બુધવાર, 24 જાન્યુઆરી, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૧]

જ્યોર્જ ઑર્વેલ અંગ્રેજી ભાષાના સૌથી લોકપ્રિય (અને સૌથી વધુ અભ્યસ્ત) લેખકો પૈકીના એક છે. ૧૯૪૦ના દાયકામાં તેમનું અંગ્રેજી સાપ્તાહિક 'ટ્રિબ્યુન' સાથેની કામગીરીમાં તેમનું સૌથી મહત્વપૂર્ણ અને લાંબા ગાળા સુધી ચાલુ રહેલ  અખબારી પત્રકારત્વનું પાસું જોવા મળે છે.૧૯૪૩માં 'ટ્રિબ્યુન'ના સાહિત્યિક સંપાદક તરીકે તેમણે કામગીરી સંભાળી. ઑર્વેલ તત્ત્વતઃ તો એક રાજકીય લેખક ગણાય, પણ 'ટ્રિબ્યુન" ખાતે તેમનું કામ  વિશાળ ફલકમાં ફેલાયેલ વિષયોનું  અને સારગ્રાહી હતું. સાપ્તાહિક સામયિકમાં તેમનું અખબારત્વ સ્વતંત્ર વિચારોની અભિવ્યક્તિનું દ્યોતક રહ્યું. તેમની શૈલી સાદી અને  સ્પષ્ટ હોવા ઉપરાંત ખુબ જ અસરકારક પણ રહી છે.  
કોઈ પણ જાતના ભાર વગરની રમુજની હાજરી પણ તેમનાં લખાણોમાં સ્પષ્ટ પણ વર્તાઈ આવે છે. એ ૧૯ મહિનાના સમયગાળા દરમ્યાન તેમણે ખુબ મોકળાં મનથી, વિવિધ વિષયો પર વિશિષ્ટ પ્રકારના રંગમાં લખાતાં શીર્ષક, 'એઝ આઈ પ્લીઝ', હેઠળ ૫૯ લેખો લખ્યા. થોડો સમયમાં 'ઓબ્ઝર્વર' યુદ્ધ સંવાદદાતા તરીકે કામ કર્યા બાદ તેઓ 'ટ્રિબ્યુન'માં પાછા ફર્યા. ૧૯૪૬ થી ૧૯૪૭ દરમ્યાન તેમણે વધુ ૨૧ લેખો લખ્યા.  "ટ્રિબ્યુન" માટે લખવાનો સમય ઑર્વેલ માટે ખાસ મહત્વનો, કદાચ તેમના જીવનનો સૌથી સુખી સમયગાળો, ગણી શકાય. જ્યારે તેઓ 'ટ્રિબ્યુન'માં સાહિત્યિક સંપાદક હતા, ત્યારે સાથે સાથે તેમનાં ખુબ જાણીતાં પુસ્તક 'એનિમલ ફાર્મ', અને તે પછી 'નાઈન્ટીન એઇટી ફૉર' પર પણ કામ કરી રહ્યા હતા, જે આખરે ૧૯૪૫ માં પ્રકાશિત થયું હતું. આખરે તેમણે માંદગીને કારણે "ટ્રિબ્યુન" છોડી દીધું, જાન્યુઆરી ૧૯૫૦ માં મૃત્યુ પામ્યા. 

+                      +                      +                      +


ટ્રિબ્યુન, ૧૯૪૩

૨૪ ડિસેમ્બર, ૧૯૪૩

ડગ્લાસ રીડ પર શાબ્દિક પ્રહાર કરતી  સાપ્તાહિક સમીક્ષાના સંદર્ભમાં  મારા પર પ્રહાર કરતાંં, શ્રી એ.કે. ચેસ્ટરટન ટિપ્પણી કરે છે કે, ''મારો દેશસાચો કે ખોટો' એક એવી નીતીસુક્તિ છે જેને દેખીતી રીતે ઑર્વેલની ફિલસૂફીમાં કોઈ સ્થાન નથી.'' તેઓ એમ પણ કહે છે કે 'આપણે બધા માનીએ છીએ. કે બ્રિટનની સ્થિતિ ગમે તે હોય તો પણ બ્રિટને આ યુદ્ધ , અથવા એમ તોઅન્ય કોઈપણ યુદ્ધ જેમાં તે રોકાયેલ છે, જીતવું જ જોઈએ'.
અહીં મહત્ત્વનો શબ્દપ્રયોગ 'અન્ય કોઈપણ' યુદ્ધ છે. જો એવું લાગે કે આપણે ખરેખરનાં આક્રમણ અને વિજયના જોખમમાં છીએ તો આપણામાંના ઘણા એવા છે કે જેઓ, ભલેને ગમે તે સરકાર હોય પણ તેની હેઠળ, આપણા પોતાના દેશની રક્ષા કરશે.  પરંતુ 'કોઈપણ યુદ્ધ' એ અલગ બાબત છે. ઉદાહરણ તરીકે, બોઅર યુદ્ધ વિશે શું? અહીં એક બહુ મજાની, ઐતિહાસિક વક્રોક્તિ જોઇ શકાશે.  શ્રી એ.કે. ચેસ્ટરટન, બોઅર યુદ્ધનો હિંમતપૂર્વક વિરોધ કરનારા, જી.કે. ચેસ્ટરટનના ભત્રીજા છે. જી કે ચેસ્ટરટને એકવાર ટિપ્પણી કરી હતી કે 'મારો દેશ, સાચો કે ખોટો' એ જ નૈતિક સ્તર સ્તર છે જે સ્તર પર  'નશામાં હોય કે ભાનમાં હોય, મારી માતા એ મારી મા છે.

+                      +                      +                      +

૩૧ ડિસેમ્બર, ૧૯૪૩


અખબારોની પત્રવ્યવહાર કૉલમમાં ધમકતી રહેતી  'યુદ્ધ માટેના અપરાધ ભાવ' ની ચર્ચા વાંચીને, હું સાશ્ચર્ય નોંધ કરું છું કે ઘણા લોકોને લાગે છે કે યુદ્ધ એ ગુનો નથી. એવું લાગે છે કે હિટલર પર કામ ચલાવી શકાય એવું તેણે કંઈ કર્યું નથી. તેણે કોઈની ઉપર બળાત્કાર કર્યો નથી, ન તો લૂંટના કોઈ ભાગ પોતાનાં ખીસ્સામાં ભર્યા છે, ન તો કોઈ કેદીઓને અંગત રીતે કોરડા માર્યા છે, કે ન તો કોઈ ઘાયલ માણસોને જીવતા દાટી દીધા છે, કે  ન તો પછી કોઈ બાળકને હવામાં ઉછાળીને અને પોતાની બંદૂકની સંગીનની અણી પર પરોવી દીધાં છે, કે કોઈ સાધ્વીને પેટ્રોલમાં ડુબાડીને તેમને દેવળની મીણબત્તીની શગ વડે સળગાવી નથી - વાસ્તવમાં તેણે એવું કંઈ કર્યું નથી જે સામાન્ય રીતે યુદ્ધના સમયમાં દુશ્મન નાગરિકોને કરતા હોવાના આક્ષેપથી બીરદાવવામાં આવે છે. તેણે માત્ર એક વિશ્વયુદ્ધને વેગ આપ્યો છે જે સમાપ્ત થાય તે પહેલાં કદાચ બે કરોડ  લોકો પોતાના જીવ ગુમાવશે. તેમાં કશું ગેરકાયદેસર નથી. એવું હોઈ પણ કઈ રીતે શકે જ્યાં કાયદેસરતા જ સત્તા સોંપે છે અને રાષ્ટ્રીય સરહદોને પાર કરવા માટે તો કોઈ સત્તા જ ક્યાં છે?

ખાર્કોવમાં ચાલેલા તાજેતરના મુકદ્દમાઓમાં હિટલર, હિમલર અને બાકીના પર તેમના હાથ નીચેના અધિકારીઓના ગુનાઓની જવાબદારી નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ માત્ર હકીકત એ છે કે આમ કરવું પડ્યું તે જ દર્શાવે છે કે હિટલર ટોળીનો અપરાધ સ્વયંસ્પષ્ટ નથી. ગર્ભિત અર્થમાં એમ કહેવાય છે કે તેનો ગુનો આક્રમક યુદ્ધના હેતુ માટે સૈન્ય તૈયાર કરવાનો નહીં પણ તે સૈન્યને તેના કેદીઓને ત્રાસ આપવા માટે સૂચના આપવાનો હતો. જ્યાં સુધી સમજી શકાય છે એટલે સુધી તો અત્યાચાર અને યુદ્ધના કૃત્ય વચ્ચેનો તફાવત માન્ય છે. અત્યાચાર એટલે આતંકવાદનું કૃત્ય જેનો કોઈ વાસ્તવિક લશ્કરી હેતુ નથી. જો કોઈ વ્યક્તિએ યુદ્ધને સ્વીકારવું જ હોય, જે વ્યવહારમાં દરેક જણ કરે પણ છે, તો આવા ભેદોને સ્વીકારવા પડશે. તેમ છતાં, એવી દુનિયા કે જેમાં વ્યક્તિગત નાગરિકની હત્યા કરવી એ ખોટું છે અને રહેણાંક વિસ્તાર પર હજારો ટનના અતિવિસ્ફોટક ગોળાઓ ફેંકવાનો અધિકાર હોય એવી દુનિયા મને ક્યારેક આશ્ચર્યમાં મૂકે છે કે શું આપણી આ પૃથ્વી કોઈ અન્ય ગ્રહ દ્વારા ઉપયોગમાં લેવાતી નધણિયાતી કચરા પેટી તો નથી ને!

+                      +                      +                      +

ટ્રિબ્યુન, ૧૯૪૪

૭ જાન્યુઆરી, ૧૯૪૪


નવા વર્ષનાં સન્માનોની યાદીની તસવીરોમાં પ્રદર્શિત ચહેરાઓની અસાધારણ કુરૂપતા અને અશ્લીલતાથી મને (હંમેશની જેમ) આઘાત લાગે છે. એવું લાગે છે કે લગભગ એક નિયમ છે કે જે વ્યક્તિ પોતાને લોર્ડ પર્સી ડી ફાલ્કનટાવર્સ કહેવડાવવાનો અધિકાર મેળવે છે તે બહુ સારો દેખાય તો દુંદાળા કલાલ જેવો દેખાવો જોઈએ અને બહુ ખરાબ દેખાય તો આંતરડાનું કેન્સર થયું હોય એવો કરવસૂલીદાર હોવો જોઈએ. પરંતુ આપણો દેશ આમાં એકલો નથી. કાતર અને ગુંદર પર સારી હથોટી ધરાવનાર કોઈપણ વ્યક્તિ 'અમારા શાસકો' એવાં નામનું એક ઉત્તમ પુસ્તક તૈયાર કરી શકે છે, જેમાં પૃથ્વીની મહાન વ્યક્તિઓની પ્રકાશિત તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો હોય. મને આ વિચાર  સૌ પ્રથમ ત્યારે આવ્યો જ્યારે મેં પિક્ચર પોસ્ટમાં બીવરબ્રુકની ભાષણ આપતી તસવીરો જોઇ જેમાં તે લાકડીને ઈશારે નાચતા વાંદરા જેવા દેખાતા હતા, ત્યારે મને થયું કે જાણી જોઈને કોઈ આમ ન કરી રહ્યું હોય એ શક્ય છે.

જ્યારે તમે, ખરા અને થનારાજુલમી નેતાઓનો તમારો સંગ્રહ એકઠૉ કરશો તો દેખાશે કે આખી સૂચિમાં ઘણા બધા ગુણો પુનરાવર્તિત થાય છે. પહેલી સમાનતા એ હશે કે, તે બધા મોટી ઉમરના છે. યુવાવર્ગને દરેક જગ્યાએ મીઠી જીભે બોલાવાતો હોવા છતાં, પચાસ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ ખરેખર સર્વોચ્ચ સ્થાને હોય તેવું કંઈ જોવા નથી મળતું. બીજું, તે લગભગ બધા ઓછા કદના છે. પાંચ ફૂટ છ ઇંચ કરતાં ઊંચો સરમુખત્યાર એ ખૂબ જ વિરલતા છે. અને,  ત્રીજું એ કે, લગભગ સર્વસામાન્યપણે, અને કેટલીકવાર તો તદ્દન વિચિત્ર જણાતી, એ લોકોની કોઈને કોઈ  કુરૂપતા છે. આ સંગ્રહની યાદીની તસવીરોમાં સ્ટ્રેઇશરની રક્તવાહિનીઓ ફાટતી દેખાવી, જાપાની યુદ્ધખોર નેતાઓ બબૂનોની નકલો કરતામુસોલિની તેની લચકી પડતી ડોક સાથે, દાઢી વગરના દ ગૉલ, ટુંકા જાડા હાથોવાળા ચર્ચિલ, લાંબા પાતળાં નાક અને વિશાળ ચામાચિડીયાં જેવા કાનવાળા ગાંધી, બત્રીસે બત્રીસ સોનું ચડાવેલા દાંતવાળો તોજો, જ દેખાશે. તેમાંના દરેકની સામે, સામે પક્ષે, સંબંધિત દેશના એક સામાન્ય માણસની તસવીર મુકી જોજો, જેમ કે  હિટલરની સામે જર્મન સબમરીનનો યુવાન નાવિક, તોજોની સામે જૂની ઘરેડનો જાપાની ખેડૂતવગેરે

 +                     +                      +                      +

Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society



જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા. 

૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.

 








+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો