બુધવાર, 18 જાન્યુઆરી, 2023

નવપલ્લવિતાનું નૃત્ય અને કિશોરીનો યૌવનાવસ્થા પ્રવેશ સંસ્કાર - દેવદત્ત પટ્ટનાઈક

તમિળનાડુના ઘણા ભાગોમાં કુમારિકા જ્યારે માસિક ધર્મમાં પ્રવેશ કરવાને તબક્કે પહોચે છે ત્યારે બહુ ઝીણવટભરી વિગતે વિધિઓ કરવામાં આવે છે જે છેલ્લે એક મોટા ઉત્સવનાં સ્વરૂપ સુધી પહોંચે છે. એ ઉત્સવમાં કુમારિકાને હળદરનો લેપ કર્યા પછી માથાબોળ સ્નાન કરાવી તેને લગ્નમંડપમાં પ્રવેશતી કન્યા વસ્ત્રાલંકારથી આભૂષિત કરીને ગામ અને સમગ્ર સમાજ સમક્ષ રજુ કરવામાં આવે છે. આમ હવે તે પોતાના પતિ સાથે લગ્નસંબંધ બાંધવા માટે તૈયાર એક પુખ્ત સ્ત્રી બની ચુકી છે તેની જાહેરમાં જાહેરાત થાય છે.

પ્રાચીન સમયમાં કુમારિકાની આ અવસ્થા સ્વયંવરના આયોજનનાં આરંભની સુચક બની રહેતી. સ્વયંવરમાં એ કુમારિકાના હાથ માટે પોતાને યુગ્ય ગણતા ઉમેદવારો આવે છે. ઉમેદવારો પોતાની સાથે કન્યા માટે ભાતભાતની ભેટ સોગાદો લાવ્યા હોય છે તેમ જ પોતાની શુરવીરતા વગેરેને લગતા પુરાવા મળી રહે તેવી સ્પર્ધા જીતવા સજ્જ થઈને આવે છે. પરંતુ આખરી પસંદ એ કુમારિકાનો જ આગવો હક્ક છે. એ જે ઉમેદવારને પસંદ કરે તેની સાથે કન્યાના પિતા કન્યાનાં લગ્ન કરાવે છે. રામાયણ અને મહાભારતના આવા સ્વયંવરોનો ઉદાહરણો તો બધાંને જ્ઞાત જ હશે!

એ પછીના સમય કાળમાં જ્યારે બાળવિવાહો થતા ત્યારે આ વિધિઓ દ્વારા બાળપણમાં કન્યાનાં જેની સાથે લગ્ન થયાં હતાં તે પતિને હવે પોતાને ઘરે લઈ જવા માટે ઈજન અપાતું. આ પ્રસંગે થતી વિધિઓને ઉત્તર ભારતમાં 'ગૌના રસમ' કહેવામાં આવે છે તો ગુજરાતમાં 'આણું વાળવું' કહે છે. વરપક્ષ કન્યાને ભેટ સોગાદો સાથે વાજતેગાજતે પોતાના પતિના ઘરે લગ્નજીવનના આરંભ માટે લઈ જાય છે.

યુરોપ અને અમેરિકામાં આવી જ પ્રથા પ્રચલિત છે., જે 'નવપલ્લિતા નૃત્ય (‘Debutante Ball’[1]) તરીકે ઓળખાય છે. ભદ્ર સમાજની સામાજિક વિધિમાં પિતા બારીક કપડાં પહેરેલી દીકરી સાથે, મિત્રો, કુટુંબીજનો અને અન્ય સમાજ સામે નૃત્ય કરીને ઉચ્ચ સામાજિક વર્તુંળોમાં દીકરીને રજુ કરે છે. આમ કરતાં તે આડકતરી રીતે જાહેર કરે છે કે સમાજના કાયદા કાનુન અનુસાર જે કંઇ રીતો શક્ય હોય તે મુજબ પુરુષ સાથે સંબંધ બાંધવા માટે તેમની દીકરી હવે બધી વાતે તૈયાર છે. રૂઢિચુસ્ત સમાજમાં ખા પ્રચલિત એવાં અમેરિકાનાં નવપલ્લિતા નૃત્યોમાં પિતા અને દીકરી વીંટીની અદલાબદલી કરે છે જેના વડે દીકરી પિતાને એવું વચન આપે છે કે જ્યાં સુધી પોતાનો હાથ તેના પિતા કોઈને વિધિપુરઃસર લગ્નમાં નહીં સોંપે ત્યાં સુધી તે પોતાનું કૌમાર્ય અખંડ રાખશે.

આખી વાતમાં એક બાબત જે ખાસ ધ્યાન આપવાલાયક છે તે એ છે કે તમિળ યૌવનપ્રવેશ વિધિઓને આપણે પછાત, જંગલી કે ધાર્મિક ગણતાં આવ્યાં છીએ તો એવી જ વિધિ યુરોપ અને અમેરિકામાં આધુનિક, સભ્ય, અમીર સમાજનું અને બિનસંપ્રદાયિક ગણવામાં આવે છે. આના પરથી એમ લાગે છે કે નાનાં ગામ જેવી બની ગયેલી વૈશ્વિક દુનિયામાં પશ્ચિમનો સમાજ તેની પિતૃપ્રધાન સમાજવ્યવસ્થાને બહુ આકર્ષક રીતે રજૂ કરી શકેલ છે.

ઘણી જ્ગ્યાએ આવા સમારંભમાં 'આમત્રણ દ્વારા' શબ્દ પર ભાર મુકાતો હોય છે. જેમકે પેરિસનાં આ નૃયોમાં પ્રવેશ મેળવવા મટે 'આમંત્રણ' મળ્યું હોય તે પુર્વશરત છે. અને આમંત્રણ એને જ મળે જેના પિતા પાસે ધનદૌલતના ઢગલા હોય કે પછી પિતા મોટો રાજામહારાજા હોય. આ બાબતે કોઈ લોકશાહી નથી ચાલતી. આખા નૂત્ય સમારંભમાં મોભાના ભાવને જ માન મળે છે. નવયૌવનાઓ અને તેમના પિતાઓ પણ આ મોભાની ઝંખનામાં જ ઝૂરતાં હોય છે.

પિતૃપ્રધાન સમાજવ્યવસ્થાને આપણે ધાર્મિક પ્રથા માની લેતાં આવ્યાં છીએ, પણ પશ્ચિમના 'બિનસાંપ્રદાયિક' સમાજનાં સૌથી ધનિક વર્તુળોમાં અને સૌથી વિકસિત કહેવાતા દેશોમાં, મોભાની રીતસરની હોડ સ્વરૂપે પિતૃપ્રધાન સમાજવ્યવસ્થા ધમધમે છે. સામાન્યપણે બહુ જ આદિમ, જંગલી ગાણાતા સમાજમાં સ્ત્રીને મોભાની સાથે જોડી દેવાતી આવી છે મોભાદાર ખોરડાંઓની દીકરીઓ માન અને મર્યાદાના ચંદ્રકોના સ્થાને ગણાય છે. પતિ માટે તે વિજય કે સફળતાનાં સ્મારકચિહ્ન જેવું અગત્ય ધરાવે છે. એટલે તેને તો સજાવી ધજાવીને જાહેર પ્રસાર માધ્યમોની હાજરીમાં બજારમાં પ્રદર્શનમાં રખાતી હોય છે. દીકરાઓનાં જાહેર પ્રદર્શનોની, કે તેમને માટે નૃત્ય સમારંભોની, કોઈ જરૂર ન હોય !

પ્રજનન વિજ્ઞાનમાંથી મળતી જાણકારીના આધાર પર હવેના કાયદાઓ સ્ત્રીઓ માસિક ધર્મમાં પ્રવેશે એટલે પહેલાંના સમયની જેમ યૌન સંબંધોમાં સક્રિય થવા માટે મંજુરી નથી આપતા. સભ્ય સમાજો એ માટે 'લગ્ન માટે કાયદા મુજબની ઉમર' જેવી વ્યવસ્થા ઘડી કાઢે છે અને એ ઉમર પહેલાં કરાતા યૌન સંબંધોને 'દુષ્કર્મ' ઠરાવે છે. પરંતુ પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થા આનો પણ રસ્તો ખોળી કાઢે છેં. માસિક ધ્રર્મમાં પ્રવેશ સાથે ઉજવાતી પ્રાચીન વિધિઓને આજના માર્કેટિંગ અને બ્રાંડ ગુરુઓ લોકોની મહત્વાકાંક્ષાઓને પુરી કરતા ચિત્તાકર્ષક પ્રસંગોમાં સજાવીને સિફતથી બહુ મોટા ઉત્સવોમાં ફેરવી કાઢીને પોતાનું કામ એવી રીતે કાઢી લે છે કે લોકોને પૌરાણિક વિધિઓ સામે દૈન્ય દાખવ્યું છે તેવું પણ નથી અનુભવવા દેતા. ખરેખર હો, પશ્ચિમના સમાજની મનુસ્મૃતિઓને જરા પણ ઓછી આંકવાની ભુલ ન કરવી જોઈએ!
  • મિડ-ડેમાં ૧ નવેંબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Debutante ball & puberty ritesનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો