બુધવાર, 13 ડિસેમ્બર, 2023

યુદ્ધ અપરાધીઓ કોણ હોય છે? (૧૯૪૩) - જ્યોર્જ ઑર્વેલ [૩]

 જ્યોર્જ ઑર્વેલના લેખ Who are the War Criminals?ના આંશિક અનુવાદ - "યુદ્ધ અપરાધીઓ કોણ હોય છે? (૧૯૪૩) -ના અંક [૨]થી આગળ

કેસિયસનાં પુસ્તકમાં મુસોલિની પોતાના સાક્ષીઓને બોલાવ્યા પછી, પોતે સાક્ષી તરીકે પ્રવેશ કરે છે. તે તેની જો જીતા વો સિકંદર (vae victis!)વાળી તકવાદી કુટિલ વિચારસરણીને વળગી રહે છે: એકમાત્ર, મહત્વપૂર્ણ, અપરાધ માટે તે જે દોષિત તે  છે નિષ્ફળતાનો ગુનો. તે કબૂલ કરે છે કે તેના વિરોધીઓને તેને મારવાનો અધિકાર છે - પણ તેને દોષ દેવાનો અધિકાર તેમને છે તેનો તે ભારપૂર્વક ઇનકાર જ કરે છે.  તેમનું આચરણ તેના પોતાના જેવું જ રહ્યું છે, અને તેમની નૈતિક નિંદાઓ બધી નર્યો દંભ છે. પરંતુ તે પછી એબિસિનિયન, સ્પેનિયાર્ડ અને ઇટાલિયન એમ બીજા ત્રણ સાક્ષીઓ આવે છે. એ લોકો નૈતિક રીતે એક અલગ સ્તર પર છે, કારણ કે તેઓએ ક્યારેય ફાસીવાદ સાથે સગવડીયું વલણ રાખ્યું નથી કર્યું અને સત્તાના રાજકારણ સાથે તેમને ક્યારેય રમવાની તક મળી નથી. આ ત્રણેય સાક્ષીઓ મુસોલિનીને મૃત્યુ દંડની માંગ કરે છે.

શું તેઓ વાસ્તવિક જીવનમાં આવી  માગણી કરશે ખરા? શું આવી કોઈ ઘટના ક્યારેય બનશે? મુસોલિની પર મુકદ્દમો ચલાવવાનો વાસ્તવિક અધિકાર ધરાવતા લોકોએ તેને કોઈક રીતે પોતાના હાથમાં લઈ લેવો જોઈએ. પણ તે બહુ સંભવ નથી. અલબત્ત, ટોરીઓ, જો કે, યુદ્ધની ઉત્પત્તિની વાસ્તવિક તપાસ કરવાથી ખચકાશે, પરંતુ મુસોલિની અને હિટલર જેવી કેટલીક કુખ્યાત વ્યક્તિઓ પર આખો દોષ ઢોળવાની તક મળવા બદલ તેઓ દિલગીર નહીં થાય. આ રીતે એડમિરલ જીન નલ ડાર્લાન અને માર્શલ પીએત્રો બાડોગ્લિયોરે રચેલો દાવપેચ સરળ બને છે. મુસોલિની જ્યારે છૂટો હોય ત્યારે એક સારો બલિનો બકરો પરવડે , જો કે તે કેદમાં હોય ત્યારે કંઈક અંશે પ્રતિકુળ નીવડી શકે.

પણ સામાન્ય લોકોનું શું? જો તેઓને તક મળે તો શું તેઓ તેમના જુલમી શાસકોને ઠંડે કલેજે, કાયદેસર રીતે મારી નાખશે?

એ હકીકત છે કે ઈતિહાસમાં આવી ફાંસીની સજાઓ બહુ ઓછી થઈ છે. છેલ્લા યુદ્ધના અંતે 'કૈસરને ફાંસી આપો' ના નારા પર ચૂંટણી આંશિક રીતે જીતવામાં આવી હતી. તેમ છતાં કૈસરને ફાંસી જેવી કોઈ બાબતનો પ્રયાસ કરવામાં આવ્યો હોત તો કદાચ રાષ્ટ્રનો અંતરાત્મા બળવો કરત. જ્યારે જુલમીઓને મોતને ઘાટ ઉતારવામાં આવે છે, ત્યારે તે નિર્ણય અને તેનો અમલ તેમાના પોતાના લોકો દ્વારા થવું જોઈએ; વિદેશી સત્તા દ્વારા સજા પામેલા લોકોને તો આવી સજાઓ, નેપોલિયનની જેમ, શહીદ અને દંતકથાઓ બનાવવામાં મદદ કરે છે.

મહત્ત્વનું એ નથી કે આ રાજકીય ગુંડાઓને સજાઓની વેદના સહન કરાવવી જોઇએ, પરંતુ તેઓ પોતાના હાથે પોતાને બદનામ કરે એમ કરવું જોઈએ. સદભાગ્યે તેઓ ઘણા કિસ્સાઓમાં આમ કરે પણ છે, કારણ કે આશ્ચર્યજનક હદ સુધી ચળકતાં  બખ્તરથી સજ્જ એવા યુદ્ધના ગુણોના પ્રચારકો યુદ્ધખોરો સમય આવે ત્યારે લડતાં લડતાં મરી જતા નથી. નેપોલિયને પ્રુશિયનોથી રક્ષણ મેળવવા માટે અંગ્રેજોને શરણાગતિ સ્વીકારી, મહારાણી યુજેની અમેરિકન દંત ચિકિત્સક સાથે ભાડાની ઘોડાગાડીમાં ભાગી ગઈ, લુડેનડોર્ફે વાદળી ચશ્માનો આશરો લીધો, જેનું નામ છાપી ન શકાય તેવા રોમન સમ્રાટોમાંના એકે પોતાને શૌચાલયમાં બંધ કરીને હત્યાથી બચવાનો પ્રયાસ કર્યો , અને સ્પેનિશ ગૃહયુદ્ધના શરૂઆતના દિવસોમાં એક અગ્રણી ફાસીવાદી, ઉત્કૃષ્ટ સ્વસ્થતાથી, બાર્સેલોનામાંથી ગટર મારફતે ભાગી છૂટ્યો હતો આવા મહાન અને પ્રખ્યાત લોકોના શરમજનક રીતે બચી છૂટવાના આવા કિસ્સાઓથી ઇતિહાસ ભર્યો પડ્યો છે.

મુસોલિની માટે પણ આવી કોઈક છટકબારી હોત તો સારૂં એવું લાગે. જો તેને પોતાની જાત પર છોડી દેવામાં આવે તો તે કદાચ તે હાંસલ પણ કરી બતાવે. કદાચ હિટલર માટે પણ એમ કહી શકાય. હિટલર વિશે એવું કહેવામાં આવતું હતું કે જ્યારે તેનો સમય આવશે ત્યારે તે ક્યારેય ભાગી નહીં છૂટે કે આત્મસમર્પણ નહીં કરે, હા, બહુ બહુ તો, કોઈક નાટકીય રીતે, આત્મહત્યા કરીને ખતમ થઈ જાય. પરંતુ જોકે બધી શક્યતાઓ તો જ્યારે હિટલર સફળ હતો ત્યારની છે; છેલ્લા વર્ષો દરમિયાન, જ્યારથી તેના બધા પાસા ખોટા પડવા લાગ્યા તે પછીથી, તેણે ગૌરવ અથવા હિંમત સાથે વર્તન કર્યું હોય એવું અનુભવવું મુશ્કેલ છે.

કેસિયસતેના પુસ્તકનો અંત ન્યાયાધીશ તરીકે સારાંશ સાથે કરે છે, અને ચુકાદાને એવી રીતે ખુલ્લો છોડી દે છે કે એવું લાગે છે તેણે તેના વાચકોને નિર્ણય લેવાનું આમંત્રણ આપ્યું છે. ઠીક, પણ જો તે નિર્ણય મારા પર છોડી દેવામાં આવે, તો હિટલર અને મુસોલિની બંને પર મારો ચુકાદો હશે: મૃત્યુ નહીં, સિવાય કે ઉતાવળમાં જાહેરમાં નહીં તે રીતે ઘાટ ઉતારી દેવાયા હોય. જો જર્મનો અને ઈટાલિયનોને લાગે કે  તેમને કોર્ટ-માર્શલ કર્યા પછી બંદુક્ધારી ટુકડી દ્વારા ગોળીએ દેવા છે, તો તેમને એમ કરવા દો. અથવા હજુ પણ વધુ સારી સજા એ છે કે, એ જોડીને રોકડી કરી શકાય એવી જામીનગીરીઓ ભરેલી સૂટકેસ સાથે ભાગી જવા દો અને કેટલાક સ્વિસ પેન્શનના અધિકૃત મહાનુભવ તરીકે સ્થાયી થવા દો ! પરંતુ કોઈ રીતે શહીદ તો નથી થવા દેવા કે નથી કોઈ સેન્ટ હેલેનામા જન્મટીપ જેવી સજાઓ દેવી. અને, સૌથી મહત્ત્વનું એ કે અમુક સમય પછી તો આવા આરોપીઓને શૄંગારમય તેજપુંજનાં કેન્દ્રમાં લાવીને એક બદમાશને એક બદમાશમાંથી હીરો બનાવી દેવાની વિચિત્ર રીતની, કોઈ ગંભીર દંભી રીતે ચાલતા 'યુદ્ધ ગુનેગારો પરના મુકદ્દમા'ની કાયદાની તમામ શક્ય ધીમી ગતિએ પીસતી દેખાતી ધામધૂમ તો ન જ થવા દેવી.   

 +                     +                      +                      +

'કેસીયસ'નાં પુસ્તકમાં મુસોલિનીપરના મુકદ્દમાની સભ્ય ભાષામાં ઠેકડી ઉડાયા પછી કોઇ સ્પષ્ટ અભિપાય નથી અપાયો. એટલે જ્યોર્જ ઑર્વેલ આવા યુદ્ધગુનેગાર તાનાશાહોને સજા આપવી જ હોય તો તે હક્ક એ તાનાશાહોએ જે પ્રજાને રંજાડી છે તેમને સોંપી દેવાના મતના છે. તેઓ એમ પણ સ્પષ્ટપણે કહે છે કે સજા ભલે ગમે તે હોય પણ એ લોકોને શહીદ બનીને ખાટી તો ન જ જવા દેવા કે ન તો તેમને હીરો બનાવી દેતાં 'યુદ્ધ ગુનેગારો પરના મુકદ્દમા'નાં નાટકો કરવાં .

જોકે 'કેસીયસ'ની તેમનાં પુસ્તકની કેફિયત મુજબ ઑર્વેલ પણ અંદરખાને તો જાણે જ છે કે આવા બધા સત્તાધારીઓ છેવટે તો 'ચોર પોતાના સહવ્યાવસાયિકને ઘેર ચોરી ન કરે એવા ન્યાયે આ તાનાશાહો પણ કોઈને કોઈ રીતે 'સલામત સ્વર્ગ'માં જ સંતાઈ જતા હોય છે!

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Who are the War Criminals?નો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

 +                      +                      +                      +

Who are the War Criminals?ના અનુવાદને ડાઉનલોડ કરવા માટે યુદ્ધ અપરાધીઓ કોણ હોય છે? (૧૯૪૩) પર ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો