સત્ય, દુર્ભાગ્યે, વસ્તુતઃ જટિલ લાગે છે. તેથી, સ્વાભાવિક રીતે, જાહેર માધ્યમોના આક્રોશ છતાં, ભારતની અદાલતો પાસે સત્યનું પોતાનું સંસ્કરણ છે જેને આપણે સ્વીકારવું પડશે, અથવા ન્યાયાલયના તિરસ્કારના આરોપોનો સામનો કરવો પડશે. તેથી, આપણને ગમે કે ન ગમે, સમલૈંગિકો બંધારણીય માનવ અધિકારો માટે અયોગ્ય રહે છે; બળાત્કાર પીડિતોએ અને તેમના પરિવારોએ બળાત્કારીઓને તંત્ર વ્યવસ્થા દ્વારા જ સુરક્ષિત થતા જોઈ શકે છે; બોલિવૂડ સીતારાઓ ખૂન અને નરસંહારથી બચી શકે છે; રમખાણો ભડકાવીને પ્રખ્યાત થયેલા રાજકારણીઓને રાજ્ય સન્માન આપવામાં આવે છે; ગુરુઓના અનુયાયીઓને ખાતરી છે કે પુરાવા હોવા છતાં તેમના ગુરુઓ તેમનું આર્થિક અને જાતીય શોષણ કરતા નથી. આખરે આપણે સત્યના બીજા કોઈએ નક્કી કરેલ સંસ્કરણને તાબે થતાં રહીએ છીએ.
સત્યને સમજવા માટે, ફિલસૂફો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ત્રણ પરિભાષાઓ - સત્ત્વમીમાંસા, જ્ઞાનશાસ્ત્ર અને ઘટનાવિજ્ઞાન- થી પોતાને પરિચિત કરવું ઉપયોગી છે.
‘સત્ત્વમીમાંસા’ ‘એ વસ્તુઓ જેવી છે તેવી’ તેનો અભ્યાસ છે. તે એવી સમજ છે જે વિચારશક્તિ પર નિર્ભર નથી. ‘જ્ઞાનશાસ્ત્ર’ એ જ્ઞાન અને જાણકારીનો અભ્યાસ છે. વિચારશક્તિથી સ્વતંત્ર બનવા માગતાં સત્ત્વશાસ્ત્રથી વિપરિત, જ્ઞાનશાસ્ત્ર એ વિચારશક્તિ આધારિત છે: વિચારશક્તિ 'વસ્તુઓ જેવી છે તેમ' તે કેવી રીતે છે તે વિશે જે પ્રક્રિયા કરે છે તેની જ્ઞાનશાસ્ત્ર કિંમત સમજે છે અને વિશ્વને સમજવા માટે વર્ગીકરણો અને જોડાણો બનાવે છે. પછી આવે છે 'ઘટના વિજ્ઞાન' છે, જે વ્યક્તિ વાસ્તવિકતાનો અનુભવ કેવી રીતે કરે છે તે સમજવાનો પ્રયાસ કરે છે. અહીં, આશય અને પહેલેથી માની લીધેલ ધારણાઓ મુખ્ય ભૂમિકા ભજવે છે.
ઘટનાવિજ્ઞાન સ્પષ્ટપણે વ્યક્તિલક્ષી અને વ્યક્તિ વિષયક છે. સત્ત્વમીમાંસા સ્પષ્ટપણે ઉદ્દેશ્યલક્ષી અને બિન-વ્યક્તિ વિષયક છે, જેનું અસ્તિત્વ માનવ સંવેદનાત્મક, ભાવનાત્મક અને બૌદ્ધિક અનુભવોની સીમાઓની બહાર છે. જ્ઞાનવિજ્ઞાન આ બન્ને વચ્ચે છે. જે વિચારશક્તિ વડે કેવી રીતે ઓળખ, અર્થ અને મૂલ્ય નક્કી થાય છે તેની કદર કરે છે અને તેથી તે જે જાણે સમજે છે અને જ્ઞાનની રચના કરે છે.
જ્ઞાનશાસ્ત્ર આપણને એ સમજવામાં મદદ કરે છે કે શક્તિનો પ્રસાર કેવી રીતે થાય છે અને કેવી રીતે અર્થ નિશ્ચિત થાય છે અને મૂલ્યનો સ્વીકાર કરવામાં આવે છે. જ્ઞાનશાસ્ત્ર દર્શાવે છે કે કેવી રીતે સંસ્કૃતિઓ વિશ્વને અલગ રીતે જુએ છે, કેવી રીતે વૈજ્ઞાનિકો પણ વિશ્વને અર્થ આપવા માટે કેવાં કેવાં માળખાં બનાવે છે. ઉદાહરણ તરીકે, હિંદુ ધર્મ વિશ્વને કર્મના દૃષ્ટિકોણથી જુએ છે, ગ્રીક (જેમાં પુનરુજ્જીવન પછીની 'આધુનિક' અને 'અનુ-આધુનિક' વિચારધારાનો પણ સમાવેશ થાય છે) વિચારધારા વિશ્વને અરાજકતા અને પ્રગતિના ક્ષેત્ર દૃષ્ટિકોણથી જુએ છે, અબ્રાહમી વિચારધારા સર્જન, નિંદા અને મુક્તિના દૃષ્ટિકોણ દ્વારા વિશ્વને જૂએ છે. વિજ્ઞાન માપન, પ્રયોગ અને પુરાવા દ્વારા વિશ્વને જુએ છે. પૌરાણિક કથાઓ - વાર્તાઓ, પ્રતીકો અને ધાર્મિક વિધિઓનો અભ્યાસ - સત્ત્વમીમાંસા હોવાનો દાવો કરે છે. ઘટનાવિજ્ઞાનની નજરે તેની કદર કરવાની જરૂર છે, અને આખરે તો તે જ્ઞાનશાસ્ત્રીય માળખાને છતું કરે છે.
સત્ત્વમીમાંસા વિવાદાસ્પદ રહે છે. દરેક વ્યક્તિ દાવો કરે છે કે સત્યનું તેમનું સંસ્કરણ - સત્ત્વનું ઝીણવટભર્યું વિચારણ - જેમ તે છે તેમ, અને વિચારશક્તિથી સ્વતંત્ર છે. પરંતુ સમસ્યા એ છે કે જે ક્ષણે સત્ત્વવિચારણાનાં સત્યને પ્રસારિત કરવાની જરૂર પડે છે, તે સમયે તેને ભાષા અને સંદેશાવ્યવહારને આકાર આપતાં જ્ઞાનશાસ્ત્રીય માળખામાંથી પસાર થવાની જરૂર પડે છે. તેથી જે સાંભળવામાં આવે છે તે તદ્દન 'જેવી વસ્તુઓ છે તેવી' (સત્વમીમાંસી) નહીં પરંતુ 'જેવો એ વસ્તુઓનો અર્થ કરાય છે તેવું' (જ્ઞાનશાસ્ત્રીય) અથવા તો 'વસ્તુઓનો જેવો અનુભવ થાય છે તેવું' (ઘટનાપ્રધાન) બની રહે છે.
આપણી અદાલતો સ્તવમીમાંસી સત્ય શોધે છે - પરંતુ ઘણીવાર તે અમુક પૂર્વગ્રહોને આધીન બની રહે છે અને જ્ઞાનની અવગણના કરે છે. તેથી, આપણે ‘સત્યનો વિજય થશે’ (સત્યમેવજયતે) જેવાં એક આડંબરી અને પોકળ વાક્ય સાથે અટવાયેલાં રહીએ છીએ. પણ કયું સત્ય, કે કોનું સત્ય, આપણા જીવન પર પ્રભુત્વ ધરાવે છે તે વિશે આપણને કંઈ જ ભાન, સાન જ્ઞાન કે જાણ નથી.
- મિડ - ડે માં ૧૦ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Understanding the(ir) Truth નો અનુવાદ| હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, વૈશ્વિક પુરાણશાસ્ત્રવિદ્યા ।
·
અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩
%20%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%87%20%E0%AA%B8%E0%AA%AE%E0%AA%9C%E0%AA%B5%E0%AB%81%E0%AA%82.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો