે છે તે છે ચિત્રપટ. ફિલ્મમાં વિકૃતિ સર્જવાની કે અવનવી કલ્પનાઓ સર્જવાની કે મહદ અંશે ભૌતિક દુનિયાની સીમાઓમાંથી છટકી શકાવી જે અભિપ્રેત શક્તિઓ રહેલી છે બધાંનાં ધ્યાન પર આવી હશે. મને લાગે છે રંગમંચની પાર જે વસ્તુઓ રહી છે તેના ધ્યાન આપવાને બદલે કે માત્ર વાણિજ્યિક જરૂરિયાતોને કારણે જ તેનો ઉપયોગ રંગમંચ પરનાં નાટકોની નકલો દેખાડવા માટે થઈ રહ્યો છે.  જો તેનો યથોચિત ઉપયોગ કરવામાં આવે તો માનસિક પ્રક્રિયાઓને અભિવ્યક્ત કરવા માટેનું એ એક સબળ, સંભવિત, માધ્યમ છે. મેં ઉપર જણાવ્યું તેમ સ્વપ્નને શબ્દોમાં વર્ણવવું લગભગ અશક્ય છે, પણ પરદા પર તેને બહુ સારી રીતે રજૂ  કરી શકાય.

વર્ષો પહેલાં મેં ડગ્લાસ ફેરબૅંકની એક ફિલ્મ જોઈ હતી, જેનો અમુક ભાગ સ્વપ્નની રજૂઆત હતો. જોકે બાકીની મોટા ભાગની ફિલ્મમાં તમે નિર્વસ્ત્ર થઈને જાહેરમાં ફરો છો એવાં સ્વપ્નો જેવી મુર્ખી વાતો હતી, પણ અમુક મિનિટો પુરતું એમાં સ્વપ્નની એવી રજૂઆત હતી જે શબ્દોમાં કે ચિત્રોમાં, કે હું ધારૂં છું કે સંગીતમાં પણ, ક્યારેય ન વર્ણવી શકાય. મેં આવા જ ટુકડાઓ બીજી ફિલ્મોમાં જોયા છે, જેમકે ડૉ. કૅલીગરી. આ ફિલ્મ જોકે  મોટે ભાગે સાવ મુર્ખામી જ હતી, તેનાં અદ્‍ભુત ઘટકો કોઈ ચોક્કસ અર્થ કહેવાને બદલે તેના પોતા માટે જ શોષાઈ જતાં હતાં.

એ દૃષ્ટિએ વિચારો તો એવું લાગે કે મનમાં એવું કંઇક છે જે ફિલ્મના તોડામરોડ પ્રભાવથી પણ દર્શાવી ન શકાય.પોતાનાં અંગત ચિત્રપટ મશીનજરૂરી બધાં અન્ય સાધનો, બુદ્ધિશાળી અભિનેતાઓનો મોટા કાફલા વગેરેની મદદથી કોઈ લખપતિ, જો ધારે તો, પોતાની અંગત જીંદગી લગભગ તો રજુ કરી જ શકે. તર્કબદ્ધ જુઠ્ઠાણાંઓ કહ્યા સિવાય જ એ પોતાનાં પગલાંઓના સાચાં કારણો સમજાવી શકે, યોગ્ય શબ્દો ન હોવાથી એક સામાન્ય માણસે જે કંઈ તાળાંકુંચીમાં બંધ કરી રાખવું પડે છે તે બતાવી શકે. સરળ શબ્દોમાં કહીએ તો એ પોતાની જાત બીજાંને સમજાવી શકે. જોકે, અતિતીવ્ર બુદ્ધિશાળી ન હોય તે સિવાયની અન્ય કોઈ વ્યક્તિએ પોતાની અંગત જીંદગી જાહેરમાં દેખાડો ન કરવી જોઈએ. જરૂર તો છે  લોકોમાં આમ રીતે વિખરાયેલ પડેલ નામ વગરની લાગણીઓને ખોળી કાઢવાની. બધા જ  પ્રભાવશાળી ઉદ્દેશ્યો જે શબ્દોમાં નથી ઢાળી શકાતા, અને જે સતત જૂઠ અને ગેરસમજણનાં કારણો છે, તેમને શોધી કાઢી શકાય , તાદૃશ્ય સ્વરૂપ આપી શકાય  અને નામ આપી શકાય. મને ખાત્રી છે કે રજુઆતની અમાપ શક્તિઓ વડે, કાળજીપૂર્વક તપાસ કરનાર યોગ્ય લોકોના હાથમાં, ફિલ્મો આ સિદ્ધ કરી શકે, જોકે વિચારોને તાદૃશ્ય સ્વરૂપમાં મુકવું હંમેશાં આસાન નથી હોતું - શક્ય છે કે પહેલી નજરે, અન્ય કોઈ પણ કળા જેટલું મુશ્કેલ હોઈ શકે.

નવા શબ્દોએ કેવું સ્વરૂપ લેવું જોઈએ તે વિશે નોંધ. ધારોકે, પુરતો સમય, આવડત અને નાણાંકીય પહોંચવાળાં હજારો લોકો ભાષામાં ઉમેરો કરવાનું કરે છે; ધારોકે એ લોકો નવા શબ્દો અને તેની સંખ્યા વિશે પણ સહમતિ કરી લીધી છે; તો પણ તેમણે એટલી સંભાળ તો લેવી પડશેકે આવી અને જતી રહી એ કક્ષાની ભાષા શોધી ન બેસાય. મને એવું લાગે છે કે શબ્દ, તેમાં પણ ખાસ તો હજુ અસ્તિત્ત્વ જ ન ધરાવતો શબ્દ, કોઇ સ્વાભાવિક સ્વરૂપ, અને વધારે તો મહત્ત્વનું એ કે અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ સ્વાભાવિક સ્વરૂપો, ધરાવે.જો ભાષાઓ ખરેખર સુસ્પષ્ટ હાવભાવ દર્શાવી શકતી હોત તો શબ્દોના સ્વર પર Iઆપણે અત્યારે જે રમત કરીએ છીએ તે કરવી ન પડતી હોત. પણ મને એવું લાગે છે શબ્દના ધ્વનિ અને તેના અર્થ વચ્ચે કોઈ સંબંધ હોવો જ જોઈએ.

(મારી માન્યતા મુજબ) ભાષાના ઉદ્‍ભવનો સ્વીકૃત અને બુદ્ધિગમ્ય સિદ્ધાંત આ હોઈ શકે:

શબ્દો વાપરતો થયો તે પહેલાં આદિ માનવ સ્વાભાવિક રીતે ઈશારાઓ પર આધાર રાખતો હતો, અને બીજાં કોઈ પણ પ્રાણીની જેમ ઈશારા કરતી વખતે, ધ્યાન ખેંચવા, અવાજો કરતો. હવે જે અર્થ સમજાવવો હોય તે મુજબનો ઈશારો સહજપણે જ થઈ જાય છે અને જીભ સહિતના શરીરના બીજા ભાગો તેને અનુસરે છે. આમ જીભનાં આવાં હલનચલનથી થતા અમુક અવાજો તેના તે મુજબના અર્થ સાથે સંકળાઈ જાય.

પદ્યમાં અમુક શબ્દોના સીધા અર્થ ઉપરાંત તેમના અવાજોથી અમુક ખ્યાલો સુચવી શકે.  આમ : ‘Deeper than did ever plummet sound’/ હંમેશ કરતાં વધારે ઊંડો હતો ઓળંબાના પતનનો નાદ (શેક્સપીઅર, કદાચ એકથી વધારે વાર)  ‘Past the plunge of plummet’/ઓળંબાના પતન પછી (એ ઈ હાઉસમૅન)‘the unplumbed, salt, estranging sea’/અથાહ, ખારોઉસ, વિમુખ કરતો સમુદ્ર (મેથ્યુ આર્નોલ્ડ) વગેરે. સીધું જ છે કે સીધા અર્થ ઉપરાંત plum /પ્લમ- કે  plun /પ્લન- ના અવાજને અથાહ સમુદ્ર સાથે કંઈ સંબંધ છે. એટલે, નવા શબ્દોના ગઠનમાં અવાજની ઉચિતતા તેમ જ અર્થની ચોક્કસતા એ બન્ને પર ધ્યાન આપવું જોઈશે. અત્યારે જેમ થાય છે તેમ જૂના શબ્દોમાંથી નવીનવાઈનો કોઈ એક શબ્દ કાઢવાથી જ નહીં પણ થોડા ઘણા અક્ષરોને આમતેમ ગોઠવીને પણ નહીં ચલાવાય. દરેક નવા શબ્દનું સ્વાભાવિક સ્વરૂપ નક્કી કરવું પડશે. શબ્દોના ખરા અર્થ પર સહમતી સાધવાની જેમ આમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકોનો સહકાર જોઈશે.

મેં આ બધું ઉતાવળે લખ્યું છે, એટલે જ્યારે હું તે વાંચી જાઉં છું ત્યારે મને તેમાં મારી દલીલોના કાચા પટ્ટા દેખાય છે જેમાંનો મોટા ભાગ તો બહુ સામાન્ય જણાતી વાતો જ છે. ખેર, મોટા ભાગનાંને તો ભાષા સુધારનો વિચાર જ ક્યાં તો સાવ ઉપરચોટિયો લાગે કે પછી તરંગી વિષયાંતર લાગે. તેમ છતાં, લોકો, ખાસ કરીને જેઓ એકબીજાં સાથે આત્મીય નથી,વચ્ચે  સમજનો જે ધરાર અભાવ દેખાય છે તેનો વિચાર તો કરવો જ જોઈએ. સેમ્યુઅલ બટલર કહે છે તેમ (એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધીનું વિચાર હસ્તાંતરણ) એવી કળા છે જે ક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી 'જીવી' જ શકાય. જો આપણી ભાષા વધારે સક્ષમ હોત તો એવું કરવાની જરૂર ન રહે,. નવાઈની વાત છે કે આપણું જ્ઞાન અને આપણાં જીવન અને (મારૂં માનવું છે કે જે પાછળ પાછળ જ આવે) આપણાં મનની ગુંચવણો એટલી ઝડપથી વધી રહ્યાં છે કે પ્રત્યાયનનું એક મુખ્ય સાધન, ભાષાએ ભાગ્યે જ હલવું જોઇએ.  આ કારણસર જ મારૂં માનવું છે કે ચાહી કરીને નવા શબો ખોળવાનો ખ્યાલ, કમસેકમ, વિચારી જવા લાયક તો છે.

+                      +                      +                      +

ચાહી કરીને નવા શબ્દો ઉમેરીને ભાષાને વિચારોનાં પ્રત્યયન માટે સક્ષમ કરવી જોઈએ એ વિચારને સશક્તપણે રજૂ કરવાના જ્યોર્જ ઑર્વેલનો આ લાંબોપહોળો પ્રયત્ન તેમને પોતાને જ બહુ નક્કરપણે રજુ કરાયેલો નથી લાગતો. એટલે લેખને અંતે તેઓ જ્ઞાન અને મનને ગુંચવતી બાબતોની ઝડપને જ પુરતું કારણ ગણી લે છે.

જે બરાબર પણ છે. સંદર્ભો સાવ જ બદલાઈ જાય તો જુના શબ્દો એ જ વિચારને નવા સંદર્ભમાં રજુ કરવામાં ટુંકા પડતા લાગે તો નવા શબ્દો ઉમેરાવા તો જોઈએ…..

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, New Wordsનો આંશિક અનુવાદ 



[1] એક વાર મેં એવા લેખકોની યાદી બનાવી જેને વિવેચકો 'ભાવુક' કહેતા હોય. છેલ્લે એવું થયું કે અંગ્રેજીના લગભગ બધા જ લેખક તેમાં આવી ગયા હતા. હોમરમાં દરેક મહેમાનને દોસ્તીનાં પ્રતિક સ્વરૂપે જેમ તાંબાની ત્રણપગી ઘોડી અપાતી એમ આ શબ્દ ધિક્કારનું એક અર્થવિહિન પ્રતિક બની રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો