બુધવાર, 28 ડિસેમ્બર, 2022

૨૨૦૦નું વિશ્વ - પેટ એલ્કોર્ન

 ટીઈડી ૨૦૦૯ | ફેબ્રુઆરી ૧૯૯૪

એક સમયે હું માલ્થુસવાદી[1] હતો. ફાટફાટ થતી વિશ્વની વસ્તી, ટૂંકી પડતી રહેવા જીવવા માટેની જગ્યા, પરિણામે વણસતી જતી પરિસ્થિતિઓ - એ બધું એ વિશ્વનું મારૂં મોડેલ હતું. 



જોકે હવે હું માલ્થુસથી આગળ નીકળી ચૂક્યો છું, કેમ કે મને લાગે છે કે આપણે હવે નવા જ પ્રકારના આત્મજ્ઞાનથી દોઢસોએક વર્ષ  દુર છીએ.

યુ એનના વિશ્વવસ્તીના આંકડા કદાચ તમે જોયા હશે.[2] એ મુજબ આ સદીના અંત સુધીમાં વિશ્વની વસ્તી વધારો ૧,૦૦૦ કરોડની આસપાસ અટકી જવાની સંભાવના છે. એ પછી, તેમાં મોટા ભાગે, ઘટાડો જ થતો જશે.

હવે ખાધાખોરાકીનાં મોટા ભાગનાં આર્થિક મોડેલ ખોરાકની અછત અને વધતી જતી વસ્તીના આધાર પર બન્યાં છે. એટલે ઘણા અર્થશાસ્ત્રીઓને ઘટતી જતી વસ્તીને પરિણામે નાણાં વૃદ્ધિ જનિત ફુગાવો કે પછી કદાચ મંદી જ દેખાય છે. પણ ઘટતી જતી વસ્તીની બે આર્થિક ફાયદારૂપ અસરો પણ શક્ય બની શકે છે.

 


         એક: અમુક જ મર્યાદિત વિસ્તારની જમીન માટે ઓછાં લોકો હોય એટલે જમીનમાં રોકાણ આકર્ષક ન બની રહે. શહેરોમાં મકાનોની કિમંતમાં  એમ તો જમીનના સટ્ટાખોરી ભાવનો સિંહફાળો હોય છે. જમીનના ભાવોમાંથી સટ્ટાખોરીની રમત નીકળી જાય તો જમીનના ભાવમાં થતાં અવાસ્તવિક સુધારા બંધ થઈ જાય. પરિણામે વિશ્વના ગરીબ વર્ગ પરનું એક મોટું ભારણ હળવું થઈ શકે.

         બે, ઓછી વસ્તી એટલે ઓછો શ્રમિક વર્ગ. શ્રમિક વર્ગની દુષ્પ્રાપ્ય ઉપલબ્ધિ શ્રમ મહેનતાણા વધારે છે. જેમ મહેનતાણું વધે તેમ તેમ પણ ગરીબ અને શ્રમિક વર્ગ પરનું   ભારણ ઓછું થાય.

આપણે અહીં કાળમૂખાં મોત જેવા રોગચાળા કે કુદરતી આફતને કારણે થતાં વસ્તીના ધરખમ ઘટાડાની વાત નથી કરી રહ્યાં. પણ પ્લેગ પછી યુરોપમાં શું થયું તે યાદ કરો: વધતાં શ્રમ દર, જમીન અંગેના કાયદાઓમાં સુધારણા, તકનીકી નવોત્થાન, મધ્યમ વર્ગનો જન્મ અને તે પછી નવજાગૃતિ અને પરંપરાને બદલે તર્કનો બોધ કરતી વિચારધારાઓ જેવી  ભાવિલક્ષી સામાજિક ચળવળોના પવાહ વહેવા લાગ્યા. 


આપણો સાંસ્કૃતિક વારસો મહદ અંશે પશ્ચાતદર્શી હોય છે ભૂતકાળની રંગીન પળોની યાદને આપણે વાગોળ્યા  કરીએ છીએ. પશ્ચિમના મોટા ભાગના  ધર્મોની શરૂઆત ઈવનાં  ક્ષણિક પતનથી થાય છે અને પછી એક પ્રકારનાં નિરંકુશ સ્વૈરવિહારી વર્તમાનમાંથી થઈને બહુ જ બિહામણાં ભવિષ્ય તરફ નીચેને નીચે જતાં રહેતા હોય છે. આમ એકંદરે માનવ ઇતિહાસ ભવ્ય  ભૂતકાળમાંથી નીચે તરફ પતન થતો જતો હોય એ દૃષ્ટિથી જ જોવામાં આવતો હોય છે.


જોકે મને હવે એવું લાગે છે કે વસ્તી વધારો ટોચ પરથી ઘટવાનું શરૂ થશે તેની સકારાત્મક  અસરો હેઠળ પછીની બેએક પેઢી પછી એ પરિવર્તન આવવું જોઈએ. એ તબક્કે, માણસ જાત ક્રૂર, બેહૂદા ભૂતકાળને  વિશે વિચારવાને બદલે રોમાંચક ભવિષ્યનાં સ્વપ્નાં જોશે.  

તમને થશે કે આ બધી વાતનું મહત્ત્વ શું છે. પરિવર્તનના આવા સંક્રાંતિકાળો બહુ જ જોખમી બની જતાં હોય છે એટલા માટે એક સદી પછી સંભવિત એવાં સામાજિક-આર્થિક પ્રવાહોની[3] ચર્ચા આજે કરવી જરૂરી બની જાય છે. જમીનદારો સંપત્તિ ખોવા લાગે અને શ્રમિકો વધારે પગારો માગે ત્યારે કોઈ ને કોઈ શક્તિશાળી હિતધારક ભવિષ્ય વિષે ચિંતિત બની જાય છે. ભવિષ્યનો આ ભય પછી ઉતાવળા, અવિચારી નિર્ણયો લેવા તરફ પ્રેરવા લાગે છે. એ સમયે ભવિષ્ય માટે જો હકારાત્મક દૃષ્ટિકોણ હોય તો ભૂતકાળની ખાઈ તરફ જોયા કરવાને બદલે આપણે ઈતિહાસના એ વળાંકને ઝડપથી પસાર કરી જઈ શકીએ છીએ.     

જો આપણે હકારાત્મક દૃષ્ટિકોણ જાળવીને ભવિષ્ય જોતાં રહી શકીશું તો ૧૫૦ વર્ષ પછીની આપણી પેઢી માલ્થુસને સાવ જ ભૂલી ચૂકી હશે. એ લોકો ભવિષ્યનાં આયોજનમાં ૨૨મી સદીની પરંપરાને બદલે તર્કનો બોધ કરતી વિચારધારાઓનાં ઘડતરનો પ્રારંભ કરતી હશે.

ટીઈડી.કૉમ, પરનાં પેટ એલ્કોર્નનાં અસલ અંગ્રેજી વ્યક્તવ્ય, The World in 2200,  નો તત્ત્વાનુવાદ



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો