શુક્રવાર, 7 એપ્રિલ, 2023

જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - કેટલીક પ્રાથમિક વાતો

 વિરોધાભાસી વિસંગતિમાં છુપાયેલ સંગતિ

કેમ્બ્રિજ શબ્દકોશ 'વિરોધાભાસી વિસંગતિમાં છુપાયેલ સંગતિ / The Paradox’ ને એવી પરિસ્થિતિ અથવા નિવેદન તરીકે વ્યાખ્યાયિત કરે છે જેમાં બે વિરોધી હકીકતો અથવા લાક્ષણિકતાઓ આવરી લેવાયેલી હોવાને કારણે પહેલી નજરે અશક્ય લાગે છે, અથવા સમજવાં મુશ્કેલ છે.

બધાં પ્રાણીઓ સમાન છે, પણ કેટલાંક બીજાં કરતાં વધારે સમકક્ષ છે. - એનીમલ ફાર્મ, ૧૯૫૪

પૅરડૉક્સ શબ્દ મૂળ લેટિન પેરાડોક્સમ પરથી આવ્યો છે, જે પાછો ગ્રીક પેરાડોક્સોસ પરથી આવ્યો છે. તે પ્રાચીન ગ્રીક શબ્દો પેરા અને ડોકેઈનનું સંયોજન છે. પેરા- એ એક ઉપસર્ગ છે જેનો અર્થ થાય છે "-ની પેલી પાર / બિયોન્ડ", જ્યારે ડોકેઇન એ ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે "વિચારવું." બન્નેને જ્યારે જોડીએ છીએ તો તેનો અર્થ થાય છે-  "વિચારની પેલી પાર." આમ 'વિરોધાભાસ / પૅરડૉક્સ' એ એક એવો વિચાર છે જે તમને તમારા વિચારની સામાન્ય, અપેક્ષિત મર્યાદાઓની પેલી પાર વિચારવા માટે દબાણ કરે છે.

વિરોધાભાસ સામાન્ય રીતે પહેલી નજરે પરસ્પર અસંબંધિત ઘટકોનો સમાવેશ કરે છે જે એકસાથે અસ્તિત્વ ધરાવે છે અને વધારે વિચાર કર્યા પછી પણ એકબીજાંની સાથે  જ વળગી રહે છે. . સામાન્ય વપરાશમાં, "પૅરડૉક્સ" શબ્દ ઘણીવાર એવા નિવેદનોનો ઉલ્લેખ કરે છે જે માર્મિક અથવા અણધાર્યા હોય, જેમકે, "કંઈ કર્યા વિના થાકી જવું." કલ્પના કરો કે જ્યારે તમે સફર પર ગયાં હો અને માત્ર કાર અથવા ટ્રેનમાં કંઈ કર્યા વિના બેસી રહેવાનું આવે તો દિવસના અંતે, જો તમે વ્યસ્ત હોત તેના કરતાં તમે કદાચ વધુ થાક અનુભવો છો.

સમાન અર્થી જણાતા અલગ અર્થ ધરાવતા પારિભાષિક શબ્દો

અંગ્રેજી ભાષામાં એવા કેટલાક પારિભાષિક શબ્દો છે જે સામાન્ય સમજ પ્રમાણે તો 'પૅરડૉક્સ' જ લાગે પણ શબ્દકોશ તેમને બહુ જ સૂક્ષ્મ પણ અલગ અર્થમાં રજુ કરે છે. ગુજરાતી ભાષામાં તો આ અંગ્રેજી શબ્દોના કદાચ અલગ ગુજરાતી પર્યાય પણ આપણને નહીં મળે, એટલે મૂળ અંગ્રેજી શબ્દ જ અહીં વાપરેલ છે. 


ઑક્સિમૉરન
/વિરોધાભાસ (અલંકાર) : ઑક્સિમૉરન એ એક એવો અલંકાર છે જેનો અર્થ સ્વ-વિરોધાભાસી  હોઈ શકે છે (દુશ્મનનો દુશ્મન એ મિત્ર છે). બીજા શબ્દોમાં કહીએ તો ઑક્સિમૉરન વિરોધી અર્થ ધરાવતા શબ્દો (જીવતું હાડપિંજર) નું સંયોજન છે.

ઑક્સિમૉરન શબ્દ પોતે જ એક ઑક્સિમૉરન છે, કારણ કે ગ્રીકમાં તેનો અર્થ ઓક્સસ (તીક્ષ્ણ, આતુર) અને મોરોસ (નીરસ, મૂર્ખ), એટલે કે 'તીક્ષ્ણ મૂર્ખ' થાય છે.

ઍન્ટનિમ / વિપર્યાય - વિરોધી અર્થોવાળા શબ્દોની જોડીવાળા શબ્દ (સ્ત્રીપુરુષ) થી ઑક્સિમૉરન (વ્યાપાર ઉદ્યોગનું નીતિશાસ્ત્ર) બનતા નથી કારણ કે કોઈપણ પદાર્થમાં એક સાથે બે વિરોધી ગુણધર્મો હોય એવું સુચિત નથી.


ડાઇકૉટમી /
દ્વિભાજન એ બે વસ્તુઓ વચ્ચેનું એવું વિભાજન અથવા વિરોધાભાસ છે જે વિરોધ અથવા સંપૂર્ણપણે અલગ તરીકે દર્શાવવામાં આવે છે (રાતદિવસ). ડાઇકૉટમી બ્રહ્માંડના મુખ્ય લક્ષણોમાંનું એક હોવાનું જણાય છે. દરેક વિરોધાભાસી લાક્ષણિકતાઓ જ્યાં એક સાથે જ જોવા મળે છે એવું બ્રહ્માંડ પોતે જ પદાર્થ અને પ્રતિપદાર્થની બિબ બૅન્ગ સમયે સરખી હાજરીમાંથી પેદા થયેલ છે

ચાર્લ્સ ડિક્ન્સની વિખ્યાત નવલકથાની શરૂઆત જ ડાઇકોટમીથી છે -

"એ શ્રેષ્ઠ સમય હતો, અને સૌથી ખરાબ સમય હતો, એ ડહાપણનો સમય હતો તો નરી મૂર્ખતાનો પણ હતો, એ શ્રધાનો યુગારંભ હતો તો અંધશ્રદ્ધાના ઉદયનો પણ સમય હતો, એ જેટલો પ્રકાશનો સમય હતો એટલો જ અંધકારનો પણ હતો, એ આશાની વસંત હતી તો આશાભંગનો થીજાવી નાખતો શિયાળો પણ હતો […]

ડાઇકોટમી શબ્દ ગ્રીક ડિચા (બેમાં) અને ટોમ (કાપ, ચીરો) પરથી આવ્યો છે, એટલે કે, 'વિભાજન કાપ (પૈસાદાર અને ગરીબ વર્ગની જીવન પદ્ધતિ)
આઈનસ્ટાઈનનું કથન આ વિશે બહુ  સુચક છે -: ધર્મ વિનાનું વિજ્ઞાન લંગડું છે, વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે. વિશ્વાસ અને તર્ક એકસાથે વિરોધાભાસી હોવાની સાથે એકબીજાંનાં પૂરક પણ છે.

એન્ટિથેસિસ/પ્રતિસિદ્ધાંત એવું કથન છે જેમાં બે તદ્દન વિરોધી વાત/વિચારો હોય છે પણ સાથે વાંચતાં એ બે વિરોધી બાબતો અર્થપૂર્ણ હોય છે. એન્ટિથેસીસ (ગ્રીકમાં "વિરોધી ગોઠવણી" -  ἀντι- "વિરુદ્ધ" અને θέσις "ગોઠવણી" -માંથી)નો ઉપયોગ લેખિત અથવા વ્યક્તવ્યોમાં કાં તો એવા પ્રસ્તાવ તરીકે થાય છે જે અગાઉ ઉલ્લેખાયેલા કેટલાક પ્રસ્તાવ સાથે વિરોધાભાસી હોય, અથવા અવળો અર્થ સુઝાડે, અથવા જ્યારે વિરોધાભાસ માટે બે વિરોધી વાતો જ એકસાથે રજૂ કરવામાં આવે. વિરોધી અથવા વિરોધાભાસી લાગતા વિચારોનો અસરકારક ઉપયોગ દલીલને મજબૂત કરવા માટે થાય છે. પ્રતિસિદ્ધાંતો સામાન્ય રીતે શબ્દોનાં સંતુલન અને તેમના પર મુકાતા ભાર દ્વારા વાચક અથવા શ્રોતા માટે વાક્યને વધુ યાદગાર બનાવે છે. દાખલા તરીકે –

બોલવાનું હોય ત્યારે ચુપકીદી સેવવી અને જ્યારે મૌન રહેવું જોઈએ ત્યારે બોલી પડવું એ બે બાબતો મનની નબળાઈ દર્શાવે છે . (સાદી શિરાઝી)

તમારો દેશ તમારા માટે શું કરી શકે તે ન પૂછશો પણ પૂછો કે તમે તમારા દેશ માટે શું કરી શકો છો. - જ્હોન એફ. કેનેડીનું પ્રુમુખ તરીકે પદભાર સંભાળતી વખતે કરેલ પ્રવચન, ૧૯૬૧.

આપણે અહીં શું કહીશું તેની વિશ્વ ભાગ્યે જ નોંધ લેશે કે લાંબા સમય સુધી યાદ રાખશે, પરંતુ તેઓએ અહીં જે કર્યું તે વિશ્વ ક્યારેય ભૂલી શકશે નહીં. (અબ્રાહમ લિંકનગેટિસબર્ગ વક્તવ્ય, ૧૮૬૩.

મારું એક સપનું છે કે મારા ચાર નાના બાળકો એક દિવસ એવા રાષ્ટ્રમાં જીવશે જ્યાં તેમનું મૂલ્ય તેમની ત્વચાના રંગથી નહીં પરંતુ તેમના ચરિત્રનાં મૂળ તત્ત્વના આધારે કરવામાં આવશે. (માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, લિંકન મેમેઓરિયલ, વોશિંગ્ટન ડી.સીંઆં ૨૦ ઓગસ્ટ ૧૯૬૩ના દિવસે આપેલું વ્યક્તવ્ય.)


આઈરની / વક્રોક્તિ એવી પરિસ્થિતિ કે જેમાં કોઈ ચોક્કસ પરિણામ લાવવાનો ઈરાદો હોય પણ ખરેખર વિપરીત અથવા ખૂબ જ અલગ પરિણામ આવે. –

ઉદાહરણ - જીવનની એવી વિડંબના છે કે તમે જે વસ્તુઓ હંમેશા ઇચ્છતા હો તેના માટે તમે પૂરતા પૈસા કમાઈ લો ત્યાં સુધીમાં, તમારી પાસે તેનો આનંદ માણવાની શક્તિ નથી રહેતી.

વક્રોક્તિ એવા શબ્દોનો ઉપયોગ પણ છે જે તમે જે કહેવા માગો છો તેનાથી વિરુદ્ધ છે, દાઢમાં કાંકરો રાખીને રમૂજી સ્વરમાં ભારેખમ વાત સંભળાવી દેવા પણ વક્રોક્તિ વપરાય છે. - ઉદાહરણ- મારાં બધા રહસ્યો ખુલ્લા કરીને બહુ સારૂં કર્યું.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો