કળા અને પ્રચારના સીમાડાઓ (૧૯૪૧) - The Frontiers of Art and Propaganda - [૧] થી આગળ
કળા અને પ્રચારના સીમાડાઓ (૧૯૪૧) - The Frontiers of Art and Propaganda - ના અનુવાદના આ પહેલાંના પહેલા ભાગમાં આપણે જોયું કે જ્યોર્જ ઓર્વેલ નોંધે છે કે ઓગણીસમી સદીના બીજા દશક સુધીનાં સાહિત્યની રચનામાં જે શૈલી અને એવી અન્ય તકનીકો પર ભાર મુકાતો હતો. પહેલા ભાગના અંત સુધીમાં તો જ્યોર્જ ઑર્વેલ સાશ્ચર્ય સ્વીકાર કરે છે કે તે પછીનાં દસ વર્ષમાં એવું કંઈક થયું જેમાં સાહિત્યમાં પ્રચારની જ પ્રચુરતા રહી.
+ + + +
મારૂં માનવું છે કે (પોતપોતાના સામયના જ સાહિત્યમાં કળા માટે જ કળાનું સૌંદર્ય અને સાહિત્યમાં
તત્કાલિન સમાજિક પરિબળોની પ્રચુર અસર જેવા અલગ આલગ બે અંતિમ પ્રવાહો કેમ થતાં હશે તેનાં)
કારણની શોધ બાહ્ય સંજોગોમાં કરવી જોઈએ. સાહિત્ય વિશેની સૌંદર્યની કદર કરનારો તેમ જ
રાજકીય વિચારસરણીવાળો એ બન્ને અંતિમના દૃષ્ટિકોણ એ સમયનાં સામાજિક વાતાવરણથી ઘડાય છે, કે પછી કમસે કમ એ અસરમાં વિકસે છે. હિટલર દ્વારા ૧૯૩૯માં પોલેન્ડ પરનાં આક્રમણે
એક યુગનો તો ૧૯૩૧ની મહામંદીએ બીજા યુગનો અંત કર્યો છે એ સમયે પાછળ દૃષ્ટિ કરતાં છેલ્લાં
અમુક વર્ષો પહેલાં ક્યારેય ના કળાયું હોય તેના
કરતાં વધારે સ્પષ્ટપણે કળાય છે કે સાહિત્ય વિશેની મનોવૃતિ બાહ્ય ઘટનાઓથી વધારે પ્રભાવિત
થઈ રહી છે. છેલ્લાં સો વર્ષ પર જે કોઈ નજર કરે છે તેને તરત જ ધ્યાન પર આવે છે કે ૧૮૩૦
અને ૧૮૯૦ની વચ્ચે ઈંગ્લેંડમાં તસ્દી લેવા લાયક સાહિત્યિક વિવેચન કે સાહિત્ય વિશે સૂક્ષ્મ
ચોકસાઈ ધરાવતો દૃષ્ટિકોણ, ભાગ્યેજ અસ્તિત્વ ધરાવતાં હતાં. એવું
નથી કે એ સમયમાં પણ સારાં પુસ્તકો નહોતાં રચાતાં. ડીકન્સ, ઠાકરે, ટ્રોલોપ અને એવા એ સમયના અન્ય સાહિત્ય સર્જકો
તેમના પછીના સમયમાં આવેલ મોટા ભાગના સાહિત્ય સર્જકો કરતાં વધારે લાંબા સમય સુધી કદાચ
યાદ કરાતા રહેશે. પરંતુ ફ્લૉબર્ટ, બાઉડેલેઅર, ગૉટીઅર અને તેમના જેવા અનેક સાહિત્યકારો જેવા સર્જકો વિક્ટોરિઆનાં સમયનાં ઈંગ્લેંડમાં
નથી થયા. અત્યારે જેને આપણને સૌંદર્ય વિષયક ચોકસાઈ કહીએ છીએ તે કદાચ જ અસ્તિત્વ ધરાવતી
હતી. વિક્ટોરિઆના સમયના મધ્ય ભાગના લેખક માટે પુસ્તક અમુક અંશે આર્થિક ઉપાર્જન કરનારૂ
સાધન હતું અને અમુક અંશે ઉપદેશાત્મક બાબતો રજુ કરવાનું એક વાહન હતું. ઇંગ્લેંડ બહુ
ઝડપથી બદલી રહ્યું હતું. જૂની કુલીન ઉમરાવશાહીના અવશેષોના ઢગલા પર નવો પૈસાદાર વર્ગ
બેસી રહ્યો હતો અને કળાની બધી પરંપરાઓ તૂટવા લાગી હતી. ઓગણીસમી સદીના મધ્ય ભાગના લેખકો
તો ડીકન્સની જેમ જન્મજાત કલાકારો હોવા છતાં સાવ જ વણસુધરેલા, સંસ્કારવિહિન વર્ગના જ હતા.
જોકે સદીના પાછલા ભાગમાં, મેથ્યુ આર્નોલ્ડ, પીટર, ઓસ્કર વાઈલ્ડ અને એવા અનેક સાહિત્યકારો થકી,યુરોપ સાથે ફરીથી જોડાણ થયું, જેને પરિણામે સાહિત્યનાં સ્વરૂપ અને તકનીક માટે ફરીથી માન પણ પ્રસ્થાપિત થયું
. બસ એ સમયથી બહુ ચલણી ગણાઈ ચુકેલું, પણ આજ સુધી સાહિત્ય
માટે મળેલાં કથનોમાં ઉત્તમ એવું કથન, 'કળા માત્ર કળા ખાતર
જ' ઉદ્ભવ્યું. તેનો આટલો બધો પ્રસાર થવાનું અને આટલી વ્યાપક રીતે સ્વીકાર થવાનું
કારણ એ છે કે ૧૮૯૦થી ૧૯૩૦નો સમય અપવાદરૂપ સગવડો અને સુરક્ષાનો હતો. તેને મુડી યુગની
સુવર્ણ બપોર પણ આપણે કહી શકીએ, જેને વિશ્વયુદ્ધ પણ પ્રભાવિત
ન કરી શક્યું. એ યુદ્ધમાં એક કરોડ લોકો માર્યાં ગયાં હશે પણ કોઈ એક યુધ્ધ ખળભળાવી મુકે, કે ખળભળાવી ચુક્યું હોય, તેટલું એ સમયનું
વિશ્વ ખળભળી ન ગયું.૧૮૯૦થી ૧૯૩૦ વચ્ચેનો યુરોપનો લગભગ દરેક વતની એ અવ્યક્ત માન્યતામાં
જીવતો હતો કે આ સભ્યતા તો કાયંમ ટકશે. વ્યક્તિગત રીતે તમે નસીબદાર કે કમનસીબ હોઈ શકો, પણ અંદરખાને દરેકને એવી ભાવના હતી કે મૂળભૂત
રીતે કંઈ જ, ક્યારે પણ, નહીં બદલે. એ પ્રકારની વિરક્તિ અને ઉપરચોટી
કળા આસક્તિ પણ, એ વાતવરણમાં શક્ય હતાં. સાતત્યની એ ભાવના, એ સુરક્ષા સેન્ટ્સબરી જેવા ખરા રૂઢિચુસ્ત ટોરી કે ઉચ્ચભ્રુ ચર્ચવાદી વિવેચક પણ
જે લેખકો્ની રાજકીય કે નૈતિક વિચારસરણી વિશે તેમને ખરાં હૃદયથી સૂગ હોય તેવા લેખકોનાં પણ પુસ્તકો વિશે તે ખુબ ચિવટપૂર્વકનું ન્યાયીપણું
જાળવી શકતો.
પરંતુ ૧૯૩૯થી સુરક્ષાની
લાગણી રહી જ નથી. મહાયુદ્ધ કે રશિયન ક્રાંતિ પણ જે ન કરી શકયાં તેટલી અસરકારકતાથી હિટલર
અને મહામંદીએ તેના ભુક્કા બોલાવી નાખ્યા છે.
૧૯૩૦ પછી આવેલા લેખકો જે વિશ્વમાં જીવે છે ત્યાં માત્ર વ્યક્તિનું જીવન જ નહીં પણ સમુળગાં
મૂલ્યો પણ સતત જોખમમાં રહે છે. આવા સંજોગોમાં વિરક્તિ શક્ય નથી જે રોગથી તમે મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યાં હોય તેના
તરફ તમે માત્ર સૌંદર્યસભર રસ લઈ ન શકો. જે
માણસ તમારૂ ગળું કાપવા જઈ રહ્યો હોય તેની તરફ લાગણીવિહિન નિષ્પક્ષતા ન અનુભવી શકો, જે વિશ્વમાં ફાસીવાદ અને સમાજવાદ સામસામે લડતા હોય, ત્યાં કોઈ પણ વિચારશીલ વ્યક્તિ કોઈ એક પક્ષ લઈને જ રહે અને તેની લાગણીઓ તેનાં લખાણમાં
જ નહીં પણ સાહિત્ય પ્રત્યેના તેના અભિપ્રાયમાં પણ વ્યકત થઈને જ રહે. એ સંજોગોમાં સાહિત્યને
રાજકારણનો રંગ લાગવાનો જ છે, કેમકે બીજું કંઇ પણ થવું
એ માનસિક અપ્રમાણિકતા જ ગણાય. કોઈ પણ વ્યક્તિનાં સ્નેહબંધન કે તિરસ્કાર ચેતનાની સપાટીની
એટલાં નજદીક હોય કે તેને અવગણી ન શકાય. જે પુસ્તકો ખુબ તાકીદપણે અગત્યનાં જણાતાં હતાં
તે એવી રીતે લખાયાં કે તે બધાં લગભગ અર્થહીન
જણાવા લાગ્યાં.
અને આ દસેક વર્ષના સમયગાળામાં
પદ્ય સહિતનાં સાહિત્યમાં જે રીતે ચોપાનીયાંબાજી ભળી ગઈ તેણે સાહિત્યની તો બહુ મોટી
સેવા કરી કેમકે તેનાથી વિશુદ્ધ સૌન્દર્ય મીમાંસાવાદનો જે ભ્રમ હતો તે ભાંગી ગયો. તેણે
આપણને યાદ કરાવી આપ્યું કે દરેક પુસ્તકમાં કોઈને કોઈ સ્વરૂપમાં પ્રચાર છાનગપતિયાં તો
કરતો જ હોય છે, દરેક પ્રકારનાં સાહિત્યનો કોઈ એક ને એક તો
- રાજકીય,
સામાજિક કે ધાર્મિક- ઉદ્દેશ હોય જ છે, તેમ જ સૌન્દર્ય વિષેના આપણા આભિપ્રાય પણ આપણા પૂર્વગ્રહો અને માન્યતાઓના રંગે રંગાયેલા
તો હોય જ છે. ‘કળા માત્ર કળા માટે જ'ના આડંબરને તેણે ઉઘાડો પાડી દીધો. પરંતુ, થોડા સમય માટે તો
તેણે આપણને એક અંધારી ગલીમાં મોકલી આપ્યાં, કેમકે તેનાથી અનેક
યુવાન લેખકોને કોઈને કોઈ રાજકીય વિચારસરણી સાથે જોડાઈ જવાનું કારણ પુરું પડ્યું. જો
તેઓ તેમની આવી વિચારધારાને વળગી રહી શક્યા હોત તો માનસિક પ્રમાણિકતા અશક્ય જ બની રહેત.
તેમના માટે તે સમયે વિચારોની વ્યવસ્થા તરીકે માત્ર માર્ક્સવાદ જ ઉપલબ્ધ હતો, જે રશિયા પ્રત્યે રાષ્ટ્રીય ભાવનામય વફાદારી માગતો હતો . તેને પરિણામે જે લેખક
પોતાને માર્ક્સવાદી કહેવડાવતો હતો તે સત્તાની રાજકારણીય અપ્રમાણિકતામાં અટવાઈ ગયો.
આમ થવું જો આવશ્યક હતું તો પણ જે પૂર્વધારણાઓ પર આ લેખકોનું ઘડતર થયું હતું તે જ અચાનક
થયેલ રશિયા-જર્મન સંધિને કારણે ભાંગી પડી. જેમ ૧૯૩૦ની આસપાસના લેખકોને સમજાયું હતું
કે વર્તમાન ઘટનાઓથી વિરક્ત ન રહી શકાય તેમ ૧૯૩૯ની આસપાસના લેખકોને સમજઈ ગયું કે કોઈ
એક રાજકીય પંથ માટે કરીને પોતાની બૌદ્ધિક નીતિમત્તાનો બલિ ન ચડાવી શકાય, કે એવું કર્યા પછી કમ સે કમ તમે તમારી જાયને લેખક તો ન કહેવડાવી શકો. સૌન્દર્યની
કદર કરવાની સન્નિષ્ઠતા જ પુરતી નથી તેમ રાજકીય નેકી પણ પુરતી નથી. છેલ્લાં દસ વર્ષની
ઘટનાઓએ આપણને હવામાં લટકતાં મુકી દીધાં છે. હાલ પુરતું તો ઈંગ્લેંડ પર કોઈ નોંધપાત્ર
સાહિત્યિક અસર મુકી ગયા વગર જ આ ઘટનાઓએ ઈંગ્લેંડનો કિનારો છોડી દીધો છે, પણ આજ પહેલાં આટલી સારી રીતે ક્યારે પણ સ્પષ્ટ ન હતુ તે રીતે તેણે કળા અને પ્રચારના સીમાડા સ્પષ્ટ કરી
આપ્યા છે.
+ + + +
બહુ માર્મિક રીતે સમગ્રતયા વિશ્લેષણ કર્યા બાદ જ્યોર્જ
ઑર્વેલ એટલી રાહત સાથે નિષ્કર્ષ પર પહોંચે છે કે રાજકીય, કે સામાજિક, ધાર્મિક, આર્થિક કે પ્રદેશવાદની પ્રચંડ લહરોને કારણે સાહિત્યિક નીતિમત્તાનાં
પાણી એક વાર ડહોળાઇ જાય છે પણ પછીથી જ્યારે બધું નીતરી રહે છે ત્યારે કળા અને પ્રચારના
સીમાડા તો સ્પષ્ટ જરૂર બની રહે છે.
+ + + +
જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, The
Frontiers of Art and Propaganda નો આંશિક અનુવાદ
The Frontiers of Art and Propaganda ના આ અનુવાદના બન્ને આંશિક અનુવાદને એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે કળા અને પ્રચારના સીમાડાઓ (૧૯૪૧) પર ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો