શુક્રવાર, 12 જાન્યુઆરી, 2024

સ્વ-વિકાસ : વિચાર વલોણું - અસ્પષ્ટતા - સ્વીકારીએ જરૂર પણ તેનું કારણ ન બનીએ

 તન્મય વોરા

સફળ લોકો પોતાના જીવનમાં, પોતાના વ્યવસાયમાં કે પછી કોઈ પણ નાની મોટી પ્રવૃત્તિના અમલ માટે પોતે જે જે પ્રાપ્ત કરવા માંગે છે તેનાં સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરતાં હોય છે, વિગતવાર યોજનાઓ બનાવે છે, વ્યૂહરચના ઘડે  છે અને સમયે સમયે સમીક્ષા કરી શકાય એ માટે યથોચિત સીમાચિહ્નો નક્કી કરતાં હોય છે.

પરંતુ જીવનની જેમ, નેતૃત્વ પણ, અનિશ્ચિત, અસ્પષ્ટ અને વિરોધાભાસી હોય છે. લોકો મોડાં પડે છે, તકરારો અને વિવાદો થયા જ કરે છે, ગ્રાહકો તેમની જરૂરિયાતો બદલી નાખે છે, માંગ/પુરવઠો અચાનક પલટાઈ જાય છે, વસ્તુઓ અપેક્ષા મુજબ કામ કરતી નથી, વિલંબ થાય છે, મુશ્કેલ પ્રશ્નો ઉભા થાય છે અને વિરોધાભાસી દૃષ્ટિકોણો સામે આવે છે. આ બધી અનિશ્ચિતતાઓ વચ્ચે શું સફળ લોકો કે અગ્રણીઓ હાર માની લે છે? ચોક્કસપણે ના.

લિયોનાર્ડો દા વિન્સીએ કહે છે તેમ,

"જે ચિત્રકારને કોઈ શંકા નથી થતી તે બહુ થોડું જ પ્રાપ્ત કરી શકે છે."

આજના સમયમાં પરિવર્તનનો દર ઝડપી છે, અસ્પષ્ટતા સર્વવ્યાપી છે, અને નિશ્ચિતતા એક ભ્રમણા માત્ર છે. આ બધી અનિશ્ચિતતાઓ વચે પોતાની શક્તિઓને ખીલેલી રાખી શકવાની ક્ષમતા એક અગ્રણી કે વ્યાવસાયિક તરીકેની આપણી પ્રગતિ માટે નિર્ણાયક છે.

અનિશ્ચિતતા અને અસ્પષ્ટતાનાં વાદળો  વચ્ચે આપણે આપણા આપણી સર્જનાત્મકતાને તેની શ્રેષ્ઠ કક્ષા એ રાખીએ,આપણી વિચાર શક્તિ સાહજિક્રતા રાખીએ અને જેમ જેમ આગળ ધપતાં જઈએ તેમ તેમ નવા ઉકેલો લાવતાં રહીએ. જ્યારે આપણે આગળના ધુમ્મસવાળા રસ્તામાંથી પસાર થઈએ છીએ ત્યારે જ તાજા પરિપ્રેક્ષ્યો ઉભરી આવે છે અને નવી આંતરસૂઝ પ્રગટ થાય છે.

બધી અસ્પષ્ટતાઓમાંથી પસાર થઈને જે ગંતવ્ય પર પહોંચીએ છીએ, ત્યારે સંતોષનું સ્તર પણ ઘણું ઊંચું હોય છે. માત્ર એટલા માટે નહીં કે ધ્યેય હાંસલ કર્યું છે, પરંતુ એટલા માટે કે એ પ્રક્રિયામાંલોકો, પરિસ્થિતિઓ, વિરોધાભાસો અને અનિશ્ચિતતાના સંચાલન વિશે ઘણું શીખવા મળ્યું છે.. તમારાં કામ જ દીપી ઊઠે છે.

એક જ બોધપાઠ મળે છે કે અગ્રણી તરીકે ક્યારેય અસ્પષ્ટતાનું કારણ ન બનીએ. બાહ્ય અનિશ્ચિતતાઓની સાથે કામ લેતી વખતે એક અગ્રણી તરીકે  તમારી ટીમને સ્પષ્ટતા પ્રદાન કરવી એ તમારી પ્રાથમિક ફરજ છે.

તેથી, જ્યારે હવે નવું વર્ષ શરૂ કરી રહ્યાં છીએ ત્યારે આપણા બધા માટે વિચાર કરવા માટે થોડા પ્રશ્નો:

નિશ્ચિતતા તરફના તમારાં વલણનું મૂલ્યાંકન કરો.

જ્યારે અનિશ્ચિતતા અથવા વિરોધાભાસનો સામનો કરવો પડે ત્યારે શું તમે હતાશ થાઓ છો? શું ઘણી બધી નિશ્ચિતતાની ખાતરી જ તમને આરામની ભાવના આપે છે?

જો આ સવાલોના જવાબો હા છે તો બાહ્ય અનિશ્ચિતતાઓ સાથે વધુ સારી રીતે કામ પાર પાડવા માટે, તેને ઉત્પાદક  કામમાં પરિવર્તિત  કરવા માટે અને વધુ સર્જનાત્મક બનવા માટે તમારી કઈ કઈ  વિચાર પ્રક્રિયાઓ , કે વર્તણૂકો, બદલી શકશો?


સ્ત્રોત સંદર્ભ:: Ambiguity: Embrace It, But Don’t Be a Source

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો