બુધવાર, 13 જુલાઈ, 2022

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત : પાર્કિન્સનનો નિયમ, તેનાં અન્ય સ્વરૂપો અને સમય વ્યવસ્થાપન : પાર્કિન્સનનો નિયમ

 

પાર્કિન્સનનો નિયમ તત્ત્વતઃ અનુભવસિધ્ધ કથન છે - કામ પુરૂં કરવા માટે જેટલો સમય હોય તેટલું કામ ખેંચાય. તેનો મૂળતં ઉપયોગ તો મોટી સંસ્થાઓમાંની નોકરશાહી કાર્યપદ્ધતિની રગડ ચાલની બિનકાર્યકુશળતાના સંદર્ભમાં છે. પાર્કિન્સનના નિયમની આંગળી સંસ્થાઓમાં કામ કરતાં લોકોનાં એ વલણ તરફ ચિંધાય છે જેને કારણે સમયથી પહેલાં કામ પુરૂં કરવા સક્ષમ હોવા ચતાં લોકો બરાબર છેલ્લી ઘડીએ જ કામ પુરાં કરે છે. સમય જતાંની સાથે, આ નિયમ, લગભગ, દરેક વ્યક્તિમાં રહેલ કામને ઢીલમાં પાડવાનાં વલણ સાથે સંકળાતો ગયો.

પાર્કિન્સનનો નિયમનાં ઘડતરનું શ્રેય બ્રિટિશ નૌસેના ઇતિહાસવિદ સીરિલ નોર્થકૉટ પાર્કિન્સનને આપવામાં આવે છે. તેમણે આ નિયમને ૧૯૫૫માં તેમણે ધ ઈકોનોમિસ્ટમાં લખેલા એક રમુજી લેખમાં રજુ કર્યો હતો. પછીથી ૧૯૫૮માં તેમનાં પ્રકાશિત પુસ્તક, Parkinson’s Law or the Pursuit of Progress, માં આ લેખ પહેલાં પ્રકરણ તરીકે મુકવામાં આવ્યો. હવે જે પાર્કિન્સનના નિયમ તરીકે પ્રસ્થાપિત થઈ ચુકેલ છે તે ખરેખર તો તેમના એ લેખનું પહેલું જ વાક્ય હતું - “સામાન્યતઃ જોવા મળે છે કે પુરૂં કરવા માટે જેટલો સમય મળે તેટલું કામ ખેંચાતું જાય છે.”



પાર્કિન્સનના મૂળ લેખમાં અત્યારે જે સ્વરૂપે તેમના નામનો નિયમ જાણીતો છે તે રજુ જ નહોતો થયો. તેમણે તો એટલી જ નોંધ લીધી કે જે કામ એક ખરેખર વ્યસ્ત વ્યક્તિને ત્રણ જ મિનિટ માટે રોકી રાખે છે તે બીજી વ્યક્તિને આખા દિવસની શંકાકુશંકાઓ, ચિંતા અને મહેનતમાં  રોકી રાખી શકે છે. તેમનો મુળ રસ તો કામ વધ્યું હોય કે ન વધ્યું હોય તો પણ સરકારી ઑફિસોમાં વધતા જતા કર્મચારીઓની સંખ્યાના આંકડાઓ વિશે અભ્યાસ કરવાનો હતો. તેમના આ અભ્યાસ દરમ્યાન, સરકારી કચેરીઓમાં વધતી જતી કર્મચારીઓની સંખ્યાની સમજૂતી આપી શકે એવી બે સ્વયંસિદ્ધ ઘટનાઓ તેમના ધ્યાન પર આવી : 

(૧) "કોઈ પણ ઉપરીને પોતાનો હરીફ પેદા કરવામાં નહીં પણ હાથ નીચે કામ કરતા લોકોનો ગુણાકાર થાય તેમાં રસ હોય છે," અને

(૨) "ઉપરીઓ એકબીજા માટે કામ પેદા કરે છે."

તેમણે પોતાના અભ્યાસ દરમ્યાન નોંધ્યું કે 'કામ (જો અને જેવું કઈં કદાચ હોય તો !)નાં ભારણમાં કંઈ ફેરફાર થાય કે ન થાય', કર્મચારીઓની સંખ્યામાં વર્ષે, સરેરાશ, ૫ થી ૭ %નો વધારો થતો જ રહે છે. આના પરથી તેઓ તારણ પર આવ્યા કે કોઈ પણ જાહેર શાસન વ્યવસ્થામાં કર્મચારીઓની સંખ્યામાં થતો વાર્ષિક વધારો, જેમને તેમણે 'મદદનીશોના ગુણાકારનો નિયમ' કહ્યો, આ ગાણિતિક સમીકરણથી ગણી શકાય :

x = (2km+P)/n

·        xવર્ષે નોકરીએ રાખવાના કર્મચારીઓની સંખ્યા

·        k નવા કર્મચારીઓથી જેમને બઢતી મળવાની છે એવા કર્મચારીઓની સંખ્યા

·        mઅંદરોઅંદર નોંધોની આપલે કરતી ચિઠ્ઠીઓ તૈયાર કરવા માટે વ્યક્તિ દીઠ જરૂરી કલાકોની સંખ્યા (સૂક્ષ્મ રાજકારણ)

·        Pનિવૃતિના સમયની ઉંમર અને નોકરીએ રાખતી વખતની ઉંમરનો તફાવત

·        nપ્રશાસનનાં કામની ખરેખર પુરી થતી ફાઈલોની સંખ્યા

મદદનીશોના આ ગુણાકારની સ્થિતિને કારણે કર્મચારીઓ વચ્ચે કામની વહેંચણી એવી રીતે કરવામાં આવે કે દરેક દરેક વ્યક્તિ આખો દિવસ વ્યસ્ત જ રહે. કદાચ, આવી વ્યસ્તતાને આવશ્યક ગણાવવા માટે દરેક કર્મચારી પોતાનું કામ બરાબર છેલ્લી ઘડીએ જ પુરૂં કરે તેવું વલણ ઘડાતું ગયું હશે.

તેમના લેખના અંતમાં પાર્કિન્સન એમ પણ કહે છે કે (મદદનીશોના ગુણાકારનો ) નિયમ એ માત્ર એક વૈજ્ઞાનિક ખોજ જ છે. એક વનસ્પતિશાસ્ત્રીનું કામ નકામાં ઘાસનું નીંદણ કેમ કરવું એ નહીં ,પણ તે કેટલી ઝડપે વધશે એ કહેવાનું છે; તે જ રીતે કામ વધે કે ન વધે તો પણ કર્મચારીની સંખ્યા શા માટે વધવી જોઈએ તે નહીં પણ સંખ્યા કેટલી વધશે તે કહેવાનું જ કામ આ નિયમનું પણ છે.

આગળ જતાં પાર્કિન્સનના આ અભ્યાસમાં પુરી ગંભીરતાથી રસ પડ્યો વિયેનાની મેડિક્લ યુનિવર્સિટીનાં સાયન્સ ઑફ કૉમ્પ્લેક્ષ સિસ્ટમ્સના પ્રોફેસર સ્ટીફન થર્નરને. મેડિકલ યુનિવર્સિટી સ્થપાયા બાદ પ્રશાસનીય કામ માટે વધતાં જતાં કર્મચારીઓની સંખ્યા વિષે તેઓ જ્યારે ચિંતિત હતા એ અરસામાં તેમને પાર્કિન્સનનો નિયમ વાંચવા મળ્યો.તેના પરથી પીટર ક્લિમેક અને રૂડૉલ્ફ હૅનલની સાથે રહીને આ અંગેનું એક ગાણિતિક મૉડેલ તૈયાર કરી અને અલગ અલગ પરિસ્થિતિઓમાં ચકાસવાની તેમને પ્રેરણા મળી. આ અને તે પછીના દાયકાઓમાં જે સંશોધનાત્મક અભ્યાસો થયા તેનાથી એટલું તો પ્રતિપાદિત થયું કે પાર્કિન્સનનો નિયમ માત્ર હસી કાઢવાની વાત નથી.

એલ્ડર શફિર અને તેમના સહલેખક સૅન્ન્ડહિલ મલ્લીયાનાથન તેમનાં પુસ્તક Scarcity: Why Having Too Little Means So Much,માં, હજુ આગળ વધતાં, બીજી બધી બાબતોને બાજુએ રાખીને કોઈ એક કામ પર ધ્યાન આપવા વિશે ખાસ ધ્યાન આપે છે.  “કામ પુરું કરવાની ચોક્કસ સમય મર્યાદા આગળ આવી રહેલાં તોફાન કે શેરીના ખૂણેથી ધસમસતી બહાર નીકળતી ટ્રક જેવી છે. જેમ જેમ તે નજીક આવે છે તેમ તેમ દહેશત વધતી જાય છે, એટલે પેલાં કામ પર આપણું ધ્યાન વધારે કેન્દ્રિત થવા લાગે છે.” એ મહત્ત્વનું કામ તો તમે સમય મર્યાદામાં પુરું કરી લો, પણ ગણતરીના કલાકોમાં કામ પુરૂં કરવાની એ સમય મર્યાદાને પહોંચી વળવા ઉતાવળ કરવાના કેટલાક ગેરફાયદાઓ પણ છે, જો તે સમય મર્યાદા કોઈ બીજાંએ નક્કી કરી હોય તો તો ખાસ.

ઉટાહ યુનિવર્સિટીની એકલૅસ સ્કૂલ ઑફ બીઝનેસનાં આસિસ્ટન્ટ પ્રોફેસર એલિઝાબેથ ટેન્ની,  ડૉન મુરૅ સાથે લખેલાં તેમનાં પુસ્તક Time Pressure, Performance and Productivityમાં, બીજું બધું રજુ કરવાની સાથે, કહે છે કે 'કામની શરૂઆત કરતી વખતે લોકો તેમાં બહુ મહેનત કરશે. પછી એક તબક્કે વધારાના પ્રયાસો કામે લગાડવાના પ્રયાસોના પ્રમાણમાં વળતર ઘટતું જતું લાગે. એ સમયે ઉત્પાદકતાને યથોચિત વાસ્તવિકતાનાં સ્તરે રાખવા માટે ફાયદાઓને મહત્તમ કરવા માટેનાં ખર્ચને શક્ય તેટલું ઓછું કરવાની જરૂર અનુભવાય છે. એટલે તમે કામ ધીમું કરવાનું કરવા લાગો છો. એમ કરતાં કરતાં એક વળાંક એવો આવે કે જ્યારે તમે એ કામ ફટાફટ આટોપી લેવાનું શરૂ કરો.'[1]

આવા અનેક અભ્યાસોએ સમયની ઉત્પાદકતાના સંદર્ભમાં અત્યારે જે સ્વરૂપમાં પ્રચલિત છે તે સ્વરૂપમાં પાર્કિન્સનના નિયમને પ્રસ્થાપિત કર્યો.

સમય વ્યવસ્થાપન સાથેનાં પાર્કિન્સનના નિયમના આ પાસાંઓની વાત હવે પછી…..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો