બુધવાર, 13 માર્ચ, 2024

ભારત માતા અને અન્ય માતાઓ - દેવદત્ત પટ્ટનાઈક

 

જો ભારત પાસે તેની  ભારત માતા છે તો બ્રિટન પાસે બ્રિટાનિયા, ફ્રાંસ પાસે મેરિઆન, ન્યુઝીલેન્ડ પાસે ઝીલેન્ડિયા, સ્વીડન પાસે મા સ્વિયા  અને અમેરિકા પાસે કોલંબિયા એમ માતાઓ છે. આ બધી માતૃભૂમિની દેવીઓ છે જેઓ સાંસ્થાનિક સમયમાં ઉભરી આવી હતી અને રાષ્ટ્ર-રાજ્યના ઉદય સાથે પોતાને 'માતાઓ' તરીકે એકીકૃત કરી હતી.

૧૮મી સદીમાં 'યુનાઈટેડ કિંગ્ડમ' બનાવવા માટે જ્યારે સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડના રાજ્યોનું એકીકરણ કરાયું ત્યારે બ્રિટાનિયાનો ઉદ્ભવ થયો. ગ્રીક પ્રભાવનાં સૂચક તર્કસંગતતાનાં પ્રતીક સ્વરૂપ, ગ્રીક હેલ્મેટ અને ઢાલ સાથે તેમની કલ્પના  કરવામાં આવી હતી. તેમણે સિંહ પર સવારી કરી જે તેમના શાહી સ્વભાવને દર્શાવે છે. શાહી શબ્દ આજે છે તેવો ત્યારે ખરાબ ન હતો, . પાછળથી, તેમને, સમુદ્ર પરનો અંકુશ સ્થાપિત કરનાર  અને જ્યાં સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી એવાં સામ્રાજ્યનું સર્જન કરનાર, બ્રિટીશ નૌકાદળની શક્તિ દર્શાવતાં સમુદ્ર-દેવ પોસેઇડનનું ત્રિશૂળ પકડીને બતાવવામાં આવ્યાં હતાં.  આ છબી એલિઝાબેથ પ્રથમ અને અલબત્ત, રાણી વિક્ટોરિયા પણ, જેવાં ઈંગ્લેન્ડનાં મહાન રાણીઓની યાદ અપાવે છે.

બ્રિટાનિયાનું અનુકરણ કરીને, ન્યુઝિલેન્ડ પોતાને ઝીલેન્ડિયામાં મૂર્તિમંત કરે છે. જો કે ઝીલેન્ડીયાની પાછળ લોકો ગાંડાતૂર નહોતા થયા. અને, સ્વીડનમાં, સ્વીડિશ લોકોની દેશભક્તિની ભાવનાનાં મૂર્ત સ્વરૂપ, દેવતાઓ અને ઉમદા યોદ્ધાઓનાં કવચ સમી કન્યા, વાઇકિંગ વાલ્કીરીઝની છબીથી પ્રેરિત, મધર સ્વિયાનો ઉદ્ભવ થયો.

સાંદર્ભિક તસવીરો: નેટ પરથી 
કેથલીન ની હૌલિહાન, અથવા હાઉસ ઓફ હોલિહાનની કેથલીન, આઇરિશ રાષ્ટ્રવાદીઓને પ્રેરણા આપે છે. તેઓએ તેમને એક એવી વૃદ્ધ મહિલા તરીકે વર્ણવ્યાં જેમણે પોતાનું ઘર ગુમાવ્યું હતું, જ્યારે તેમણે યુવાનોને લડવા માટે પ્રેરિત કર્યા હતા ત્યારે તે યુવાન થઈ ગયાં હતાં, અને તેના માટે, કુળવાન ઉમરાવો જેવા ભદ્ર લોકો મૃત્યુને  પણ વર્યા હતા. પાછળથી, જ્યારે ઘણા આઇરિશ લોકો અમેરિકા સ્થળાંતર થયા તે પછી જ્યારે જ્યારે વતનની યાદ આવતી હતી ત્યારે દેવી કેથલીને આયર્લેન્ડને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું. 

ફ્રાન્સમાં, મેરિઆને પ્રજાસત્તાક અને તર્કના આદર્શોને મૂર્તિમંત કરે છે. પુરૂષ વ્યક્તિઓ દ્વારા રજૂ કરાયેલ રાજાશાહીનો સામનો કરવા માટે એક મહિલાની પસંદગી કરવામાં આવી હતી. તેમની કલ્પના દેવીએ, સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરતી, નરમ અને આગળથી થોડી ઝૂકેલી, શંકુ આકારની  ફ્રીજીયન ટોપી પહેરેલી દેવી તરીકે કરવામાં આવી હતી.  આ એ ટોપી એ છે જે રોમન સમયનાં ,રોમમાં સ્વતંત્ર લોકો પહેરતા હતા અને  ગુલામોને જ્યારે તેમના માલિકો મુક્ત કરતા ત્યારે સ્વતંત્ર થયાની નિશાનીરૂપે ગુલામોને આપવામાં આવતી હતી.

૧૮મી સદીમાં, બ્રિટિશ સંસદમાં ચાલતી ચર્ચાઓ જાહેર કરવી ગેરકાયદેસર હતી. અને તેથી રાજકીય સામયિકોએ લોકો અને સ્થાનોના કાલ્પનિક નામોનો ઉપયોગ કરીને એ ચર્ચાઓ પ્રકાશિત કરી. આ અહેવાલોમાં, અમેરિકામાં કોલોનીઓ કોલંબિયા તરીકે ઓળખાય છે. પાછળથી, ફ્રીજિયન કેપ સાથે અને અમેરિકન ધ્વજમાં લપેટાયેલી, કોલંબીયા પ્રજાસત્તાકનું પ્રતીક બની ગઈ, જેણે પોતાને પ્રતિક ગણી પ્રજાસત્તાક માટે લડવા યુવાનોને આમંત્રણ આપ્યું.

માતૃભૂમિ દેવીઓનો વિચાર કદાચ રોમાંની વિભાવનાથી ઉદ્દભવ્યો હતો, જે રોમન સામ્રાજ્યનું મૂર્ત સ્વરૂપ હતું, જેમને રોમનો લૌરેલની માળા પહેરેલ માતા, ખ્રિસ્તી શહીદો દ્વારા ગ**કા તરીકે  અને પવિત્ર રોમન સામ્રાજ્યમાં સંત તરીકે જોવામાં આવતાં  હતાં.

ભારત માતાનો વિચાર ૧૯મી સદીના કિરણ ચંદ્ર બેનર્જીના નાટક, બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા જેમાં તેમણે વંદે માતરમ (માતાને વંદન) અભિવાદન પ્રયોજ્યું હતું,  બિપિન ચંદ્ર પાલના નિબંધો અને જેમાં ભારત માતાને કેસરી પહેરેલાં અને ચાર હાથમાં મણકા (વિશ્વાસ), વેદ (જ્ઞાન), ચોખાના સાંઠા (અન્ન) અને તેના બાળકો માટે પહેરણ (કપડાં) સાથે દર્શાવવામાં આવ્યા છે એવાં અબનીન્દ્રનાથ ટાગોરનાં કલાચિત્રની રચનામાંથી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઉદ્ભવ્યો હતો. પાછળથી, ભારત માતાને સિંહ (અથવા સિંહો) દ્વારા ખેંચાઈ રહેલા રથ પર બેઠેલાં, હાથમાં ત્રિરંગા ધ્વજ સાથે, બ્રિટિશ-રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું એવાં સીતા તરીકે, કે પછી તેમને  અંગ્રેજો-કિચક દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવેલો એ દ્રૌપદી તરીકે, કે બ્રિટાનિયાના લોભને કારણે નિર્વસ્ત્ર અને નગ્ન બનેલાં  કાલી, કે 'રાષ્ટ્રવિરોધી દૂષણ' સામેના યુદ્ધમાં 'કુલીન દેશભક્ત બાળકો'નું નેતૃત્વ કરવા તૈયાર દુર્ગા તરીકે પણ દર્શાવાયાં છે.

આમ રાષ્ટ્રવાદી પૌરાણિક કથાઓ, પોતાની માને પ્રભાવિત કરવા માંગતા છોકરાઓ દ્વારા, છોકરાઓ માટે, બનાવવામાં આવી છે.

  • મિડ - ડેમાં ૨૦ માર્ચ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Bharat Mata and other Matas નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૩ માર્ચ ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો