બુધવાર, 19 જૂન, 2024

કૂખની આરાધના - દેવદત્ત પટ્ટનાઈક

આસામના કામખ્યા ખાતેનું મંદિર ૧૭મી સદીમાં કૂચ બિહારના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. પરંતુ તેમાં વિરાજમાન દેવી પ્રાચીન છે, કેટલાક કહે છે તે વૈદિક સંસ્કૃતિથી પણ પહેલાના સમયની તાંત્રિક, દેવી છે. વળી બીજાં કેટલાંકનું કહેવુ છે કદાચ તેનાથી પ્રણ વધારે પ્રાચીન એવી સ્થાનિક ખાસી અને ગારો જાતિઓની દેવી છે. પરંતુ તેને ચોક્કસ દેવી તરીકે ઓળખવામાં આવ્વ્યાં તે પહેલાં, તે ફક્ત એક કુદરતી ખડકની રચના હતી, પથ્થરની શીલામાં અથવા તો, પર્વતના પ્રવાહના છીછરા પટ પર, એક ફાટ આવેલ છે જે - ઓછામાં ઓછું માનવ આંખો માટે - સ્ત્રી જનનેન્દ્રિયોનાં પ્રવેશદ્વાર - યોની જેવી જણાય છે.

એવું કહેવાય છે કે, દર વર્ષે, પ્રથમ વરસાદને પગલે, ફાટમાંથી લાલ પ્રવાહી નીકળે છે: તર્કશાસ્ત્રીઓના મતે તે ભૂગર્ભની માટી છે. નિંદાખોરો માટે તે સ્થાનિક પુજારીઓ દ્વારા છાંટવામાં આવેલ સિંદૂરનો ભૂકો છે, તો શ્રધ્ધાળુઓ માટે પૃથ્વીના, એટલે કે દેવીનાં, માસિક સ્ત્રાવનું રક્ત છે. તેથી, અંબુબાચી ઉત્સવના ભાગ રૂપે, ત્રણ દિવસ માટે, દેવીને આરામ કરવા માટે અને તેમની પ્રજનન ક્ષમતા પુનઃપ્રાપ્ત કરવા માટે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવે છે.

વર્ષો પહેલા જ્યારે હું કામખ્યાના મંદિરમાં દાખલ થયો ત્યારે મને લાગ્યું કે જાણે હું પૃથ્વીના ગર્ભમાં પ્રવેશી રહ્યો છું. પગથિયાં નીચે ની તરફ એક ભૂગર્ભ કક્ષમાં જાય છે જ્યાં એક ઝરણું વહે છે. ત્યાં તમે ત્રણ મુગટ જુઓ છો, જે લક્ષ્મી, સરસ્વતી અને કામખ્યા એમ દેવીના ત્રણ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે: ત્રીજાં દેવી બધાનાં ધ્યાનનું કેન્દ્ર છે, જે લાલ કપડા અને ફૂલોથી ઢંકાયેલ છે. મને કહેવામાં આવ્યું કે મુગટની નીચે ફાટ છે.

દંતકથા છે કે જ્યારે શિવની પત્ની સતીએ તેના પિતા સાથેના વિવાદને પગલે આત્મહત્યા કરી લીધી, ત્યારે શિવ એ દુઃખથી અસ્વસ્થ બનીગયા હતા. સતીના નિર્જિવ દેહને વળગીને, પૃથ્વી પર તેઓ ભટકતા રહ્યા. વિષ્ણુએ દેહના નાના નાના ટુકડા ન કરી નાખીને શિવ તેને છોડી તે માટે દબાણ ઊભું કર્યું. પૃથ્વી પર જે જે જગ્યાએ સતીના મૃતદેહના વિવિધ ભાગો પડ્યા હતા તે જગ્યાઓ શક્તિપીઠો (દેવીની બેઠકો) બની. આ તીર્થસ્થાનોની સંખ્યા કઈ વ્યક્તિ કયા ગ્રંથનો ઉલ્લેખ કરે છે અથવા તે કઈ પરંપરાથી પરિચિત છે તેના આધારે બદલાય છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે: કામખ્યા ખાતે કૂખ પડી હતી.

આજે, જાહેરમાં જનનેન્દ્રિયો, ખાસ કરીને સ્ત્રી જનનાંગો, વિશેની કોઈપણ ચર્ચા શરમ, અકળામણ અથવા અણગમો પેદા કરે છે, જે આપણાં સામાજિક માનસનાં ઘડતરનું પરિણામ છે. તેમ છતાં, હિંદુ પરંપરામાં, દૈવીત્વને વારંવાર પ્રજનન અંગોનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવે છે. કેટલાક પશ્ચિમી વિદ્વાનોને આ ઉત્તેજક લાગી શકે છે, તો કેટલાક હિંદુ કટ્ટરવાદીઓને આ અપમાનજનક લાગી શકે છે. પરંતુ હમણાં સુધી, ભારત લૈંગિકતા અને પ્રજનનક્ષમતા પ્રત્યે ખૂબ જ સ્વસ્થ અભિગમ ધરાવતો હતો. વાસ્તવમાં, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ જેવી આશ્રમ પરંપરાઓ દ્વારા પેદા થતી અજાતીયતા અને વંધ્યત્વના પ્રતિક્રમણ તરીકે હિંદુ ધર્મ વૈદિક ઉપસ્તરમાંથી ઉભરી આવ્યો છે. વિવિધ જાતીય અને બિન-જાતીય છબીઓનો ઉપયોગ કરીને સંન્યાસી (તાંત્રિક) અને ગૃહસ્થ (વેદાંતિક)ની દુનિયા વચ્ચેના આ તણાવને સંચાર કરવામાં આવ્યો છે. બિનલૈંગિક છબીઓ જાતીય છબીઓ જેવા જ વિચારને સંચાર કરે છે. ગર્ભાશય અને લિંગને બદલે, તેઓએ છોડ, પ્રાણીઓ, ભૌમિતિક કલાકૃતિઓ અને માનવ પ્રતિમાનો ઉપયોગ કર્યો, જે દરેક એક રૂપક છે.

એવી માન્યતા છે કે પૃથ્વી દેવી છે અને બધી પ્રજનનક્ષમ સ્ત્રીઓની જેમ પૃથ્વીને પણ માસિક સ્રાવ થાય છે. કૃષિ સમુદાયોમાં આ વાત સામાન્ય વિષય છે. ઓડિશામાં, પ્રખ્યાત રોજો (રજો) તહેવાર છે, જે દરમિયાન મહિલાઓને આરામ કરવા માટે કહેવામાં આવે છે, . તેમને એમ પણ કહેવામાં આવે છે કે આ દિવસો દરમ્યાન તેઓ જમીન પર પગ ન મૂકે, કારણ કે પૃથ્વી પણ આરામ કરી રહી છે. સ્ત્રીત્વની ઉજવણી એ આખો દિવસ પથારી પર રમતો રમવાનો, અથવા હીચકાનો આનંદ માણવાનો સમય છે. આ તહેવારમાં મહિલાઓને 'અશુદ્ધ' તરીકે જોવામાં આવતી નથી. તેમનું શરીર, નવું જીવન વહન કરવા સક્ષમ છે, જે રક્તના માસિક પ્રવાહ દ્વારા સૂચવવામાં આવે છે, અને ઉજવવામાં આવે છે.

માસિક સ્રાવનો ડર, અને સ્ત્રી શરીર, પ્રજનનક્ષમતા અને લૈંગિકતાથી દૂર રહેવું, વગેરેનું મૂળ આશ્રમ વ્યવસ્થાના આદેશોમાં શોધી શકાય છે. બૌદ્ધ ધર્મ આપણને જણાવે છે કે કેવી રીતે બુદ્ધે મારાની પુત્રીઓને ચાલાકીથી હરાવી દુઃખમાંથી મુક્તિ અપાવી. હિંદુ ધર્મમાં, મારા કામ બની જાય છે, અને તેની પુત્રીઓ તેની અપ્સરાઓ તરીકે ઓળખાતી કન્યાઓની સેના બની જાય છે, જે ઋષિઓને તેમની તપશ્ચર્યાથી વિચલિત કરે છે. શિવ પોતાની ત્રીજી આંખથી કામને ભસ્મ કરે છે.

કામ (ઈચ્છા) અને અક્ષ (આંખ)ની સંધિ કરવાથી કામખ્યાનું સર્જન થાય છે. તે કામંતકમાંથી (ઈચ્છાના હત્યારા)માંથી શિવને કામેશ્વર (ઈચ્છાના સ્વામી)માં પરિવર્તિત કરે છે. બૌદ્ધ ધર્મમાં, તારા દ્વારા બોધિસત્વના સ્વીકારના પરિણામે તિબેટની શૃંગારિક યાબ-યમ (પિતા-માતા)ની છબીઓને જન્મ મળે છે. આમ દેવી (એટલે કે પ્રકૃતિ) મુક્ત થવા માગતા ભગવાન (મન) પર વિજય મેળવે છે.

દક્ષિણ ભારતમાં, કામખ્યાને કામાક્ષી કહેવામાં આવે છે અને તેની કલ્પના શેરડી, ફૂલો અને પોપટ જેવાં કામના પ્રતીકો સાથે કરવામાં આવે છે. આસામમાં, તેમને સિંહની પીઠ પર આરામ કરતાં શિવની નાભિમાંથી ઉગેલા કમળ પર બેઠેલાં, છ માથાં - બાર હાથવાળી દેવી તરીકે ખૂબ જ અલગ રીતે જોવામાં આવે છે. આ છબી વૈષ્ણવ સંપ્રદાયની કલ્પના મુજબની બ્રહ્માની એક વધુ લોકપ્રિય છબીની યાદ અપાવે છે જેમાં બ્રહ્મા સર્પના ગુંચળા પર સૂતેલા વિષ્ણુની નાભિમાંથી ઉગેલાં કમળ પર બેઠેલ છે. વૈષ્ણવ પરંપરાઓમાં, બ્રહ્માને તેમના જન્મ પછી ભયભીત જોવામાં આવે છે, ત્યારે શાક્ત પરંપરાઓમાં કામખ્યાને શિવની છાતી પર પગ મૂકેલાં બતાવીને સર્વશક્તિમાન તરીકે જોવામાં આવે છે.

કામખ્યા ક્યારેક કમલા (જે કમળ પર બેસે છે) અથવા સોડસી (જે સોળ વર્ષની છે) તરીકે ઓળખાય છે અને કેટલીક વાર તેમને મહાવિદ્યા સમૂહના એક ભાગ તરીકે જોવામાં આવે છે. કામખ્યાનાં મંદિરોમાં દસ મહાવિદ્યાઓની છબીઓ જોવા મળે છે, જે સ્પષ્ટપણે પછીની તાંત્રિક પરંપરાઓ સાથે સંબંધિત છે. અહીં, ચિન્નામસ્તિકાનાં મંદિરોમાંનું એક જૂનું મંદિર છે, જ્યાં દેવી પોતાની જાતને શિરચ્છેદ કરતાં અને અને એક કામક્રિડામાં વ્યસ્ત એવાં દંપતી પર બેઠેલી અવસ્થામાં પોતાનું લોહી પીતાં જોવા મળે છે. હિંસા અને લૈંગિકતાની આ છબી આશ્રમોની વ્યવસ્થાઓમાં વધારે પ્રચલિત અહિંસા અને અજાતીયતાને સીધો પડકાર છે.

કામખ્યાને કેટલીકવાર ભૂ-દેવી તરીકે ઓળખવામાં આવે છે, જે વિષ્ણુની પત્ની છે. આને વિષ્ણુ-ઉપાસકો દ્વારા, પ્રચલિત લોકમાન્યતા અનુસાર શિવ સાથે વધારે સંકળાયેલ, દેવી પરનો દાવો કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. કથા એવી છે કે જ્યારે વિષ્ણુએ વરાહના રૂપમાં ભૂ-દેવીને બચાવ્યાં, ત્યારે દેવીએ નરક નામના રાક્ષસ-બાળકને જન્મ આપ્યો, જેને કૃષ્ણએ હણ્યો હતો. આસામમાં પ્રસિદ્ધ સંત શંકરદેવ દ્વારા શાકાહારી રિવાજો સાથે કૃષ્ણ-ભક્તિનો પરિચય થયો હતો. પરંતુ તેમની ભક્તિ શાખામાં, બંગાળના ચૈતન્ય વૈષ્ણવવાદથી વિપરીત, કદાચ દેવીના પ્રભાવને અને તેમના પ્રજનન અને લૈંગિકતાની ઉજવણીને દૂર રાખવા, રાધાનો કોઈ ઉલ્લેખ નથી. આમ, આપણે સદીઓ પૂર્વેથી લઈને આજના સમયસુધી, લૈંગિકતા અને અજાતીયતા, ગૃહસ્થ અને સંન્યાસી, તંત્ર અને વેદાંત વચ્ચેના તણાવનો પડઘો પડતો જોઈએ છીએ. આમ જ થતું આવ્યું છે અને હંમેશા આમ જ થતું રહેશે.

  • મુંબઈ મિરર માં ૧૭  એપ્રિલ , ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Worshipping the womb નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૯ જૂન ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો