બુધવાર, 8 મે, 2024

રામચરિતમાનસમાં નપુંસક - દેવદત્ત પટ્ટનાઈક

તુલસીદાસના રામચરિતમાનસમાં એક પંક્તિ વારંવાર ટાંકવામાં આવેલી છે, ‘ढोल, गंवार, शुद्र, पशु , नारी । सकल ताड़ना के अधिकारी॥.’ તેનો અનુવાદ ભારે ચર્ચાનો વિષય રહ્યો છે. જે સૌથી સામાન્ય ભાષાંતર કરવામાં આવ્યું છે, ‘ઢોલ, , ગમાર, પ્રાણીઓ અને સ્ત્રીઓ માર ખાવાને પાત્ર છે.’ તેનો ઉપયોગ હિંદુ ધર્મના સામંતવાદી ઝુકાવને દર્શાવવા માટે કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે, તેનો વિરોધ કરનારા ઘણા છે.

આવો આરોપ કરનારાઓને સામાન્ય રીતે ડાબેરી જૂથવાળા ગણવામાં આવે છે જ્યારે બચાવકર્તાઓને જમણેરી જૂથવાળા ગણવામાં આવે છે. ડાબેરીઓ પોતાને 'સચોટ સાચા' માને છે અને જમણેરીઓને 'નનૈયો ભણનારા' અને 'દલીલો કરીને બચાવ કરતા રહેનારા' કહે છે. જમણેરીઓ પોતાને ‘ગેરસમજ થનારાઓ’ અને ડાબેરીઓને ‘તારણકર્તા-માનસ’થી પીડિત માને છે. પંડિતો અને જાહેર માધ્યમો ડાબેરી તરફ ઝુકાવ ધરાવે છે, જોકે હાલમાં ઘણા લોકો ડાબેરીઓના આ બાબતે અતિરેક પર સવાલ ઉઠાવી રહ્યા છે, અને જમણેરીઓ તરફ વળ્યા છે. ડાબેરીઓ એવું માનવા ઇચ્છે છે કે જમણેરી દરેક વ્યક્તિ ગુંડો છે. અને જમણેરીઓ દરેક ડાબેરીઓને (ભારતમાં ચાલાકીપૂર્વક દેશભક્તિને હિંદુ ધર્મની સંહિતા કોડમાં ફેરવ્યા પછી) રાષ્ટ્રવિરોધી તરીકે ઓળખાવવા માંગે છે. આમ બન્ને પક્ષો વચ્ચે યુદ્ધની રેખાઓ ખેંચાયેલી રહે છે.

આરોપીઓ અને બચાવકર્તાઓ સાથે પરિપૂર્ણ આ તીવ્ર યુદ્ધમાં, જ્યાં લાઇવ કૅમેરા સમક્ષ બધું કોર્ટરૂમ નાટક બની જાય છે, વિદ્વતાનો ભોગા લેવાઈ જાય છે. જ્યારે રામ માગણી કરે છે કે વરુણ તેમને લંકા જવા માટે રસ્તો બનાવી આપે, સમુદ્ર-દેવ વરુણ ઉપરોક્ત પંક્તિ બોલે છે. તેઓ 'ઢોલ, ગમાર, સેવક, પ્રાણી અને સ્ત્રી' તરીકે જડબુદ્ધિ તરીકે વર્તવા બદલ માફી માંગે છે અને રામનો ઠપકો સ્વીકારતાં રામને યાદ કરાવે છે કે દરેક વ્યક્તિએ, વિશ્વમાં તેમના સ્થાને, પોતાના સહજ સ્વભાવની ચોક્કસ મર્યાદાઓમાં રહેવું પડશે. આમ એમનું કહેવું છે કે ભગવાન માટે કરીને સમુદ્ર પણ નિયમો બદલી શકતો નથી.

શું કવિ તુલસીદાસે સામંતશાહી તેમજ નોકર અને સ્ત્રીઓને માર મારવાનું સમર્થન કર્યું હશે? શું આ પંક્તિઓ ગંગા કિનારાના પ્રદેશોના ૧૬મી સદીના હિન્દી ભાષી પટ્ટાના ચોક્કસ વર્ગ માટે છે કે તમામ હિંદુઓ માટે છે? શું તેઓ સૂચનાઓ અથવા પ્રતિકો છે? આ બધું પોતપોતાના અભિપ્રાયની બાબતો છે, અને સંશોધન પદવી મેળવવા માટે કે ટેલિવિઝન શોમાં સ્થાન મેળવવા માટે, તેના પરા કાયમ માટે ચર્ચા કરી શકાય છે. વાસ્તવિકતા એ છે કે: કવિઓને પણ, સામાન્ય લોકો જેવાં મંતવ્યો હોય છે, જે હંમેશા રાજકીય રીતે સાચા નથી હોતાં. એટલું તો ચાલો સ્વીકારી પણ લઇએ, સિવાય કે જેઓ 'ન્યાય'ના નામે સ્વતંત્ર વાણીને મોઢે ડૂચો મારી દેવા માગે છે એવા લોકોનું શું કરવું?.

આ જ ગ્રંથના અંતિમ અધ્યાય (૮.૮૭ક) માં બીજી એક પંક્તિ છે જે આ કથન જેટલી ટાંકવામાં નથી આવતી એ પંક્તિમાં જ્યારે રામ ભુષંડી (કાગડા)ને કહે છે, 'पुरुष, नपुंसक, नारी वा जीव चराचर कोई सर्व भाव भज कपट तजि मोहि परम प्रिय सोई.' - પુરુષ કે નપુંસક કે નારી કે પછી કોઈ પણ જીવ કે જડ દ્વેષનો ત્યાગ કરીને મારી પાસે આવે છે, તે મારા માટે પ્રિય છે.- શા માટે ડાબેરીઓ કે જમણેરીઓ આ પંક્તિને ટાંકતા નથી? એટલા માટે છે કે તે ડાબેરીઓના ‘હિન્દુવાદના સામંતવાદી દાવાને પડકારે છે? કે પછી એટલા માટે કે તે જમણેરીઓના દાવા 'નપુંસકો હિંદુ સમાજનો ભાગ નથી’ ને પડકાર કરે છે?

આ બે પંક્તિઓ હિંદુ ધર્મના બે તદ્દન અલગ મંતવ્યો રજૂ છે. એક મંતવ્ય હિંદુ ધર્મને સામંતવાદી અને ઊંચનીચના પદાનુક્રમનો આગ્રહી બનાવે છે. તો બીજું મંતવ્ય હિંદુ ધર્મને બધા માટે સુલભ અને મુક્ત બતાવે છે. આઝાદી પછીના ભારતની જેમ તે 'નપુંસક' સમુદાયને અદ્રશ્ય નથી કરી નાખતું. ‘સાચો’ હિંદુ ધર્મ કયો છે? આપણે શું પસંદ કરીએ છીએ? શું આપણું રાજકારણ આપણી પસંદગી પર પ્રભાવ કરે છે? કે પછી આપણી પસંદનાપસંદ આપણા રાજકારણને પ્રભાવિત કરે છે? શું બંનેનું અસ્તિત્વ પ્રાચીન સંસ્કૃતિને બળ અને પ્રતિબળ પ્રદાન કરે છે? ડાબેરી અને જમણેરી, એમ બંને પક્ષોના લોકોએ તેમના તીવ્ર વિવાદ તરફ પાછા ફરતા પહેલાં આ દૃષ્ટિએ વિચાર કરવાની જરૂર છે.

  • મિડ – ડે માં ૩ એપ્રિલ , ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Queer in Ramcharitmanas નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૮ મે ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો