બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

દેવોની અનેક ઓળખો - દેવદત્ત પટ્ટનાઈક

ભારતીય મૂળ (PIO) ની વ્યક્તિને એકવાર પોતાની ઓળખ આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેની પાસે અમેરિકન પાસપોર્ટ હતો અને તે દાયકાઓથી અમેરિકામાં જ રહેતો હતો અને વિકાસ પામ્યો હતો, એટલે કાયદેસર રીતે તો તે અમેરિકન હતો. તે હિંદુ ધર્મનું પણ પાલન કરતો હતો, તેની જાતિ અને ગોત્ર જાણતો હતો. એટલે અંશે તે, સક્રિય કાર્યકરોને જેને વિશેષાધિકારકૃત કહે છે એવો, હિંદુ હતો. રામ અને કૃષ્ણની આસપાસ તેની પૂજા પ્રદક્ષિણા કરતી એટલો તે વૈષ્ણવ હતો. તે પંજાબી બોલતો હતો અને તેનાથી તે પંજાબી બન્યો હતો. તે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હતો, સમલૈંગિક હતો, તેણે અમેરિકન કાયદા મુજબ એક પુરુષ સાથે લગ્ન કર્યા હતા. તે ક્રિકેટને નહીં પણ અમેરિકન ફૂટબોલને પસંદ કરતો હતો, (આ હકીકત તેણે તેના ભારતીય પિતરાઈ ભાઈઓથી છુપાવી હતી). આમ તેની અન્ય ઓળખો પણ છે. તો પછી, તેની સાચી ઓળખ શું હતી?

તાજેતરમાં જ્યારે મેં ઉડિશામાં જગન્નાથ પુરીના મંદિરની મુલાકાત લીધી ત્યારે મને આવા જ કોયડાનો અનુભવ થયો. તેમની બાજુની મૂર્તિઓ કૃષ્ણના ભાઈ-બહેન સુભદ્રા અને બલરામ તરીકે ઓળખાય છે, એટલે મેં માન્યું કે આ કૃષ્ણનું એ પ્રદેશનું સ્થાનિક સ્વરૂપ છે. પણ પછી, મને કહેવામાં આવ્યું કે તેની પત્ની લક્ષ્મી છે. તે તેને વિષ્ણુ નથી બનાવી દેતા? કેટલીક પરંપરાઓમાં, કૃષ્ણ વિષ્ણુનો ‘માત્ર’ અવતાર છે. અન્ય પરંપરાઓમાં, કૃષ્ણ સર્વોચ્ચ છે, અને વિષ્ણુ ઉતરતા દરજ્જાના છે. પરંતુ પછી મેં એમ પણ સાંભળ્યું કે એવા ઘણા લોકો છે જેઓ માને છે કે જગન્નાથ તો ઉડિશના અનન્ય જગન્નાથ છે, અને કૃષ્ણ અને વિષ્ણુ જેવી તેમની ઓળખો તો પાછળથી લાદવામાં આવી હતી.

જ્યારે મંદિરમાંથી બહાર નીકળો ત્યારે દિવાલ પર જૈન તીર્થંકરની છબી દેખાય છે. શું તે ભાગવત પુરાણમાં વિષ્ણુના સ્વરૂપ તરીકે ઓળખાતા ઋષભ છે? કે પછી તે એ દાવાની યાદ અપાવે છે કે મંદિરની ઉત્પત્તિ જૈન ધર્મમાં હતી? પછી મેં વાર્તા સાંભળી કે જગન્નાથની મૂર્તિમાં બુદ્ધના અવશેષ મૂકવામાં આવ્યા છે, જે તેમને બૌદ્ધ દેવતા બનાવે છે. આ કથા ચકાસી શકાતી નથી. પરંતુ મંદિરના ઘણા ભાગોમાં દશા-અવતારની છબીઓમાં ક્રમમાં નવમા સ્થાને જગન્નાથની છબીઓ જોવા મળશે, જે તેમની ઓળખ બુદ્ધ સાથે કરાવે છે, કારણ કે બુદ્ધ સાથેના ૧૦ અવતારોની સૂચિમાં બુદ્ધનાં નવમમ સ્થાનને ચોક્કસપણે જયદેવ દ્વારા લોકપ્રિય કરવામાં આવેલ, કવિવર જયદેવે આ મંદિર સંકુલમાં ગીત ગોવિંદ લખી હતી અને જેના શ્લોકો હજુ પણ મંદિરની ધાર્મિક વિધિનો ભાગ છે. પરંતુ તાજેતરમાં લોકોએ આ ‘બૌદ્ધ’ ઓળખને પડકારી છે. જગન્નાથ કેવી રીતે ‘અવતાર’ (નશ્વર માનવ સ્વરૂપ) હોઈ શકે? શું તે ‘અવતારી’ (દૈવી વિભૂતિ) નથી?

શૈવ પંથીઓ દાવો કરે છે કે મંદિરની ત્રણ મૂર્તિઓ વાસ્તવમાં ત્રણ ભૈરવની છે, જે કૃષ્ણના ભાઈ-બહેનોને બદલે શિવના ત્રણ દેવ સ્વરૂપો બતાવે છે. શાક્તો દાવો કરે છે કે ત્રણેય મૂર્તિઓ દેવીની છે, અને ભારપૂર્વક કહે છે કે મૂર્તિમાં કોઈ પ્રજનન અંગ નથી અને તેથી માત્ર પુરુષ હોવાનું માની લેવાનું રહે છે. તે પછી, આદિવાસી રાજા વિશ્વવાસુના દેવતા નીલમાધવની કથા છે, જેનો દાવો વર્તમાન મંદિરથી ઘણા સમય પહેલા જગન્નાથનું પ્રથમ મંદિર બનાવનાર રાજા ઇન્દ્રદ્યુમ્ને કર્યો હતો. તે જગન્નાથને આદિવાસી દેવતા બનાવે છે, તેથી જ મંદિરના ઘણા પૂજારીઓને 'દૈત્ય-પતિ' તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ આદિવાસી મૂળ ધરાવતા જોવા મળે છે. તેઓ સ્પષ્ટપણે બ્રાહ્મણ પાંડાઓથી અલગ પડે છે.

વિદ્વાનોમાં, એવી દલીલો ચાલતી રહી છે કે શું જગન્નાથ મંદિરની પરંપરા હિંદુ ધર્મ પૂર્વેની કે, વૈદિક પૂર્વેની કે પછી અનુ - વૈદિક છે કે પછી અતિરિક્ત-વૈદિક છે કે પછી તે હિંદુ પરંપરાઓનું બીજ છે કે પછી હિંદુ પરંપરાઓનું ફળ છે. એવી દલીલો છે કે શું તેને ચેતના, કે ધર્મ, કે પરંપરા, કે પંથ, કે પછી સંપ્રદાય કહેવો જોઈએ. સંપ્રદાય યુરોપિયન અને અમેરિકન ભારતીય વિદ્યાના વિદ્વાનો દ્વારા ઉપયોગમાં લેવાતો શબ્દ છે જે સંવેદનશીલ અને રક્ષણાત્મક સ્થાનિકોને ગુસ્સે કરે છે, કારણ કે તે આસ્થાને વિદેશી પાખંડનો એક પ્રકાર બનાવી દે છે.

પેલા ભારતીય મૂળના સજ્જનની અનેક ઓળખની જેમ જ મને જગન્નાથની,હંમેશા વિવાદિત રહેલી, અનેક ઓળખનો અહેસાસ થયો. એટલી વળી કૃપા છે પેલા સજ્જનની માનવતાને અને જગન્નાથની દૈવીતાને કોઈ વળી પડકારતું નથી. સંબંધ બાંધવા માટે એક સારી શરૂઆતનું પ્રારંભિક કદમ છે.

  • મિડ - ડે માં ૧૭ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Many identities of Godનો અનુવાદહિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો