બુધવાર, 21 સપ્ટેમ્બર, 2022

કળા અને પ્રચારના સીમાડાઓ (૧૯૪૧) - [૧] - જ્યોર્જ ઑર્વેલ

 

સાહિત્ય સર્જકની સંદર્ભિત મનોભાવનાઓની અસર તેનાં સાહિત્ય સર્જન પર અવશ્ય થાય છે. આ સંદર્ભિત પરિબળો સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક કે ભૂભૌગોલિક પ્રવાહો જેવાં અનેક પરિમાણોનાં સ્વરૂપમાં ગતિશીલ રહેતાં હોય છે. સર્જકની પ્રક્રિયા જ્યોર્જ ઑર્વેલ 'હું શા માટે લખું છું?' / Why I Write?માં સવિસ્તર વર્ણવે છે.

તેમનું સંન્નિષ્ઠપણે માનવું છે કે સર્જકના મનોભાવનું પ્રતિબિંબ સાહિત્યમાં પડે તેની સામે બહુ વાંધો ન લઈએ જો તે સર્જન લેખકની શુદ્ધ બુદ્ધિના પ્રમાણિક પરિણામ સ્વરૂપે નિપજ્યું હોય. પણ 'એકહથ્થુ શાસન અને સાહિત્ય / Literature and Totalitarianism 'માં તેઓ એ બાબતે સંચિત છે કે જે તે સર્જન એકહથ્થુ શાસનના પ્રભાવ હેઠળ રચાયું હોય તો વાત ચિંતાની બની જાય છે.

અહીં , 'કળા અને પ્રચારના સીમાડાઓ' / The Frontiers of Art and Propagandaમાં, હવે આ પ્રભાવ એક અંતિમ કક્ષાએ 'પ્રચાર'નું રૂપ લે તો તેની સીમાઓ ક્યાં જઈને અટકશે એ વિશે પોતાના વિચારો જણાવે છે.

+                      +                      +                      +

આજે આપણે એવા સમયમાં રહી રહ્યાં છીએ જ્યારે વિશ્વ શાંતિ જેવા વિષયો પર સાવ જ અસહિષ્ણુ ભાષામાં વાત કરી રહ્યું છે ત્યારે હું સાહિત્યિક વિવેચન વિશે વાત કરી રહ્યો છું. આ શાંતિમય યુગ નથી, તેમ જ કતોકટીગ્રસ્ત યુગ પણ નથી. છેલ્લાં દસ વર્ષમાં ન્યાયી, સન્નિષ્ઠ, વિવેકપૂર્ણ, કળાનાં આગવાં મૂલ્યને માન આપતાં, જુનાં પ્રકારનું વિવેચન તો લગભગ અશક્ય બની ગયું છે.


છેલ્લાં દસ વર્ષનાં અંગ્રેજી સાહિત્ય પર, ખાસ તો સાહિત્ય વિષે પ્રવર્તમાન અભિગમ તરફ નજર કરીશું તો જે બાબત નજરે ચડી જ રહે છે તે એ છે કે તે હવે સૌંદર્યની કદર કરનારૂ નથી રહ્યો.. સાહિત્ય પર પ્રચારનું મોજું ફરી વળેલ છે. મારૂં એવું કહેવું નથી કે આ સમયમાં લખાયેલાં બધાં પુસ્તકો ખરાબ છે. પણ ઑડેન, સ્પેન્ડર કે મૅક્નીસ જેવા લાક્ષણિક લેખકોની ખાસિયત એ રહી છે કે તેઓ સૌંદર્યની કદર જરૂર કરે છે પણ તત્ત્વતઃ તેઓ ઉપદેશાત્મક રાજકીય લેખકો છે જેમને તકનીકમાં નહીં પણ સાહિત્યનાં વસ્તુ સાથે વધારે મતલબ છે.અને ક્રિસ્ટોફર કૉડવેલ, ફિલિપ એન્ડર્સન કે એડવર્ડ અપવર્ડ જેવા માર્કસવાદી લેખકો દ્વારા જે ખુબ જ ચેતનવંત વિવેચનો કરાયેલ છે તેમાં તેઓ લગભગ દરેક પુસ્તકને એક રાજકીય ચોપાનીયાં તરીકે જૂએ છે અને તેમની સાહિત્યિક ગુણાત્મકતામાંથી તેની રાજકીય અને સામાજિક અસરોને ખોળી કાઢવાની ટુંકી દૃષ્ટિનો વધારે રસ ધરાવે છે.

આનું મહત્ત્વ ખાસ તો એટલે વધી જાય છે કે આ પહેલાંના સમાય સાવ જ અને એકદમ વિપરિત છે. ટી એસ એલિયતટ એઝ્રા પાઉન્ડ, વજ્રિનિયા વુલ્ફ જેવાં ૧૯૨૦ના દાયકાના નોંધપાત્ર લેખકો તકનીક પર ખાસ ભાર મુકતાં હતાં. હા, તેમને પણ તેમની માન્યતાઓ અને પૂર્વગ્રહો હતા, પણ એ લોકોને તેમનાં કામનાં નૈતિક કે રાજકિય કે અન્ય અર્થનાં પરિણામો કરતાં તકનીકી અવનવાંપણાંમાં વધારે રસ હતો. એ બધા પૈકી શ્રેષ્ઠ એવા જેમ્સ જોય્સ એક 'શુદ્ધ' કલાકાર કે લેખક જેટલો તકનિકીવિદ હોઈ શકે એટલે એ પોતાની કારીગીરીમાં માહેર હતા. ડી એચ લૉરેન્સ પણ, તેમના સમયના અન્ય લેખકો કરતાં એક 'અર્થપુર્ણ લેખક' વધારે હતા, પણ જેને આજે આપણે સામાજિક ચેતના કહીએ તે તેમનામાં ન હતી.મેં આ વાતને ૧૯૨૦ના દાયકા પુરતી જ મર્યાદિત કરી છે તેમ છતાં આમ તો ૧૮૯૦થી જ આમ રહ્યું છે. એ આખા સમય દરમ્યાન, વિષય કરતાં શૈલી, 'કળા માત્ર કળા ખાતર જ' એ ખ્યાલ તો માની જ લેવામાં આવતો હતો. આ વાત સાથે અસહમત થતા, બર્નાર્ડ શૉ જેવા, લેખકો પણ હતા. પણ સામાન્યપણે પ્રચલિત દૃષ્ટિકોણ આવો જ હતો. એ સમયના સૌથી મહત્ત્વના વિવેચક, જ્યોર્જ સેંઇન્ટ્સબરી, જે ૧૯૨૦ના દાયકામાં તો બહુ વૃદ્ધ થઈ ચૂક્યા હતા, પણ ૧૯૩૦ સુધી તેમનો જબરદસ્ત પ્રભાવ તો રહ્યો જ હતો, પણ કળા પ્રત્યે તકનીકી અભિગમને જ યોગ્ય માનતા હતા. તેમનો દાવો હતો કે તેઓ કોઈ પણ પુસ્તકને માત્ર તેનાં તકનીકી રજૂઆત, તેની રીત પર જ મુલવતા હતા, તેમને લેખકના મંતવ્યોની ખાસ પડી ન રહેતી.

તો પછી દૃષ્ટિકોણમાં આ અચાનક બદલાવને શી રીતે સમજાવી શકાય? ૧૯૨૦ના દાયકાના અંતમાં એડિથ સિટ્વેલનં પોપ પરનાં પુસ્તક જેવું એકાદ પુસ્તક મળી આવે જેમાં તકનીક પર અર્થહીન ભાર હોય, જે સાહિત્યને એક પ્રકારનાં ભરતગુંથણ તરીકે ગણતું હોય, શબ્દોના જાણે કોઈ જ અર્થ ન હોય : અને પછી થોડાં જ વર્ષોમાં એડવર્ડ અપવર્ડ જેવા માર્ક્સવાદી વિવેચક હોય જે પુતકોમાં 'માર્ક્સવાદી ' વલણ હોય તો જ તે સારાં છે એમ આગ્રહ રાખતા હોય. એક રીતે તો એડિથ સિટવેલ અને એડવર્ડ અપવર્ડ પોતપોતાના સમયના પ્રતિનિધિઓ જ હતા. સવાલ માત્ર એટલો જ છે કે બન્નેના દૃષ્ટિકોણ આટલા અલગ કેમ હોઈ શકે ?

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, The Frontiers of Art and Propaganda નો આંશિક અનુવાદ  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો