બુધવાર, 26 જુલાઈ, 2023

શાંતિવાદ અને યુદ્ધ (૧૯૪૨) - [૩] - જ્યોર્જ ઑર્વેલ

 Pacifism and the War ના આંશિક અનુવાદ 'શાંતિવાદ અને યુદ્ધ (૧૯૪૨)નાઆંશિક અનુવાદ #૨માં પહેલા વિષય, શાંતિવાદ વિશે જ્યોર્જ ઓર્વેલના વિચારો જાણ્યા પછી હવે તેમના ભૂતકાળ અને વર્તમાન વિષે તેઓ શું કહે છે તે જાણીએ. 

હવે જો સંવાદદાતાઓના તમે લખેલા પત્રો પુરા છપાવાના હોય તો એક બે તથ્યો વિશે  મારે વાત કરવી છે.

મારો ભૂતકાળ અને વર્તમાન.

મિસ્ટર વુડકોક એમ કહીને મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે કે

(અ) મેં એકવાર બ્રિટિશ તાજની ભારતીય શાહી પોલીસમાં સેવા આપી હતી,

(બ) મેં એડેલ્ફી માટે લેખ લખ્યો હતો અને સ્પેનમાં ટ્રોટસ્કીવાદીઓ સાથે ભળી ગયો હતો અને

(ક) બીબીસી માટે 'ભારતીય જનતાને આંખે પાટા બાંધવાના આશયથી હું બ્રિટન માટે પ્રચાર કરૂં છું'.

એ વાત તદ્દન સાચી છે કે મેં ભારતીય પોલીસમાં પાંચ વર્ષ સેવા આપી છે. એ પણ સાચું છે કે મેં એ નોકરી છોડી દીધી હતી, કેમકે એક તો મને તે અનુકૂળ નહોતી આવતી, પણ મુખ્ય કારણ  તો એ હતું કે હું સામ્રાજ્યવાદનો સેવક બની રહેવા નહોતો માગતો. હું સામ્રાજ્યવાદની વિરુદ્ધ છું કારણ કે હું તેના વિશે અંદરથી કંઈક જાણું છું. આનો સમગ્ર ઇતિહાસ મારા લખાણોમાં જોવા મળે છે, જેમાંનું થોડું મારી એક નવલકથા, બર્મીઝ ડેઝ,માં સમાવેલ છે. મને લાગે છે કે હું જરૂર દાવો કરી શકું છું કે આ વર્ષે બર્મામાં જે કંઈ બન્યું તેની એક પ્રકારની ભવિષ્યવાણી એ નવલકથામાં હતી.

અલબત્ત મેં એડેલ્ફી માટે પણ લખ્યું છે. કેમ નહિ? એમ તો એકવાર મેં એક શાકાહારી અખબાર માટે એક લેખ લખ્યો હતો. એટલે હું શું શાકાહારી બની ગયો? હું સ્પેનમાં ટ્રોટસ્કીવાદીઓ સાથે સંકળાયેલો હતો. એ એક યોગાનુયોગ હતો કે બીજાં કોઈ સાથે નહીં પણ હું  (Partido Obrero de Unificación Marxista - P.O.U.M. - The Workers' Party of Marxist Unification -ને સેવાઓ આપી રહ્યો હતો.  પી.ઓ.યુ.એમ.ની વિચારસરણી સાથે હું મોટે ભાગે અસંમત હતો. એ વિશે તેના નેતાઓને મુક્તપણે મારા વિચારો જણાવ્યા પણ હતા, પરંતુ પછીથી જ્યારે તેમનાપર ફાસીવાદી તરફી પ્રવૃત્તિઓનો આરોપ લગાવવામાં આવ્યા ત્યારે મેં તેમનો શક્ય તેટલો શ્રેષ્ઠ બચાવ પણ કર્યો હતો. પણ આટલા કારણે  હિટલર વિરોધી મારાં વલણમાં વિરોધાભાસ કેવી રીતે રીતે જોઈ શકાય? ટ્રોટસ્કીવાદીઓ ક્યાં તો શાંતિવાદી છે અથવા ફાસીવાદી તરફી છે એ વાત તો મારા માટે પણ સાવ નવી જ છે.

શું મિસ્ટર વુડકોક ખરેખર જાણે છે કે હું બીબીસીનાં ભારતીય પ્રસારણમાં કેવા પ્રકારની સામગ્રી મૂકું છું? તેમને ખબર નથી - જો કે મને તે વિશે તેમને જણાવવામાં ખૂબ આનંદ થશે. આ ભારતીય પ્રસારણ દરમ્યાન અમે જે કોઈની રચનાઓનો ઉલ્લેખ કરીએ છીએ તે લોકોનો ઉલ્લેખ ન કરવા બાબતે અમે સાવચેત રહ્યા છીએ. ઉદાહરણ તરીકે હર્બર્ટ રીડ, જેનો ઉલ્લેખ તેમની મંજૂરી મેળવીને કર્યો છે.  અન્યમાં ટી.એસ. એલિયટ, ઇ.એમ. ફોર્સ્ટર, રેજિનાલ્ડ રેનોલ્ડ્સ, સ્ટીફન સ્પેન્ડર, જે.બી.એસ. હલ્ડેન, ટોમ વિન્ટરિંગહામ વગેરે છે. અમારા મોટાભાગના પ્રસારણકર્તાઓ, ઉદારમતવાદીઓથી લઈને ટ્રોટસ્કીવાદીઓ સુધીના, ભારતીય ડાબેરી બૌદ્ધિકો છે. તેમાંથી કેટલાક સરખા બ્રિટિશ વિરોધી પણ છે. તેઓ જે કંઈ પ્રચાર કરે છે તે ભારતીય જનતાની આંખોંમાં ધુળ નાખવા માટે તો નથી જ કરતા, કારણ કે તેઓ સારી પેઠે જાણે છે કે ફાસીવાદી વિજયનો અર્થ ભારતની આઝાદીની તકો માટે શું હોઈ શકે.

મારી સદ્ભાવના પર આરોપ લગાવતા પહેલા હું શું કરી રહ્યો છું તે જાણવાનો પ્રયત્ન કેમ નહીં કરાતો હોય?

+                      +                      +                      +

મારી સદ્ભાવના પર આરોપ લગાવતા પહેલા હું શું કરી રહ્યો છું તે જાણવાનો પ્રયત્ન કેમ નહીં કરાતો હોય? જેવો વાક્યપ્રયોગ બતાવે છે કે પોતાના ભૂતકાળ અને વર્તમાન વિષે તેમની જે ટીકાઓ થાય છે તેનો જ્યોર્જ ઓર્વેલ આક્રમક કહી શકાય એવા અંદાજમાં આપે છે.  

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Pacifism and the Warનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો