બુધવાર, 1 ફેબ્રુઆરી, 2023

રાજ સત્તાના સ્થંભનો ભંગ - દેવદત્ત પટ્ટનાઈક


 ઘણી વાર આજનાં લોકો માટે એ માનવું અઘરૂં થઈ પડે છે કે પુરાણો, કે રામાયણ મહાભારતની કથાઓ  માંડ બે એક હજાર વર્ષથી વધારે જુની નથી. એટલે કે આ કથાઓ મૌર્ય અને ગુપ્ત કાળની વચેના સમયમાં પ્રચલિત બની કહેવાય. શક્ય છે કે તે પહેલાં આ કથાઓ મૌખિક પરંપરાના સ્વરૂપમાં પણ પ્રચલિત હશે, પણ તે વિષે આપણે તો કલ્પના જ કરી શકીએ. એટલે ૫,૦૦૦ વર્ષ પહેલાંનાં તેમનું અસ્તિત્વ તો માત્ર શ્રધ્ધાનો જ વિષય બની રહે છે. મૌર્ય રાજાઓનો પરિચય તો વૈદિક દેવો કે બૌદ્ધ  જૈન પુરાણોમાં વર્ણવાયેલ દંત કથાઓનાં દેવી દેવતાઓ સુધી જ સીમિત હતો. એટલે શિવ અને વિષ્ણુન્ના અવતારોની જે કથાઓ આપણને સુપેરે પરિચિત છે, તેમનાથી તેઓ સ્વાભાવિકપણે સાવ અજાણ હતા.

મૌર્ય કાળ પછી, હિંદુ ધર્મ કર્મકાંડી માળખામાંથી  કથા આધારિત ધર્મનાં સ્વરૂપમાં ઢળતો ગયો. તે સાથે ઇશ્વરનું એવું વ્યક્તિગત સ્વરૂપ ઉભરવા લાગ્યું જેણે એક તરફ સંસારના ત્યાગના મહિમાની હિમાયતી આશ્રમવાસી /મઠવાસી વિચારસરણીની સામે સવાલ કર્યા તો બીજી તરફ સત્તાકેંદ્રી રાજાશાહીને પડકાર ફેંક્યો. જેના પરિણામે શિવ અને વિષ્ણુની વિચારધારાઓ ખુબ પ્રસાર પામી અને સામાન્ય પ્રજાના મનમાં છવાઈ જવા સ્પર્ધા કરવા લાગી. આ દેવો સતત એ સાબિત કરતા રહ્યા કે તેઓ કાલાધીન પાર્થિવ સતા કરતાં વધારે શક્તિશાળી છે. તેઓ એ પણ સાબિત કરતા રહ્યા કે ગમે એટલા શક્તિશાળી રાજા, કે તેનાં શક્તિશાળી સામ્રાજ્યની, આવરદા આખરે તો સીમિત જ છે , જ્યારે અનંત વિસ્તાર પર પ્રસરેલી તેમની સત્તા અજરામર છે.

તેમની પહેલાંની વૈદિક કુળોની પ્રજાની જેમ મૌર્ય રાજાઓએ પણ ભવ્ય નગરો વસાવ્યાં, જેમાં થતાં બાંધકામોમાં ગારમાટી અને લાકડાંનો હિસ્સો મુખ્ય રહેતો. ભારતમાં બાંધકામમાં પથ્થરનો ઉપયોગ તો આરબ-ગ્રીક પ્રભાવ હેઠળ, બહુ પછીથી થયો. તેમ છતાં મૌર્ય રાજાઓને પથ્થરનાં એક સ્થાપત્ય - સ્તંભો -માટે બહુ જ લગાવ હતો. આ સ્તંભોમાંથી ચાર દિશા તરફ પોતાની આણ પ્રવર્તાવવાના પ્રતિક સમા ચાર સિંહ અને માનવ જીવનનાં ૨૪ તબક્કાઓનાં, કે માનવીએ કેળવવાલાયક ૨૪ ગુણોનાં, પ્રતિક સ્વરૂપ ચોવીસ આરા ધરાવતાં ધમ્મચક્ર ધરાવતો અશોક સ્તભ સૌથી વધારે જાણીતો છે. એમ પણ માની શકાય કે અશોક સહિતના વિશ્વના અનેક રાજાઓમાં આ પ્રથા પ્રચલિત થવા પાછળ જાહેર પ્રત્યાયન માટે રાજાજ્ઞાપત્રો, શિલાસ્તંભો કે લોહસ્તંભોનો મહાન પર્શિયન રાજાઓ દ્વારા કરાતો બહોળા ઉપયોગનો પ્રભાવ હોઈ શકે છે 

આ સ્તંભો થકી પ્રદર્શિત થતી રાજવી સત્તાનું મહત્ત્વ ઓછું કરી નાખવાના આશયથી શિવ પુરણ અને વિષ્ણુ પુરાણમાં એવી કથાઓ છે જેમાં દેવ સ્તંભ ચીરીને બહાર આવે અને પોતાની  અદભુત શક્તિઓનો પરિચય કરાવી પોતાની દૈવી સતાનો દાખલો બેસાડી દે.  જેમકે વિષ્ણુ પુરાણમાં ભગવાન નરસિંહ અવતાર લઈને સ્તંભ ફાડીને બહાર આવી, સત્તાના મદમાં છકી ગયેલા અસુર, હિરણ્યકશિપુ,નો નાશ કરે છે. શિવ પુરાણની કથામાં શિવ એક તેજ શિખાનું રૂપ લે છે. વિષ્ણુએ તેનું મૂળ અને બ્રહ્માએ તેની ટોચ ખોળી આપવાનો દાવો કરેલ પણ આ શિખા અનંત સુધી એવી વિસ્તરતી રહે છે કે વિષ્ણુ અને બ્રહ્મા ભોંઠા પડી જાય છે. 

જોકે, આમાનું કશું સાબિત તો થઈ ન શકે, પણ એક ખયાલ તરીકે આખી વાત રસપ્રદ જરૂર બની રહે છે. આપણને એમ સમજાય છે કે આવી કથાઓ હવામાં નથી રચાતી, તેમને એક ઐતિહાસિક સંદર્ભ સાથે સંબંધ હોય છે અને અમુક દૃષ્ટિકોણ સમજાવવા માટે જ તે રચાયેલ હોય છે. વિષ્ણુ અને શિવની સ્થંભ કથાઓને પરિણામે હજારો ક્ષેત્રીય રાજાઓ પોતાને હંમેશાં ઈશ્વરના દાસ ગણતા અને માનતા કે તેમની શક્તિ ઇશ્વરની કૃપાથી છે. પરિણામે તેઓ સત્તાના મદમાં છકી ન જતા. બ્રાહ્મણો સત્તાના જ્ઞાન પરનાં વધારે પડતાં અતિક્રમણનો પુરી તાકાતથી વિરોધ કરતા. જેનું એક પરિણામ એ પણ આવતું કે રાજ દરબારમાં બ્રાહ્મણોનું આગવું આધિપત્ય બની રહેતું. તે કારણે તેઓ સામાન્ય પ્રજામાં પણ બહુ લાડીલા બની રહેતા, કેમકે કોઈ પણ સમયની સામાન્ય પ્રજાને  તો સતાના સિંહાસન પર બીરાજેલાઓને પોતાના કદમાં રાખતી દરેક શક્તિ માટે ખાસ ભાવ રહ્યો જ છે.

  • મિડ-ડેમાં ૮ નવેંબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Breaking the royal pillarનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો