ઉત્તર અમેરિકા અને યુરોપના બિન-નિવાસી ભારતીયો (NRI) અને ભારતીય મૂળના વ્યક્તિઓ (PIO) જેમાં ખાસ ગણી શકાય એવા તમામ બિન -નિવાસી ભારતીયો આ ધર્મોને ધાર્મિક આસ્થાઓ તરીકે ઓળખે છે. ધાર્મિક આસ્થા શબ્દ હવે બિનનિવાસી ભારતીયો અને હિંદુશાસ્ત્ર નિષ્ણાતોમાં પણ સતત લોકપ્રિય થઈ રહ્યો છે. અમેરિકી હિંદુશાસ્ત્ર નિષ્ણાતો દ્વારા અમેરિકી યુનિવર્સિટીઓમાં ધાર્મિક આસ્થાને ખોટી રીતે રજૂ કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે ખાસ સંસ્થાઓની રચના કરવામાં આવી છે. હિંદુ રાષ્ટ્રવાદીઓ દ્વારા ‘ધર્મ’ શબ્દ વધુને વધુ અપનાવવામાં આવી રહ્યો છે અને હિંદુત્વની જમણેરી વિચારધારા સાથે તે વધુને વધુ સંકળાતો દેખાઈ રહ્યો છે એટલે ઘણા લોકો આવી ધાર્મિક સંસ્થાઓને શંકાની નજરે જોતા હોય છે.
ધાર્મિક આસ્થાઓના સમુહ માટે વધુ યોગ્ય પરિભાષિક શબ્દ કર્મિક - કર્મો પર શ્રધ્ધા ધરવતા - ધર્મો ગણી શકાય. પણ પશ્ચિમમાં ‘કર્મ’ની છાપ સારી નથી. કર્મને પુનર્જન્મ સાથે, તેમ જ પ્રારબ્ધવાદ અને સમાધાનકારી વલણ સાથે સાંકળવામાં આવે છે. ધર્મમાં પ્રામાણિકતા, હેતુપૂર્ણતા અને હેતુ વિશે ક્રિયા કરવાની ભાવના છે. કર્મની વ્યાખ્યા વિવિધ કર્મિક ધર્મોમાં ધર્મ કરતાં પ્રમાણમાં વધુ સુસંગત છે એ વાત સમજવામાં આપણે નિષ્ફળ રહીએ છીએ.
જૈન ધર્મ ગતિના સિદ્ધાંતનો ઉલ્લેખ કરે છે. તેનો અર્થ બધી વસ્તુઓનો સાર પણ થાય છે. પાછળથી થયેલાં અર્થઘટનોમાં, તેનો સંદર્ભ આચાર સંહિતા સાથે જોવા મળે છે. બૌદ્ધ ધર્મ ધર્મને સંઘથી અલગ પાડે છે: ધમ્મ વિચારસરણી વિશે છે અને સંઘ આ વિચારસરણીનો પ્રચાર કરવા માટેના સંસ્થાકીય નિયમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હિંદુ ધર્મમાં, ધર્મ એ યથોચિત સામાજિક આચરણ છે જે માનવતાના અર્થને વ્યાખ્યાયિત કરીને આપણને પોતાના અંકુશનું ક્ષેત્ર કરતાં રહેવા, અને બીજા પર પ્રભુત્વ ધરાવવા, જેવી પાશવી વૃત્તિથી અલગ પાડે છે. 'સનાતન ધર્મ' એ 'કાલાતીત માર્ગ' નો સંદર્ભ આપે છે જે આપણને ધ્યાન દ્વારા વિશ્વનાં સત્યની ખોજમાં મદદરૂપ થાય છે. પરંતુ એ સત્ય શું હોઈ શકે તે અંગે હજુ કોઈ નિર્ણય નથી થઈ શક્યો, કેમકે કોઈ પણ બે ગુરુઓ તેના પર ક્યારેય સંમત નથી થઈ શક્યા. ભારતનાં બંધારણમાં ધર્મનિરપેક્ષતાને ધર્મથી સ્વતંત્ર વિષય વ્યાખ્યાયિત કરવામાં આવી છે. અહીં, ધર્મનો ઉપયોગ યથોચિત નૈતિક વિચાર કે વર્તન તરીકે નહીં પણ 'જગન્નિયંતા તરીકે ઈશ્વરમાં આસ્થા માટેના માર્ગ' તરીકે થાય છે. એક વર્ગ બંધારણમાં ધર્મનિરપેક્ષતાનો અલગથી ઉલ્લેખ 'કુદરતી નિયમો પર આધારિત યથોચિત સામાજિક આચરણ'ની વિચારસરણી પર હુમલો પણ ગણે છે. આ વિષય પર આપણે અવિરતપણે ચર્ચા કરી શકીએ છીએ.
તેનાથી વિપરીત, 'કર્મ' ઓછો વિવાદાસ્પદ પારિભાષિક પ્રયોગ છે. પ્રારંભિક વૈદિક ગ્રંથોમાં કર્મનો ઉલ્લેખ 'ક્રિયા' તરીકે કરાયો છે. પાછળથી, તેનો અર્થ ક્રિયાની પ્રતિક્રિયા અને આપણી પસંદગીનાં ફળસ્વરૂપ પરિણામો તરીકે પણ થવા લાગ્યો. કોઈ પણ નિર્ણય પરથી કોઈ કાર્ય કરવાનાં, કે ન કરવાનાં, પરિણામ આપણા ભાવિ જીવનની ગુણવત્તા નક્કી કરે છે. આમ, આપણું જીવન એ ભૂતકાળમાં કરેલાં (પાછલા જન્મમાં કરેલાં - કે એ સમયે કરવા જોઇતાં હતાં પણ ન કરેલ) કાર્યોનું પરિણામ છે. આ સિદ્ધાંતને શાબ્દિક રૂપે લેવો કે રૂપક તરીકે લેવો એ હજુ સ્પષ્ટ નથી. બૌદ્ધ અને જૈન સાધુઓએ આ વિચારોને લોકોમાં લોકપ્રિય બનાવ્યા. આખરે, 'જેવું વાવશો તેવું લણશો' તરીકે કર્મની સમજણનો ઉદ્ભવ થયો. જો તમે સારું કરશો, તો તમારી સાથે સારું થશે. કર્મની આ સરળ સમજણ હવે વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય વ્યવસ્થા બની બની ગઈ છે.
આને અબ્રાહમી આસ્થાથી અલગ કરવાની જરૂર છે. અબ્રાહમી આસ્થા અનુસાર સારાં કાર્યો એ ભગવાનના નિર્દેશો પર થતાં કાર્યો છે. કર્મના સિદ્ધાંત માટે ‘સારા અને ખરાબ’ની કલ્પના જરૂરી નથી. પરંતુ અબ્રાહમી પૌરાણિક કથાઓમાં ભગવાનની કલ્પના કરી શકવા તે આવશ્યક છે. 'ધર્મ' વિશેની જમણેરી માન્યતાઓ આ અબ્રાહમી દૃષ્ટિકોણથી રંગાયેલ છે: તે 'ઔચિત્ય' ના જટિલ વિચારને 'ઉચિત આચરણ'ના સરળ વિચારમાં સમજાવી દે છે. આવી વ્યાખ્યાઓ કર્મની વિભાવનાની પ્રવાહિતાને સ્વીકારવાનો ઇનકાર કરે છે.
કર્મના પાયા પર ધર્મની ઈમારત બંધાયેલી છે. કર્મની સમજણ ખૂબ જટિલ હોવાથી, ધર્મની સમજણ પણ અસ્પષ્ટ રહે છે. ખરેખર તો ધાર્મિક આસ્થાઓનો અર્થ કર્મોમાં શ્રદ્ધા જેવો જ હોવો જોઈએ. પરંતુ વ્યવહારમાં, ધાર્મિક આસ્થાઓ કર્મની આસ્થાઓને સીધા સરળ શબ્દોનાં ચોકઠાઓ બંધ બેસાડવા માંગે છે.
- મિડ - ડે માં ૩ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Karmic faiths નો અનુવાદ| હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, વૈશ્વિક પુરાણશાસ્ત્રવિદ્યા ।
·
અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૬ ઓગસ્ટ, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો