બુધવાર, 28 સપ્ટેમ્બર, 2022

વિજ્ઞાન અને ઋષિ - દેવદત્ત પટ્ટનાઈક

થોડા સમય પહેલાં એક પ્રધાન સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિકોને દધિચિ ઋષિના સંદર્ભમાં વાત કરી રહ્યા હતા કે જેમણે પોતાનાં શરીરનું દાન કરી દીધેલ જેથી તેમાંથી જે હાડકાં નીકળે તેમાંથી ઈન્દ્ર માટેનું વજ્ર બને.

આ ઋષિઓ વૈજ્ઞાનિકો કે જાદુટોના કરનારા ભૂવા હતા કે પછી આર્ષદૃષ્ટાઓ હતા? ટેલિવિઝનની સિરિયલો જોઈને તો એમ જ લાગે કે તેઓને સફેદ કે ભગવા રંગનો ઝભ્બો, ફરફરતી દાઢી, એક હાથમાં કમંડળ અને બીજામાં કુટીચક અને બહૂદકે ત્રિદંડનો ગણવેશ ધારણ કરવો એ તેમના ધર્મમાં ફરમાવેલ હશે.

ઋષિઓ વિશેનું આપણું જ્ઞાન ૪,૦૦ઓ વર્ષ જૂના વેદો અને ૧,૦૦૦ વર્ષ જૂનાં પુરાણોમાંથી આવે છે.

એક વિગતવાર વિવરણ તરીકે વિજ્ઞાન તો ૫૦૦ વર્ષ જ જૂનું છે. તેમ છતાં આપણે વિજ્ઞાનને ધર્મ સાથે ગુંચવી કાઢતાં હોઈએ છીએ. એટલે ઘણાં લોકો જે વિજ્ઞાનમાં 'માને' છે, તેમનો પોતે 'નાસ્તિક' હોવાનો આગ્રહ હોય છે, જોકે એવા પણ કેટલાય વિજ્ઞાનીઓ હશે જેમનાં કાર્ય ટેબલ પર, કે પ્રયોગશાળાઓમાં, ગણેશ કે પોતાના કુળદેવની મૂર્તિ રાખવામાં તેમને કોઈ જ બાધ નથી હોતો. વિજ્ઞાનનો સંબંધ હકીકતો સાથે હોય છે જ્યારે ધર્મનો સત્ય સાથે. આ બન્ને બાબતો એક જ નથી. વિજ્ઞાન નક્કર માપણી પર આધાર રાખે છે, જ્યારે ધર્મ અનુભવો પર જે તેની મૂળ વ્યાખ્યા મુજબ જ માપી નથી શકાતા. વાસ્તવિકતાને પહોંચવા માટેના આ બન્ને અલગ રસ્તાઓ છે. બન્નેમાંથી એક વધારે સારો કે બીજો ઓછો સારો એવું પણ નથી. એટલે જ્યારે કોઈ એમ પૂછે કે યોગ વૈજ્ઞાનિક છે ત્યારે એટલું સ્પષ્ટ કરવું પડે કે યોગની લોકપ્રચલિતતા તે 'માપી શકાય તેવી અને સાબિત કરી શકાય તેવી હકીકતો'ને કારણે નહીં પણ તેનાથી મળતા અલૌકિક 'અનુભવો'ને કારણે છે. અનુભવને માપબાપની પડી નથી હોતી, અને માપણી અનુભવ નથી દર્શાવી શકતી.

ઋષિ શબ્દ થોડો ગૂઢ જણાતો હોય છે. કેટલાક વ્યુત્પતિ શાસ્ત્રજ્ઞઓ તેને 'દૃષ્ટિ- સાથે સાંકળે છે. આમ ઋષિઓ અન્ય લોકો કરતાં ઘણું વધારે (ગહન કે દૂરનું) જોઈ શકતા હતા. એ લોકો એવા આર્ષદૃષ્ટા હતા જે બીજાંની નજરે ન ચડે એવું ઘણું જોઈ શકતા હતા. વેદોમાં તેમને 'કવિ'ઓ પણ કહ્યા છે જે ઉત્સુકતા સંતોષવા સવાલો પુછી શકતા હતા. 'ક'નો સંબંધ પૂછપરછ સાથે છે. પૂછપરછમાં કેવું , કેમ , કોણ, કઈ રીતે એવા 'ક'કારક શબ્દો હોય છે.'ક' એવું પણ નામ છે જેના દ્વારા દૈવી તત્ત્વને વેદોમાં સંબોધવામાં આવે છે. એટલે, ઋષિઓને તપાસ (મિમાંસા)માં રસ હતો, તેઓ આજે આપણે જેને વૈદિક મંત્રો કહીએ છે તે મંદ સ્વરે ઉચ્ચારાતા ધોષને 'સાંભળી' શકતા હતા. એ પ્રેરણા માટે વપરાતું રૂપક હશે કે પછી વિદ્વાનોની નમ્રતા હશે જેમણે આ શોધનું શ્રેય કદી પોતાને ન આપ્યું. કે પછી કેટલાક લોકોનું માનવું છે તેમ એ કોઈ ગૂઢ, પરગ્રહના, અનુભવનું દ્યોતક છે?

નારી જાતિમાંથી પણ ઋષિઓ થતાં હતાં? આવું કંઈ વાંચ્યું હોય એવું યાદ આવે છે ખરું? સાત તારાઓનં ઝૂમખા, સપ્તર્ષિ,માંના તારા વસિષ્ઠ સાથે એક ઝાંખા તારા તરીકે એક સ્ત્રી ૠષિ - અરૂંધતી- પણ છે એવુ કંઈ યાદ છે? સીએસઆઇઆરનાં પ્રથમ સ્ત્રી વડા નલાતંબી કલૈસેલ્વી કે મંગળયાન્ની ટીમમાં સ્ત્રીઓની બહોળી હાજરી જેવા ભારતીય વૈજ્ઞાનિકોના ફોટાઓમાં જે સ્ત્રીઓ જોવા મળે છે તે ભારતીય પરંપરાગત નારી પહેરવેશમાં જ જોવા મળે છે. તેમને તેમનું ભારતીય નારી હોવું જરા પણ કઠતું નહોતું,પણ કોર્પોરેટ વિશ્વમાં, નીચેની કક્ષાએ તો ખાસ, જોવા મળતી ભારતીય નારીઓ મોટા ભાગે પાશ્ચાત્ય પહેરવેશમાં હશે. એ લોકો પોતાનાં સ્ત્રી હોવાને થોડું ઓછું (પુરુષ સમોવડાં હોવાને) મહત્ત્વ આપવા આ પહેરવેશ અપનાવતાં હશે ? ભારતીય પરંપરામાં તો લોપામુદ્રા જેવાં વેદિક ૠચાઓ રચના કરતાં વિદુષિઓ પણ છે જે. આપણે તેમને ૠષિની કક્ષામાં મુકીએ તો છીએ પણ તે નારીનાં સમાન હોવાનું માનવાનાં ચલણ કરતાં આ બાબતની ભોંઠપ સંતાડવાનો પ્રયાસ વધારે કહી શકાય તેમ જણાય છે.

તેઓ દ્વારા અપાતાં વરદાનો કે શ્રાપોથી કથામાં જે વળાંક પેદા થાય તેને કારણે પુરાણોમાં ઋષિઓ કથાનક માટે બહુ હાથવગું માધ્યમ પણ નીવડતા હતા. દુર્વાસાએ ઈન્દ્રને શ્રાપ આપેલો કે તે તેની સંપત્તિ અને જાહોજલાલી ખોઇ બેસશે, પણ કુંતિને વરદાન આપેલું કે તે કોઈ પણ દેવને આહવાન કરીને તેનાથી સંતાન પેદા કરી શકશે. ઘણા ઋષિઓ તો પરણેલા હતા અને આશ્રમોમાં ગૃહસ્થ જીવન પણ ગાળતા: ગૌતમ રૂષિ અહલ્યા સાથે, વિશ્વામિત્ર અરૂંધતી સાથે, અત્રી અનસૂયા સાથે કે અગત્સ્ય લોપામુદ્રા સાથે પરણેલા હતા. જે જે ઋષિઓ કડક બ્રહ્મચર્યનું આચરણ કરીને તપ કરતા તેમનો તપોભંગ કરવા તો ઈંદ્ર પોતાની ખાસ અપ્સરાઓને મોકલતા. વિર્યને રોકી રાખવાથી પુરુષને અલૌકિક શક્તિની 'સિદ્ધિ' પ્રાપ્ત થાય છે એ તો મધ્યકાલીન નાથ-જોગીઓની કથાઓનું એક બહુ પ્રચલિત વિષયવસ્તુ રહ્યું છે, એટલે જ આજના આપણા વૈજ્ઞાનિક ગુરુઓ પણ બ્રહ્મચર્યને આટલું મહત્ત્વ આપે છે.
  • મિડ-ડેમાં ૪ ઓક્ટોબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Science and the Rishi નો અનુવાદ | પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો