એમ ધારવામાં આવે છે કે બૌદ્ધ ધર્મ લિંગ અને લૈંગિક વૃત્તિઓની બાબતોમાં તર્કસંગત, આધુનિક, અજ્ઞેયવાદી અને ઉદાર છે. એક પછી એક પુસ્તકે આપણને બ્રહ્મચારી અને પવિત્ર બુદ્ધને સુંદર સ્મિત સાથે એક પ્રકારના ઉન્માદ રહિત શાંતિ અનુભવતા, ઉભયલિંગી, સૌમ્ય ઋષિ તરીકે જોવાનું આપણું માનસિક ઘડતર કરી નાખેલ છે. તેમ છતાં, ભારતીય સાહિત્યમાં નારી જાતિ પ્રત્યે લૈંગિક ભાવના અસ્વીકારના કેટલાક પ્રારંભિક અને સૌથી વ્યવસ્થિત દસ્તાવેજો બૌદ્ધ ગ્રંથોમાંથી, ખાસ કરીને મઠના શિસ્તના નિયમો (વિનય પિટક | શિસ્ત - નિયમો - ની ટોકરી) તરીકે મળી આવે છે, જે પરંપરાગત રીતે બુદ્ધ દ્વારા રચવામાં આવેલ છે એમ મનાતું આવ્યું છે.
મઠના શિસ્તના નિયમો.
* દરેક વ્યક્તિએ તેની ઇચ્છાઓને નિયંત્રિત કરવાની હોય છે, પરંતુ સ્ત્રીઓ પર "પુરુષોની ઇચ્છાઓને ઉત્તેજિત" ન કરવાનો વધારાનો બોજ હોય છે, એટલે સાધુઓ (ભિક્ષુઓ) માટે ૨૨૭ની સામે સાધ્વીઓ (ભિક્ષુણીઓ) માટે ૩૩૧ નિયમો છે, \
* એક સાધુ, દેખીતી રીતે, ઝાડ નીચે સૂતો હતો ત્યારે સ્ત્રીઓએ તેની સાથે સંભોગ કર્યો હતો એવી એક ઘટના પછી સાધુઓને બહાર ન સુવાની, બલ્કે અંદર જ સુવાની, સલાહ આપવામાં આવે છે. જે સાધુઓ પોતાની ઊંઘ સ્ત્રીઓના વિચારમાં ગુમાવતા નથી, અથવા સ્ત્રીઓ દ્વારા જાતીય આનંદ માટે લલચાતા નથી, તેઓ દોષિત હોવા છતાં નિર્દોષ તરીકે જોવામાં આવે છે અને મઠના સંપ્રદાયમાંથી બહાર કાઢી મુકવમાં નથી આવતા. જે સાધુઓ સ્વેચ્છાએ સ્ત્રી મોહિનીને વશ થાય કરે છે તેમને પરાજિત જાહેર કરવામાં આવે છે.
* સુદીન્નાની કથામાં, જ્યારે તેના વૃદ્ધ માતા-પિતાએ પૂર્વાશ્રમમાં જે તેમનો દીકરો હતો એવા યુવાન સાધુને પોતે ત્યજી દીધેલ પત્નીથી, તેમનો વંશ ચાલુ રહે માટે એક બાળક આપવા વિનંતી કરે છે ત્યારે એક યુવાન સાધુ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તોડી નાખે છે. આ વાત જ્યારે જાહેર થઈ જાય છે, ત્યારે બુદ્ધ તેને આ રીતે શિખામણ આપે છે કે "તમારે સ્ત્રી કરતાં ઝેરી સાપના મોંમાં અથવા બળતા કોલસાના ખાડામાં તમારું પુરુષત્વ મૂકવું વધુ સારું છે."
* એક વાર્તાલાપમાં, બુદ્ધ જણાવે છે કે, "ગુલામ બનાવી શકતી શકતી તમામ સુગંધમાં સ્ત્રી કરતાં વધુ ઘાતક કોઈ નથી. ગુલામ બનાવી શકે તેવા તમામ સ્વાદમાંથી સ્ત્રી કરતાં વધુ ઘાતક કોઈ નથી. ગુલામ બનાવી શકે તેવા તમામ અવાજોમાં સ્ત્રી કરતાં વધુ ઘાતક કોઈ નથી. ગુલામ બનાવી શકે તેવી તમામ હેતપ્રિત પણ સ્ત્રી કરતાં વધુ ઘાતક નથી."
તે સમયગાળાના અન્ય સાધુઓથી વિપરીતપણે, બૌદ્ધ સાધુઓને, તેમની પવિત્રતા અને બ્રહ્મચર્યના તેજને કારણે વધારે આકર્ષણ જગાવતી પોતાનાં ઉઘાડાં ડીલની મોહિની મહિલાઓને આકર્ષિત કરશે એવા ડરથી નિર્વસ્ત્ર શરીરે ફરવાની મંજૂરી નથી અપાતી.
સાધુઓને એવી પણ સલાહ આપવામાં આવે છે કે કદાચ તેઓ "સ્ત્રીની નજર" દ્વારા મોહિત થઈ જાય એટલે તેમના હાથ અને શરીરને વધુ હલનચલન કર્યા વિના, ઉપર નજર કર્યા વગર, જમીન તરફ જોઇને સીધા જ ચાલતા રહેવું . સાધુઓને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓએ એકલી સ્ત્રીઓ સાથે ન ચાલવું, અથવા તો પુરૂષોની સંગતમાં ન બેસવું કેમકે તેમાંથી અફવાઓ ફેલાઈ શકે છે.
કસપ્પા સાથેની વાતચીતમાં બકુલ્લ કહે છે કે ૮૦ વર્ષમાં તેણે ક્યારે પણ સંભોગ તો જ નથી કર્યો, પણ તેણે મહિલાઓના વિચારો સુદ્ધાં કર્યા નથી, તેમને જોઈ પણ નથી કે તેમની સાથે વાત પણ કરી નથી.
એકવાર એક સ્ત્રીએ હસી લળીને મહાતિસ્સને પોતાનાં કામણથી વશ કરવા પ્રયત્ન કર્યો પરંતુ તે અવિચલિત જ રહ્યો. જ્યારે એ સ્ત્રીના પતિએ તેને પૂછ્યું કે તેને તેની પત્ની આકર્ષક ન લાગી, ત્યારે મહાતિસ્સએ જવાબમાં કહ્યું કે તેને કોઈ સ્ત્રી જ દેખાઈ નથી, પણ માત્ર હાડકાનો ઢગલો જોયો.
* સુંદરસમુદ્ધની કથામાં, જે પત્નીને સાધુ બનવા માટે છોડી દીધી હતી તે પત્ની પતિ પાસે જાય છે અને તેને કહે છે, હિન્દુ ધર્મની આશ્રમ પ્રણાલીનો સંકેત તો એ છે કે વૃદ્ધ થાઓ ત્યાં સુધી વૈવાહિક જીવનનો આનંદ માણવો જોઈએ. અને વાનપ્રસ્થમાં પહોંચો ત્યારે બન્ને જણાં એક સાથે બૌદ્ધ સંપ્રદાયમાં જોડાઓ અને નિર્વાણ (ઈચ્છાઓની સમાપ્તિ દ્વારા મુક્તિ) પ્રાપ્ત કરો. સાધુ જવાબ આપે છે કે આવા, મૃત્યુના ફાંદા સમાં, પ્રલોભનોને તે ક્યારેય વશ થશે નહીં.
* ગ્રંથો અવારનવાર બ્રહ્મચારી સાધુઓને ધમ્મ (જ્ઞાનનો માર્ગ) ના મૂર્ત સ્વરૂપ તરીકે વર્ણવે છે જ્યારે લંપટ અતૃપ્ત સ્ત્રીઓને સંસાર (મૃત્યુ અને પુનર્જન્મનું ચક્ર) ના મૂર્ત સ્વરૂપ તરીકે વર્ણવે છે.
* સંગમાજી પોતાની પત્ની અને પુત્રને છોડીને સાધુ બન્યા. એક દિવસ, તેની પત્ની અને પુત્ર તેની પાસે આવે છે અને તેમને પાછા આવવા માટે વિનંતી કરે છે પરંતુ તે જવાબ નથી આપતા, કે નથી તો પતિ અથવા પિતા તરીકેની કોઈ લાગણી બચી હોય એવાં ચિહ્નો બતાવતા. આવી સાચી વિરક્તતાને પહોંચી શકવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા બુદ્ધ તેમની પ્રશંસા કરતાં કહે છે - જેમના માટે "સ્ત્રીની લૈંગિકતા એ પર્વતની સામે ડાંસની ફફડતી પાંખો જેવી છે" એ એક સાચો સાધુ છે, ખરો વીર છે.
* બુદ્ધ તેના સાવકા ભાઈ નંદને મઠ સંપ્રદાયમાં જોડાવા માટે મનાવે છે પરંતુ નંદે તો આ પૃથ્વી પરની સૌથી સુંદર સ્ત્રી સાથે લગ્ન કરવા માટે સગાઈ કરેલ છે અને તેને જ ઝંખે છે. તેથી બુદ્ધ તેમને સ્વર્ગની અપ્સરાઓ બતાવે છે જેઓ ૩૩ કરોડ દેવતાઓના સ્વર્ગમાં રહે છે. બુદ્ધ નંદને પૂછે છે કે શું તેની વાગ્દત્તા આ અપ્સરાઓ જેટલી સુંદર છે. નંદ કહે છે કે આ અપ્સરાઓની સરખામણીમાં તો તે વિકૃત વાનર જેવી છે. બુદ્ધ કહે છે કે જો નંદ ધમ્મના માર્ગે ચાલવાનું ચાલુ રાખશે તો તે આ સ્વર્ગમાં પુનર્જન્મ પામશે અને આ અપ્સરાઓનો આનંદ માણી શકશે. આ વિચારથી પ્રેરાઈને, નંદ સક્રિયપણે, ખંતપૂર્વક, મઠની પ્રથાઓમાં જોડાઈ જાય છે. જ્યારે તે જ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે અપ્સરાઓ અને વાગ્દત્તા માટેની તેની બધી ઇચ્છાઓ નિર્મૂળ થઈ ચુકી હોય છે.
* એવા વિવિધ પ્રકારના સમલૈંગિક વૃત્તિ ધરવનારાઓ (પાંડક - અંડકોશ વિનાનો અપૌરૂષ)ની સૂચિ બનાવાઇ છે જેમને સાધુ તરીકે દીક્ષા ન આપવી જોઈએ. આ યાદીમાં ઉભયલિંગી, પરલૈંગિક, નપુંસક, પરજાતીય વેશધારી અને સ્ત્રૈણ સમલૈંગિક પુરુષોનો સમાવેશ થાય છે. પાંડકો સાધુઓને કામુક પ્રવૃત્તિઓમાટે લલચાવતા અથવા તેમને પ્રણયાસક્ત થવા બોલાવતા રહેતા એવી વાતો વહેતી થવા બાદ તેમજ તેમનામાંનો એક સાથી પાંડક હતો અને તેમને લલચાવતો રહેતો એટલે નજીકમાંનાં હાથીખાનાના રખેવાળો સાધુઓની મશ્કરી કરતા તે પછી આ યાદી બનાવવામાં આવી.
* પરલૈંગિક - એવી સ્ત્રીઓ જે પુરુષોની જેમ પોશાક પહેરે છે, અથવા સ્ત્રી જાતિની સહજ કામુક વૃત્તિઓ નથી ધરાવતી અથવા ફક્ત જેઓ સ્ત્રીઓ જેવી દેખાતી નથી અને "ભાયડા છાપ" દેખાય છે - સ્ત્રીઓને સાધ્વી તરીકે દીક્ષા ન આપી શકાય.
* એવા નિયમો છે જે પાશવીપણાનો સંદર્ભ આપે છે. જેમકે, સાધુઓને ગાય અને વાંદરીઓ પ્રત્યે અતિશય સ્નેહ રાખવા સામે ચેતવણી આપવામાં આવે છે.
સંહિતાનો પ્રભાવ
શરૂઆતમાં, આમાંના કોઈપણ કડક નિયમોને વ્યવસ્થિત સ્વરૂપ અપાયું ન હતું. કોઈ વિનય પિટક હજુ અસ્તિત્વમાં ન હતો. પરંતુ જેમ જેમ વધારેને વધારે લોકો બૌદ્ધ આશ્રમો (વિહાર) માં જોડાવા લાગ્યા, અને તેમાંના ઘણા લોકો જે રીતે વર્તવા લાગ્યા તે સાધુઓ અને બૌદ્ધ સંપ્રદાયનાના સાધકોને છાજે તે મુજબનું નહોતું. તેમનાં આવાં વર્તન જોઈને સામાન્ય લોકો પણ બૌદ્ધ આચારવિચારની મજાક ઉડાવવા લાગ્યા. તેથી ધમ્મ અને સંઘની પ્રતિષ્ઠાને બચાવવા માટે, બુદ્ધે આ નિયમોનું વ્યવસ્થિત ગઠન કરવાનું શરૂ કર્યું.
ત્યાં સુધી આ નિયમ સંહિતા મૌખિક રીતે સંકલિત કરવામાં આવતી હતી. બુદ્ધના મૃત્યુના એક વર્ષ પછી, પ્રથમ બૌદ્ધ પરિષદમાં ઉપલી (બુદ્ધના ૧૦ મુખ્ય શિષ્યોમાંના એક બન્યા તે પહેલાં એક વાળંદ) દ્વારા તે પદ્ધતિસરની રીતે રજુ કરાયા. આ વાત ૨૬૦૦ વર્ષ પહેલાંની છે. એક હજાર વર્ષ પછી, શ્રીલંકાના અનુરાધાપુર ખાતેના મઠમાં રહેતા એક બુદ્ધઘોષે આ નિયમોને વ્યવસ્થિત રીતે સંહિતાનું રૂપ આપ્યું.
ઇસ્લામના આગમન સુધીમાં, મોટાભાગના ભારતમાં બૌદ્ધ ધર્મ ક્ષીણ થઈ ચુક્યો હતો. પરંતુ સ્ત્રીઓની લૈંગિકતાને ફસામણી અને પ્રદૂષણ સાથે સરખાવતો બૌદ્ધ વિચાર હિંદુ મઠ સંપ્રદાયો - ખાસ કરીને આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરાયેલ મઠો - ને પ્રભાવિત કરતો રહ્યો. તેમના ટીકાકારો શંકરાચાર્યને ઘણીવાર હિંદુ પરિધાનધારી બૌદ્ધ કહેતા. તેમનો મઠ આ નિયમના આચરણમાં એક પગલું આગળ ગયો - અહીં કોઈ સાધ્વીઓ ન હતી.
જો આપણે એ સિદ્ધાંત માનીએ કે "ઈસુ ભારતમાં રહેતા હતા", તો સાધુઓની આ સંહિતાએ ભારતની બહાર - ખ્રિસ્તી ધર્મમાં - પણ મહિલા વિરોધી વલણને પ્રભાવિત કર્યું હોવાનું કહી શકાય, કારણ કે બુદ્ધે તો તેમની પત્ની, યશોધરા,નો ત્યાગ જ કર્યો હતો, પણ ઈસુએ ક્યારેય લગ્ન નહોતાં કર્યા. નોંધપાત્ર રીતે બુદ્ધઘોષનો સમય એ જ સમયની આસપાસનો છે જ્યારે હિપ્પોના સંત ઓગસ્ટિન કેથોલિક ચર્ચમાં તેમના કામવૃત્તિ-વિરોધી અને સ્ત્રી-વિરોધી પ્રચાર સાથે આગળ આવ્યા હતા.
કથાનકમાં નિર્ણાયક વળાંક.
એ નોંધવું રસપ્રદ બની રહેશે કે ભારત સંબંધિત પિતૃસત્તા અને સ્ત્રી-દ્વેષને લગતાં તમામ લખાણોમાં, વિદ્વાનો રામાયણ અને મનુ સ્મૃતિને ટાંકે છે, જ્યારે ઐતિહાસિક સમય રેખા મુજબ તો આ બન્ને ગ્રંથો પિટક પછી રચાયા હતા. બુદ્ધ પૂર્વ-મૌર્યકાળમાં રહેતા હતા જ્યારે રામાયણ, રાજાશાહી પ્રણાલી વિશેની ચિંતાને કારણે સાથે, મૌર્ય પછીના સમયમાં લખવામાં આવેલ.
મૌખિક પરંપરાઓ અને જ્યોતિષ-આધારિત સમય નિશ્ચિત કરવા સંબંધી રામને બૌદ્ધ પૂર્વે સ્થાન આપતી દલીલો માત્ર રાષ્ટ્રવાદીઓને જ ગોઠે છે, ઇતિહાસકારોને નહીં. મનુ સ્મૃતિ અને અન્ય ધર્મશાસ્ત્રો ગુપ્ત યુગમાં લખવામાં આવ્યા હતા જ્યારે બ્રાહ્મણોએ મોટા ભાગના દ્વીપકલ્પીય ભારતમાં રાજાશાહીને કાયદેસર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પૂર્વ-બૌદ્ધ વૈદિક ધાર્મિક વિધિઓ સ્ત્રી જાતિયતા વિશે સકારાત્મક દ્રષ્ટિએ વાત કરે છે કારણ કે તેઓ મુખ્યત્વે પ્રજનન અને સંપત્તિ-ઉપાર્જન સાથે સંબંધિત છે.
પૂર્વ-બૌદ્ધ ઉપનિષદોને લૈંગિક સંબંધોથી બહુ વાંધા નથી. એ ગ્રંથો તત્ત્વમીમાંસામાં વધુ રસ ધરાવે છે. મોટા ભાગનું બૌદ્ધ સાહિત્ય સંસ્કૃત ગ્રંથોના ઘણા સમય પહેલા લખવામાં આવ્યું હતું (પ્રાકૃતમાં લખાયેલા સમ્રટ અશોકના શિલાલેખો ૨૩૦૦ વર્ષ પહેલાંના છે; સંસ્કૃતમાં લખાયેલ સૌથી પ્રાચીન રાજાશાહી શિલાલેખો ફક્ત ૧૯૦૦ વર્ષ પહેલાંના છે). આનાથી બૌદ્ધ લખાણો ભારતીય સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વના વળાંક સ્વરૂપ સિમાચિહ્ન બની રહે છે, જેના પછી સ્ત્રીત્વને શાણપણના માર્ગમાં અવરોધ અને પ્રદૂષણ તરીકે જોવામાં આવવા લાગ્યું.
આપણે, અલબત્ત, એવી દલીલ કરી શકીએ છીએ કે મોટાભાગના શિક્ષિત બૌદ્ધ સાધુઓ મૂળ તો બ્રાહ્મણો હતા અને તેથી એ લોકોએ હિંદુ પિતૃસત્તાનું બૌદ્ધ ધર્મમાં પ્રતિરોપણ જ કર્યુ. જો કે બુદ્ધનો એવો કોઈ હેતુ નહોતો. આપણે ભારપૂર્વક કહી શકીએ છીએ કે વેદ અને માત્ર વેદ જ સ્ત્રી-દ્વેષના સ્ત્રોત છે. આ માન્યતા "સારા" મનાતા બૌદ્ધ ધર્મ અને "ખરાબ" ગણાતા હિંદુ ધર્મની ઘડી કઢાયેલ એક ઘરેડને અનુસરે છે જે આપણને મોટાભાગના સંસ્થાનવાદ અને સંસ્થાનવાદ પછીના સમયમાં શૈક્ષણિક શોધનિબંધોમાં જોવા મળે છે.
આપણે, અલબત્ત, એવી દલીલ કરી શકીએ છીએ કે મોટાભાગના શિક્ષિત બૌદ્ધ સાધુઓ મૂળ તો બ્રાહ્મણો હતા અને તેથી એ લોકોએ હિંદુ પિતૃસત્તાનું બૌદ્ધ ધર્મમાં પ્રતિરોપણ જ કર્યુ. જો કે બુદ્ધનો એવો કોઈ હેતુ નહોતો. આપણે ભારપૂર્વક કહી શકીએ છીએ કે વેદ અને માત્ર વેદ જ સ્ત્રી-દ્વેષના સ્ત્રોત છે. આ માન્યતા "સારા" મનાતા બૌદ્ધ ધર્મ અને "ખરાબ" ગણાતા હિંદુ ધર્મની ઘડી કઢાયેલ એક ઘરેડને અનુસરે છે જે આપણને મોટાભાગના સંસ્થાનવાદ અને સંસ્થાનવાદ પછીના સમયમાં શૈક્ષણિક શોધનિબંધોમાં જોવા મળે છે.
જેનું કારણ બુદ્ધ ખુદ માનવામાં આવે છે એવું બૌદ્ધ ગ્રંથોમાં સ્પષ્ટપણે જોવા મળતું સ્ત્રીદ્વેષ વિષય પરનું સંપૂર્ણ મૌન ખૂબ જ નોંધપાત્ર છે. આ વિષય પર સંશોધન જાણીતું છે પરંતુ તે માત્ર શૈક્ષણિક વર્તુળો પૂરતું જ મર્યાદિત છે. ઉદાહરણ તરીકે, રીટા ગ્રોસ દ્વારા "Buddhism after Patriarchy (પિતૃસત્તા પછીનો બૌદ્ધવાદ)" અને જ્હોન પાવર્સ દ્વારા "Bull of a Man (પુરુષ માંહેનો આખલો)" નો દાખલો જુઓ. પરંતુ આ પુસ્તકોમાં પિતૃસતા પર ભાર મુકવાને બદલે તેને સમજાવી દેવાની ઇચ્છા વધારે જોવા મળે છે. આવી બધી હકીકતો બુદ્ધ વિશેની સમકાલીન ધારણાઓમાં દખલ કરે છે તે કારણે વિદ્વાનો ચિડાઈ પણ ગયા છે, અને શરમ પણ અનુભવે છે .
જ્ઞાનપ્રાપ્તિ કે આધ્યાત્મિકતા કે રાષ્ટ્રની સેવા જેવા "ઉચ્ચ" હેતુ માટે કામવૃત્તિનોનો ત્યાગ - જેનો સીધો અર્થ તો સ્ત્રીઓ સાથેનાકોઈ પણ પરકારના સંબંધનો ત્યાગ કરવો કરાય છે - એ હવે બહુ હાથવગું આદર્શ બની ગયેલ છે, જેને ધાર્મિક સંપ્રદાયો, તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા રાજકીય સંગઠનો દ્વારા અપનાવવામાં આવેલ છે. પુરૂષત્વ અને શુદ્ધતાના અંતિમ સૂચક તરીકે તેને બહુ ઇચ્છવા યોગ્ય જીવન પધ્ધતિ તરીકેના વાઘા પહેરાવાય છે અને તેને અપનાવવામાં બહાદુરી મનાય છે. આ વિચારની ઓછામાં ઓછી એક નોંધપાત્ર પ્રશાખાનાં મૂળીયાં, જેમણે તેમની પત્નીની વિના જ જેમનો ત્યાગ કર્યો હતો એવા, બુદ્ધ દ્વારા રચિત વિનય પિટકમા જોઈ શકાય.
- scroll.inમાં ૨ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ
પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Why is Ram misogynist, but not the Buddha? નો અનુવાદ| હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા ।
·
અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨ ઓગસ્ટ, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો