શુક્રવાર, 14 ઑક્ટોબર, 2022

સ્વ-વિકાસ : વિચાર વલોણું – વિચાર કરતાં થઈએ

તન્મય વોરા

માનવીને અન્ય સજીવોથી અલગ તેની વિચાર શક્તિ પાડે છે. એ જ વિચાર  શક્તિ એક વ્યક્તિને બીજી વ્યક્તિથી, એક વ્યાવસાયિકથી બીજા વ્યાવસાયિકને પણ અલગ પાડે છે. એક વ્યાવસાયિકનાં ભવિષ્યને, તેની સફળતાને, તેની વિચાર શક્તિ, ઘડે છે.

અને તેમ છતાં મોટા ભાગનાં લોકો જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક 'કર્યા' કરવામાં જ બધો સમય વ્યસ્ત રહે છે. પોતાને એકલાં રહેવાની જે થોડો સમય પણ એ લોકોને મળે છે, તેમાં પણ પોતાનો સેલ ફોન ચાલુ કરીને ક્યાં તો પોતાનાં સામાજિક માધ્યમ ખાતાંઓમાં ખૂંપી જાય છે અને નહીં તો કોઈક રમત રમવામાં પડી જાય છે. કેમ જાણે કોઈએ એમનું મગજ એ માટે ખાસ પ્રોગ્રામ કર્યું હોય તેમ પોતાનો સમય કેમ વધારેને વધારે ભરચકપણે વ્યસ્ત રહે તેની ખોજ જ તેમનાં જીવનની મુખ્ય પ્રવૃત્તિ બની જતી હોય છે.   

કંઈ પણ નિર્ણય કે વિચારનો અમલ 'કરવો' તે સફળ બનવા માટે જરૂર બહુ જ આવશ્યક છે. પણ કંઈ પણ સારી રીતે અમલ કરવા માટે એ તો પહેલાં જરૂરી છે કે તમારી પાસે કોઈ ખરેખર સારો 'વિચાર' અને અમલીકરણ માટેની 'સરસ' આયોજન હોવાં જોઈએ. વાત કોઈ પરિયોજનાની હોય, કે પછી તમારી સાથેનાં લોકો કે તમારાં કુટુંબ કે તમારાં ખુદનાં જીવન વિશે હોય, કંઇ પણ પગલું ભરતાં પહેલાં તમારી પાસે પુરતા કરેલા વિચારનું ભાથું હોય તે તો અતિઆવશ્યક છે.

લોકોને વિચારનું મહત્ત્વ સમજાવવા માટે એક રસપ્રદ કસોટી છે -

તેમને કોઈ એક કેન્દ્રવર્તી વિચાર કે કોઈ એક સમસ્યાનું શીર્ષક કથન આપીને કહો કે હવે પછીની દસ મિનિટ આના પર જ તેઓ વિચાર કરે, અને દસ મિનિટને અંતે તેઓએ જે કંઈ વિચાર્યું હોય તે જણાવે.

મોટા ભાગનાં લોકોને વિચાર કરવાની જ ટેવ નથી હોતી, એટલે દસ મિનિટ સુધી માત્ર વિચાર જ કરવાનું કામ આવે એટલે તેમનું બધું તંત્ર જાણે ઠપ થઈ જાય છે.

હવે આ જ કસોટી તેમની સાથે વારંવાર કરવામાં આવે તો તેઓની વિચાર શક્તિ ખુલવા લાગે છે. તેમનાં મગજના કોશ ચેતનવંતા થવાનુ શરૂ થાય છે,અને એટલે હવે તેઓ પોતાના વિચાર સાથે પાછાં આવી શકવાનું ચક્ર શરૂ થાય છે.

થોડો સમય જરૂર લાગે છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં આ કસોટી બહુ જ અસરકારક પુરવાર થઈ છે. દરેક વ્યક્તિનાં મગજને વિચાર કરવા માટે જરૂરી વાતાવરણ અને નિયમિત તાલીમ જોઈએ છે.

વિચારો કરવા તેમ જ તેમના પર મનોમંથન કરવા માટે દરેક વ્યક્તિની પસંદનો સમય અલગ અલગ હોઈ શકે છે. ઘણાં લોકોને સવારે ઊઠ્યા પછી જ્યારે તાજગી અનુભવાતી હોય ત્યારે વિચારો કરવાનું પસંદ પડતું હોય છે, તો બીજાં કેટલાંક ને રાત્રે ઉંઘી જતાં પહેલાં વિચારોમાં પરોવાઇ જવાય તો જ મીઠી ઊંઘ આવે છે.

મહત્ત્વનું એ છે કે દરેકે એકાગ્ર થઈને પોતાની પરિયોજનાઓ, કારકિર્દી કે જીવનની પ્રાથમિકતાઓ વિશે વિચારો કરવા માટે પોતપોતાનો સૌથી અનુકૂળ સમય ખોળી કાઢવો જોઈએ અને એ સમય પોતાનાં દિવસનાં સમય પત્રકમાં અચૂકપણે વણી લેવો જોઈએ. આધુનિક વિજ્ઞાન તેમ જ આધ્યાત્મિક પરંપરાઓ દ્વારા એ નિશ્ચિત થઈ ચુક્યું છે  એ સમય દરમ્યાન *શક્ય બને ત્યાં સુધી,નિરવ) શાંતિ હોય, તેમજ શક્ય એટલું એકાંત હોય, તે ઘણું મહત્ત્વનું છે.

એટલે એ સમયે તમે દુનિયાનાં બધાં વળગણોથી અલગ થઈ જઇને પોતાની જાત સાથે એકલાં પડી જાઓ. સેલ ફોન જેવાં વિક્ષેપ કરનારાં સાધનો તો સાવ જ બંધ કરી દો. તમારાં મન અને મગજને તમારાં વિચારોના સહજ પ્રવાહમાં મુક્તપણે વહેવા દો. એ સમય ભલે બહુ લાંબો ન પણ હોય, જો યોગ્ય રીતે અમલ થતો રહે તો તેનાં પરિણામો નાટ્યાત્મક રીતે લાભદાયી નીવડશે.

  • તન્મય વોરાના, QAspire.com પરના લેખ Go Thinking!  નો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો