બુધવાર, 10 એપ્રિલ, 2024

આર્યોનો લાભ લેવો - દેવદત્ત પટ્ટનાઈક

 વિશ્વભરના વિદ્વાનો મધ્ય એશિયાથી પશ્ચિમ તરફ યુરોપ તરફ અને પૂર્વ તરફ ઈરાન અને ભારત તરફ ફેલાયેલી હિંદ - યુરોપીય ભાષાઓના પરિવાર વિશે વાત કરે છે જે છે. અહીં એક વાતની ભારપૂર્વક નોંધ લેવી રહી કે તેઓ ભાષાની વાત કરે છે, જાતિની નહીં. ઉદાહરણ તરીકે, દરેક વ્યક્તિ જે અંગ્રેજી જાણે છે તે 'અંગ્રેજી' જાતિના નથી. તેમ છતાં, રાજકારણીઓ અને સાહિત્યકારો લોકપ્રચલિત વિવરણોમાં આર્ય જાતિના વિચારનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.


૧૯મી સદીના યુરોપિયનો દ્વારા રજુ થયેલ પ્રથમ મત અનુસાર, આર્યો ઉત્તર યુરોપની, ગોરા અને સોનેરી વર્ણની શ્રેષ્ઠ જાતિ હતા. પહેલા ગ્રીકો-રોમનો અને પછી યહુદી અને ખ્રિસ્તી ધર્મને અનુસરતી સિમાઈટ જાતિઓ તેમના પર હાવી થઈ ગયી હતી. આ શ્રેષ્ઠ જાતિની યાદ ભારતમાં વેદોના રૂપમાં ટકી રહી હતી. જોકે ભારતીયોએ તો અસ્પૃશ્યતા અને મૂર્તિપૂજા જેવી પ્રથાઓથી પોતાને ભ્રષ્ટ કરી દીધા હતા. આર્ય જાતિ હોવું એ વિચારસરણીએ હિટલર અને નાઝી જર્મનીના ઉદયને વેગ આપ્યો, અને બીજા વિશ્વ યુદ્ધ પછી એ વિચારસરણી બધા માટે અણગમો બની ગઈ.

૧૯મી સદીથી ભારતીયોમાં લોકપ્રિય એવા બીજા મત અનુસાર, જ્યાં કોઈ જાતિ અને મૂર્તિ પૂજા નહોતી થતી અને 'સનાતન ધર્મ' અનુસરવામાં આવતો હતો એ 'શુદ્ધ' વૈદિક યુગનું હિંદુ ધર્મ એક ભ્રષ્ટ સ્વરૂપ છે. આ સિદ્ધાંત એ વિચાર સાથે અસહમત છે કે આર્યો યુરોપ અથવા મધ્ય એશિયામાંથી આવ્યા હતા. તે આક્રમણ, સ્થળાંતર અથવા વિદેશી આર્યોની માન્યતાને નકારી કાઢે છે. તે દલીલ કરે છે કે આર્યો ભારતમાં ઉદભવ્યા હતા અને તેઓ સમગ્ર વિશ્વમાં ભારતથી યુરોપ અને ઉત્તર ધ્રુવ પ્રદેશ સુધી ફેલાયેલા છે. જેઓ સામાન્ય રીતે ઉત્તર ભારતના છે, વિશેષાધિકૃત સમુદાયોમાંથી છે અને પોતે ગોરી ચામડીના છે એવા સમકાલીન રાષ્ટ્રવાદી લેખકો અને નવલકથાકારોમાં પણ આ સિદ્ધાંત લોકપ્રિય બની રહ્યો છે.

ત્રીજો સિદ્ધાંત દક્ષિણ ભારતનો છે, જે માને છે કે આર્યો ભારતમાં આક્રમણ કરનારા અથવા સ્થળાંતર કરનારા અથવા વિદેશીઓ ન હોઈ શકે, પરંતુ તેઓ ચોક્કસપણે ઉત્તર ભારતીયો છે જેમણે સિંધુ ખીણના શહેરોમાંથી દક્ષિણ ભારતીયોને વિસ્થાપિત કર્યા છે. આ વિવરણમાં, રામ એક શ્વેત આર્ય આક્રમણ કરનાર છે, અને રાવણ કાળી ચામડીની દક્ષિણી જાતિઓનું એવા નેતા તરીકે પ્રતિનિધિત્વ કરે છે, જેના પિતા આર્ય અને માતા દ્રવિડ હતા. જ્યારે હિંદી પટ્ટાના ઘણા લેખકો કહે છે કે કેવી રીતે રામે દક્ષિણ-ભારતીય રાક્ષસો દ્વારા અપાતી ધમકીઓને દૂર કરીને સંસ્કૃતિને જાળવી રાખી હતી, તમિલ લેખકોની એ દલીલ છે કે રામ આક્રમણ કરનાર અને રાવણ સ્થાનિક રક્ષક હતા.

ચોથો સિદ્ધાંત જાતિ વ્યવસ્થાને સમજાવવા માટે આર્યોનો ઉપયોગ કરે છે. અહીં, લેખકોએ દાવો કર્યો છે કે આર્ય આક્રમણકારોએ અસૂરોની જમીન પર કબજો જમાવ્યો અને તેમને નોકર (નીચલી જાતિ) બનાવી દીધા, અથવા તેમને જંગલો (જનજાતિ)માં ધકેલી દીધા, તે પહેલાં અસુરો મૂળ ભારતના શાસકો હતા. વિષ્ણુએ અસૂરોના સારા રાજા બલિ-રાજાને કપટ દ્વારા પરાજિત કરવા વામન નામના બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું તેની વાર્તાઓ પાછળનો તર્ક આ છે. આ ગોરી ચામડીની દુર્ગાનો કાળી ચામડીના મહિષાસુરને હરાવવાનો તર્ક છે, જે હવે કુખ્યાત મહિષાસુર શહીદ દિવસ તરફ દોરી જાય છે.

પાંચમો સિદ્ધાંત આર્યો અને તેમના વેદોને પિતૃસત્તા અને બ્રાહ્મણવાદ સાથે સરખાવે છે. તેઓ ચિત્રમાં આવ્યા તે પહેલાં, ભારત તાંત્રિક પરંપરાને અનુસરતું હતું, સમાજ વધુ સમાનતાવાદી હતો અને સ્ત્રીઓ પાસે વધુ સત્તા હતી. આર્યોના મર્દાનગીભર્યા દેવોએ પૂર્વ-વૈદિક, પૂર્વ-આર્ય સમયની દેવીઓને કેવી રીતે પ્રભાવિત કરેલ તે ઇન્દ્રએ ઉષા દેવી સાથે કરેલા દુર્વ્યવહાર જેવી કહાણીઓમાં જોઈ શકાય છે.
આમ વિવિધ સામાજિક ઘટનાઓને સમજાવવા માટે ‘આર્ય જાતિ’નો ઉપયોગ કરવામાં આવે છે.

ઇતિહાસકારો ભલે આ વંશીય સિદ્ધાંતોની મજાક ઉડાવે, પરંતુ એ બધી એવી શક્તિશાળી દંતકથાઓ છે જે ઇતિહાસના માર્ગને આગળ ધપાવે છે.

  • મિડ-ડે મિરરમાં ૨૬ માર્ચ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Leveraging the Aryans નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૦ એપ્રિલ ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો