બુધવાર, 14 ડિસેમ્બર, 2022

યુરોપ - નવાં સ્વરૂપે (૧૯૪૨) - [૨] - જ્યોર્જ ઑર્વેલ

 

The Rediscovery of Europe ના આંશિક અનુવાદના મણકા [૧]માં સમયની સાથે થતાં પરિવર્તનો અને તેની સાહિત્ય પરની અસરો અને તેના પરથી યુરોપની ઓળખ અંગેનું જ્યોર્જ ઑર્વેલે શરૂ કરેલ વિશ્લેષણ હવે આ વિષયમાં તેમની ચોક્કસ વિચારધારા સ્વરૂપે આગળ વધે છે. 

+                      +                      +                      +

જોકે, ઇતિહાસનાં પાનાંઓ પરની એ કાળી રેખાઓ ચોક્કસપણે આભાસ જ છે, તેમ છતાં ક્યારેક તો એવો સમય આવે જ છે જ્યારે પરિવર્તનો ખુબ ઝડપથી થાય છે - કોઈ કોઈ વાર એ ઝડપ એટલી હોય કે તેને એક નક્કી તારીખ આપવી શક્ય બને. બહુ વધારે પડતું સરળ કરી મુક્યા સિવાય એમ કહી શકાય કે,‘લગભગ આ વર્ષ, કે તેની જ આસપાસ, આ શૈલીનાં સાહિત્યની શરૂઆત થઈ.’ મને જો કોઈ 'આધુનિક - આપણે તેને હજુ પણ આધુનિક જ કહીએ છીએ તેનો અર્થ જ એ કે સમયકાળ હજુ પુરો નથી થયો - સાહિત્યની શરૂઆત ક્યારે થઈ એમ પૂછે તો હું ટી એસ ઈલિયટે તેમનું કાવ્ય 'પ્રુફ્રોક (Prufrock)’ પ્રકાશિત કર્યું એ, ૧૯૧૭નું, વર્ષ કહું. જોકે એ વાતને હજુ પાંચ વર્ષથી વધારે નથી થયાં. એટલું ચોક્કસ જ કહી શકાય કે ગત યુદ્ધના અંત ભાગમાં સાહિત્યિક વાતાવરણ બદલ્યું, સામાન્ય લેખક એક જ અલગ વ્યક્તિ તરીકે ઉભરી રહ્યો, અને તે પછીનાં શ્રેષ્ઠ પુતકો, તેનાથી ચાર પાંચ વર્ષ પહેલાંના ઉત્તમ પુસ્તકો કરતાં, એક અલગ જ વિશ્વમાં વસવા લાગ્યાં.

હું જે કહી રહ્યો છું તે સમજવા માટે જેમની વચ્ચે કોઈ સંબંધ નથી, પણ એક માપદંડ સરખો રહે એટલે એક જ સમયખંડની બે કવિતાઓ મનમાં સરખામણી કરો. જેમકે એલિયટનાં શરૂઆતની લાક્ષણિક કવિતાઓની સાથે ૧૯૧૪ પહેલાં બહુ જ પંકાયેલ રૂપર્ટ બ્રૂકની કવિતા. બ્રૂકની સૌથી વધારે પ્રતિનિધિ કવિતાઓમાં યુદ્ધના શરૂઆતના દિવસોમાં તેમણે લખેલ દેશપ્રેમની કવિતાઓ કહી શકાય. તેમનું સૉનેટ, The Soldier (સૈનિક)[1] સારૂં ઉદાહરણ છે .

તેની શરૂઆતની પંક્તિઓ[1]
 

If I should die, think only this of me:     જો હું મૃત્યુ પામું તો મારા વિશે આટલું જ વિચારજો:

‘That there's some corner of a foreign field    કે પરદેશની ભૂમિના કોઈ ખૂણે

That is for ever England”                                         ઈંગ્લેંડ શાશ્વત છે

અને તેની સાથે સાથે જ એલિયટની સ્વીની પરની કવિતાઓ પૈકી ‘Sweeney among the Nightingales / નાઈટિંગેલોની વચ્ચે સ્વીની[2]ની સરખામણી કરીએ,

‘The circles of the stormy moon        તોફાની (રાતના) ચંદ્રમાનાં ચકરડાં

Slide westward toward the River Plate’       પ્લેટ નદી તરફ પશ્ચિમે ખસે

આ બન્ને કવિતાઓ વચ્ચે કાવ્યતત્ત્વ કે એવો કોઈ જ સંબંધ ન હોવા છતાં, બન્ને પોતપોતાના સમયની પ્રતિનિધિ કવિતાઓ છે એ રીતે બન્નેની સરખામણી કરી શકાય, કેમકે. જ્યારે લખાઈ ત્યારે બન્ને સુંદર રચનાઓ હતી. બીજી કવિતા તો આજે પણ સ-રસ જ લાગે છે.

માત્ર ટેકનીક જ નહીં પણ કવિતાના ભાવ, જીવન પ્રત્યેના મોઘમ દૃષ્ટિકોણ, કાવ્યોના બૌદ્ધિક સજાસરંજામ વગેરે અગાધ સ્તરે સાવ અલગ છે. પબ્લિક શાળા અને યુનિવર્સિટીનાં વાતવરાણમાં ઉછરેલ, પોતાના દેશ માટે હોંશે હોશે જાન કુરબાન કરવા જઈ રહેલ, જેની રગેરગમાં ઇંગ્લંડની ગલીઓની, જંગલમાં ઉગતાં ગુલાબની અને એવી અનેક યાદો વહે છે એવા યુવાન અને કંઈ અંશે ઝાંખો પડી ગયેલો પચરંગી શહેરી અમેરિકન, જેની યાદોમાં પેરિસના લેટિન લત્તાઓનાં ગોબરાં રેસ્તરાંઓની શાશ્વતતાનું ક્ષણિક દર્શન ઝબુકતું રહે છે, વચ્ચે અફાટ તફાવત છે. આ માત્ર વ્યક્તિગત તફાવત હોઈ શકે છે, પરંતુ મુદ્દો એ છે કે અલગ અલગ સમયના કોઈ પણ બે લાક્ષણિક લેખકોને બાજુમાં બાજુમાં મુકીને કરાતી સરખામણીઓમાં અંતર લગભગ આવા જ તફાવતો જ પેદા કરે છે. પછી એ જોયસ, હક્ષલી અને વિન્ડહૅમ લેવિસ જેવા એક તરફ અને બીજી તરફ વેલ્સ બૅન્નૅટ અને ગાલ્સવર્ધી જેવા બીજી તરફના નવલકથાકારો કે કવિઓ કેમ ન હોય! નવી પેઢીના લેખકો જુની પેઢીના લેખકો કરતાં અનેક ગણા ઓછા ફલપ્રદ, ઓછા આશાવાદી, અને સામાન્યતઃ જીવન પ્રત્યેના તેમના અભિગમમાં ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. એટલું જ નહીં, આપણને સતત એમ લાગ્યા કરે કે તેમની બૌદ્ધિક અને સૌંદર્ય સંબંધિત પશ્ચાદભૂમિકા અલગ છે - ખાસ તો ફ્લૌબર્ટ જેવા ૧૯મી સદીના ફ્રેંચ લેખક અને ડિકન્સ જેવા અંગ્રેજ લેખકની સરખામણીની વાત હોય. ફ્રેંચ અંગ્રેજ કરતાં ઘણા વધારે વ્યવહારદક્ષ લાગે, જોકે એનો અર્થ એમ નહીં કે તે વધારે સારા લેખક હોય જ. થોડા પાછળ જઈને,૧૯૧૪ પહેલાંનું અગ્રેજ સાહિત્ય કેવું હતું તે જોઈએ.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, The Rediscovery of Europe નો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

[1] 













[2] 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો