આપણે જે નથી જાણતા તે એ છે કે આપણે આજે રામાયણના ભાગ તરીકે સ્વીકારેલી ઘણી વાર્તાઓ બે હજાર વર્ષ પહેલાં લખાયેલી સૌથી જૂની સંસ્કૃત ગ્રંથોનો ભાગ ન હતી. જેમ કે એક કથા મુજબ લક્ષ્મણની પત્ની ઉર્મિલા ૧૪ વર્ષ સુધી ઊંઘી રહીને પોતાના પતિને વનવાસ દરમ્યાન પડી રહેલ ઊંઘની ઘટ પુરી કરે છે. બીજી એક કથામાં મેઘનાદની પત્ની, પવિત્ર અને ઉમદા સુલોચના, યુદ્ધના મેદાનમાંથી પોતાના પતિના મૃત શરીરને લઈ જઈને સતી થયાં હતાં. પ્રખ્યાત લક્ષ્મણ રેખા પણ આવી જ એક લોકકથામાંથી અસ્તિત્વમાં આવી છે.
પ્રાદેશિક અને લોક રામાયણોની એક હજાર વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલાં થઈ ગણી શકાય. મહાભારત પણ વાલ્મીકિના રામાયણના જ સમયગાળામાં લખવામાં આવ્યું હતું, મહાભારતમાં માર્કંડેય ઋષિ રામની જે કથા પાંડવોને કહે છે તે રામોપખ્યાનમાં વર્ણવાયેલ છે. એ ક્થામાં બ્રહ્મા એક ગાંધર્વી, દુંધુબીને મંથરા તરીકે જન્મ લેવા કહીને કામ સોંપે છે કે, "કૈકેયીના મનમાં ઝેર ભરી રામને વનવાસ અપાવો કે જેથી રામ રાવણને મારી નાખી શકે".
આ કથા આપણને વાલ્મીકિ રામાયણમાં જોવા મળતી નથી. તાજેતરમાં, કોલકાતાના વિદ્વાનોએ વાહની પુરાણમાંથી છઠ્ઠી સદીનું રામાયણ શોધી કાઢ્યું છે, જેમાં પરંપરાગત રીતે જોવા મળતા સાતને બદલે માત્ર પાંચ વિભાગો છે. એ રામાયણ રામને રાજા બનાવવાના દશરથના નિર્ણયથી શરૂ થાય છે અને સીતાના જંગલમાં રાવણ દ્વારા અપહરણ અને રાવણની હત્યા સહિતના અસંખ્ય સાહસો પછી રામના રાજ્યાભિષેક સાથે અંત થાય છે. આ સંસ્કરણમાં રામ દ્વારા સીતાના ત્યાગનો કોઈ ઉલ્લેખ નથી.
બૌદ્ધો રામ વિશે ખૂબ જ અલગ સમજ ધરાવતા હતા. દશરથ જાતકમાં બનારસના દશરથ નામના રાજાની વાર્તા છે જેને અનુક્રમે રામ, લખન નામના બે પુત્રો અને અને સીતા નામની પુત્રી હતી. જ્યારે દશરથની પત્નીનું અવસાન થયું, ત્યારે તેણે ફરીથી લગ્ન કર્યા અને બીજી રાણીએ ભદ્દ નામના પુત્રને જન્મ આપ્યો. દશરથને એક જ્યોતિષીએ કહ્યું હતું કે તેની આવરદા હવે પછીનાં બાર વર્ષ છે. એટલે, પોતાની બીજી પત્નીની મહત્વાકાંક્ષાઓ જાણતો હોવાથી, દશરથ રાજાએ તેની પ્રથમ પત્નીના બાળકોને બોલાવ્યા અને તેમને કહ્યું કે જંગલમાં જાઓ અને મારાં મૃત્યુ સુધી, બાર વર્ષ માટે, ત્યાં જ રહો. રામ, લખન અને સીતાએ સલાહ પ્રમાણે કર્યું. પરંતુ દશરથનું અવસાન નવ વર્ષ બાદ જ થયું. એ સમયે ભદ્દએ રાજા બનવાની ના પાડી. તે વનમાં ગયો અને રામને રાજા તરીકે પાછા ફરવાનું કહ્યું. રામે ના પાડી. 'મેં અમારા પિતાને વચન આપ્યું હતું કે હું બાર વર્ષ સુધી જંગલમાં રહીશ. તમે લખ્ખન અને સીતા સાથે ઘરે પાછા ફરો અને હું ત્રણ વર્ષ પછી પાછો આવું ત્યાં સુધી તમે ત્રણેય સારી રીતે રાજ્ય ચલાવો. ત્રણ વર્ષ પછી, રામ પાછા ફર્યા અને રાજા તરીકે તેમનો રાજ્યાભિષેક થયો. બનારસના આ શાણા રાજકુમાર, રામ-પંડિત, પાછલા જન્મમાં બોધિસત્વ, બુદ્ધ, હતા. તો શું આ કથા વાલ્મીકિ રામાયણથી પ્રેરિત હશે કે વાલ્મીકિ રામાયણ તેનાથી પ્રેરિત હશે?
જૈનોના રામાયણમાં કૈકેયીનું વર્ણન ઉદાર અને દયાળુ તરીકે કરવામાં આવ્યું છે. કૈકેયીનો પુત્ર ભરત વૈરાગ્યમાં સંસારનો ત્યાગ ન કરે એટલે રામ વનમાં જાય છે અને તપસ્વી બની જાય છે. રામાયણની આ કથામાં, રામ જૈન ધર્મના અહિંસાના વ્રતને અનુસરતા હોવાથી રાવણનો વધ તેઓ નહીં પણ લક્ષ્મણ કરે છે. પાંચમી અને દસમી સદીની વચ્ચે, ભાસ અને કાલિદાસની કૃતિઓમાં આપણને જોવા મળે છે તેમ રામને વિવિધ પુરાણો, સંસ્કૃત નાટકો અને કવિતાઓમાં મહાન રાજા, અને મહાન નાયક, વિષ્ણુના અવતાર તરીકે દર્શાવવામાં આવેલ છે. ભવભૂતિના નવમી સદીના સંસ્કૃત નાટક, મહાવીરચરિતમાં, રામ તેમના સ્વયંવર પહેલાં વિશ્વામિત્રના આશ્રમમાં સીતાને મળે છે. જનકના ભાઈ કુશધ્વજ કન્યાઓને ત્યાં લઈ આવે છે. અહીં કથા સંસ્કૃત કાવ્ય પરંપરાને અનુસરે છે અને નાયક અને નાયિકા તેમના લગ્ન નક્કી થાય તે પહેલાં બાગમાં પ્રેમમાં પડે છે.
પરંતુ દસમી સદી પછી કંઈક નાટકીય બને છે. રામને ભગવાન તરીકે જોવામાં આવે છે. તેમની કથાઓ તમિલ, તેલુગુ, કન્નડ, ઓડિયા, બંગાળી, મરાઠી જેવી અનેક પ્રાદેશિક ભાષાઓમાં ફરીથી કહેવામાં આવે છે: અને છેવટે પંદરમી સદી પછી, શિવ અને શક્તિ બન્નેને રામ અને રાવણ બંને દ્વારા પૂજાતાં દેવતાઓ બનાવીને શિવ-ઉપાસકો અને વિષ્ણુ-ઉપાસકો વચ્ચેની, અને તે સમયે પ્રચલિત વેદિક અને તાંત્રિકો વચ્ચેની, દુશ્મનાવટને દૂર કરવાના આશયથી, તુલસીદાસે તેમનું પ્રસિદ્ધ રામ-ચરિતમાનસ અવધીમાં લખે છે. તેના લાંબા ઈતિહાસમાં રામાયણની ઘણી કથાઓઓ બદલાતી રહી છે. અહલ્યા જે વાલ્મીકિ રામાયણમાં ગૌતમના શ્રાપથી અદૃશ્ય થઈ ગઈ હતી તે શીલામાં ફેરવાઈ જાય છે અને રામના પગના સ્પર્શથી શ્રાપમુક્ત થઈ જાય છે. વાલ્મીકિ રામાયણમાં માતંગ આશ્રમમાં રામને મળતી શબરી અઢારમી સદી પછી જ ભક્તિ પરંપરામાં એઠાં બોર ખવડાવતી આદિવાસી અથવા 'નીચી' જાતિની સ્ત્રીમાં ફેરવાઈ જાય છે. આ ઘટના ભારતીય સમાજમાં મહિલાઓની બદલાતી પ્રતિષ્ઠા તેમજ જ્ઞાતિ પદાનુક્રમનો ઉદય અને સામાજિક-રાજકીય સમીકરણોમાં ભગવાનનું સ્થાન દર્શાવે છે.
કિન્નર સમુદાયની પોતાની મૌખિક રામાયણ છે. તેમાં જણાવાયું છે કે જ્યારે રામ લંકાથી પાછા ફર્યા ત્યારે તેમને અયોધ્યાની બહાર કિન્નર સમૂહ તેમની રાહ જોતો જોવા મળ્યો. તેઓ શહેરની બહાર કેમ રહે છે તેવો પ્રશ્ન રામે પછ્યો ત્યારે જવાબમાં તેઓએ કહ્યું કે, 'જતી વખતે તમે વનમાં તમારી સાથે આવવા ચાલી નીકળેલાં નગરનાં નર અને નારીજનોને તો અયોધ્યામાં પોતપોતાના ઘરે પાછા ફરવાનું કહ્યું. પરંતુ, જે ન તો પુરૂષો નથી કે ન તો સ્ત્રીઓ નથી એવા અમારા જેવા, કિન્નરોને તો કંઈ કહ્યું નહોતું. તેથી કદાચ તમે અમને તમારી સાથે ઘરે લઈ જશો એવી આશામાં અમે અહીં તમારી સૂચનાઓ માટે રાહ જોઈ રહ્યા છીએ.
આમ, સમય અને સ્થળના સંદર્ભ અનુસારની રામાયણની અનેક કથાઓ છે. તમને જે વધારે ગમે એ રામાયણ કથા તમે પસંદ કરી શકો છો. જો તેમ પણ ન કરવું હોય તો બધાં સંસ્કરણોની કથાના સ્વાદ તો માણી જ શકો છો ! ઉદારવાદ અને વિચાર સ્વાતંત્ર્ય માટે કરીને આનાથી વધારે તો શું અપેક્ષા કરાય?
- thespeakingtree.in .માં ૧ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Unlimited Choice નો અનુવાદ| હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા ।
·
અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૯ જુલાઈ, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો