બુધવાર, 6 જુલાઈ, 2022

આ વર્ષે ગૌરીને માછલી નહીં ધરાવાય? - દેવદત્ત પટ્ટનાઈક

દર વર્ષે ચોમાસું ઉતરવાનું થાય એટલે સમગ્ર મહારાષ્ટ્રમાં કેટલાંય કુટુંબો દેવી ગૌરીની મૂર્તિનું થોડા દિવસ પહેલાં લવાયેલ ગણેશની મૂર્તિની બાજુમાં, ઘરમાં, સ્થાપન કરે છે. દેવી ગ્રામ્ય વિસ્તારોની હરિયાળી જેવાં કપડાં અને બંગડીઓમાં શોભતાં હોય છે. તેમની લગતી બધી વિધિઓ ઘરની સ્ત્રીઓ કરે છે. એ લોકો તેમને બધે ફેરવે છે, સજાવે છે, ખવડાવે છે અને દેવીને ખુશ રાખવા તેમની આસપાસ ગીતો ગાય છે અને નૃત્યો કરે છે. આ આખી વિધિનું મૂળ એ વિચારબીજમાં છે કે દેવી તેમને પિયર, પોતાની રીતે સમય વિતાવવા, આવ્યાં છે. થોડાં અઠવાડીયાં પછી બંગાળ, ઉડીસ્સા અને આસામમાં ઉજવાતી દુર્ગા પૂજાની પાછળનું હાર્દ પણ કંઈક આવું જ છે.

ગૌરી કાલિ માતાનું હળવું સ્વરૂપ મનાય છે, એટલે જે તેઓ સાડી પહેરે છે અને વાળની સેરમાં ફૂલો ગૂંથે છે. ક્યારેક તેઓ એકલાં આવે છે તો ક્યારેક જ્યેષ્ઠ (મોટાં) ગૌરી અને કનિષ્ઠ (નાનાં) ગૌરીની જોડીમાં આવે છે. તેમને ક્યાંક ગણેશનાં માતાઓ કે ક્યાંક ગણેશની બહેનો કે પછી માત્ર સખીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો વળી ક્યારેક તેમને મહાલક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વિષ્ણુનાં પત્ની લક્ષ્મી નહીં પણ શિવનાં પત્ની દુર્ગાનું એક સ્થાનિક સ્વરૂપ છે. આવી અનેક અસ્પષ્ટ મૌખિક સમજૂતીઓ બતાવે છે કે આ પ્રથા કોઈ શાસ્ત્રોક્ત હુકમ પર નહીં પણ ઘરઘરાઉ લાગણીઓની વિધિઓની રૂપે, સમાજનાં મૂળમાંથી સહજ રીતે, વિકસેલ છે.

આવી વિધિઓ મુંબઈ અને આસપાસના ટાપુઓમાં વસેલી મૂળ કોળી જાતિનાં લોકો પણ ઉજવે છે. તેમની વિધિઓની ખાસ બાબત એ છે કે એ લોકો ગૌરીને પોતાનો અને ગૌરીનો ગમતી, તેમણે પકડેલી માછલીઓ, ઝિંઘા અને કરચલાઓમાંની શ્રેષ્ઠ પસંદને ખાસ મસાલાઓમાં રાંધીને બનાવેલી વાનગીઓ ધરાવે છે. આ બધું, ગૌરીના પુત્ર, ગણેશજીને નથી ધરાવાતું કેમકે તેઓ તો શાકાહારી દેવ છે.

તે જ રીતે બંગાળમાં દુર્ગા પૂજામાં પણ માછલી, માંસ અને ઈંડાં ધરાવાય છે. દરેક ભક્ત તો તેની રાહ જ જોતો હોય છે. પરંતુ નવરાત્રિમાં માતાનાં જાગરણમાં પંજાબીઓ શાકાહારી બની જાય છે. કાશ્મીરી પંડિતો પણ દેવીને માંસ ધરાવે છે. જોકે વૈષ્ણોદેવી શાકાહારી 'વૈશ્નવ' છે એટલે ત્યાં માંસાહાર નથી કરવામાં આવતો! આ બધામાં હિંદુ ધર્મની સંકુલતા, વૈવિધ્ય અને સમજી વિચારીને નક્કી કરેલી સીમા જોઇ શકાય છે, જે અત્યારે હિંદુઓ તરફથી જોખમમાં છે, અનેક બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર જાતિઓની ખોરાકની ટેવોથી વિપરીત જઈને બધાં પર એકસમાન, સિદ્ધાંત ઠોકી બેસાડવાની , ભલે સાવ વિચિત્ર લાગે તેવી વાત હોવા છતાં શાકાહારી બનાવી દેવાની આ વાત છે.

ભારતમાં જે નવી વર્ણ વ્યવસ્થા ઉભરી રહી છે તેમાં શાકાહારીઓ પિરામિડની ટોચ પર બિરાજવા માગે છે. માંસાહારીઓનું સ્થાન પિરામિડને તળિયે માનવામાં આવે છે. ગાય અને ડુક્કરનું માંસ ખાનાર તો હજૂ તેનાથી પણ ક્યાંય નીચે છે. આ બધા ભેદ પશુઓના હક્કોને નામે પાડી રહાયા છે, જેને પરિણામે 'ઉપર'ના વર્ગને નીચેના વર્ગને દબાવી રાખવા માટે નૈતિક તાર્કિક ઉચ્ચ મંચ મળી રહે છે. પણ તેનાથી પણ વધારે એક બીનતાર્કિક સમજુતીની અગણવામાં આવે છે - મઠ વ્યવસ્થાની (કે બ્રાહ્મણવાદની) લોહી તરફની જુગુપ્સા. જેમને લોહી સાથે જ કામ પાડવાનું છે એવા સૈનિકો, કસાઈઓ કે બળદોની ખસી કરતા કે અળસિયાંઓ અને ઉંદરોને મારી નાખતા ખેડૂતો સુદ્ધાંને પરંપરાગત રીતે લોહીનો સ્પર્શ ન કરનાર શુદ્ધ લોકો કરતાં ઉતરતા ગણવામાં આવે છે.

લોહી માટેની જુગુપ્સાને કારણે માસિક સ્ત્રાવના સમયે કે બાળકના જન્મ સમયે સ્ત્રીઓને અશુદ્ધ માનવામાં આવે છે અને તેમને રસોડામાં નથી દાખલ થવા દેવામાં આવતી. 'સ્ત્રીઓને આરામની જરૂર હોય છે.' - છે ને એકદમ રચનાત્મક તર્ક! સ્ત્રીઓનો લોહી સાથેનો આ સંબંધ જ પુરુષને જાતિ પિરામિડની ટોચ પર સ્થાન અપાવે છે . એટલે જ બ્રહ્મચર્ય પાળનારાઓને તો હજુ પણ ઉંચું સ્થાન મળે છે કેમકે તેમણે સ્ત્રી જાતિનાં અંગત સ્ત્રાવો સાથે ક્યારેય કામ નથી પડવા દીધું.

ગૌરી એમને ધરાવાયેલ માછલીનો સ્વાદ માણે છે અને સ્ત્રીઓ તેમની આસપાસ ગીતો ગાય છે અને નૃત્ય કરે છે, ત્યારે મને મનમાં એમ થાય છે કે બ્રહ્મચર્યપાલન કરતા પુરુષ સંન્યાસીઓએ ઠોકી બેસાડેલ પ્રદૂષણ ફેલાવતી વિધિઓ, નૈતિકતાઓની તેમની આગવી વ્યાખ્યાઓ કે ઊંચનીચના ભેદ વિષે ગૌરીને કંઈ પરવા હશે? લોહીથી લથબથ થઈ જનાર કાલિની જેમ દુર્ગાની પણ બધે આણ નહીં પ્રવર્તતી હોય?
  • મિડ-ડેમાં ૨૦ સપ્ટેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, No fish for Gauri this year?નો અનુવાદ | પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો