યાદ કરોકે જ્યારે (૧૩ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ) જાપાનના વડાપ્રધાન (શિન્ઝો અબે) ભારતની મુલાકાતે આવેલા ત્યારે વારાણસી ખાતે તેમના યજમાન ભારતીય વડા પ્રધાન સાથે સાંધ્યઆરતીનાં તેઓએ દર્શન કર્યાં અને તેમણે ગંગા નદીને અર્ધ્ય અર્પણ કર્યું હતું. આમ કરતી વખતે શું તેઓ કોઈ અંધશ્રદ્ધાળુ વિધિ કે ધાર્મિક વિધિ કરી રહ્ય હતા કે પછી રાજદ્વારી શિષ્ટાચાર રૂપે યજમાને યોજેલ એક ઘટના જોઈ રહ્યા હતા અને તેમાં ભાગ લઈ રહ્યા હતા?
આ બાબતનો ઉલ્લેખ કરવાનું કારણ એ ચે કે ૧૯મી સદીમાં, જ્યારે યુરોપની સામ્રાજ્યવાદી સત્તાઓએ જાપાનમાં "ધર્મ" શબ્દ રજૂ કર્યો, અને ધાર્મિક સ્વતંત્રતાની માંગ કરી. તેનાં પરિણામે જાપાનનું માનસ ત્રિવિધ વિભાજનમાં વહેંચાઈ ગયું. તરફ ગયું અને તેની રાષ્ટ્રીય વિચારધારા (શિંટો)ને ધર્મ (બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મો) થી, અને ધર્મને અંધશ્રદ્ધા (શામનિક પ્રથાઓ[1])થી અલગ કર્યાં. મેઇજી વંશને પુનઃસ્થાપિત કરતી ક્રાંતિ પછી, જાપાને - યુરોપમાંથી આયાત કરાયેલ અને મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મને સમજાવવા માટે રચાયેલ શબ્દ-"ધર્મ" ની વ્યાખ્યા કરીને વધુ બિનસાંપ્રદાયિક અને આધુનિક બનવાની કોશિશ કરી.
બિનસાંપ્રદાયિક અને આધુનિક બનવા માટે, સામાન્ય રીતે અતાર્કિક અને બિન-વૈજ્ઞાનિક તરીકે જોવામાં આવતા, ધર્મને ફક્ત ખાનગી સ્થાનોમાં જ મંજૂરી આપવામાં આવી હતી. તે સમયના જાપાની બૌદ્ધિકોએ ખૂબ જ ચાલાકીથી ધર્મને, આવશ્યકપણે વૈજ્ઞાનિક અને તર્કસંગત મનાતી, રાજ્યની વિચારધારા (શિંટો)થી અલગ કરી દીધો.
તેઓએ ધર્મને બિન-વૈજ્ઞાનિક અને અતાર્કિક માનવામાં આવતી અંધશ્રદ્ધાથી પણ અલગ કર્યો. ધર્મ સંસ્થાકીય, શહેરી, પિતૃસત્તાક, લેખિત અને બૌદ્ધિક હતો અને "એકેશ્વર" અથવા "એક સત્ય" ની વાત કરતો હતો. તેની સામે અંધશ્રદ્ધા લોક માન્યતા, ગ્રામીણ, નારી શામનનાં પ્રભુત્વવાળી, મૌખિક, બિન-બૌદ્ધિક છે અને બહુવિધ આત્માઓની, રાક્ષસોની અને દેવતાઓની વાત કરે છે.
આ ત્રિપક્ષીય વિભાજન, ઘણી રીતે, એવી બાબત છે છે જે આઝાદી પછીથી ભારતને પીડતું રહ્યું છે.
એક તરફ નેહરૂની બિનસાંપ્રદાયિકતા અને બીજી તરફ મોદીની વર્તમાનની હિન્દુત્વ તરફની રાષ્ટ્રીય વિચારધારા છે. એ બંને વૈજ્ઞાનિક અને તર્કસંગત હોવાનો દાવો કરે છે. પહેલી વિચારધારા ભારતની પ્રાચીન, ખાસ તો હિંદુ, પરંપરાઓથી પોતાને દૂર રાખે છે તો બીજી હિંદુ ધર્મની અમુક ચોક્કસ ધારણાઓને લડાયક રાષ્ટ્રવાદનાં જોમથી સમર્થન આપે છે. ધર્મને આપણે ખાનગી રાખવાનો છે, અને અંધશ્રદ્ધાની સામે આપણે કાયદાઓ બનાવવા માંગીએ છીએ.
જેટલું વધુ વિચારો છો, તેટલું વધુ સમજાય છે કે વર્ગીકરણમાં એક શક્તિ છે. નહેરુની બિનસાંપ્રદાયિકતા ઇચ્છતી હતી કે હિંદુ ધર્મને ધર્મના એક ચોકઠામાં મૂકી દેવામાં આવે, અને તેને અંગત કક્ષાએ રહેવા દઈને અનિવાર્યપણે તેને "(માત્ર) માન્યતા" જાહેર કરવામાં આવે, જેથી "અંધશ્રદ્ધાળુ" કહી શકાય એવી બધી અતાર્કિક અને અવૈજ્ઞાનિક અને પિતૃસત્તાક અને સુધારાની જરૂર જણાતી દરેક બાબતોનું શુદ્ધિકરણ થાય.
હિંદુ ધર્મના કેટલાક પાસાઓને ધાર્મિક તરીકે નહીં, પરંતુ વૈજ્ઞાનિક અને તર્કસંગત અને તેથી રાષ્ટ્ર-રાજ્યની વિચારધારા સાથે જોડાયેલા હોવાના પ્રયાસ સાથે હાલમાં એક વળતી ચાલ ચાલી રહી છે. આથી બીજા વિશ્વયુદ્ધમાં જાપાનીઓની હાર પછી શિંટોને નકારી કાઢવામાં આવેલ તે પહેલાં, શિંટોની જેમ જ, ધર્મ અને યોગ એ વૈજ્ઞાનિક વિચારો છે એવી દરેકને ખાતરી કરાવવાનું એક પ્રકારનું નિતાંત આક્રમ્ણ હાલમાં જોવા મળે છે.
કોંગ્રેસના રાજકારણીઓ અને કટ્ટરપંથી ડાબેરીઓમાંના ઘણા લોકો આપણને સમજાવવા માંગે છે કે ભાજપ આદ્ય-ફાસીવાદી છે. તેમ છતાં જ્યારે નેહરુ-ગાંધી પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય છે - ખાસ કરીને જો તે ભૂતપૂર્વ વડા પ્રધાન હોય - ત્યારે તેમના મૃતદેહને સંપૂર્ણ જાહેર સન્માન સાથે અગ્નિદાહ આપવો એ શિષ્ટાચાર શાસનનો વણલખ્યો નિયમ બની ગયો છે. એ વિધિ પાછી શુદ્ધ વૈદિક રીતથી કરવામાં આવે છે જેથી મતદારો ગાંધી પરિવારના હિંદુ મૂળ પર શંકા ન કરે. આમ, રાષ્ટ્ર-રાજ્યના વાસ્તવિક રાજકારણને પોષણ આપવા માટે ખાનગી ધર્મને ખૂબ જ જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવે છે.
શરીર જ્વાળાઓમાં લપેટાયેલું હોવા છતાં મૃતકની ખોપરી તોડવાની હિંદુ સંસ્કાર પ્રથા સહિતની બધી ધાર્મિક વિધિઓને કોઈ અંધશ્રધ્ધા માનતું નથી. તેના પર પ્રતિબંધ મૂકવા માટે પણ કોઈ અવાજ નથી ઉઠાવતું નથી. ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહનો પણ હજુ એટલો વ્યાપકપણે સ્વીકાર નથી થતો. કોઈ પણ મોટા નેતાની અંતિમ વિધિ લાકડાં વડે અગ્નિદાહથી થતી જ જોવા મળે છે. તે ઉપરાંત, રાજ્યને ખર્ચે, "સમાધિ" બનાવવી એ પણ મહત્વપૂર્ણ પ્રથા બની રહી છે. આશ્ચર્યની વાત એ છે કે એક સમયે આ પ્રથા જે હિંદુ સાધુઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ન હોય પણ જેમને દફનાવવામાં આવેલ હોય તેમના પુરતી જ મર્યાદિત હતી. ત્યારબાદ મૃતકને અમરત્વ બક્ષવા માટે મૃતકોની કબરો બનાવવાની મુઘલ પ્રથા પ્રચલિત હતી. આ બધું શું આ તર્કસંગત છે? શું સમાધિ-પૂજાને તર્કસંગત ગણીશું?
· સ્ક્રોલ્લ.ઈન.માં ૧૩ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
·
દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Superstition
and the inherent cruelty of rationalists નો અનુવાદ| પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
।
·
અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૭ જૂન, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો