બુધવાર, 20 ડિસેમ્બર, 2023

સમાધિઓનાં મહત્ત્વ પર પ્રકાશ પાડીએ - દેવદત્ત પટ્ટનાઈક

ઘણા સમય પહેલા મેં લાલ પથ્થર નામની ફિલ્મ જોઈ હતી. તે એક સમૃદ્ધ, શિક્ષિત અને કંટાળી ગયેલા માણસની વાર્તા છે. આ પાત્રને પરદા પર ઠસ્સાદાર અભિનેતા રાજ કુમાર દ્વારા ભજવવામાં આવેલ છે. તે જે ગામડાની છોકરી સાથે લગ્ન કરે છે એ પાત્ર ખૂબસૂરત હેમા માલિનીએ ભજવેલ છે. તેમના હનીમૂનના ભાગરૂપે પતિ પોતની નવવધુને પ્રેમીઓ અને ભાવનાપ્રધાન લોકોના તીર્થસ્થાન સમા, વિશ્વવિખ્યાત, તાજમહેલની મુલાકાતે લઈ જાય છે. પરંતુ તેને આશ્ચર્યજનક અનુભવ થાય છે કેમકે તેની પત્ની પ્રેમના આ સ્મારકની 'સમયના ગાલ પર આંસુનું ટીપું' ની પ્રશંસા સાથે સહમત નથી થતી. તે તેને તેને 'કબર' કહે છે, અને બહાર નીકળી જાય છે કારણ કે કબરની અંદર જવાથી તે પોતાને અભડાયેયેલી લાગે છે અને તેણે સ્નાન કરવું પડે છે. તે જ ક્ષણે, હીરોને લાગે છે કે તેની પત્ની એક અલગ દુનિયાની - જૂનવાણી માન્યતાઓવાળી, ભલે સુંદર પણ મૂળે તો ગામડીયણ - સ્ત્રી છે. આજે આને આધુનિક ભારત અને પરંપરાગત ભારત વચ્ચેના ભાગલા તરીકે સમજવામાં આવશે. આધુનિક ભારતીયો માટે, તાજમહેલ તમામ ધર્મિક મૂળોથી વિરક્ત એવું,એક બિનસાંપ્રદાયિક, સ્મારક છે. પરંપરાગત ભારત માટે એવું નથી તે તો તેને, ભલેને કદાચ પ્રેમીઓની પવિત્ર પ્રેમભાવનાની પણ, એક સમાધિ તરીકે જુએ છે, કે પછી તો એક એવી જગ્યા તરીકે જૂએ છે જ્યાં એક સમયે મંદિર હતું.


તાજમહેલ એ આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે, મુગલ સમ્રાટ, શાહજહાંની પત્ની, મુમતાઝ મહલની કબર પર બાંધવામાં આવેલ એક મકબરો છે. આ શહેર આજે અદભૂત રીતે ગંદુ, અને આઝાદી પછી રાજ્ય પર શાસન કરનાર દરેક સરકાર દ્વારા ઉપેક્ષિત છે. સુપ્રિમ કોર્ટના આદેશોને ધ્યાનમાં રાખીને દર શુક્રવારે તાજમહેલ બંધ રાખવામાં આવે છે, જેનાથી આશ્ચર્ય એ થાય કે શું આ સ્મારક બિનસાંપ્રદાયિક છે કે પછી ધાર્મિક છે, કેમકે શુક્રવાર મુસ્લિમો માટે પરમ આરામનો દિવસ છે.

મહાન લોકો - ઋષિઓ, રાજાઓ, કવિઓ અને પ્રેમીઓનાં મૃત્યુ સ્થાનકો પર સમાધિ બાંધવાની પ્રથા મહાન સાયરસના સમયનાં પ્રાચીન શાહી પર્શિયામાંથી આવે છે, જેને શિયા મુસ્લિમો દ્વારા સ્વીકારવામાં આવેલ છે પણ અરેબિયાના આદિવાસી સમાનતાવાદનાં મૂળ ધરાવતા સુન્ની મુસ્લિમો આ પ્રથા પર અસંઅતિની નાખુશી ધરાવે છે.

મુગલ રાજાઓની આ પ્રથા વિશે મિશ્ર લાગણી જોવા મળે છે. બાબરનું અંતિમ વિશ્રામ સ્થળ ગુંબજ વગરનું ખૂબ જ સાદું છે, તો હુમાયુની કબર પર ગુંબજ છે. અકબર અને જહાંગીરની કબરો ભવ્ય છે, પરંતુ તેના પર ગુંબજ નથી. ઔરગનઝેબની કબર સૌથી સરળ, કોઈ જાતનાં નિશાન વગરની, આકાશ તળે ખુલ્લી છે. જોકે ઔરંગાબાદમાં તેની પત્ની માટે તેણે બીબી કા મકબરા તરીકે જાણીતી એક સમધિ બનાવેલ છે.

પરંપરાગત હિંદુ પરિવારોમાં, મૃત્યુ સાથેનો સંપર્ક અભડાવાના દોષમાં પરિણમે છે. મૃતકથી તમારો સંબંધ કેટલો નજીક છો તેના આધારે, આભડછેટનો સમયગાળો (સૂતક) બદલાય છે. તેથી જ, પરંપરાગત રીતે, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે મૃતદેહની કોઈ નિશાની ઘરની નજીક રાખવામાં આવતી નથી. તેનો અગ્નિસંસ્કાર ગામની બહાર કરવામાં આવે છે, અને શક્ય તેટલી વહેલી તકે અસ્થિને નદીમાં પધરાવવામાં આવે છે.

દફનવિધિ અને કબર બનાવવી એ સામાન્ય રીતે હિંદુ પ્રથા નથી. જોકે કેટલાક સમુદાયો તેનું પાલન કરે છે. બુદ્ધનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના અનુયાયીઓ તેમના દાંત અને હાડકાંને સ્તૂપમાં અવશેષો તરીકે રાખતા હતા. આ પ્રથા હિન્દુ મઠના આદેશો દ્વારા અપનાવવામાં આવી હતી. તેથી જ્યારે કોઈ મહાન ગુરુ, અથવા આચાર્ય, મૃત્યુ પામે છે, ત્યારે તેમના શરીરને અગ્નિસંસ્કાર કરવામાં આવતો નથી કારણ કે તેને યોગિક પ્રથાઓ દ્વારા શુદ્ધ કરવામા અવેલ છે. તેના બદલે, તેને બેઠેલી સ્થિતિમાં દફનાવી અને તેની આસપાસ મીઠું ભરી દેવામાં આવે છે અને તેની ઉપર 'સમાધિઓ' બાંધવામાં આવે છે.

ઇસ્લામના આગમન સાથે જ ગામડાઓમાં સ્મશાનભૂમિ (સંમશાન-ભૂમિ)ની સાથે મુસ્લિમ આક્રમણકારો, સ્થળાંતર કરનારાઓ અને ધર્માંતરણ કરનારાઓ માટે કબ્રસ્તાન (કબરીસ્તાન) બનવાનું શરૂ થયું. સૂફી સંતોની ઘણી કબરો મંદિરો અથવા દરગાહ બની ગઈ. પ્રાચીન પર્શિયન પ્રથાની નકલ કરતા હતા એવા દિલ્હીના સુલતાનોની પ્રથાને કદાચ અનુસરીને, મહાન રાજપૂત રાજાઓ અને રાણીઓના સ્મશાન સ્થળ પર છત્રી અથવા મંડપ બાંધવાનું શરૂ થયું. આઝાદી પછી, નેતાઓના અગ્નિસંસ્કારના સ્થળોની યાદને કાયમ કરવી રાજકીય રીતે મહત્વપૂર્ણ બન્યું. પરિણામે આપણી પાસે રાજ ઘાટ, શાંતિવન, શક્તિ સ્થળ જેવી સમાધિઓ છે. 'કબરો'ની મુલાકાત હવે અશુભ નથી રહી. રાજકીય અને રાષ્ટ્રવાદી ધાર્મિક વિધિઓના ભાગરૂપેહ્વએ આવી મુલાકાતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેથી આજે તમારે તાજમહેલની મુલાકાત લીધા પછી સ્નાન કરવાની જરૂર નથી. જેઓ કરે છે, તેઓ તેના વિશે વાત કરતા નથી.

અલબત્ત, એવા ઘણા લોકો છે જેઓ માને છે કે તાજમહેલ એક મંદિર છે. સામાજિક માધ્યમો પર વાઈરલ થતા સંદેશાઓ તેમાં એવો કાવતરાનો તર્ક રજૂ કરે છે કે તાજમહેલ વાસ્તવમાં તેજો મહાલય, એક શિવ મંદિર છે. સૌપ્રથમ વાર આવો દાવો કરનાર સજ્જન, પી.એન. ઓક, એમ પણ માનતા હતા કે ઈંગ્લેન્ડમાં આવેલ સ્ટોનહેંજ સ્મારકનું મૂળ હિન્દુ છે. જે દિવસોમાં તમારી પાસે બીજું કંઈ કામ ન હોય ત્યારે આ વિષયને લઈને ચા પર ઉગ્ર ચર્ચા થાય છે. પરંતુ હિંદુ મંદિરના સ્થાપત્ય સિદ્ધાંતોનો થોડો પણ પરિચય હશે તો સમજી શકાશે તાજમહેલ હિંદુ બાંધકામ ન હોઈ શકે. શું આ સ્મારક બનાવવા માટે આ સ્થળ પરના કોઈ મંદિરને તોડી પડાયું હતું? શું જે કારીગરોએ બંધકામમાં હિંદુ પ્રતિકોનિ જોડી લીદાં છે તે બધા હિંદુ હતા? શું તેમના કાંડાં એટલા માટે કાપી નાખવામાં આવ્યં હતાં તેઓ આ સુંદર રચના ફરી ન બનાવી શકે? આ બધી દંતકથાની સામગ્રી છે. આની કોઈ સાબિતીઓ નથી. વાસ્તવમાં, તાજમહેલ પર એટલું ઓછું સાહિત્ય છે કે આપણે જે પણ ઇચ્છીએ છીએ તે સાબિત કરવું સરળ છે. અંગ્રેજોને ખાતરી હતી કે તાજમહેલનો સ્થપતિ ભારતીય ન હોઈ શકે; આ સ્મારકની ભવ્યતા અને બાંધણીમાં જોવા મળતી ચોકસાઈ જોતાં અંગ્રેજોનું એમ જ માનવું હતું કે તે જરૂર કોઈ યુરોપિયન, કદાચ ઇટાલિયન, કે પછી કદાચ ફ્રેન્ચ હોય..

વિશ્વભરના લોકો માટે, તાજમહેલની મુલાકાત એક યાત્રા છે. આ મુસ્લિમ કબર ભારતની સંસ્કૃતિની સૌથી લોકપ્રિય છબી છે તે ઘણા, દેશમાંવિદેશમાં ('તે વારાણસી કેમ ન હોઈ શકે?') વીખરાયેલા કટ્ટરપંથી હિન્દુઓને નારાજ કરે છે. જ્યાં સુધી તેઓ કબર જુએ નહીં ત્યાં સુધી મોટા ભાગના મુલાકાતીઓ એમ જ માને છે કે તે (મુમતાઝ) ‘મહલ’ - જેનો અર્થ બોલચાલમાં મહેલ થાય છે - માટેનો મહેલ છે. પછી તો જોવા મળશે કે લોકો જ્યાં રાણી અને તેના બાદશાહ પતિને તેની બાજુમાં બાજુમાં દફનાવવામાં આવ્યાં હતાં એ બે કબરોને નમન કરે છે. બે કબરોમાં બાજુમાં બાજુમાં એટલે નથી કે તેમનાં સંતાનો તેમના પ્રેમની પ્રશંસા કરે છે, પરંતુ તે તો ફક્ત એટલા માટે છે કે તેમનો પુત્ર, ઔરંગઝેબ વ્યવહારિક હતો અને રાજ્યન ખજાના પરનાં ખર્ચને તે ઘટાડવા માંગતો હતો.

છેલ્લાં ૫૦ વર્ષોમાં, ધર્મની વ્યાખ્યા ભગવાનમાંથી બદલાઈ જઈને કાંઈ પણ પવિત્ર કંઈપણ સાથે સંકળાઈ ગઈ છે. તેની સાથે તીર્થયાત્રાની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. આજે, તીર્થયાત્રા એ માત્ર દૈવત્વ સાથે જોડાયેલ સ્થળોનીની મુલાકાત લેવા સુધી મર્યાદિત અથમાં નથી રહી, પરંતુ પવિત્રતા , કે પછી જે ભાવનાત્મક અર્થમાં, કમસે કમ, ઊર્જા કે પપૌરાણિક શક્તિની અનુભૂતિ સાથે સમાયેલ છે એવાં કંઈ પણ સાથે સંકળાયેલ સ્થળોની સાથે સંકળાયેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે હવે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં આપણે ધાર્મિક તેમજ બિનસાંપ્રદાયિક તીર્થયાત્રાઓ પર જઈ શકીએ છીએ, જ્યાં પ્રેમીઓ તાજમહેલ જઈ શકે છે, દેશભક્તો વાઘા બોર્ડર પર જઈ શકે છે, (પુરુષ) ભક્તો સબરીમાલા જઈ શકે છે અને સિદ્ધિ વિનાયક, કુંભ મેળો, કે પછી અમિતાભ બચ્ચનના ઘરે તો વળી દરેક વ્યક્તિ
  જઈ શકે છે. આ માર્ગો જ આજનાં ભારતની ઓળખને ઘડે છે. અને તે, બેશક, સારી બાબત છે.

  • મુંબઈ મિરરમાં ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Shrine a light નો અનુવાદહિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩

'અર્વાચીન સંચાલન વ્યવસ્થા અને ભારતીય પૌરાણિક કથાઓ - દેવદત્ત પટ્ટનાઇક - સંપુટ ૧૫મો' માં પ્રકાશિત બધા ૨૦૨૩ના બધા જ અનુવાદિત લેખો એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે હાયપર લિંક પર ક્લિક કરો.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો