બુધવાર, 15 નવેમ્બર, 2023

યુદ્ધ અપરાધીઓ કોણ હોય છે? (૧૯૪૩) - જ્યોર્જ ઑર્વેલ [૨]

 જ્યોર્જ ઑર્વેલના લેખ Who are the War Criminals?ના આંશિક અનુવાદ - "યુદ્ધ અપરાધીઓ કોણ હોય છે? (૧૯૪૩) - આંશિક અનુવાદના પહેલા અંકમાં આપણે જ્યોર્જ ઑર્વેલ દ્વારા 'કેસિયસ' નાં પુસ્તક 'The Trial of Mussolini / મુસોલિની પરનો મુકદ્દમો'માં 'સત્તાના રાજકારણમાં કોઈ ગુના નથી હોતા, કારણ કે ત્યાં કોઈ કાયદા જ નથી' વિચારને કેન્દ્રમાં રાખીને મુસોલિનીનાં પતનના સંદર્ભમાં યુદ્ધ અપરાધીઓ કોને કહી શકાય તે મુદ્દો ઉઠાવાયો છે. આંશિક અનુવાદના પહેલા અંકમાં બિટનના એટર્ની જનરલ તરફથી ચલાવાઈ રહેલા મુસોલિની પરના ખટલામાં કેટલા રૂઢિવાદી રાજકારણીઓની જુબાનીઓના અંશો દ્વારા બતાવાયું છે કે બ્રિટીશ સમાજના અભિપ્રાયના જવાબદાર નેતાઓએ મુસોલિનીએ જે પણ કર્યું છે તેમાં તેને પ્રોત્સાહિત કર્યો છે.

હવે આંશિક અનુવાદના અંક [૨]માં જ્યોર્જ ઑર્વેલ કેસિયસ' નાં પુસ્તક પરની ચર્ચા આગળ ચલાવે છે .... 

+                      +                      +                      +


૧૯૩૨માં ડેઈલી મેલના શ્રીમાન વૉર્ડ પ્રાઈસનું કહેવું છે કેઃ

અજ્ઞાન અને પૂર્વગ્રહયુક્ત લોકો ઇટાલિયન બાબતો વિશે એવી રીતે વાત કરે છે જાણે કે તે રાષ્ટ્ર કોઈ એવા જુલમને આધિન છે જેને તે સ્વેચ્છાથી ફેંકી દઈ શક્શે. કટ્ટરપંથી લઘુમતીઓ માટે કંઈક અંશે રોગિષ્ટ કહી શકાય એવી મનોવૃત્તિ ધરાવવીજે બ્રિટિશ જાહેર અભિપ્રાયના અરધાપરધા જાણકાર અમુક ચોક્કસ વર્ગોનો નિયમ છે તેની સાથે આ દેશે લાંબા સમયથી ફાસીવાદી શાસન દ્વારા કરાઈ રહેલા શાનદાર કામ તરફ આંખો બંધ કરી દીધી હતી. મેં ઘણી વખત સાંભળ્યું છે કે વિશ્વ સમક્ષ તેમના ઉદ્દેશ્યોને યોગ્ય રીતે રજૂ કરનાર પ્રથમ બ્રિટિશ અખબારની રૂએ મુસોલિનીએ પોતે ડેઈલી મેઈલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

અને તેથી વધુ આગળ જતાં. હોરે, સિમોન, હેલિફેક્સ, નેવિલ ચેમ્બરલેન, ઓસ્ટેન ચેમ્બરલેન, હોરે-બેલિશા, એમેરી, લોર્ડ લોયડ અને અન્ય લોકો સાક્ષીના પીંજરામાં આવીને મુસોલિની ઇટાલિયન ટ્રેડ યુનિયનોને કચડી રહ્યો કે નહીં, સ્પેનમાં દખલગીરી કરી રહ્યો હતો કે નહીં, એબિસિનિયનો પર ફોડલા કરતો રંગવિહિન પ્રવાહી મસ્ટર્ડ ગેસ રેડતો હતો કે નહીં, આરબોને વિમાનમાંથી બહાર ફેંકી દીધા કે નહીં અથવા બ્રિટન સામે ઉપયોગ માટે ઈટલીનું  નૌકાદળ બનાવ્યું હતું કે નહીં, કે બ્રિટિશ સરકાર અને તેના સત્તાવાર પ્રવક્તાઓએ તેને દિલોજાનથી ટેકો આપ્યો હતો કે નહીં જેવા મુદ્દાઓ પર સાક્ષી આપવા તૈયાર છે. આપણને ૧૯૨૪માં લેડી (ઓસ્ટન) ચેમ્બરલેનને મુસોલિની સાથે હાથ મિલાવતી, ૧૯૩૯માં ચેમ્બરલેન અને હેલિફેક્સ તેની સાથે ભોજન સમારંભમાં અને  'એબિસિનિયાના સમ્રાટ'નું પીણાંની પ્યાલીદ્વારા અભિવાદન કરીને સીધી રીતે આંગળી ચીધે છે કે મુસોલિની દોષિત નથી. માત્ર પછીથી, જ્યારે એક એબિસિનિયન, એક સ્પેનિયાર્ડ અને ઇટાલિયન વિરોધી ફાસીવાદી તેમના પુરાવા આપે છે, ત્યારે તેની સામેનો વાસ્તવિક કેસ દેખાવાનું શરૂ થાય છે.

હવે, પુસ્તક કાલ્પનિક છે, પરંતુ આ નિષ્કર્ષ વાસ્તવિક છે. બ્રિટિશ રૂઢીવાદી રાજકારણીઓ  ક્યારેય મુસોલિની પર ખટલો ચલાવે એવું અત્યંત અસંભવિત છે. ૧૯૪૦ માં મુસોલિનીની યુદ્ધની ઘોષણા સિવાય તેઓ તેના પર આરોપ લગાવી શકે તેવું કંઈ નથી. ઘણા લોકો  'યુદ્ધ ગુનેગારો પરનો મુકદ્દમો'નું  સ્વપ્ન જોવાનો  આનંદ માણવા માગે છે તે ક્યારેક પણ ફળીભૂત થાય તો તે સાથી દેશોમાં ક્રાંતિ પછી જ થઈ શકે છે. પરંતુ આપણી સાથે બનેલી આફતો માટે બલિનો બકરો શોધવાનું, વ્યક્તિઓ અથવા પક્ષો અથવા રાષ્ટ્રોને દોષી ઠેરવવાનું આપણું વલણ વિચારોની એવી બીજી શ્રેણીઓ ઊભી કરે છે, જેમાંથી કેટલીક અશાંતિકર છે.

મુસોલિની સાથેના બ્રિટિશ સંબંધોનો ઇતિહાસ મૂડીવાદી રાજ્ય વ્યવસ્થાની માળખાકીય નબળાઈને દર્શાવે છે. સત્તાની રાજનીતિમાં નૈતિકતા ન હોય તેમ સ્વીકારવું, ઇટાલીને ધરી રાષ્ટ્રોમાંથી ખરીદીને અલગ કરવાનો પ્રયાસ કરવો જેવા, ૧૯૩૪થી સ્પષ્ટપણે બ્રિટિશ નીતિને નીચેથી આધાર આપતા રહેલા, વિચારો  એક સ્વાભાવિક વ્યૂહાત્મક ચાલ હતી એમ માની પણ લઇએ. પરંતુ બાલ્ડવિન, ચેમ્બરલેન અને બાકીના લોકો તેનો અમલ કરવા માટે સક્ષમ હતા એવું તો આ પગલું નહોતું. તે એટલું મજબૂત બની શક્યું હોત કે મુસોલિનીએ હિટલરનો પક્ષ લેવાની હિંમત ન કરી હોત. આ અશક્ય હતું, કારણ કે નફાના હેતુથી શાસિત અર્થતંત્ર આધુનિક કક્ષાએ પર ફરીથી લશ્કરને પુનઃસજ્જ કરવા સમાન નથી. જ્યારે જર્મનો કલાઈસમાં આવી પહોંચ્યા હતા ત્યારે તો બ્રિટને હથિયારથી સજ્જ થવાનું શરૂ કર્યું હતું. તે પહેલાં, વાસ્તવમાં, શસ્ત્રો માટે ઘણી મોટી રકમો આપવાની સંમતિ માટે મત પડતા હતા, પરંતુ શસ્ત્રો જોવા મળ્યા વિના જ તે રકમો શેરધારકોના ખિસ્સામાં ચુપચપ રીતે સરકી ગઈ. તેમના પોતાના વિશેષાધિકારોને ઘટાડવાનો તેમનો કોઈ વાસ્તવિક ઈરાદો ન હોવાથી અનિવાર્ય હતું કે બ્રિટિશ શાસક વર્ગે દરેક નીતિને બહુ ધ્યાનપૂર્વક  ચલાવવી ન જોઈએ અને આવનારા ભય સામે આંખ આડા કાન કરવા જોઈએ.

પરંતુ આનાથી જે નૈતિક પતન થયું તે બ્રિટિશ રાજકારણમાં કંઈક નવું હતું. ઓગણીસમી અને વીસમી સદીની શરૂઆતમાં, બ્રિટિશ રાજકારણીઓ દંભી હોઈ શકે છે, પરંતુ એ દંભમાં એક નૈતિક સંહિતા જોવા મળતી હતી.  રૂઢિચુસ્ત પક્ષના સંસદ સભ્યોનું બ્રિટિશ જહાજો પર ઇટાલિયન એરોપ્લેનો દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો એ સમાચારથી આનંદિત થવામાં કે  ઉમરાવ સભાનાના સભ્યોએ જેમને શરણાર્થીઓ તરીકે અહીં લાવવામાં આવ્યા હતા એવાં બાસ્ક બાળકો સામે સંગઠિત બદનક્ષી ઝુંબેશમાં પોતાને ગીરવી મુકવામાં કંઈક નવું હતું.

એક પછી એક સાથીનો શંકાશીલતાને કારણે ત્યાગ, રૂઢિચુસ્ત વિચારસરણીનાં અખબારોનો અસ્પષ્ટ આશાવાદ, સરમુખત્યારો છાપરે ચડીને પોકાર કરતા હતા એ સમયે પણ સરમુખત્યારશાહીનો અર્થ યુદ્ધ છે તે માનવાનો સ્પષ્ટ ઇન્કાર, યહુદીઓ પર સીતમ ગુજારવા બનાવાયેલા યહુદી ઢોરવાડાઓસામુહિક હત્યાકાંડ અને અઘોષિત યુદ્ધોમાં કંઈ પણ ખોટું જોવા માટે તવંગર વર્ગની અસમર્થતા, જેવાં  તે વર્ષોના જૂઠાણા અને વિશ્વાસઘાત વિશે જ્યારે કોઈ વ્યક્તિ  વિચારે છે, ત્યારે તેને એવું લાગે છે કે નૈતિક પતન તેની ભૂમિકા તેમજ મૂર્ખતા પણ ભજવે છે. ૧૯૩૭ સુધીમાં, અથવા તેની આસપાસ, ફાસીવાદી શાસનની પ્રકૃતિ વિશે શંકા કરવી શક્ય ન હતી. પરંતુ મિલકતના ધણીઓએ તો નક્કી કરી લીધું  હતું કે ફાસીવાદ તેમની પડખે છે ત્યાં સુધી તેમની મિલકત સુરક્ષિત રહેશે. અને જો મિલ્કત સુરક્ષિત રહેતી હોય તો એ લોકો અત્યંત દુર્ગંધ મારતા કોળીયાઓ ભરતા રહેવા માટે તૈયાર હતા. 'રાજકીય વાસ્તવવાદ', 'પાર્ટીના -આ કિસ્સામાં પાર્ટી, અલબત્ત, રૂઢિચુસ્ત પક્ષ છે- હેતુને આગળ ધપાવે તે કંઈપણ યોગ્ય છે' વાળી માકિયાવેલીની રમત તેઓ તેમની અણઘડ રીતે રમતા રહ્યા. 

આ બધું 'કેસિયસ' બહાર લાવે છે, પરંતુ તે તેના સ્વાભાવિક પરિણામોને ટાળે છે. તેમના સમગ્ર પુસ્તકમાં તે સૂચિત કરે છે કે ફક્ત રૂઢિચુસ્ત પક્ષ જ અનૈતિક છે. તેઓ કહે છે કે 'તેમ છતાં હજી બીજું ઇંગ્લેન્ડ છે. આ બીજું ઈંગ્લેન્ડ ફાસીવાદને તેના જન્મથી ધિક્કારતું હતું... આ ડાબેરીઓનું ઈંગ્લેન્ડ હતું, ઈંગ્લેન્ડના મજૂર વર્ગનું હતું.એ સાચું ખરૂં, પણ સત્યના માત્ર એક ભાગ જેટલું જ. ડાબેરીઓનું વાસ્તવિક વર્તન તેમના સિદ્ધાંતો કરતાં વધુ સન્માનજનક રહ્યું છે. તેમણે ફાસીવાદ સામે લડત આપી છે, પરંતુ તેના પ્રતિનિધિ વિચારકો તેમના વિરોધીઓની જેટલા જ  ‘વાસ્તવવાદઅને સત્તાના રાજકારણની દુષ્ટ દુનિયામાં ઊંડા ઉતરી ચૂક્યા છે.

વાસ્તવિકતા’ (તેને 'અપ્રમાણિકતા' પણ કહેવામાં આવે છે) એ આપણા સમયના સામાન્ય રાજકીય વાતાવરણનો એક ભાગ છે. તે 'કેસિયસ'ની સ્થિતિની નબળાઈની નિશાની છે કે કોઈ વ્યક્તિ ધ ટ્રાયલ ઑફ વિન્સ્ટન ચર્ચિલ, કે ધ ટ્રાયલ ઑફ ચિયાંગ કાઈ-શેક, અથવા તો ધ ટ્રાયલ ઑફ રામસે મેકડોનાલ્ડ' જેવા શીર્ષકો હેઠળ તદ્દન સમાન પ્રકારનાં પુસ્તકનું સંકલન કરી શકે છે. દરેક કિસ્સામાં તમે ડાબેરી નેતાઓને 'કેસિયસ' દ્વારા ટાંકવામાં આવેલા રૂઢિચુસ્ત પક્ષના નેતાની જેમ લગભગ તદ્દન વિરોધાભાસી જોશો. કારણ કે ડાબેરીઓ પણ મોટાભાગે આંખો મીંચી જવા અને કેટલાક અત્યંત શંકાસ્પદ સાથીઓને સ્વીકારવા તૈયાર તો રહ્યા જ છે. આજે જે રૂઢિચુસ્ત પક્ષ  મુસોલિનીને ભાંડે છે એ જ લોકો પાંચેક વર્ષ પહેલાં મુસોલિનીની ખુશામત કરી રહ્યા હતા એ યાદ કરીને  આપણે હવે હસી પડીએ છીએ, પરંતુ ૧૯૨૭માં કોણે ભાખ્યું હશે કે ડાબેરીઓ એક દિવસ ચિયાંગ કાઈ-શેકને પોતાને પડખે બેસાડશે? આમ હડતાળ પછી કોણે ભાખ્યું હશે કે દસ વર્ષ પછી વિન્સ્ટન ચર્ચિલ ડેઈલી વર્કરનો પ્રીતમ બનશે? ૧૯૩૫-૯ના વર્ષોમાં, જ્યારે ફાસીવાદ સામે લગભગ કોઈ પણ સાથી સ્વીકાર્ય લાગતું હતું, ત્યારે ડાબેરીઓ પોતાને મુસ્તફા કમાલની પ્રશંસા કરતા અને પછી રૂમાનિયાના કેરોલ પ્રત્યે કુણી લાગણી વિકસાવતા પણ જોવા મળતા હતા.

જો કે તે દરેક રીતે વધુ ક્ષમાપાત્ર હતું, પરંતુ રશિયન શાસન પ્રત્યે ડાબેરીઓનું વલણ ફાસીવાદ પ્રત્યે રૂઢીચુસ્ત પક્ષના વલણ જેવું જ હતું. લગભગ કંઈપણ માફ કરી દેવા સમાન આ વલણ એટલે રહ્યું છે કે, ' તેઓ અમારી બાજુમાં છે'. મુસોલિની સાથે હાથ મિલાવતા ફોટોગ્રાફ લેડી ચેમ્બરલેન વિશે વાત કરવી ભલે સારી લાગે પણ ત્યરે એ ન ભુલવું જોઇએ કે રિબેન્ટ્રોપ સાથે હાથ મિલાવતા સ્ટાલિનનો ફોટોગ્રાફ વધુ તાજેતરનો છે. એકંદરે, ડાબેરી બૌદ્ધિકોએ રુસો-જર્મન કરારનો જે બચાવ કર્યો તે ચેમ્બરલેનની તુષ્ટિકરણ નીતિની જેમ 'વાસ્તવિક' હતું અને તેના પરિણામો પણ સરખાં જ આવ્યાં. આપણે ડુક્કરને રાખવાના જે નૈતિક વાડામાં જીવી રહ્યા છીએ તેમાંથી બહાર નીકળવાનો જો કોઈ રસ્તો હોય, તો તેના તરફનું પ્રથમ પગલું કદાચ એ સમજવાનું છે કે 'વાસ્તવિકતાવાદ' ફળતો નથી, અને તે તમારા મિત્રોને વેચી દેવા અને જ્યારે તેઓ નાશ પામતા હોય ત્યારે તમારા હાથ ઘસીને બેસી રહેવું એ રાજકીય શાણપણ નાં કૉફિન પર  છેલ્લો ખીલો નીવડી શકે છે.

આ હકીકત કાર્ડિફ થી સ્ટાલિનગ્રેડ વચ્ચેનાં કોઈપણ શહેરમાં બતાવી શકાય, પરંતુ ઘણા લોકો તેને જોઈ શકતા નથી. આ દરમિયાન જમણેરીઓ પર હુમલો કરવો એ પત્રિકા સાહિત્યકારની જેટલી ફરજ છે, એટલી જ ડાબેરીઓની ખુશામત કરવી એ નથી. તેનું અમુક અંશે કારણ એ છે કે ડાબેરીઓ ખૂબ જ સરળતાથી પોતાની જાતથી સંતુષ્ટ થઈ ગયા છે કે તેઓ હવે જ્યાં છે ત્યાં જ (સ્થાયી) છે.

+                      +                      +                      +

 

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Who are the War Criminals?નો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો