શુક્રવાર, 10 મે, 2024

સ્વ-વિકાસ : વિચાર વલોણું - નવું નવું શીખતી રહેતી સંસ્થાના ઘડતર કરવા માટે અગ્રણીએ ધ્યાનમાં રાખવા જેવા ૧૦ પદાર્થપાઠ

તન્મય વોરા

જેક વેલ્સનું કહેવું રહ્યું છે કે ,

"સંસ્થાની શીખતાં રહેતાં અને જે શીખું તેને ઝડપથી અમલમાં મુકી શકવાની, ક્ષમતા એ સૌથી મોટો સ્પર્ધાત્મક ફાયદો નીવડી શકે છે."

ધાર્યાં વ્યાવસાયિક પરિણામો લઈ આવવા માટે સતત શીખવું અને તેનું યથોચિત અમલીકરણ એ સફળ સંસ્થાઓના મૂળમાં છે.

પીટર સેન્ગેએ શીખતી રહેતી સંસ્થાની વ્યાખ્યા  કરતાં કહ્યું છે કે  "જ્યાં લોકો તેમની ખરેખર ઈચ્છા હોય તેવા પરિણામો લઈ આવતાં રહેવાની તેમની ક્ષમતાનો સતત વિસ્તાર કરે છે, જ્યાં વિચારની નવી અને વિસ્તૃત પરિભાષાને પોષવામાં આવે છે, જ્યાં સામૂહિક મહત્વાકાંક્ષા મુક્તપણે ફૂલેફાલે છે, અને જ્યાં લોકો સમગ્ર ચિત્રને નજરમાં રાખવાનું સતત શીખતા હોય છે."

વ્યક્તિઓ, ટીમો અને તેથી સંસ્થા માટે સતત શીખતાં રહેવાની સંસ્કૃતિનું વાતાવરણ બની રહે એ માટે સંસ્થાના અગ્રણીએ આ  ૧૦ ટોચના પદાર્થપાઠો ધ્યાનમાં રાખતાં રહેવું જોઈએ:

¾    લોકોને જાતે કામ કરવાનું શીખવાની દોરવણી આપો. લોકો સૌથી વધુ ત્યારે શીખે છે જ્યારે તેઓ અર્થપૂર્ણ  પરિણામો લાવવા માટે તેમના જ્ઞાનનો જાતે અમલ કરે છે.

¾    યાદ રહે કે તાલીમ માત્ર જ્ઞાન આપવાનું એક સાધન છે. પોતે શીખેલા પાઠ અંદર અંદર વહેંચવા, વાર્તાઓ રૂપે અનુભવો કહેવા, કાર્ય કરવાનું, ભૂલો કરવી અને સતત સુધારા કરતા રહેવું એ બધું સતત શીખતાં રહેવાની  ચાવીઓ છે.

¾    નવું શીખતાં રહેવાનું વાતાવરણ બનાવવા માટે મધ્ય કક્ષાના મેનેજરોને સામેલ કરો, કારણ કે તેઓ જ શીખવાનું ખરૂં ચાલક બળ છે, માવ સંસાધન ટીમ તો માત્ર ઉદ્દીપક બની શકે.

¾    તમારી પ્રક્રિયાઓમાં શીખતાં રહેવાને વિશેષ કરીને સામેલ કરો. શું સારું થયું / શું સારું થઈ શક્યું કે થઈ શકે તેના પર નજર રાખવા માટે સમયે સમયે સમીક્ષા બેઠકો અને પશ્ચાતદર્શી વિચાર કાર્યશાળાઓ વગેરેને નિયમિતપણે અનુસરવાની પ્રથા પાડો.

¾    તમારી ટીમોને વિવિધ જ્ઞાન મળવવાનાં સંસાધનો જેવા કે પુસ્તકો, સોશિયલ મીડિયા, ઓનલાઈન વિડિયો, મિશ્ર પશ્ચાદભૂ, અનુભવો, કાર્યક્ષેત્રો, પ્રદેશોમાંથી આવતાં કર્મ્ચારીઓની  ટીમો જેવાં વૈવિધ્યપૂર્ણ વાતાવરણમાં કામ કરવા માટેની તક આપતાં રહો. 

¾    નવું શીખવાની પ્રક્રિયાને વેગ આપવા અને જ્ઞાનની સુલભતા સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરો. મહત્ત્વની બાબત એ છે કે બ્લોગ્સ, વિકિ અને ફોરમ જેવા ઘણાં ઉપયોગી સાધનો હવે સહેલાઈથી ઉપલબ્ધ બન્યાં છે.

¾    મહત્વપૂર્ણ પરિવર્તનોને લગતી પહેલમાં લાગતાં વળગતાં લોકોને સામેલ કરો જેથી તેઓ નવું શીખવાના મહત્વના પાઠ એવાં પરિવર્તન સંચાલન વિશે શીખે અને વિવિધ પ્રકારના લોકો સાથે કામ કરે.

¾    વૈકલ્પિક વિચારો પેદા કરવાની અને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવા માટેની લોકોની ક્ષમતાઓને પ્રોત્સાહન આપો. 

¾    નવું નવું શીખવું એ ટુંકા ગાળાનાં લક્ષ્યોનાં કોષ્ટકોમાં બંધ બેસાડવાનો વિષય નથી. બહુ સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે નવું નવું શીખવું એ લાંબા ગાળાની વસ્તુ છે, એટલે તેની પ્રગતિને માપવા માટેનાં માપ તેમ જ સીમાચિહ્નો માટે ચીલાચાલુ ધોરણો અપર્યાપ્ત નીવડે છે. જે સંખ્યાઓમાં માપી શકાતી નથી. નવું શીખવાનાં પરિણામો માટે ટીમોનાં વિચાર અને વર્તનમાં જોવા મળતા ફેરફારોને પારખવાની ક્ષમતા વિકસાવવી આવશ્યક બની રહે છે,

¾    લોકોને ભૂલો કરવા બાબતે ટોકો નહી, બલ્કે પોતાની ભુલો સ્વીકારવા, સમજવા અને તેમાંથી નવું શીખવાને પ્રોત્સાહન આપતાં રહો. પયોગશીલ થવા પર પાબંદીનો જેવી કિંમત નવી વસ્તુઓ અજમાવવા માટે ચૂકવવી પડે તો લોકો ક્યારેય પ્રયોગ કરશે નહીં.

મહત્ત્વનો પ્રશ્ન: તમારી ટીમ/સંસ્થા સતત શીખે છે તેની ખાતરી કરવા માટે અત્યારે કઈ પદ્ધતિઓ અપનાવી રહ્યાં છો? સંસ્થા/ગ્રાહકો/ કર્મચારીઓ પર હકારાત્મક અસર માટે તે નવું શીખવા બાબતે લાગુ પડે છે?

સ્ત્રોત સંદર્ભ:: Creating a Learning Organization: 10 Actions For a Leader

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો