બુધવાર, 5 જુલાઈ, 2023

હિંદુ ધર્મ: પૂર્વ-આધુનિક, આધુનિક, ઉત્તર-આધુનિક કે ઉત્તર-ઉત્તર આધુનિક? - દેવદત્ત પટ્ટનાઈક

વ્યક્તિલક્ષી સત્યનો વિચાર મોટાભાગના લોકોને અસ્વસ્થ કરી મુકે છે, કેમકે તેઓ ઉદ્દેશ્યપૂર્ણ સત્યને પસંદ કરે છે. આમ થવું એ 'વૈજ્ઞાનિક' શિક્ષણના પરિણામે આપણી ઘડાઈ ગયેલી મનોદશા છે. . ઉદ્દેશ્યપૂર્ણ સત્યમાં, સત્ય આપણી બહાર અસ્તિત્વ ધરાવે છે. આપણે સત્યમાં કોઈ ભૂમિકા ભજવતા નથી. વ્યક્તિગત મંતવ્યોને તેમાંથી બહાર રાખતી તેની રચના અબ્રાહમી વિચસરણીની નીપજ છે. અબ્રાહમી માન્યતા અનુસાર ભગવાન અને સત્ય માનવ મનની બહાર સ્થિત છે. ડર પર અધારિત 'પૂર્વ-આધુનિક' વિચારસરણીથી અલગ પડીને સત્ય માનવ મનની બહાર હોવાની વિભાવના 'આધુનિક' વિચારસરણી બની ગઈ. વૈજ્ઞાનિકો માટે, પૂર્વ-આધુનિક બધી વસ્તુઓ અંધશ્રદ્ધા છે.

આસ્તિકો માટે ધર્મ આધુનિક છે. તેથી ધર્મ 'વૈજ્ઞાનિક' સિદ્ધાંતો પર આધારિત છે તે બતાવવાની તેમને ઝંખના રહ્યા કરે છે. પરંતુ વીસમી સદીના ઉત્તરાર્ધમાં, ઉત્તર -આધુનિકતાવાદનો જે વિચાર આવ્યો, તે વ્યક્તિલક્ષીતાને મહત્ત્વ આપે છે. તેના વિદ્વાનોએ જાહેર કર્યું કે માનવ સંસ્કૃતિના અભ્યાસો સહિત તમામ ઉદ્દેશ્યલક્ષી સિદ્ધાંતો વાસ્તવમાં વ્યક્તિલક્ષી માળખાનાં પરિણામો છે. ઉદાહરણ તરીકે, માર્ક્સવાદ બધુ જ દૂરના ભૂતકાળમાં અદ્ભુત હતું એવી એડનની અબ્રાહમી કથા સાથે સંકળાયેલ હોવાનું જણાયું હતું. પછી આવ્યું અસમાનતા ને માન્યતા આપતું મૂળ પાપ /Original Sin, જે એક દિવસ સાક્ષાત્કાર(Apocalypse ) અને પુનરાગમન (Return ) લઈ આવીને પ્રાથમિક સમાનતાને પુનઃસ્થાપિત કરતી ક્રાન્તિ લાવશે.

અંતિમવાદી જમણેરી હિંદુઓમાંના ઘણા લોકો દ્વારા, ઘણીવાર, ભારતીય મૂળના અમેરિક્ન પાસપોર્ટધારક અગ્રણીઓની ઉશ્કેરણીનું આ જ પ્રકારનું માળખું અનુસરવામાં આવે છે.. આમ તેઓ એડન (વૈદિક સંસ્કૃતિ), પછી મૂળ પાપ (ઇસ્લામિક અને વસાહતી શાસન) અને સાક્ષાત્કાર અને પુનરાગમન (હિંદુત્વ?)ની વાત એક જ તર્જમાં કરે છે..

આપણે હિંદુ ધર્મનાં સ્વરૂપને સમજવાની કોશિશ કરીએ : શું તે પૂર્વ-આધુનિક (અંધશ્રદ્ધાળુ વિષયવસ્તુ), આધુનિક (વૈજ્ઞાનિક ઉદ્દેશ્યતા), ઉત્તર - આધુનિક (સ્વીકાર્ય વ્યક્તિલક્ષીતા), અથવા ઉત્તર-ઉત્તર-આધુનિક (આંતર-વ્યક્તિલક્ષીતા) છે…કે તે સિવાય બીજું પણ કંઈક છે?.

સત્તરમી સદીમાં યુરોપિયનોના જીવનમાં તર્કનો પ્રવેશ થયો, જે ગ્રીક લોકોએ જેનો પ્રચાર કર્યો હતો તેની પુનઃશોધ હતી. તર્કસંગત વિચારસરણી ચર્ચની અંધશ્રદ્ધાઓ પર કાબૂ મેળવવાની પદ્ધતિ બની ગઈ. આ માનસિકતા 'આધુનિક' વિચાર તરીકે ઓળખાય છે કારણ કે તે તર્કસંગતતા પર આધારિત હતી. જેમની પાસે તર્કસંગત વિચાર નથી તેઓને તેઓ ‘પૂર્વ-આધુનિક’ માનતા હતા. વૈજ્ઞાનિકો માટે, ધાર્મિક વિચારકો એવા 'પૂર્વ -આધુનિક' છે.

અઢારમી સદી સુધીમાં, ચર્ચ સુધારણાને પગલે, વિજ્ઞાનના આસ્થાવાનો અને ધર્મમાં માનનારાઓ વચ્ચે અસ્વસ્થ શાંતિ સ્થાપિત થઈ. યુરોપિયનો જ્યારે ભારતીય ઉપખંડ પર પ્રભુત્વ મેળવવા આવ્યા ત્યારે તેઓ આ માનસિકતા તેમની સાથે લઈ આવ્યા હતા.

યુરોપની ધાર્મિક અને તર્કસંગત વિચારસરણી, બંને,માં નિયમોમાં અને સંપૂર્ણ સત્યના સિદ્ધાંતમાં શ્રદ્ધા અને જીવનો એક ભવ જ હોય છે એવી માન્યતા એકસમાન છે. અહીં આવ્યા પ્છી સાપેક્ષવાદના વિચારોએ તેમને અસ્વસ્થ કરી મૂક્યા. હિંદમાં તેઓને એવા લોકો મળ્યા કે જેમની પાસે કોઈ એક સામાન્ય માન્યતા કે નિયમ ન હતો અને જેઓ પુનર્જન્મમાં માનતા હતા ! એટલે, તેઓ સ્વાભાવિક રીતે જ એવા નિષ્કર્ષ પર આવ્યા કે ભારત પૂર્વ-આધુનિક હતું. ભારતને આધુનિક બનાવવું એ હવે ગોરા લોકોની જવાબદારી બની ગઈ. તેથી જ (ગોરા) સાહિબોએ હિંદુસ્તાનમાં વૈજ્ઞાનિક વિચારસારણી અને અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી.

આજે જ્યારે પાછળ દૃષ્ટિ કરીને જોઈએ તો કોઈને પણ ખ્યાલ આવે છે કે ૧૮મી સદીના યુરોપિયનોનો બૌદ્ધિક સામગ્રી ભંડાર અને દાર્શનિક શબ્દભંડોળ હિંદુ વિચારધારાને સમજવ માટે પૂરતાં નહોતા અને તૈયાર પણ નહોતા પોતાની મર્યાદિત ભાષાથી કુંઠિત, હિંદુ વિચારધારાને સમજવા અને તેની કદર કરવા માટે અસમર્થ એવા યુરોપિયાનો ધારી લીધું કે ભારતીયો અતાર્કિક છે, અને તેથી ઊતરતી કક્ષાના છે.

૧૯ મી સદીમાં, ભારતીયોએ પશ્ચિમી રીતે શિક્ષિત થવાનું શરૂ કર્યું એટલે તેઓ જોઈ શકયા કે ભારતીય વિચારસરણીને તેમના અંગ્રેજ માલિકો કેવી રીતે જુએ છે. આમ થવાથી ભારતીયોની લઘુતા ગ્રંથી વધારે ગાઢી થઈ. કેટલાકે પોતાના પક્ષની રજૂઆત માટે જુસ્સાથી દલીલો કરી તો કેટલાક ક્ષમાપ્રાર્થી અને બીજા અન્ય રક્ષણાત્મક બન્યા, અને કથિત પૂર્વ-આધુનિકને આધુનિક તરીકે રજૂ કરવાના તમામ પ્રયાસો કરવા લાગી પડ્યા. પરિણામે હિંદુવિચારસરણી પુનરુજ્જીવન પામવા લાગી.. આંમ થવાથી સારી બાબત એ બની કે ઘણા ભારતીયો હવે સતી રિવાજને નામે વિધવાઓને જીવતેજીવ ચિતા પર ચડાવી દેવી, બાળલગ્ન કે અસ્પૃશ્યતા જેવી પોતાનાં સાથી માનવબંધુઓ અને ભગિનીઓને અમાનવીય વર્તન કરાવતી એવી કેટલીય પ્રથાઓ પર સવાલ ઉઠાવવા લાગ્યા. પણ તે સાથે દુ:ખદ વાત એમ પણ બની કે સંસ્કૃત ઉપનિષદના આદર્શોના દબદબા પર વધુ ધ્યાન કેન્દ્રિત થવા લાગ્યું અને જનસામાન્યની માન્યતાઓ અને રિવાજોથી અંતર વધવા લાગ્યું. .

આ એક એવી પ્રવૃત્તિ છે જે ૨૧મી સદીમાં પણ ચાલુ રહી છે કારણ કે લોકો ધર્મના નિયમોને તાર્કિક રીતે સમજાવવા માટે યેનકેન માર્ગો અપનાવવા લાગે છે. ધ્યાનથી લઈને યોગને વૈજ્ઞાનિક બનાવવા માટે હજુ પણ દબાણ બની રહેલ છે. જે તર્કસંગત છે તે જ વાસ્તવિક છે એવાં નિયમસૂત્રો બનવા લાગવાને કારણે ‘પૌરાણિક કથા’ અને ‘પૌરાણિક કથા વિદ્યા’ શબ્દ પ્રત્યે દુશ્મનાવટ કક્ષાનો અણગમો પણ વધતો લાગતો જોવા મળે છે.

મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે, ૨૦મી સદીનાં શિક્ષિત વર્તુળો જ આધુનિક વિચારને પડકારે છે. તેઓએ એમ શોધી કાઢ્યું કે જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેના નિર્માતાઓ ઉદ્દેશ્યલક્ષી ન હતા. તે લોકો ઉદ્દેશ્યલક્ષી બની પણ ન શકે કેમકે એ ફાયદાઓ તેમણે પોતાના ફાયદા માટે બનાવ્યા હતા. કસાઈ ક્યારેય એવા નિયમો બનાવે નહીં જે શાકાહારી જીવનશૈલીને પ્રોત્સાહન આપે, અને શાકાહારી ક્યારેય એવા નિયમો બનાવે નહીં જે માંસ ખાવાની જીવનશૈલીની સરાહના કરે. શું સાચું અને શું ખોટું એ તો પોતપોતાની સમજણની બાબતો છે. એ વિશેના ચુકાદાઓ આપણા મનના વિચારોને ઘડતી કથાઓનાં વિવરણ પર આધારિત રહે છે એવો પક્ષ રજુ કરનારાઓ 'ઉત્તર - અધુનિક' વિચારકો હતા.

હિંદુ વિચારધારા અંગ્રેજો વિચારતા હતા એવી કદાચ ન તો પૂર્વ-આધુનિક છે કે ન તો તર્કવાદીઓ જેવી અપેક્ષા કરે છે એવી આધુનિક છે . કદાચ તે ઉત્તર-આધુનિક, વ્યક્તિલક્ષી, અને બહુસંખ્ય છે, એમ કંઈ પણ કહી શકાય. એટલે જ કદાચ, ભારતીયો અનેક પ્રાણીઓ, વનસ્પતિઓ કે મનુષ્યોની પૂજા કરે છે. કેટલાંક જૂથો એક વિચાર પસંદ કરશે તો બીજાં વળીબીજો જ વિચાર પસંદ કરશે. બધા પોતાથી વિરોધી વિચારધારકો સાથે દલીલમાં પણ ઉતરી પડશે પણ અલગ અલગ તો નહીં જ રહે, બધા પક્ષો અને તમામ દૃષ્ટિકોણની સ્વીકૃતિ, જુદા જુદા લોકો માટે જુદા જુદા નિયમો. સંદર્ભના આધારે વિવિધ નિયમો, એ બધું હિંદુ વિચારધારામાં રહેલી સહિષ્ણુતા છે.

પરંતુ ભારતીય વિચારના આ ઉત્તર-આધુનિક દૃષ્ટિકોણમાં સમસ્યા છે. તે સરળતાથી એવા નિષ્કર્ષ પર લઈ જઈ શકે છે કે ભારતીયો એવા તકવાદી છે, જે ઈચ્છા અને સગવડતા પ્રમાણે પોતાના વિચાર બદલી નાખે છે. ઘણા શિક્ષણવિદોએ ઉત્તર-આધુનિક અભિગમનો ઉપયોગ કરીને જ પરંપરાગત ભારતીય વિચારને પડકારવાનો માર્ગ અપનાવ્યો છે. આમ, તેઓ દાવો કરે છે કે પિતૃસત્તાક બ્રાહ્મણવાદી આધિપત્ય લાદવામાં આવ્યું એટલે રામ ભગવાન બને છે. તેઓ કૃષ્ણની દિવ્યતાને પડકારે છે અને કહે છે કે ભગવદ ગીતાના 'પરિણામો પર નહીં પરંતુ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો' એ બોધમાં શાસક વર્ગને લોકોનું દમન કરવાની સલાહ છે. તેઓ તો એમ પણ દલીલ કરે છે કે રાવણને હીરો તરીકે જોતાં રામાયણને, અને વિલન તરીકે પાંડવો તરીકે જોતાં મહાભારતને વાંચવું હોય તો વાંચી શકાય છે, કેમકે એ પણ એક દૃષ્ટિકોણ છે. અલગ દૃષ્ટિકોણ ધરાવતા કલાકારો ગોગલ્સ પહેરેલા શિવ અને જીન્સ પહેરેલા ગણેશ અને મશીનગન ધરાવનાર દેવીની કલ્પના પણ કરે તો નવાઈ નહીં ! 

ઉત્તર-આધુનિક વિશ્વમાં કંઈ પણ ઉલ્લંઘનપાત્ર ન હોય એવું નથી નથી. કોઈ એક ક્થાનું તમે કેવું વિવરણ સાંભળો છો તેના તમારા પરના પ્રભાવ પર બધો આધાર છે. ભેળસેળના આ ખેલમાં વ્યક્તિ ઈચ્છા મુજબ વસ્તુઓને ઘુમાવી ફેરવી શકે છે. જેઓએ હંમેશા હિંદુ વિચારસરણીની સરાહના કરી છે તેમના માટે આ બાબત અરુચિકર બની જાય છે. તેઓ જાણે છે કે તે પૂર્વ-આધુનિક નથી કેમકે પૂર્વ-આધુનિકતાનો તેમાં તર્ક નથી. તેઓ એ પણ જાણે છે કે પશ્ચિમ દ્વારા લાદવામાં આવેલા નિયમો અને નૈતિકતા અને નૈતિકતાના તર્કને અવગણે છે એટલે તે આધુનિક પણ નથી. જેમાં સગવડ મુજબ ધારે ત્યારે પછેડી લાંબી ટુંકી કરી શકાય, જ્યાં કોઈ વાતનું મહત્ત્વ જ નથી હોતું, એવી વિચારસરણી ઉત્તર-આધુનિક વિચારસરણી તો નથી જ. તો સવાલ એ ઊભો થાય કે તો પછી તે છે શું?

ઉત્તર -આધુનિક દૃષ્ટિકોણની નજરે કદાચ હિંદુ વિચારને શ્રેષ્ઠ રીતે જોઈ શકાય. તે સંદર્ભ અને અ-સંદર્ભનું સંયોજન છે. દરેક વિચાર ચોક્કસ જગ્યા અથવા સમય (સંદર્ભ) માં સ્થિત હોવો જરૂરી છે, અન્યથા તેનો કોઈ અર્થ નથી. આમ રામ રામાયણના છે અને કૃષ્ણ મહાભારતના છે; તેમને ઉલટ સુલટ કરવાની ભેળસેળ ન કરી શકાય. (અ-સંદર્ભિક) સંદર્ભો વચ્ચે એક ચોક્કસ પ્રકારની સુસંગતતા હોય છે. માનવી પ્રાણીઓની વૃત્તિને અતિક્રમી શકે છે અને મોટી માછલી નાની માછલીને ખાય એવા મત્સ્ય ન્યાયના જંગલના કાયદાને કાબુમાં કરી શકે છે એ ધર્મ વિશેના અનેક વિચારોમાંનો એક વિચાર છે.

આ વિચાર બંને મહાકાવ્યોમાં જોવા મળે છે. રામાયણમાં, રાવણ ધરાર દાદાગીરીથી વર્તે છે તો મહાભારતમાં, કૌરવો પોતાનું ધાર્યું કરાવવા કંઈ પણ કરાવી શકે છે. પહેલા કિસ્સામાં પરસ્ત્રીને વશ કરવાની વાત છે તો બીજાં અને બીજામાં અન્ય લોકોની જમીન હડપી જવાની વાત છે. રામ અને કૃષ્ણ એકબીજાથી અલગ છે - એક નિયમોનું પાલન કરે છે અને એક તેને તોડેમરોડે છે. તેમ છતાં, તેઓ એકબીજા સાથે સમાન છે કેમકે તેઓ બન્ને ધર્મને સમર્થન આપે છે. આમ આવી દેખીતી અંધાધુંધીમાં પણ વિષયવસ્તુની આ એક સુસંગતતા તેને "ઉત્તર-આધુનિક" બનાવે છે.
જો કે, ઉત્તર- ઉત્તર આધુનિકતા આંતર-વિષયલક્ષીતાની વાત કરે છે, અને ઘણીવાર એ વિષયલક્ષીતા એક નિશ્ચિત સ્વરૂપે રૂઢ પણ થાય છે. આમ મારું સત્ય મારું અને તમારું સત્ય એ તમારું છે અને આપણે બન્ને એકબીજાનાં સત્યને માન આપી શકીએ. પરંતુ, અન્ય સત્યોથી પ્રભાવિત થવાને બદલે આપણી આસપાસની અસંખ્ય વિષયલક્ષીતાઓને સમાવવા માટે સમજણના આપણા પોતાના માળખાને વિસ્તારતાં સત્યોના વિસ્તરણને અહીં કોઈ અવકાશ નથી.

આસપાસની અસંખ્ય વિષયલક્ષીતાઓને સમાવવાનો આ વિચાર હિંદુ પૌરાણિક કથાઓમાં સમાવિષ્ટ છે. દરેક જીવમાં દિવ્યતા (જીવ-આત્મા) રહેલ છે અને દરેક જીવ દિવ્યતામાં (પરમ-આત્મા)માં વસે છે. આપણે એકબીજાના સત્યનો સ્વીકાર કરીને આપણા મનને વિસ્તારી શકીએ છીએ, સરાહના કરી શકીએ છીએ, સમાવી લઈ શકીએ છીએ તેમ જ આત્મસાત પણ કરી શકીએ છીએ. મનને વિસ્તારવાથી આપણને બ્રહ્મ-મનનો ખ્યાલ મળે છે. વિવિધ વિભાજિત સત્યનો સમાવેશ કરવાથી આપણને ભગ-વનનો ખ્યાલ મળે છે. તે આપણને એ સમજવામાં મદદ કરે છે કે હિંદુ ધર્મમાં ભગવાન ભૌતિકતાની મર્યાદા (વાસુદેવ) પર પ્રભુત્વ ધરાવતાં અનંત સાથે શા માટે સંકળાયેલા મનાય છે. જેમ હિંદુ વિદ્યા અભ્યાસના ઘણા અમેરિકન નિષ્ણાતો જે તારણ પર પહોચે છે એવો આ બ્રાહ્મણવાદ નથી. બ્રાહ્મણવાદ અનેક સત્યોમાનું એક સત્ય જ છે. સનાતન ધર્મ (કાલાતીત માર્ગ) એ સતત વિસ્તરતા બ્રહ્માંડ સાથે મનને સતત વિસ્તરાતા રાખવાનું કહે છે. તે સંકુચિત રાજકીય અને આર્થિક વિચારધારા નથી. 

  • swarajyamag.com માં ૩૧ ડિસેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Hinduism: Pre-Modern, Modern, Postmodern, Or Post-Postmodern? નો અનુવાદહિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા ।

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૫ જુલાઈ, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો