બુધવાર, 21 ડિસેમ્બર, 2022

એકલાં,કે સહજીવનસાથી, ભારતીય મા (અને) બાપ - દેવદત્ત પટ્ટનાઈક

અમુક સંસ્થાઓ એમ માનવા તૈયાર નથી કે એકલો પુરુષ કે એકલી સ્ત્રી બાળકને દત્તક લીધા પછી તેને બરાબર ઉછેરી કરી શકે. એ કરતાં તો એ બાળકને કોઈ પણ અનાથાશ્રમમાં રાખવું સારૂં.

કોઈ તર્ક કે વૈજ્ઞાનિક આધાર વિનાની આવી માન્યતાને અંધશ્રદ્ધા કહેવી? તર્કવાદીઓ આવી માન્યતાઓ સામે અવાજ ઉઠાવશે? પથ્થરની પૂજા કરનારને આપણે 'અતાર્કિક' કે 'અવૈજ્ઞાનિક' કદાચ માની શકીએ, તેની કદાચ મજાક પણ ઉડાવી શકીએ. પરંતુ એકલો પુરુષ કે એકલી સ્ત્રી સારાં મા(કે)બાપ ન બની શકે તેમ માનનાર જેનું સન્માન કરવું પડે એવાં 'અલગ પ્રકારના તર્ક'થી જ દોરવાઈ રહેલ છે.

ખેર, તે તો જેમ હોય તેમ, પણ દુનિયામા ફેલાયેલા પડેલા રૂઢિવાદીઓના ચાળા પાડતો હોય તેમ કોઈ બ્રહ્મચારી એમ કહી દે કે એકલાં સ્ત્રી કે એકલાં પુરુષે બાળકને દત્તક લેવું એ 'હિંદુ સંસ્કૃતિ સાથે સુસંગત' નથી તે પહેલાં આપણે જાણી લેવું જરૂરી બની જાય છે કે હિંદુ પુરાણોમાં એકલ મા કે એકલ બાપનાં એવાં અનેક ઉદાહરણો મળી રહેશે જેમાં ક્યાં તો તેમણે બાળકને દત્તક લીધું હોય કે પછી એકલા હાથે પોતાનાં સંતાનને ઉછેર્યું હોય.

કણ્વ ઋષિને જંગલમાં ત્યજી દેવાયેલી એક બાળકી મળી આવી. તેને તેઓ પોતાની સાથે આશ્રમમાં લઈ આવ્યા અને પોતાની દીકરીની જેમ જ તેનો ઉછેર કર્યો. એ બાળકી, શંકુતલા,ને મોટી થતાં ગાંધર્વ વિધિથી લગ્ન કરેલ રાજા દુષ્યંત એક શ્રાપને કારણે ઓળખી નથી શકતો. શકુંતલાએ હવે તેના પુત્ર. ભરત,ને એકલા હાથે ઉછેરવાનો આવે છે. આગળ જતાં ભરત એક એવો મહાન રાજા બને છે કે જે ભૂમિ પર તેણે રાજ્ય કર્યું એ ભૂમિ જ ભારતવર્ષ, અંગેજોએ જેને ઇંડિયા તરીકે ગુલામ કર્યું, તરીકે ઓળખાઈ.

ઉપનિષદોમાં સત્યકામની કથા પણ કહેવાઈ છે. સત્યકામ તેની માતાને એક વાર પૂછે છે કે તેનો પિતા કોણ છે. જવાબમાં જબાલા જણાવે છે કે તેણે બહુ બધા પુરુષો સાથે સંબંધો બાંધવા પડતા હતા એટલે સત્યકામ કોનું સંતાન હોઈ શકે તે તેને ખબર નથી. આજે જબાલાને કોઈ બહુ મુક્ત વિચારની સ્ત્રી કહે કે પછી પુરુષોની હવસ સંતોષવા મજબુર બનતી એક નોકરડી કહે. પણ જે માતાનું બાળક કોઈ જાતના ભય કે શરમ વગર આવું સત્ય કહી શકે છે તે સ્ત્રી, જબાલા,ને ગૌતમ ઋષિ પોતાની પત્ની તરીકે અપનાવે છે.

પુરાણોમાં એક કથા કર્દમ મુની છે જે લગ્ન પહેલાંની શરત મુજબ પુત્રનો જન્મ થતાં તેની પત્ની દેવહુતિ,ની રજા લઈને તે વનમાં તપ કરવા જતા રહે છે. દેવહુતિ પોતાના પુત્ર કપિલને ઉછેરે છે. કપિલ આગળ જતાં સાંખ્યશાસ્ત્રના એક બહુ જ સન્માનીય વિદ્વાન બન્યા.

રામાયણમાં, રામ દ્વારા ત્યાગ કરાયેલાં સીતાજીએ ધાર્યું હોત તો તેઓ પોતાના પિતાને ઘરે પણ જઈ શક્યાં હોત. પણ તેઓ તેમના પુત્રો લવ અને કુશને એકલા હાથે વનમાં ઉછેરે છે. મહાભારતમાં પાંડુ અને માદ્રીનાં અવસાન પછી કુંતિએ પોતાના ત્રણ અને માદ્રીના બે પુત્રોને એકલા હાથ એ રીતે ઉછેર્યા કે મોટા થઈને તેઓ પોતાના વારસાનો કાયદેસરનો ભાગ મેળવી શકે. મહાભારતની એક ઓછી જાણીતી કથા અનુસાર,પોતાની પત્ની ગંગા અને પુત્ર દેવવ્રતથી અળગા પડી ગયેલ શાન્તનુ કૃપા ને કૃપી એમ બે બાળકીઓને જંગલમાં મૃગચર્મ પર કિલ્લોલ કરતાં જૂએ છે, એટલે સમજી જાય છે કે આ કોઈ ઋષિનાં સંતાન છે.અને પોતાની સાથે લાવીને પોતાની દીકરીઓ તરીકે, ઋષિઓને છાજે તેમ, ઉછેરે છે.

પાર્વતીજીએ પણ ગણેશને જન્મ આપ્યો કેમકે તેમના પતિ, શિવજી,ને કુટુંબમાં રસ જ નહોતો. માટે જ ગણેશ વિનાયક(વિના નાયક - પુરુષ વિના)તરીકે પણ ઓળખાય છે. પાર્વતીજીએ પોતાની સ્વતંત્ર ઓળખ પણ પ્રસ્થાપિત કરી. ગણેશને દ્વિમાતા(બે માના પુત્ર) પણ કહેવામાં આવે છે.

તો વળી, ગણેશના મોટાભાઈ કાર્તિકેયને અગ્નિ અને વાયુ જેવા પુરુષ દેવો અને નદીઓનાં દેવી,ગંગા, પર્વતોનાં દેવી પાર્વતી, બરૂંનાં ઊંચાં ઊંચા ઘાસવાળાં જંગલોનાં દેવી શર્વણા અને તારાઓનાં દેવી કૃતિકા જેવાં દેવીઓ જેવાં અનેક 'માતાઓ'એ ઉછેર્યા હતા.આ બન્ને પુત્રોના જન્મ અને ઉછેરની આખી વાતમાં તેમના પિતા શિવજીની ગેરહાજરી આંખે વળગે છે.

બિનપરંપરાગત રીતે સર્જાતાં કુટુંબોની વાતને તેના શબ્દાર્થમાં નહીં પણ હિંદુ સંસ્કૃતિના શ્રેષ્ઠત્વનાં મૂળમાં રહેલ વૈવિધ્યને સમજવા, અને અપનાવવા, માટે આવશ્યક એવી માનસિક રાહતના સ્વરૂપે જોવાની જરૂર છે.
  • મિડ-ડેમાં ૨૫ ઓક્ટોબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Indian, single and parentનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો