બુધવાર, 31 જાન્યુઆરી, 2024

શાશ્વત આતશ - દેવદત્ત પટ્ટનાઈક

પારસીઓ સિવાય બીજા કોઈને પણ (પારસી અગ્નિમંદિર માટે ગુજરાતી શબ્દપ્રયોગ) અગિયારી પ્રવેશ નિષિદ્ધ છે.  જોકે આ પ્રકારના નિષેધનો આધાર વેદ અને અવેસ્તા માટે સામાન્ય હોઈ શકે છે.

સ્થાનિક રીતે તેઓને ગોધા તરીકે ઓળખવામાં આવે છે, આ વિશાળ પાંખવાળા આખલાઓ નર માનવ માથાઓ સાથે અગિયારીના પ્રવેશદ્વારની બન્ને બાજુએ જોવા મળે છે.વિદ્વાનો તેને લમ્માસુ તરીકે ઓળખે છે. તેઓ પ્રાચીન સુમેરિયા, એસીરિયા, બેબીલોનિયા, પર્શિયા અને મેસોપોટેમીયાના મંદિરો અને મહેલોના રક્ષક હતા. આજે, મુંબઈ અને ગુજરાતના કેટલાક ભાગોમાં, તેઓ એક જીવંત આસ્થાના સ્વરૂપે, પારસી ધર્મ, જરસ્થોત,ના ભાગ તરીકે ચાલુ રહે છે. જેમના પૂર્વજો એક હજાર વર્ષ પહેલાં ઈરાન (પ્રાચીન પર્શિયા અથવા પારસ) થી ભારતમાં સ્થળાંતર કરીને આવ્યા હતા એવી પારસી કોમે જરથોસ્ત ધર્મને જીવંત રાખ્યો છે, . હું હંમેશા અગીયારીમાં પ્રવેશવા અને અંદર શું ચાલે છે, પવિત્ર અગ્નિ કેવી રીતે રાખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે તે જોવા માંગતો હતો. પણ હું તેમ નહિ કરી શકું કેમકે માત્ર પારસીઓને જ એ માટે છૂટ છે. કોઈ વ્યક્તિ ફક્ત પારસી તરીકે જ  જન્મી શકે, તે પછીથી કોઈ પારસી બની ન શકે.

શું પારસી સંસ્થાએ તેમના ધર્મના રક્ષણ માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો? શું તેઓએ તેમને આશ્રય આપનાર હિંદુઓ પાસેથી આ બહિષ્કૃત માન્યતાઓ અપનાવી હતી? શું તે મૂળ ઈરાનમાં તેમની શ્રદ્ધાનો ભાગ હતો? જરસ્થોત બ્રહ્માંડ વિજ્ઞાનનો સમાવેશ કરતા ૧૦મી સદીના પહલવી ગ્રંથો, બુંદહિશ્ન, માં, 'જાતિ' (જાતિ વ્યવસ્થા)નું મૂળ સમાન વૈદિક ચતુર્વર્ણ પ્રણાલીની જેમ જ, પાદરીઓ, યોદ્ધાઓ, કૃષિકારો અને કારીગરોથી બનેલા સમાજના ચાર ભાગમાં વિભાજનનો ઉલ્લેખ છે.

પ્રાચીન અવેસ્તા ભારતીય વેદ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. બંનેની રચના લગભગ ૪,૦૦૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી, જેના પરથી વિદ્વાનોએ તારણ કાઢે છે કે બન્ને એક જ 'આર્ય' વૃક્ષની બે શાખાઓ છે. અહીં, ખૂબ જ અપમાનિત મનાતો શબ્દ, આર્ય, જાતિ અથવા જનજાતિનો નહીં પણ એક ભાષા આધારિત સમુહનો ઉલ્લેખ કરે છે. યુરો-અમેરિકી વિદ્વાનોમાં ખૂબ ચર્ચાનો વિષય છે કે આ ભાષા મધ્ય એશિયાથી પૂર્વ તરફ (ભારત-ઈરાની શાખા) અને પશ્ચિમ તરફ (યુરોપિયન) ફેલાય છે. જ્યારે ભારતીય વિદ્વાનો ભારપૂર્વક કહે છે કે હિંદ-યુરોપિયન વૃક્ષનાં મૂળ નિશ્ચિતપણે ભારત છે, જેમાં પૂર્વમાં ગંગાના મેદાનો છે અને પશ્ચિમમાંv યુરોપ અને ઈરાન છે. વી બાબતોમાં, વિદ્વતા ઘણીવાર શૈક્ષણિક કરતાં  રાજકીય વધુ હોય છે.

ભારતીય શાખા અને ઈરાની શાખા વચ્ચેનો તફાવત ખૂબ જ સ્પષ્ટ જણાઇ આવતો રહે છે. ભારતીય શાખા દેવોમાં દેવતા શોધે  છે, જ્યારે ઈરાની શાખા દેવોને રાક્ષસ તરીકે જુએ છે. ભારતીય શાખામાં અસુરને રાક્ષસ અથવા દેવ-વિરોધી તરીકે જોવામાં આવે છે, જ્યારે ઈરાની (પારસી) પુરાણોમાં અસુર શબ્દમાંથી અહુરા શબ્દ બને છે, જે પારસી ધર્મમાં દૈવ છે. ભગવાનને અહુરા મઝદા તરીકે સંબોધવામાં આવે છે. ભારતીય શાખા બહુઇશ્વરવાદી તેમજ એકેશ્વરવાદી છે, તેમાં એક ભગવાનના સ્વરૂપ તરીકે ઘણા દેવો છે. જ્યારે ઈરાની શાખા ભગવાનની સેવા કરતા ઘણા અર્ધ-દેવો અને મુખ્ય દેવદૂતો સાથે નિશ્ચિતપણે એકેશ્વરવાદી છે. ઈરાની શાખા એક પ્રબોધક, જરથોષ્ટ્ર, એક શેતાન, અંગરા મન્યુ, અને સ્વર્ગ અને નરક અને ન્યાયના દિવસની વાત કરે છે. આ વિચારો આખરે યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામિક આસ્થા મા પણ પ્રવર્તે છે અને હવે અબ્રાહમી પૌરાણિક કથાઓનાં આવશ્યક ઘટકો છે. આ જરથોષ્ટ્રએ સ્થાપેલ પ્રાચીન ધર્મનેને પશ્ચિમી વિશ્વ  તરીકે ઓળખાતા દૃષ્ટિકોણમા પ્રાથમિક સ્ત્રોતોમાંથી એક બનાવે છે. પારસી આસ્થામાં ભગવાનને સ્વરૂપ આપવામાં આવતું નથી. ભૂતકાળની સદીઓમાં દેવત્વ આકાશ, તારાઓ, સૂર્ય અને ચંદ્ર, પાણી અને અગ્નિ, અન્ય શબ્દોમાં તત્વો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ૨,૦૦૦ વર્ષ પહેલાં, લગભગ જ્યારે તે જ સમયે જ્યારે ભારતે દેવી-દેવતાઓની પ્રતિમાઓ ધરાવતા પથ્થરના મંદિરોનું નિર્માણ કરવા માંડ્યું, ત્યારે પારસી ધર્મના લોકોએ અગ્નિમંદિરો બનાવવાનું શરૂ કર્યું હતું.

પારસી ધર્મને ગ્રીક સામે લડનારા અચમેનીડ રાજાઓ, તેમજ રોમનો સામે લડનારા પાર્થિયન રાજાઓ અને બાયઝેન્ટાઇન સામ્રાજ્ય સામે લડનારા સાસાનીયન રાજાઓ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. તે પછી, લગભગ ૧,૩૦૦ વર્ષ પહેલાં અરબસ્તાનમાં ઇસ્લામનો ઉદય થયો. પયગંબર મુહમ્મદને છેલ્લા પયગંબર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જેમણે તમામ દૂષણોથી સાફ કરેલ શુદ્ધ આસ્થા પ્રસ્થાપિત કરી. તેમના અનુયાયીઓએ પર્શિયા પર આક્રમણ કર્યું, જૂના શાસનને ઉથલાવી દીધું અને પ્રાચીન ધર્મને વિસ્થાપિત કર્યો. યઝદ, ઈરાનમાં, પીર-એ-સબઝ, એક પર્વતીય ગુફા છે, જ્યાં  જરથોષ્ટ્ર ધર્મના છેલ્લા રાજાની પુત્રીએ આશ્રય લીધો હતો. આ સ્થળને ચક ચક કહેવામાં આવે છે, જે ગુફામાંના પાણીના પ્રવાહનો ઉલ્લેખ કરીનેટપક ટપકમાટે ઈરાની સમક્ક્ષ શબ્દપ્રયોગ છે. ઉજ્જડ પ્રદેશની મધ્યમાં આવેલ પાણીનો પ્રવાહ ભવ્ય યુગના અંતના શોકમાં પર્વત દ્વારા વહેતા આંસુ હોવાનું માનવામાં છે.

શરણાર્થીઓનું એક જૂથ ઈરાનથી ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું અને આઠમી સદીમાં આશ્રય માંગ્યો. તેઓને મળેલા સ્થાનિક રાજાએ દૂધથી ભરેલા વાસણમાં એક પથ્થર મૂક્યો. દૂધ ઉભરાઈને, બહાર ઢોળાવા દ્વારા રાજાએ સૂચવ્યું કે તેની પાસે વધુ લોકોને સમાવવા માટે પોતાની જમીનમાં કોઈ જગ્યા નથી. પરંતુ શરણાર્થીઓના નેતાએ દૂધના એટલાં જ ભરેલાં વાસણમાં ખાંડ નાખી. હવે દૂધ જરા પણ  ઉભરાઈ ગયું નહિ પણ દૂધ વધુ મીઠું થઈ ગયું. રાજા હસ્યા અને તેઓ હિંદુ રીત-રિવાજોનું પાલન કરે એ શરતે શરણાર્થીઓને તેમના રાજ્યમાં રહેવાની મંજૂરી આપી. આનો અર્થ એ હતો કે કોમ (જાતિ)ના નિયમોનું પાલન કરવું, અન્ય સમુદાયોને પુત્રીઓ ન આપવી કે લેવી. આ પ્રથા અપનાવવાનો અર્થ એ છે કે આજે, જો કોઈ પારસી બિનપારસી સાથે લગ્ન કરે, તો તેનું જીવનસાથી પણ અગિયારીમાં પ્રવેશી શકશે નહીં. ઘટતી જતી પારસી વસ્તીને ધ્યાનમાં રાખીને આ નિષિદ્ધકર્તા પ્રથા ઉદાર અને રૂઢિચુસ્ત પારસીઓ વચ્ચે વિવાદનું કારણ બની છે. હાલમાં, સમગ્ર વિશ્વમાં એક લાખથી વધુ પારસીઓ છે.

જાતિના નિયમોનો અર્થ એવો પણ થાય છે કે જેઓ પારસી તરીકે જન્મ્યા છે એ લોકો જ, ઘણાં હિંદુ મંદિરોની જેમ, અગિયારીમાં પ્રવેશી શકે.  જો બીનપારસી તરીકે તમારે અગિયારીની અંદર જવું જોય  હો, તો તમારે ઇરાનના યઝદ સુધીની મુસાફરી કરવી પડશે, કેમકે ત્યાં ૧૯૩૪માં ભારતમાં પારસીઓના દાન દ્વારા ઈરાનમાં ૧,૫૦૦ વર્ષથી વધુ સમયથી પ્રજળતી રહેલ આતશને અનંતપણે પ્રજ્વલિત રાખવા બનાવાયેલ કાચની દિવાલમાંથી એ પવિત્ર આતશ દેખાય છે.

પવિત્રતા અને જીવનનું પ્રતિનિધિત્વ કરતા પારસી ધર્મમાં અગ્નિ કેન્દ્રસ્થાને રહે છે. તેને સળગતો રાખવામાં કેટલા પાદરીઓ સામેલ થાય છે, સમારંભ દરમિયાન કેટલા સ્તોત્રોનો જાપ કરવામાં આવે છે, પવિત્રતાનો સમયગાળો અને અગ્નિનો સ્ત્રોત વગેરેના આધારે અગ્નિના ત્રણ દરજ્જા છે. આમાંના સૌથી પવિત્ર વિક્ટોરિયસ (વિજયી) અગ્નિ (આતશ બેહરામ) છે, જે અગ્નિના સોળ સ્ત્રોતોનો ઉપયોગ કરીને બનાવેલ છે જેમાં આકાશી વીજળી, ભઠ્ઠીઓ, ચૂલા અને સ્મશાનના અગ્નિનો સમાવેશ થાય છે. તેમાં ૩૨ પાદરીઓ સામેલ થાય છે, જે પ્રક્રિયા લગભગ એક વર્ષ સુધી ચાલે છે. હાલમાં, માત્ર નવ વિક્ટોરિયસ (વિજયી) અગ્નિ છે, એક ઈરાનમાં અને બાકીના ભારતમાં.

ભારતમાં પ્રથમ વિજયી અગ્નિમંદિર સંજાણમાં બનાવવામાં આવ્યું હતું, જે ભારતમાં પારસીઓનું પ્રથમ ઘર હતું. તે સર્જિત સમયે ઉદ્દભવેલ હોવાનું કહેવાતા પ્રાચીન ઈરાનમાંના મહા અગ્નિ ની રાખ પર મૂકવામાં આવ્યું હતું. એક સમયે આ અગ્નિની સંભાળ લેતા રાજાઓની યાદમાં તે ઈરાન શાહ તરીકે ઓળખાય છે. ૧૩મી સદીમાં સુલતાન મહમુદના હુમલા બાદ આ અગ્નિને ખસેડવો પડ્યો અને અંતે ઉદવાડામાં એક ઘર મળ્યું. મુંબઈમાં ચાર આતશ બહેરામ અગિયારીઓ છે, જે તમામ ૧૮મી અને ૧૯મી સદીમાં જેમણે પોર્ટુગીઝ અને બ્રિટિશ વેપારીઓ સાથે ભાગીદારી કરી હતી અને પોતાની રીતે સફળ વેપારી બન્યા હતા તે પારસી સમુદાયના નેતાઓ દ્વારા બનાવવામાં આવી હતી.  એ લોકોએ (તે સમયે બોમ્બે, એટલે કે 'ગુડ બે'તરીકે ઓળખાતાં ) એક વ્યાપારી કેન્દ્ર તરીકે મુંબઈના ઉદયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

એક બિનપારસી તરીકે, મેં પારસી બાળકોના નવજોતના (પારસી 'યજ્ઞોપવિત') અને લગન (પારસી લગ્ન) સમારંભોનાં અભિન્ન એવાં શાહી જમણો માણ્યાં છે.  પરંતુ મેં ક્યારેય અગિયારીમાં પ્રવેશ કર્યો નથી, તેથી ત્યાં શું થાય છે તે જાણવા માટે બહુ આતુર છું. મેં સાંભળ્યું છે કે: અગિયારીમાં પ્રવેશતાં પહેલાં પારસીઓ તેમના હાથ અને ચહેરો ધોઈ નાખે છેતેમના માથાને ટોપી અથવા સ્કાર્ફથી ઢાંકે છે, પછી પવિત્ર કંદોરો (કુસ્તી) બાંધે છે અને તેઓ બાળપણથી શીખ્યાં હોય તેવી વિશિષ્ટ પ્રાર્થનાઓ કરે છે. હિન્દુઓ અને મુસ્લિમોથી વિપરીત, પવિત્ર સ્થાનકોમાં, જમીનને સીધો સ્પર્શ ન થાય એટલા સારૂ, પગરખાં ઉતારવામાં આવતાં નથી. એમ મનાય છે કે ખુલ્લા પગનો જમીન સાથેનો સીધો સંપર્ક કુસ્તી વિધિનેતોડેછે.

પગરખાં ફક્ત મધ્ય ઓરડામાં ઉતારી નાખવામાં આવે છે જ્યાં પારસીઓના પગના તળિયાને જમીનથી અલગ રાખવા માટે જાજમ બીછાવેલી હોય છે. આ ઓરડામાં, શ્રદ્ધાળુઓ સ્તોત્રો ગાય છે, પ્રાર્થના કરે છે, પવિત્ર અગ્નિને નમન કરે છે અને દિવસના સમયને આધારે ચોક્કસ દિશાઓ તરફ ધ્યાન ધરે છે, તેઓ ક્યારેય પવિત્ર અગ્નિ તરફ તેમની પીઠ નથી બતાવતાં. અહીં ભસ્મ કપાળ પર લગાવવા માટે આપવામાં આવે છે, પરંતુ અગીયારી છોડતા પહેલા તેને દૂર કરવામાં આવે છે. ચંદન અર્પણ કરવા માટે અહીં એક છાજલી હોય છે,. એ ચંદન પછીથી પૂજારી દ્વારા એકઠું કરી લેવામાં આવે છે. પવિત્ર અગ્નિને છેક અંદરના ઓરડામાં સળગાવવામાં આવે છે. જે  પૂજારીઓ તેની આખો દિવસ અને આખી રાત અગ્નિની સંભાળ રાખે છે, અને દિવસના પાંચ વિભાગો સુચિત કરતા પવિત્ર ગેહ સ્તોત્રોનો જાપ કરે છે તે સિવાય બાકી બધાંં માટે ત્યાં દાખલ થવું વર્જ્ય હોય છે..

તખ્તે જમશીદના મહેલમાં ‘ફરોહર’નું ચિત્ર

દર વખતે જ્યારે હું અગિયારી પાસેથી પસાર થતો હોઉં છું, ત્યારે મારી આંખ ફરાવહર અથવા ફરોહર તરીકે ઓળખાતી દેવદૂતની પાંખવાળી તકતી તરફ ખેંચાય છે, જે સામાન્ય રીતે પ્રવેશદ્વારની કમાન પર જોવા મળે છે. ફરોહર વ્યવસ્થા અને ન્યાય સાથે સંકળાયેલ પ્રાચીન ઇજિપ્તની પાંખવાળા સૂર્યની તકતીમાંથી તારવેલી મનાય છે. આ તકતી વાલીસ્વરૂપ દેવદૂત અને દૈવી કૃપાની વિભાવનાની વિશ્વની સૌથી પ્રારંભિક રજૂઆત હતી. આજે ભારત મહા બૌદ્ધિક, આર્થિક અને રાજકીય ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું  છે ત્યારે વ્યવસ્થા અને ન્યાય  જળવાયેલ રહે એ માટે આવાં દૈવી વલીપણાં અને કૃપાની હોય એ ખૂબ જરૂરી છે.

  • મુંબઈ મિરરમાં ૬ માર્ચ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The everlasting flame નો અનુવાદ પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો