બુધવાર, 24 એપ્રિલ, 2024

મૃત્યુનાં મંદિર - દેવદત્ત પટ્ટનાઈક

 વિનાશક (શિવ)ને સમર્પિત ૮૪ મંદિરો ધરાવતું ઉજ્જૈન શહેર, આખરે તો જીવનના અનંત ચક્ર અને આત્માનાં અમરત્વની પૂજા કરે છે.

સામાન્ય રીતે, હિન્દુ મંદિરોમાં દેવતાઓ ઉગતા સૂર્યની સામી બાજુ મોં કરીને ઊભે છે. જો કે, ઉજ્જૈનના પ્રમુખ દેવતા, શિવ, જે સ્થાનિક રીતે મહાકાલેશ્વર તરીકે ઓળખાય છે. તેમનું મુખ, હિંદુ પૌરાણિક કથાઓમાં મૃત્યુ સાથે સંકળાયેલ દિશા, દક્ષિણ તરફ છે. ત્યાં વૈતરણી નદી વહે છે, જેની આગળ પિતૃઓની ભૂમિ, પિતૃ-લોક. સ્થિત છે. શિવ તેમની તરફ જુએ છે અને બીજા ભવની આશા આપે છે, કારણ કે તે સમયના સ્વામી, મહાકાલ, અને મૃત્યુના વિજેતા, મૃત્યુંજય, છે.

હિન્દુ ધર્મમાં, મૃત્યુને બે રીતે જીતવામાં આવે છે: અમરત્વ દ્વારા કે પુનર્જન્મ દ્વારા. મુક્તિ ત્યારે મળે છે જ્યારે આપણો અમર આત્મા દેહના પુનર્જન્મનો આનંદ માણે છે. શૈવ પ્રતિમાશાસ્ત્રમાં, શિવ-લિંગ અમર કાલાતીત આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. તેના પર ટપકતું પાણી સમયની નદીમાં ફરીથી મૃત્યુ પામતાં અને પુનર્જન્મ  લેતા હાડમાંસના નશ્વર દેહને દર્શાવે છે.

આઠમી સદીના વેદાંત વિદ્વાન આદિ-શંકરાચાર્ય ઉજ્જૈન ખાતેનાં મહાકાલેશ્વરનાં મંદિરને ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક તરીકે ગણાવે છે. આ સ્થળોમાં, શિવ પોતાના પર અગ્નિના સ્તંભ તરીકે દેખાયા હતા (સ્વયંભુ લિંગ). આવા શિવ મંદિરો માનવ હાથો દ્વારા સ્થાપિત કરાયેલા મંદિરોથી અલગ હોય છે.

પરંતુ મહાકાલેશ્વર મંદિર એ ઉજ્જૈનનું એક માત્ર શિવ મંદિર નથી. નજીકમાં કાલ ભૈરવ મંદિર છે. વાસ્તવમાં શહેરમાં ૮૪ શિવ મંદિરો છે, અને એક - દેવી હર-સિદ્ધિ મહાકાલીનું મંદિર - શક્તિપીઠ પણ છે, જે શૈવ ધર્મ સાથે તેના મજબૂત જોડાણને દર્શાવે છે.

ઉજ્જૈનને એક સમયે મહાકાલવન અથવા 'શિવના વન' તરીકે ઓળખવામાં આવતું હતું, જેમાંથી દક્ષિણ-પથ પસાર થતો હતો, જે ઉત્તરીય મેદાનોને દક્ષિણના પર્વતીય પ્રદેશ સાથે જોડતો ધોરીમાર્ગ હતો. શિવ આ જંગલમાં ભટકતા હતા કારણ કે તે એવી કોઈ વ્યક્તિની, કે વસ્તુની, શોધ કરી રહ્યા હતા જે  તેમને બ્રહ્માના અહંકારથી અકળઈને ખુબ ખંજવાળવાથી હથેલીમાં હઠપૂર્વક ચોટી રહેલ  બ્રહ્માના પાંચમા માથાથી  છૂટકારો મેળવવામાં મદદ કરે.  શિવ એટલે પણ અહીં ભટકતા હતા કે તેઓ તેમની પત્ની, સતી,ના સળગી ગયેલા અવશેષો સાથે લઈને ફરતા હતા. પ્રથમ કિસ્સામાં ક્રોધમાંથી મુક્તિ અને બીજા કિસ્સામાં દુઃખમાંથી મુક્તિ મળે એમ બંને કિસ્સાઓમાં, ક્ષિપ્રા નદીમાં મારેલી ડૂબકીએ તેમને મુક્ત કર્યા હતા. નદી એ લોહી પણ કહેવાય છે જે ક્રોધિત અથવા દુઃખી થયા પછી શિવે વિષ્ણુના કપાળ અથવા આંગળી પર ત્રિશૂળ વડે પ્રહાર કરવાને કારણે ફૂટી નીકળ્યું હતું. દેહ અને આત્માને શુદ્ધ કરવા માટે ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવું એ ઉજ્જૈનની મુલાકાતનો આવશ્યક ભાગ છે.

ઉજ્જૈનને એક સમયે અવંતી તરીકે ઓળખવામાં આવતું હતું. આ એક મહાન શહેર હોવાના સંદર્ભો વેદિક અને બૌદ્ધ સમયથી જ જોવા મળે છે. જેમણે સંસ્કૃત સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું હતું એવા કવિ કાલિદાસ, નાટ્યકારો ભાસ અને શુદ્રક સાથે હવે તે સંકળાયેલ છે. તે રહસ્યવાદી ભર્તૃહરિ અને તેના ભાઈ, રાજા વિક્રમાદિત્ય,નું સુપ્રસિદ્ધ શહેર છે, જેની વાર્તાઓ આપણને ,હિંદુ ધર્મના આધાર સમાનસમયની પુનરાવૃતિત પ્રકૃતિની યાદ અપાવે છે. .

ભર્તૃહરિનો દેહ અને આત્મા સાથેનો સાક્ષાતકાર હૃદયભંગ દ્વારા થયો. તે તેની પત્ની સાથે ખૂબ પ્રેમમાં હતો, પરંતુ તેણે જોયું કે તેની પત્ની તો ઘોડારના રખેવાળને પ્રેમ કરે છે, જે પાછો એક સફાઈ કામદાર મહિલાને ખરેખર પ્રેમ કરે છે. હૃદયભંગ થવા છતાં તેની ઇચ્છાઓને કાબુમાં કરવામાં અસમર્થ, એવો ભર્તૃહરિ વિભાજિત વ્યક્તિત્વનો ભોગ બની ને એક નિરાશ સંન્યાસી બની ગયો. તેનો એક ભાગે   ચાંદ્ર પક્ષના અર્ધભાગમાં આધ્યાત્મિક કવિતા લખી. તેનો બીજો ભાગ એક મંત્રમુગ્ધ ગૃહસ્થ બની ગયો જેણે ચાંદ્ર પક્ષના બીજા અર્ધભાગમાં વિષયાસક્ત કવિતા લખી. આખરે તેઓ નાથ-જોગી બન્યા. તેમની ગુફા ઉજ્જૈનની નજીકમાં જોવા મળે છે, જેમ  તેમના ગુરુ મત્સ્યેન્દ્રનાથનું મંદિર મુસ્લિમો દ્વારા પીર તરીકે પુજાય છે.

વિક્રમાદિત્યના કિસ્સામાં, જીવનના પુનરાવર્તિત સ્વભાવની સમજણ વેતાલ સાથેના તેમના પ્રયત્નોમાંથી બહાર આવી હતી, વેતાલ એક એવું ભૂત હતું જે સ્મશાનભૂમિમાં એક ખીજડાના ઝાડ પર રહેતું હતું. વેતાલે તેને ખભા પર ઉંચકીને લઈ આવવાનું હતું. વેતાલને પકડવાનું સહેલું હતું, પણ તેને પકડી રાખવું અઘરું હતું કારણ કે તેને પક્ડનાર વ્યક્તિએ તેને પકડી રાખવા માટે તેની સાથે વાત કરવાની ઇચ્છાનો પ્રતિકાર કરવો પડતો હતો. પરંતુ ભાગી જવાનું નક્કી કરેલું ભૂત હંમેશા વિક્રમાદિત્યને એક વાર્તા કહેતું અને પછી તેને એ વાર્તાના અંત અંગે ન્યાય કરવા કહેતું. વેતાલની શરત હતીઃ 'જો તમે ખરેખર વિક્રમાદિત્ય હશો, તો તમે ન્યાયોચિત નિર્ણય કરશો. જો તમે ઢોંગી હશો, તો તમે ચૂપ રહેશો.વાર્તાને અંતે અભિમાની વિક્રમાદિત્ય પોતાનું મોં બંધ રાખી શકતો નહીં અને તેથી ભૂત તેને ચોવીસ વાર થાપ આપીને  પાછું ઝાડ પર લટકી જવામાં આપવામાં સફળ રહ્યુ. પચીસમા પ્રયાસે, વિક્રમાદિત્ય પાસે આપવા માટે કોઈ જવાબ ન હતો અને તેથી તે ચૂપ રહ્યો.તમે જે મૌનનો આટલો ગર્વ અનુભવો છો તે તમને મોંઘું પડશે,’ ભૂત હસી પડ્યો અને તેણે પછી જાહેર કર્યું કે કેવી રીતે તેણે જ વિક્રમાદિત્યને વેતાલ લાવવા કહ્યું હતું. તે એક જાદુગર હતો જે વિક્રમાદિત્યની ગાદી હડપ કરવા માટે ભૂતનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યો હતો. વેતાલની પચીસ વાર્તાઓની પુનરાવર્તિત પ્રકૃતિ આપણને જીવનની ચક્રીય પ્રકૃતિનાં, અને તે ચક્રને તોડવાના પ્રયાસોનાં, જોખમોની યાદ અપાવે છે.

ઉજ્જૈનની લોકકથાઓમાં, જ્યાં વિક્રમાદિત્યને વેતાલને મળે છે તે સ્મશાનગૃહમાંથી છે તેમાંથી મહાકાલેશ્વર મંદિરની ધાર્મિક વિધિઓ માટે રાખ એકત્રિત કરવામાં આવે છે. દરરોજ સવારે ૪ વાગ્યે, શિવ-લિંગને ભસ્મ-આરતી કરવામાં આવે છે આ આરતી બંધ દરવાજા પાછળ પુરૂષ પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે. સ્ત્રીઓ - જે પ્રતીકાત્મક રીતે જીવન અને પુનર્જન્મ સાથે સંકળાયેલી છે - પ્રતીકાત્મક રીતે મૃત્યુની વાસ્તવિકતાની ઉજવણી કરતી આ ધાર્મિક વિધિમાંથી બાકાત રખાય છે. પરંપરાગત રીતે, તાજા અગ્નિસંસ્કાર કરાયેલા શબની ચિતામાંથી રાખ એકત્ર કરવામાં આવતી અને અઘોરી સંન્યાસી દ્વારા  આરતીમાં અર્પણ કરવામાં આવતી.

જોકે હવે ધાર્મિક વિધિ વધુ શુદ્ધ કરાઈ છે. મડદાંની રાખને બદલે બદલે ગાયના છાણની રાખ વિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે,  કદાચ આધુનિકતાવાદીઓ (અથવા ધાર્મિક વિધીઓમાં વિશુધ્ધતા આગ્રહીઓ)ની સંવેદનાઓને અનુરૂપ ધાર્મિક વિધિમાં ફેરફાર કરવાનો આ પ્રયાસ હશે. તેજસ્વી, ખુશખુશાલ વૈદિક હિંદુ ધર્મ અને તાંત્રિક હિંદુ ધર્મ તરીકે ઓળખાતા અંધારા છૂપા પ્રવાહ વચ્ચેનો આ તણાવ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે, હિંદુ વિચારધારાના શિવને દૂધ અને ગાયના છાણની રાખ મળે છે. તો તાંત્રિક વિચાધારાના શિવને સ્મશાનગૃહમાંથી રાખ અને હાડકાં મળે છે.

મૂળ મહાકાલેશ્વર મંદિર મહાકાલવનમાં આવેલું હતું. ૧૩મી સદીમાં રઝિયા સુલતાનના પિતા, દિલ્હીના સુલતાન, ઇલ્તામુશ, દ્વારા આ મંદિર હુમલાઓ કરવામાં આવ્યા હતા અને લૂંટવામાં આવ્યું હતું. . જૂની ઈમારતોમાંથી  માત્ર ચૌબીસખાંબા મંદિર (૨૫ થાંભલાઓનું મંદિર) તરીકે ઓળખાતું દ્વારગૃહ બચ્યું છે, જેના દ્વારપાલોમહા-માયા અને મહા-લયા દેવીઓ છે, જે  શિવ-શક્તિના આ શહેરના ઊંડા મૂળની યાદ અપાવે છે. પરંતુ મંદિરનું પુનઃનિર્માણ ૧૮મી સદીમાં, મરાઠા સંઘના યુગ દરમિયાન, સિંધિયા (અથવા શિંદેસના) રાજ્યાશ્રય હેઠળ કરવામાં આવ્યું હતું. તેઓએ જ ક્ષિપ્રાના કિનારે સિંહસ્થ (ઉજ્જૈનનો કુંભ મેળો) ની શરૂઆત કરી, તેમાં યોદ્ધાઓ અને તપસ્વીઓને નજીકના નાસિકમાં ગોદાવરી નદીના કિનારે દર બાર વર્ષે યોજાતા મેળાની નકલ કરવા માટે આમંત્રિત કર્યા. શાસકો હિંદુ ફિલસૂફીના પાયાને જાણતા હતા: કંઈ પણ કાયમ રહેતું નથી, અને બધું પુનર્જન્મ થાય છે.

  • મુંબઈ મિરરમાં ૩ એપ્રિલ , ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Temples of death નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૪ એપ્રિલ ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો