બુધવાર, 12 ઑક્ટોબર, 2022

પવિત્ર ગાય માટે અપવિત્ર હિંસા - દેવદત્ત પટ્ટનાઈક

તમે જો ગાયોના હિતનાં ચિંતક હો તો તમારી પાસે ત્રણ વિકલ્પો છે:

પહેલો વિકલ્પ એ છે તમે ગોશાળા બનાવો જ્યાં ગાયોની સારસંભાળ લઈ શકાય. જોકે આ વિકલ્પ મોંઘો છે. રોકાણ પણ ઘણું કરવું પડશે, જેની સામે, ગૌ મુત્ર, ગાયનું છાણ  કે ગાયનાં દૂધનું તબીબી દૃષ્ટિએ બહુ જ મહત્ત્વ હોવાની વાતો છતાં વળતર કદાચ નહી બરાબર પણ હોય.

બીજો વિકલ્પ એ છે કે ગાયનાં માસનો નિષેધ કરો, ખેડૂતોને ગાયો અને બળદો કસાઈઓને વેંચતા રોકો, પશુધનની કતલને ગેરકાયદે જાહેર કરો, ગાયોની દાણચોરી કરનારાઓને સજાઓ કરો,બધાં કતલખાનાંઓને ગેરકાનુની જાહેર કરો, જે લોકો ગૌમાંસ ખાતાં હોય તેમની મારપીટ કરો, અને આ બધું યોગ્ય ઠરાવવા ચિત્રવિચિત્ર દલીલબાજી કરો. પરિણામ એ આવશે કે નબળી  અને વસુકી ગયેલી ગાયો અને વૃદ્ધ થઈ ગયેલા બળદો રસ્તા પર કચરો , પ્લાસ્ટિક વગેરે ખાતાં અને રખડતાં જોવા મળશે. કેટલાક ઉદ્યોગો અને રોજંદારીઓ પણ ઘટશે. 

ત્રીજો વિકલ્પ એ છે કે કતલખાનાંઓ ખેતરોની નજદીક જ વિકસાવો કે જેથી આર્થિક રીતે કોઈ રીતે પોષ્ણ ન થઈ શકે તેવાં પશુધનની શાસ્ત્રીય રીતે, આયોજનપૂર્વક કતલ થતી રહે. આવું વિવાદાસ્પદ સુચન આઇ આઇ એમ, બેંગ્લુરૂના સ્થાપક નિયામક, અને જાણીતા પશુપ્રેમી એન એસ રામાસ્વામીએ જ કરેલ છે.

એમ માની શકાય કે આપણામાંના મોટા ભાગનાં લોકોને તો અંદાજ હશે જ ગૌરક્ષા પ્રહરીઓની પસંદનો વિકલ્પ કયો હશે ! પહેલો વિકલ્પ તો હોય જ નહીં કેમકે તે તો બહુ મોંઘો લડે તેમ છે. ત્રીજો પણ ન જ હોય કેમકે તેમાં પણ હિંસા તો છે જે ન થાય એના માટે તો આ બધા પ્રયાસો છે. એટલે બાકી બીજો વિક્લ્પ જ રહે. વળી તે વિકલ્પમાં સત્તામાં રહેલાં લોકોને કે સત્તા પોતાના હાથમાં જ છે તેમ દેખાડવા માંગતાં લોકોને તો સત્તા પ્રદર્શન કરવાનો સરળ રસ્તો આ વિકલ્પથી મળી રહે છે. સામેવાળાં લોકોને ડરાવી ધમકાવી શાય, અને  મુસ્લિમો કે ઉદારમતવાદીઓ પર પ્રભુત્વ પણ તેનાથી જમાવી શકાય. વધારામાં, સનસનાટીની ખોજમાં રહેતાં સંચાર માધ્યમોનું ધ્યાન પણ આસાનીથી ખેંચી શકાય. ગૌરક્ષા કરતાં સમાજના એ પ્રહરીઓને, સ્વાભાવિક જ છે કે, આ ફાયદાઓ વધારે અનુકૂળ પડે.

ગાંધી પીસ ફાઉન્ડેશનના રિસર્ચ ફેલો સોપન જોશીના યાહુ!,મે ૨૦૧૬માં પ્રકાશિત લેખ -‘Why is the Cow a Political Animal?’-માં પ્રતિપાદિત કરાયું છેકે ગૌરક્ષા બ્રિગેડને ગાયની રક્ષા મટે કોઈ ખાસ પ્રેમ વહી નથી જતો. મૂળ ખેલ તો આધિપત્ય જમાવવાથી મળતી સત્તાની ભૂખનો છે. એટલે ગાયનું દૂધ, ગૌ મૂત્ર, ગાયનું છાણ વગેરેના તબીબી ફાયદાઓ અને તેમાંથી ફલિત થતા આર્થિક લાભોની બધી વાતો તો એ એક માત્ર લક્ષ્યની પ્રાપ્તિને યોગ્ય ઠરાવવા માટેની દલીલો છે, જેની પાછળ ઇતિહાસમાં વર્ણવાયેલ મુસ્લિમોની કે અંગ્રેજોની હિંદુઓ પરની સર્વોપરિતાની સામે અને ઉદારમતવાદીઓની પશુપ્રેમની દુહાઈના દેખીતા વ્યાપક સ્વીકારની સામે, હિંદુઓ પણ કંઈ કમ નથી એ વાત સાબિત કરવાનો અંતિમવાદી હિંદુઓનો આડકતરો આશય છે.

હિંદુત્વનું નવું સ્વરૂપ

વિશ્વભરમાં હિંદુ ધર્મનું એક નવું સ્વરૂપ ઉભરી રહ્યું છે જે એ બિચારી બોડી બામણીની જેમ સુષુપ્ત કે સહિષ્ણુ બની રહીને થાકી ગયું છે. તેને આક્રમક, કે જરૂર પડ્યે હિંસક થવું પણ પસંદ છે. એટલે નાજુક ગૌરી બનવાને બદલે તેને દુર્ગા કે કાલિ બનવામાં રસ છે: ભટાક ભોળા ભોલેનાથ કે પૂજનીય દક્ષિણામૂર્તી થવાને બદલે રુદ્ર કે વિરભદ્ર કે ભૈરવ થવામાં રસ છે; તેને ભાગવતના પ્રેમાળ કૃષ્ણ થવાનું નહીં પણ મહાભારતના કૃષ્ણ થવાનું પસંદ છે. તે સીતા વિનાના રામ કલ્પી શકે છે. તેમના ગણેશ દુંદાળા નહીં પણ સિક્ષ-પૅક ઍબ્સવાળા ચુસ્ત વિઘ્નહર્તા થાય તે ગમે છે.આ બધાં ઉપરાંત જરૂર પડ્યે કે બળ કે હિંસાનો પ્રયોગ કરી લેવા છતાં તે પોતાને  સનાતન ધર્મના નહીં પણ જીવન જીવવાની રીત કહી શકાય એવા ચુસ્ત શાકાહરી, સેવાભાવી, અને નિરંકારી ગણવાનો આગ્રહ સેવે છે.

હિંદુ ધર્મનાં આ નવાં સ્વરૂપને આપણે હિંદુત્વ તરીકે ઓળખીએ છીએ. તેને નેક પ્રવાહો, પરિબળો-પ્રતિપરિબળો અને પરંપરાઓવાળા હિંદુ ધર્મના વિશાળ સમુદ્રનો એક પ્રવાહ, સંપ્રદાય, પણ કહી શકાય..ઇતિહાસમાં થઈ ગયેલા બધા સંપ્રદાયોની જેમ હિંદુત્વ સંપ્રદાય પણ હિંદુ ધર્મનાં બીજાં બધાં અર્થઘટનોને નકારી કઢે છે.

વેદિક ધર્મના ગ્રંથોમાં ગાયને પવિત્ર ગણવા છતાં બળદો કે વસુકી ગયેલી ગાયોનો આહાર તરીકે નિષેધ ન ગણાવતા, એસ ગણેશ અને હરિ રવિકુમારના IndiaFacts.com પરના લેખ ‘The Hindu View on Food and Drinkતરફ ધ્યાન દોરીશું તો તરત જ લેખકોની યોગ્યતા અને તેમનાં હિંદુપણાં વિષે શંકાની તલવાર ખેંચીને ઊભા થઈ જશે, અને તે માટે તેમની ભાષા  નિઃશંકપણે અતિશયોક્તિભરી, આડંબરયુક્ત અને હિંસક જ હ્શે. અહીં કોઈ ચર્ચા કે નરમાશને સ્થાન નથી. અહીં તો નકરી દાદાગીરી અને બળની ભાષાથી જ કામ લેવાય છે. જોકે એ સવાલ થાય કે આ બધું ક્યાંથી ઉતરી આવ્યું હશે?

એક મત અનુસાર તેનૂં ઉદભવ સ્થાન સંસ્થાગત ભ્રમ અને અવિશ્વાસની અપવૃતિ છે: એવી માન્યતા કે નિર્દોષ હિંદીભાષી ભારતને અંગેજી બોલતા શહેરીઓથી, હિંદુ ધર્મને વર્ણવ્યવસ્થા સાથે સરખાવી બેસનારા ઉદારમતવાદીઓથી, કે જે શિવને માત્ર એક 'લિંગ' માત્ર બરાબર દેવ ગણે છે  યુરોપયિન કે અમેરિકન એવા નિષ્ણાતોથી બચાવવાની તાતી જરૂર છે, જોકે એ પણ સ્વીકારવું તો જોઈએ કે તેમની દલીલમાં થોડું વજૂદ જરૂર છે.

હિંદુ ધર્મની જે રીતે અમેરિકામાં રજુઆત કરાય છે તેની સામે પોતાનાં પુસ્તક ,Rearming Hinduismમાં વામસી જુલુરી આક્રોશ ઠાલવે છે. એ આક્રોશ ખોટો પણ નથી. એવો જ ધુંધવાટ ત્યાનાં બિન નિવાસી ભારતીયોમાં પણ અનુભવી શકાય છે. ધીમે ધીમે એ ધુંધવાટ વધારે વાચાળ, અને હિંસક, પણ બનતો જાય છે. ઉદારમતવાદીઓ જ્યારે આ 'ધુંધવાટ' અને આક્રોશને અવગણે છે ત્યારે તે અવિશ્વાસ ધરાવતી માન્યતાવાળા હિંદુત્વ સંપ્રદાયમાં એકત્રિત થવા લાગે છે. જ્યારે ઉદારમતવાદી અખબારો સીતા રામ ગોએલનાં પુસ્તક Hindu Temples – What Happened to Them,રિચાર્ડ ઈટનનાં પુસ્તક Temple Desecration and Muslim States in Medieval Indiaના આધાર પર જમણેરી પ્રચાર કહીને ઉતારી પડીને બહુ ખુશ થઈને જાહેર કરે છે કે મુસ્લિમો દ્વારા હજારો હિંદુ મંદિરોના નાશમાં જરાપણ તથ્ય નથી, ત્યારે તમને પણ એમ થવા લાગે કે વૈજ્ઞાનિક અને ઐતિહાસિક પદ્ધતિઓ પરંપારિક હિંદુ માન્યતાઓ જેને સાચું માને છે તેની ઠેકડી ઉડાડવા માટે જ તો નથી બનાવાઈ ને. વેન્ડી ડોનીગરનાં પુસ્તક Hindus: An Alternative Historyના નિષેધની જેમ અન્ય કટ્ટરવાદી સાહિત્ય સાથે નથી થતું જોવા મળતું ત્યારે પ્રજાનો એક ભાગ પોતાને  ન્યાયી,વાજબી અને ઉદારમત ધરાવતાં માનતાં લોકોથી એકલો પડી ગયેલો, અલગ પાડી દેવાયેલ અને અસ્વીકૃત અનુભવે છે.

જ્યારે તમારી માન્યતાઓ અને યાદોને વિજ્ઞાન અને હકીકતોની દુહાઈ દઈ દઈને કોઈ સતત આધાર વિનાનાં ગણાવતાં રહે ત્યારે તમારી પાસે તમારી પોતાનાં વૃતાંતો વડે તેમના પક્ષની કથાવાર્તાઓને રદ કરી બતાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ બાકી નથી રહેતો. ગૌમાંસ ખાવા અંગેની આખી વાતમાં આવું જ કંઈક થઈ રહ્યું છે. જે શિક્ષિત ભારતીયોએ આંતરરાષ્ટ્રીય ફલક પર હિંદુ ધર્મની બદબોઇનો સામનો કરવામાં સાથ નથી પુરાવ્યો તેમની સામે આ એક શાંત હુમલા જેવી પ્રતિકાત્મક પ્રતિક્રિયા છે. એમાં મુસ્લિમો તો કમનસીબે જ હોળીનું નાળિયેર બની રહ્યા છે.

ગઈ સદીના આઠમા દાયાકામાં કોગ્રેસી સરકારે મુસ્લ્મિમ મહિલાઓને તલાક બાદ ખાધાખોરાકીના મુદ્દાબે લઈને સર્વોચ્ચ અદાલતના શાહ બાનો ચુકાદાને મોળો પાડી દઈને જે રીતે મુસ્લિમ રૂઢિવાદીઓને રીજવવા પ્રયાસ કર્યો તે જ રીતે રૂપ કુંવર સતી કિસ્સાને જ્યારે ન્યાયલયે એક ધાર્મિક રિવાજ નહીં પણ ફોજદારી ગુન્હો જાહેર કર્યો ત્યારે  હિંદુઓનો પક્ષ ન લીધો તે તો આપણે જોઈ ચુક્યાં છીએ. આ કિસ્સાઓમાં રૂઢીવાદીઓ દ્વારા ધર્મનિરપેક્ષ રાજ્ય વ્યવસ્થામાં પોતાનું સ્થાન જમાવવાની માંગ સંતોષવા માટે નારીઓને તો એક ઓઠું જ બનાવવામાં આવેલ. હવે એવું પ્યાદું બનવાનો વારો ગાયનો આવ્યો છે. 

ધર્મનિરપેક્ષ રાજ્ય વ્યવસ્થા જ્યારે એક ધર્મને ભોગે બીજા ધર્મ તરફ ઢળતી જણાય છે ત્યારે આવી જ પ્રતિક્રિયા આવવી અપેક્ષિત છે. કોંગ્રેસે મુસ્લિમ રૂઢિવાદીઓનાં, બહુમતી ધર્મનાં લોકોની દૃષ્ટિએ, વધારે પડતાં તુષ્ટિકરણનાં જે કર્મ-બીજ વાવ્યાં કે ઉદારમતવાદીઓએ એ વર્ગના હિંદુ ધર્મને, કે તાક્રિક કે આધ્યાત્મિક  ભાવનાનાં માત્ર આક્રમક અને હિંસક બળ તરીકે જ પ્રતિપાદિત કરવાનો એકપક્ષી અભિગમ દાખવ્યા કર્યો તેનાં આ કર્મ ફળ છે. .'રક્ષા' કરાયેલી ગાયો શેરીઓમાં રખડીને કચરો અને પ્લાસ્ટિક ખાઈને હાડકાં દેખાઈ આવેલાં પોતાનાં શરીરનું ભરણપોષણ કરવાની કક્ષાએ પહોંચી ગઈ ત્યાં સુધી  અહિંસાના આસુરની ચડતી ભરતીને પવનના ધક્કા દેવાની બાબતે જે આપણે જે વલણ દાખવ્યું છે તે વિશે મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે.   

  • ધ હિન્દુમાં ૭ ઓક્ટોબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Holy cow, unholy violence નો અનુવાદ | પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો