બુધવાર, 3 જાન્યુઆરી, 2024

સંમતિ, અસંમતિ, દલીલો - દેવદત્ત પટ્ટનાઈક

 

જ્યારે મેં અમર્ત્ય સેનનું પુસ્તક 'આર્ગ્યુમેન્ટેટિવ ઈન્ડિયન' વાંચ્યું ત્યારે હું મૂંઝાઈ ગયો હતો કે આ પુસ્તક શા માટે લખવામાં આવ્યું હતું? જોકે થોડું વિચારતાં મને સમજાયું કે તેનો આશય ભારતના જાહેર ચર્ચા અને બૌદ્ધિક બહુલવાદના વારસાને રજૂ કરવાનો હતો. તે હિન્દુત્વ સામેની દલીલ પણ હતી, જે ઘણાને એકપક્ષી, બિન-સમાવેશક અને બૌદ્ધિકતાના તિરસ્કાર સમાન લાગે છે. અચાનક, અમર્ત્ય સેન સામેના હિંદુ જમણેરીઓનો ભયંકર ગુસ્સો સમજમાં આવ્યો.

પરંતુ, મને તે ઉપરાંત કંઈક વધુ રસપ્રદ પણ સમજાતું હતું: અમર્ત્ય હિંદુત્વના અર્થઘટન અને ભારતના દ્રષ્ટિકોણ સાથેઅસંમતહતા અને હિંદુવાદીઓ અમર્ત્યના અર્થઘટન અને ભારત અંગેના દ્રષ્ટિકોણ સાથેઅસંમતહતા. મારા માટે, 'સંમત' અને 'અસંમત' અને 'દલીલ'નો આ ઉપયોગ પશ્ચિમી ઉપજ છે જે એવી ધારણા પર આધારિત છે કે જ્ઞાન બૌદ્ધિક લડાઇ (દલીલ) દ્વારા ઉદ્ભવે છે. પશ્ચિમની વિચારસરણી એમ ધારે છે કે જ્ઞાનને સાચા અને ખોટા, સારા અને ખરાબ, સાચા અને ખોટા તરીકે વર્ગીકૃત કરી શકાય છે, અને દલીલનો આખો હેતુ સાચા, સારા અને સાચા જ્ઞાનને ચાળી કાઢવાનો છે. જેમકે, શૈક્ષણિક સંસ્થાઓમાં તમને તમારા થીસીસનોબચાવકરવાનું કહેવામાં આવે છે. આમ, આધુનિક શિક્ષણ પ્રણાલી દ્વારા હિંસાની ભાષા આચરવામાં આવે છે.

હિંસા શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક જેવાં ઘણા સ્વરૂપો લે છે. જ્યારે આપણેઅહિંસાકહીએ છીએ ત્યારે આપણે આપણી જાતને શારીરિક હિંસા સુધી મર્યાદિત રાખીએ છીએ. તેથી, અહિંસાનો અર્થ અન્ય જીવંત પ્રાણીને ન મારવા, અથવા અન્ય પ્રાણીને મારી ન નાખવા પુરતો કરવા આવે છે. પણ, જો હું મૌન રહીને તમારો બહિષ્કાર કરું, અથવા તમને નોકરી ન આપી, અથવા તમને મારા ગામમાં રહેવા ન દઉં, અથવા મારા કૂવામાંથી પાણી ન ખેંચવા દઉં, કે પછી તમને સ્પર્શ ન કરું તો શું તે હિંસા નથી? શું તમારી માન્યતા મુજબની પ્રણાલીને નકારવી, તેને ખોટી, ખરાબ અને ખોટી અહિંસા તરીકે વર્ગીકૃત કરવી એ હિંસા નથી?
દલીલોનો અંત આપણા જ્ઞાનને સમજવા અને વિસ્તરણ કરવા વિશે ઓછો અને સત્તા અને વિજય વિશે વધુ થાય છે. જેમ જેમ સમય પસાર થાય છે, યુદ્ધની રેખાઓ ખેંચાતી જાય છે: અમર્ત્ય અને હિન્દુત્વ એકબીજાને સાંભળવાનું , એકબીજાં સાથે કામ કરવાનો પ્રયાસ કરવાનું બંધ કરે છે. તેમના અનુયાયીઓ બૂમાબુમ કરી મુકે છે જેથી સામેનાને સાંભળી ન શકાય. કારણ કે, બન્ને પક્ષ એમ જ માને છે કે કાં તો તમારું કે પછી મારું એમ ફક્ત એક જ સત્ય જીતશે.

આવું ઘરે પણ થતું હોય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે કાં તો સિદ્ધાંત સાથે ક્યાં તો સંમત થઈએ, અથવા તો અસંમત થઈએ. એમાંથી, દલીલનો જન્મ થાય છે. ઓફિસોમાં પણ આવું બનતું જોવા મળે છે. નજીકથી ધ્યાન આપશો તો સમજાશે કે સંમતિ અને અસંમતિની ભાષા બંધ મનને સમર્થન આપે છે. તેનો ઉદ્દેશ્ય અન્ય સાથે જોડાણ દ્વારા મનને વિસ્તૃત કરવાનો નથી, પરંતુ કોઈ ચોક્કસ દૃષ્ટિકોણને સમર્થન આપવાનો છે. સહમતિ, અસહમતિ અને દલીલ એ વિ-વાદની ભાષા છે. તે સં-વાદ - ચર્ચા અને વિચાર-વિમર્શ-ની ભાષા નથી. વિ-વાદમાં, દરેક વ્યક્તિ પોતાનો અવાજ સંભળાય તેવી મનોદશા ધરાવે છે, જ્યારે સં-વાદમાં દરેકની વાત સાંભળવામાં આવે છે.

જ્યારે લોકો કહે છે કે આદિ શંકરાચાર્યએ બૌદ્ધ અને મંદાના મિશ્રા જેવા વૈદિક વિદ્વાનોનેવાદમાંપરાજયઆપ્યો, ત્યારે આશ્ચર્ય થાય છે કે તે શાણપણનું સૂચક છે કે બૌદ્ધિક શક્તિનું સૂચક છે? શું તેઓ ભારતીય અદાલતોમાંસત્યશોધતા વકીલોની જેમ વર્તતા હતા? અથવા, આદિ શંકરાચાર્ય વિશેની આપણી સમજણ પ્રભુત્વ અને વિજયની મનઃકામના ઈચ્છા પર આધારિત છે, કે પછી સાંભળવાની, સ્વીકારવાની, પ્રશંસા કરવાની, સમાવવાની અને વિસ્તારવાની કે તેનું સત્ય, તેણીનું સત્ય, મારું સત્ય, તમારું સત્ય એવાં સત્યના વિવિધ સ્વરૂપો સાથે મનની વિચારશક્તિનું વિસ્તરણ કરવાની ભારતીય રીતથી વિપરિત એવી સંમતિ, અસંમતિ અને દલીલ હોય એવી ગ્રીક વિચારસરણી સાથેની આપણી સહમતિ છે.  

બૌદ્ધિક અને ભાવનાત્મક હિંસા એ હિંસાના અદ્રશ્ય સ્વરૂપો છે જે વિશ્વની મહાન શૈક્ષણિક સંસ્થાઓમાં જ્ઞાનના નામે ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિ સંમત થવામાં અને અસંમત થવામાં, અને સ્વતંત્ર સંભાષણ દ્વારા પોતાના અવાજને શોધવામાં, કે રાજકીય શુદ્ધતા. 'લાગણીઓને ઠેસ પહોંચાડવી' કે 'સૂક્ષ્મ-આક્રમકતા' જેવા ખ્યાલો દ્વારા અન્ય લોકોના અવાજને નિયંત્રિત કરવામાં ખૂંપેલ છે. આપણે  કુસ્તીબાજોની જેમ બૌદ્ધિકોની પ્રશંસા કરીએ છીએ, કારણ કે આપણે તેમનાથી ડરીએ છીએ અને તેમના જેવા બનવા માંગીએ છીએ. આપણે સત્તા ઝંખીએ છીએ; દલીલ જીતવાની ઉત્કટ અપેક્ષા ધરાવીએ છીએ. પણ આપણને, ખરેખર, જ્ઞાનની પરવા નથી. જો આપણે જ્ઞાનની કિંમત કરી શકીશું, તો આપણે વધુ સ્વસ્થ અને સૌમ્ય, વધુ સચેત અને હંમેશા શાંતિમય રહી શકીશું.

  • મિડ-ડેમાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Agree, disagree, argue  નો અનુવાદ પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૩ જાન્યુઆરી ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો