બુધવાર, 27 માર્ચ, 2024

ભક્તિને હિલોળે - દેવદત્ત પટ્ટનાઈક

પંઢરપુર આઠ સદી પહેલાં શરૂ થયેલ ભક્તિ સંપ્રદાયનું કેન્દ્ર છે. મરાઠી સાહિત્યનો જન્મ પણ આ ભક્તિ ભાવનામાંથી જ થયો હતો. સદીઓથી, દર વર્ષે, વરસાદની થોડા જ દિવસો પહેલાં, વારકરી તરીકે ઓળખાતા હજારો તીર્થયાત્રીઓ, હરિપથ (ભગવાન કૃષ્ણ-વિષ્ણુનો માર્ગ) ના અનુયાયીઓ, ગ્રામીણ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી પંઢરપુર સુધી લાંબા અંતરની મુસાફરી કરે છે. દિંડી તરીકે ઓળખાતું, આ યાત્રાધામ ઉનાળાના આકાશમાં લહેરાતા ધ્વજની લાંબી લાઈનો, ભવ્ય ફૂલોથી સજ્જ બળદગાડાં અને પાલખીઓ, સફેદ વસ્ત્રો પહેરેલા, ચંદનથી અભિષેક કરાયેલા, તુલસીની માળા પહેરેલા, લ્યૂટ અને કરતાલ વગાડતાં વગાડતાં, પરંપરાગત ભજનો ગાતા પુરુષો અને રંગબેરંગી નવવારી સાડીઓમાં પોતામાં માથાં પર તુલસીના છોડ રોપેલ તાંબાપિત્તળના ઘડાઓને સંતોલન કરતી મહિલાઓ થકી જોવાલાયક બની રહે છે. તેઓ સ્થાનિક રીતે પાંડુરંગ વિઠ્ઠલ તરીકે ઓળખાતા કૃષ્ણને વંદન કરવા પ્રવાસ કરે છે. ભક્તો, કવિઓ પાસેથી તેમનો સંકેત લઈને, તેમને પ્રેમથી વિઠ્ઠા-આઈ તરીકે સંબોધે છે, જેનો અર્થ થાય છે માતા કૃષ્ણ. આમ કરીને ભક્તો તેમને, તમામ જાતીય જડતાને અતિક્રમીને, અમર્યાદ માતૃ શાણપણનું શ્રેય આપે છે.

વિઠ્ઠલ શબ્દની વ્યુત્પત્તિ રહસ્યમય છે. વિષ્ણુ, વિથુનું અપભ્રંશ હશે? ઈંટ માટે મરાઠી વિટ, જેના પર તે ઊભા છે, પર આધારિત હશે? અથવા તો પછી કદાચ વેદ પર? વધુ ગૂંચવણભર્યું તો એ છે કે શ્યામ-વર્ણવાળા કૃષ્ણને પાંડુરંગ - ગોરા રંગવાળા - કહેવામાં આવે છે; જોકે રંગની વિગતો ભક્ત માટે વાંધાકારક નથી. મહત્વની બાબત એ છે કે કૃષ્ણ પુંડલિક નામના ભક્તને મળવા માટે આ પ્રદેશમાં આવ્યા હતા, જેઓ તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવામાં ખૂબ વ્યસ્ત હતા તેથી તેમના દિવ્ય મહેમાન તરફ બહુ ધ્યાન આઆપી શકતા ન હતા. તેથી તેણે કૃષ્ણની દિશામાં એક ઈંટ ધકેલી અને તેને કહ્યું કે જ્યાં તે તેની ફરજો પૂર્ણ ન કરે ત્યાં સુધી રાહ જુઓ. તેથી બે હાથ વાળીને કૃષ્ણ રાહ જોતા રહ્યા, અને તેમના આદિરૂપ ભકત પોતાની રફ ફરે એ માટે હજુ પણ રાહ જોઈ રહ્યા છે. આમ, એ સમયનાં સાંસારિક નાટક દ્વારા, ઉચ્ચ પરમાત્મા ભક્ત સાથે જોડાય છે. મંદિરના જટિલ માનવશાસ્ત્રીય અને સમાજશાસ્ત્રીય સ્તરો વિશેની માહિતી આ વિષય પર રાં ચી. ઢેરેના પુસ્તક, વિઠ્ઠલ - એક મહાસમન્વય (હવે અંગ્રેજીમાં પણ, વિઠ્ઠલ - રાઈઝ ઑફ અ ફૉલ્ક ગોડ તરીકે અનુવાદિત) માં મળી શકે છે.
પંઢરપુરના વિઠ્ઠલા સાથે મારું જોડાણ ૧૯૩૦ અને અ૯૪૦ના દાયકામાં નિર્મિત બ્લેક એન્ડ વ્હાઇટ મરાઠી ફિલ્મોથી શરૂ થયું આ ફિલ્મોમેં બાળપણમાં દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયેલી જોઈ હતી. આ ફિલ્મોમાં જ્ઞાનેશ્વર, તુકારામ, એકનાથ, સખુબાઈ, ચોખાનો મેળો અને ગોરા કુંભાર સહિત વિવિધ ભક્ત સંતોની વાર્તાઓ કહેવાઈ છે. મને યાદ છે કે આ બધાં પુરુષો અને સ્ત્રીઓ કેવી રીતે વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા છે: જેઓ ખેડૂતો, કુંભારો, મોચી અને પુજારીઓ હતાં. આજે મને અહેસાસ થાય છે કે ભારતની આઝાદી સમયે બનેલી આ ફિલ્મોમાં ફિલ્મ નિર્માતાઓ ભક્તિને સદીઓ પહેલા હતું એ રાજકારણ સાથે જોડી રહ્યા હતા. તેઓ આજે બહુ જ ફેશનેબલ છે એમ ગુસ્સો કરીને, આંદોલન કે હિંસા દ્વારા નથી કરતા , પરંતુ ભયાનક દુ:ખોનો સામનો કરીને પણ નમ્ર, પ્રેમાળ કોણીના ધક્કા દ્વારા, વિશ્વાસ અને ધીરજથી જન્મેલ, સામાજિક સુધારણાની વાત કરે છે.

ઉદાહરણ તરીકે ૧૩મી સદીના સંતકવિ જ્ઞાનેશ્વર અને તેમના ભાઈ-બહેનોની કથા લો. તેમના પિતા સંન્યાસી બની ગયા હતા પરંતુ તેમના ગુરુને જાણવામાં અવ્યું કે જ્ઞાનેશ્વરના પિતાએ પોતાની પ્ત્નીનો ત્યાગ કરીને સંન્યસ્ત લીધું છે ત્યારે તેમને ગૃહસ્થ જીવનમાં પાછા ફરવાનો આદેશ આપ્યો. બ્રાહ્મણ સમુદાયે આ રીતે પાછા ફરવાને સ્વીકાર્યું નહીં અને દંપતીને બહિષ્કૃત કર્યું. આ રીતે તેમના બાળકોનો ઉછેર બ્રાહ્મણોની જેમ જ પણ બ્રાહ્મણ જ્ઞાતિની બહાર થયો હતો, માતાપિતાને કહેવામાં આવ્યું હતું કે જો માતાપિતા તેમના પાપ માટે 'પ્રાયશ્ચિત' તરીકે પોતાનો જીવ દઈ દે તો આ સજા બદલી શકે. માતાપિતાએ તેમના બાળકોના જીવનને સુરક્ષિત કરવા માટે આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ દુર્ભાગ્યે અનાથ બાળકો હજુ પણ જાતિના દરજ્જાથી વંચિત હતા. તેથી તેઓ બહારના જ રહ્યા. શું તેમનો ઉછેર 'નીચી જાતિ'ના મહારો દ્વારા કરવામાં આવ્યો હતો? આપણે તો ફક્ત અનુમાન કરી શકીએ છીએ. આવા બાળકોને મનમાં કડવાશ અને ગુસ્સો આવવો જોઈતો હતો પણ તેઓને એવી કડવાશ ન આવી. તેમના ગીતોમાં માત્ર પ્રેમ છે, માતા પ્રત્યેની ઝંખના છે, જેના કારણે કૃષ્ણ માતા-કૃષ્ણ બને છે. ભક્તિની શક્તિ આવી છે, ઘણી વાર તેનું ભાષાંતર સ્વાર્પણ તરીકે કરવામાં આવે છે, જે એકનિષ્ઠાને બદલે સામંતવાદી ભાવનાને ઉત્તેજિત કરે છે. જ્યારે હકીકતમાં તો તે તેના બાળક માટે માતાની જેમ સ્નેહ પણ છે.

પરંતુ જ્ઞાનેશ્વરે જ્યારે ભગવદ ગીતાનું ભાષાંતર કર્યું, જોકે ખરેખર તો એમ કહેવું જોઈએ કે તેના બદલે ફરીથી અર્થઘટન કર્યું, અને તેને સ્થાનિક મરાઠી ભાષામાં સુલભ બનાવ્યું ત્યારે તેમણે પ્રેમથી ભરપૂર એવો બળવો જ કર્યો હતો. દેવોની ભાષા, સંસ્કૃત,ને સામાન્ય લોકોની ભાષા દ્વારા બદલવામાં આવી હતી. આ પહેલા ક્યારેય પણ આવું કરવામાં આવ્યું ન હતું. ભાવાર્થ દીપિકા તરીકે જાણીતી, તે જ્ઞાનેશ્વરી તરીકે લોકપ્રિય બની. તેણે ભારતની આસપાસના ઘણા લોકોને પ્રાદેશિક ભાષાઓમાં ભારતની સંસ્કૃતિનાં વિવેકવિચારનો સંચાર કરવા માટે પ્રેરણા આપી.

સ્થાનિક ભાષાઓમાં ગીતો દ્વારા ભગવાનનો શબ્દ લોકો સુધી પહોંચાડવાની આ પ્રથા વ્યાપકપણે લોકપ્રિય બની હતી. આ ભક્તિ ગીતો આપણા માનવ અને દૈવી સ્વભાવ વચ્ચેના વિક્ષેપ (ભંગ)ને ઉલટાવે છે, એટલે એ ભક્તિગીતો અંભગ તરીકે ઓળખાય છે. મારું મનપસંદ ભક્તિગીત તુકારામનું ૧૭મી સદીમાં રચાયેલું ‘वृक्षवल्ली आम्हां सोयरीं[1] છે. અહીં કવિ કહે છે કે કેવી રીતે જ્યારે તે જંગલમાં એકાંતમાં ભટકતો હોય છે, પક્ષીઓ અને પ્રાણીઓનો સંગ માણતો હોય છે, તેના પગ નીચેની ધરતી અને ઉપરનું આકાશ, કૃષ્ણની કહાનીઓઓથી પોષાતું હોય છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેની શ્રેષ્ઠ વાતચીતો અને સૌથી ખરાબ દલીલો કેવી છે. પોતાના મન સાથે. આ રીતે ભગવાનની ભક્તિ આત્મ-ચિંતન અને આત્મ-સાક્ષાત્કારને સક્ષમ કરે છે.

તુકારામની વાર્તાઓમાં, લાંબા સમયથી દુઃખો સહન કરી રહેલી તેમની પત્ની વ્યાવહારિક, જુસ્સાદાર, દલીલો છે. પંતી કહે છે કે ભગવાનની ભક્તિમાં ડૂબી જવાને બદલે ભૂખથી ટળવળતાં પોતાનાં બાળકોને ખવડાવવો. બીજા શબ્દોમાં કહીએ તો, વિઠો-બા (આત્માના દેવ) થવા કરતાં પેટો-બા (પેટના દેવ) બનવું વધુ મહત્વપૂર્ણ છે. ભૌતિક વસ્તુઓ પ્રત્યે સંન્યાસીના આદર્શવાદી અભિગમ અને ગૃહસ્થના વ્યવહારુ અભિગમ વચ્ચેનો આ તણાવ જ્ઞાનેશ્વરની બહેન મુક્તાબાઈ દ્વારા રચિત ગીતોમાં પણ જોવા મળે છે, તેઓ જેઓ આગ્રહપૂર્વક કહે છે કે તેનો ભાઈ જ્યાં ધ્યાન કરી રહ્યો હોય તે ખંડનો દરવાજો ખોલે અને અન્ન રાંધવામાં તેને મદદ કરે.

દંતકથાઓ, અને તે દંતકથાઓ પર આધારિત ફિલ્મો, આપણને જણાવે છે કે જ્ઞાનેશ્વરે 'સમાધિ' લીધી અને સ્વેચ્છાએ તેમના નશ્વર દેહનો ત્યાગ કર્યો તેમાં તુકારામને વિષ્ણુએ પોતે જ પોતાના ગરુડ પર ઉપાડ્યા અને વૈકુંઠ લઈ ગયા એમ બતાવાય છે. આનો મતલબ શું થયો? ઈતિહાસકારો અને તર્કવાદીઓનું માનવું છે કે તુકારામની હત્યા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી અને જ્ઞાનેશ્વરે ધાર્મિક આત્મહત્યા કરી હતી આ દૃષ્ટિકોણનો ભક્તો દ્વારા હિંસક વિરોધ કરવામાં આવ્યો હતો. કદાચ આપણે નથી ઈચ્છતા કે આવા કઠોર વર્ણનો આપણા જીવનને વધુ ક્ડવાશ ભર્યું કરે. જ્યારે આપણે સમજીએ છીએ કે સમાનતા શક્ય નથી, ત્યારે આપણે બધા મુક્તિની ઝંખના કરીએ છીએ. કેટલાક તેને વાસ્તવિકતાનો અસ્વીકાર કહે છે, તો અન્ય કેટલાંક લોકો તેને યાત્રાળુઓના શ્રધ્ધાના માર્ગ પર આગળ વધતાં રહેવું કહે છે.

  • મુંબઈ મિરરમાં ૧૯ માર્ચ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Moved by bhakti નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૭ માર્ચ ૨૦૨૪



[1] 'અભંગ તુકાયચે' આલ્બમમાં લતા મંગેશકરના સ્વરમાં, સંગીત - શ્રીનિવાસ ખળે

ચંદ્રકાન્ત કુલકર્ણી દ્વારા દિગ્દર્શિત મરાઠી ફિલ્મ 'તુકારામ'માં તુકારામ તરીકે જીતેન્દ્ર જોશી; પાર્શ્વ સ્વર - અનિરુધ જોશી - સંગીતઃ અશોક પટ્કી અને અવધૂત ગુપ્તે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો