બુધવાર, 14 ફેબ્રુઆરી, 2024

શિવની પુત્રી અને રામની બહેન - દેવદત્ત પટ્ટનાઈક

ટેલિવિઝને ભારતનો પરિચય શિવની પુત્રી અશોકસુંદરી અને રામની બહેન શાંતા સાથે કરાવ્યો છે. બંનેનું સ્વાગત નાટકીય રીતે અલગ રહ્યું છે. મોટાભાગના લોકો શિવની પુત્રી વિશે ઉત્સાહિત હતા, તો ઘણા લોકો રામની બહેન વિશે ચિંતિત હતા. એક બાજુ, હકારાત્મક પ્રતિક્રિયા હતી:ખરેખર, શિવને પુત્રી હતી?’.  બીજી બાજુ, નકારાત્મક પ્રતિક્રિયા હતી:બકવાસ, રામને બહેન જ નહોતી!

અશોકસુંદરી વિશેની માહિતી દુર્લભ છે, માત્ર પદ્મ પુરાણમાં મળેલી એક વાર્તાની પતાકડીમાં ગુજરાત, તમિલનાડુ અને બંગાળની કેટલીક લોકકથાઓ છે જેમાં શિવ અને પાર્વતીને પુત્રી છે. તેનાથી વિપરિત, રામની મોટી બહેન, શાંતાની વાર્તા, જેને અંગ દેશના લોમ્પદ અથવા રોમપાદને દત્તક લેવા માટે આપવામાં આવી હતી, તે ઘણી વધુ લોકપ્રિય વાર્તા છે. તેનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણની કેટલીક પ્રસ્તુતિઓમાં પણ જોવા મળે છે. તે વ્યાસના મહાભારત અને તેલુગુ મહિલાઓના લોકગીતોમાં જોવા મળે છે.  જ્યારે શાંતાને ખબર પડે છે કે કેવી રીતે રામ શેરીમાં ચાલતી કાનાફૂસીથી દોરવાઈને ગર્ભવતી સીતાને છોડી રહ્યા છે ત્યારે તે રામ પર બહુ ગુસ્સે થયેલ બતાવાયેલ છે. શાંતા કરતાં વધુ લોકપ્રિય તેના પતિ ઋષ્યશૃંગ છે, જેઓ દશરથને ચાર પુત્રો પેદા કરવા સક્ષમ બનાવે એવી ધાર્મિક વિધિ કરે છે. તેઓનો ઉછેર એવી રીતે કરવામાં આવ્યો હોય છે કે તેમને સ્ત્રીઓની વિશે કંઇ જ જાણકારી ન થાય. શાંતાને (કેટલાંક સંકરણોમાં ગણિકાઓની વાત છે) તેમને ફસાવવા મોકલવામાં આવે છે. પ્રલોભન ખૂબ જ શૃંગારિક છે, પરંતુ તેમનું ગૃહસ્થમાં રૂપાંતર પૃથ્વી પરના દુષ્કાળ તેમજ દશરથના પરિવારમાં પુત્રોના દુષ્કાળને સમાપ્ત કરવા સાથે સંબંધ ધરાવે  છે. ઋષ્યશ્રૃંગ મુનિની વાર્તા બૌદ્ધ વાર્તાઓમાં કહેવામાં આવે છે. તેઓ કર્ણાટકમાં શૃંગેરી (શારદામ્બા પીઠ) સાથે સંકળાયેલા છે અને ઉત્તરાખંડમાં તેમનું મંદિર પણ છે.

કોણ સાચું છે: અશોકસુંદરી કે શાંતા? આ પ્રશ્ન કરતાં વધુ મહત્ત્વનો બીજો પ્રશ્ન છે: ક્યારેક ઉત્સાહ સાથે અને ક્યારેક ભય સાથે એ રીતે લોકો કેમ નવી માહિતી પર અલગ રીતે પ્રતિક્રિયા આપતાં હશે?

આપણે મૌખિક પરંપરાથી ઘડાયેલો દેશ છીએ. તેમ છતાં, પશ્ચિમીકરણના પ્રભાવ હેઠળ, આપણે પાઠ્ય પરંપરાઓને વધુ મૂલ્ય આપીએ છીએ. જ્યાં સુધી કંઈ પણ લખેલું હોય તો આપણે તે ઠીક લાગે છે. જોકે, હંમેશા એવું નથી પણ થતું! કથાનકો  સાથે પરિચિતતા પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. ટેલિવિઝનના દર્શકો શિવની કથા કરતાં રામની કથાથી વધુ પરિચિત છે. રામાયણ, ખાસ કરીને તુલસી રામાયણ, ઘણા હિન્દુ ઘરોમાં વાંચવામાં આવે છે. અને, રામાનંદ સાગરની રામાયણ સિરિયલના પ્રભાવને કારણે રામની કથા લાખો લોકોએ 'જોઈ' છે. ઉપરાંત, જ્યારે શાંતાની વાર્તા કહેવામાં આવે છે, ત્યારે તે પછી થયેલા વિચાર તરીકે દેખાય છે. તે ભાગ્યે જ રામના જન્મ સાથે સીધી રીતે સંકળાયેલ છે. સ્વાભાવિક રીતે, અત્યાર સુધી અજાણી હતી એવી નવી કેડી કોતરતી નવી વાર્તા - ઓછા પુરાવા હોવા છતાં - તરીકે અશોકસુંદરીના કિસ્સાને ઉત્સાહ સાથે આવકારવામાં આવે છે. જો કે, પરિચિત કથાનકમાં એક નવી વાર્તા તરીકે - પુરાવા હોવા છતાં - શાંતાનો કિસ્સો આપણને અસ્વસ્થ બનાવે છે.

પછી કન્યા જાતિનો મુદ્દો આવે છે. શું આધુનિક ટેલિવિઝન એમ બતાવવા માગે છે કે ભગવાન ફક્ત પુરુષ સંતાનોને પસંદ કરે છે? શું શિવને પણ દીકરી ન હોવી જોઈએ? અને શું આપણે દશરથના પુત્રો પ્રત્યેના એકતરફી પ્રેમ વિશે સવાલ ન કરવો જોઈએ? તે પુત્રો માટે પુત્ર-કામેષ્ટિ-યજ્ઞ કરે છે, પણ પુત્રીઓ માટે નહીં. ગાંધારીને પણ સો પુત્રો પછી પુત્રીની ઈચ્છા હતી, પણ કુંતીને નહોતી. શું આપણે શાંતાની વાર્તાની એટલે અવગણના કરીએ છીએ કે ભારતીય સમાજમાં દીકરીઓ કરતાં પુત્રોને પ્રાધાન્ય આપવાના વિચાર સાથે આપણે સંબંધ રાખવા માંગતા નથી? શું જનકનું સીતાનું દત્તક લેવું વિશેષ બાબત નથી? શું તેણે સીતાજીનેને દત્તક એટલે લીધાં કે તે એક બાળકી છે, કે પછી તે પૃથ્વી પરથી અંકુરિત થયેલી 'દૈવી' છોકરી છેકે પછી તે પૃથ્વીની નીચે દાટીને 'ત્યજી દેવાયેલી' બાળકી છે? આપણે જે વાર્તા પસંદ કરીએ છીએ તેમાં ઘણીવાર ફક્ત ભગવાનો પ્રત્યેની આપણી ભક્તિ જ નહીં પરંતુ બાળકીઓ પ્રત્યેના આપણાં વલણ પણ દેખાઈ આવતાં હોય છે

  • મિડ - ડેમાં ૬ માર્ચ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Shiva’s daughter and Ram’s sister નો અનુવાદ હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો