ઇ. સ.પૂર્વે ૫૦૦ની આસપાસ લખાયેલી મનાતી, કાલિદાસની પ્રસિદ્ધ કૃતિ, રઘુવંશ, માં રામના પૂર્વજોની એ કથા કહેવામાં આવી છે જેમાં દશરથના માતા-પિતા, અજ અને ઈન્દુમતી,નો સમાવેશ થાય છે. ઇન્દુમતીએ તેના સ્વયંવર સમારોહમાં અજને પસંદ કર્યો હતો, તેથી એ સમારોહમાં આવેલા અન્ય રાજકુમારોની ઇર્ષાનું તે કારણ બની છે. બંને ગળાં ડૂબ પ્રેમમય સુખી જીવન જીવતાં હોય છે પરંતુ પછી એક દુર્ઘટના થાય છે. દશરથના જન્મના થોડા સમય બાદ ઈન્દુમતીનું મૃત્યુ થાય છે. એવું બને છે કે નારદ ઉપરના અવકાશી પ્રદેશોમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમની માળામાંથી એક ફૂલ આકાશમાંથી પૃથ્વી તરફ, શાહી બગીચામાં ચાલતી ઇન્દુમતી પર, પડે છે. આમ થવાથી ચોંકી ગયેલી ઈન્દુમતીનું અવસાન થાય છે. એ દુઃખમાં અજ પણ બહુ જ અસ્વસ્થ રહે છે અને પછી તરત જ મૃત્યુ પામે છે.
આવી અચાનક બનતી દુર્ઘટના અને તેને કારણે થયેલાં પતનીના મૃત્યુથી તેની સાથે અલગ થવાનું દુઃખ સહન ન કરીને મૃત્યુ પામતા પતિની વાત ભારતીય પૌરાણિક કથાઓમાં દુર્લભ છે. સામાન્ય રીતે, સ્ત્રી તેના પતિથી છૂટા પડવાનો વિરહ સહન કરી શકતી નથી, અને દૂરના પ્રદેશમાં કામધંધા માટે કે યુદ્ધના મેદાનમાં ગયેલા પતિના પાછા ફરવાની રાહ જોતી જોતી તે કરમાઈ જાય છે. તેમની અલગ પડી ગયેલી પત્નીઓ માટે ઝૂરતા પુરુષોની કથાઓને ખાસ ધ્યાન પર નથી લેવામાં આવતી. આપણે શકુંતલા માટે ઝૂરતા દુષ્યંત પીંખતા, સીતાના અપહરણની જાણ થતાં હૈયાફાટ રૂદન કરતા રામની કે રાધાને શોધવા ‘રાધે, રાધે’ ના પોકારો કરતા, જંગલોમાં આખડતા રહેતા કૃષ્ણની કથાઓ આપણે ભૂલી જઈએ છીએ. કાલિદાસને આ વિરહી પ્રેમીનું રૂપ પસંદ છે. આપણને તે, જ્યાં એક યક્ષ પોતાની પ્રિયતમાને તે કેટલો પ્રેમ કરે છે તેનો સંદેશો એક યક્ષ, મેઘસૂત, પાઠવતા પ્રેમીની વાત કાલિદાસની પ્રસિદ્ધ કૃતિ મેઘ-દૂતમમાં પુનરાવર્તિત જોવા મળે છે.
સ્ત્રી માટે પુરુષની આ લાગણી ભક્તિ સાહિત્યમાં જોવા મળતી નથી. અચૂકપણે, ભક્ત એ એક સ્ત્રી હોય છે જે ભગવાનને પુરુષ તરીકે જૂએ છે. જ્યારે કોઈ દેવી પ્રત્યે ભક્તિ દર્શાવવામાં આવે છે, ત્યારે ભક્ત પોતાની જાતને પોતાની માતાને ગુમાવેલ એક બાળક તરીકે જૂએ છે. તે ક્યારેય કોઈ પ્રેમી પ્રેમભરૉ નજરે સ્ત્રી ને જૂએ એ દૃષ્ટિથી દેવીને નથી જોતો.
અજ અને ઈન્દુમતીની કથા આપણા જીવનમાં કામના સિદ્ધાંતને સમજાવવા માટે રચાયેલ છે. રઘુવંશમાં, કાલિદાસ પણ અજના દાદા દિલીપ અને પિતા રઘુના પાત્રો દ્વારા ધર્મ અને અર્થના સિદ્ધાંતને સમજાવે છે. દિલીપ એક ગાયને સિંહથી બચાવે છે, તેના બદલે સિંહને પોતાનો જીવ અર્પણ કરે છે, જે નબળા અને અસહાયને મદદ કરવાનો સિદ્ધાંત દર્શાવે છે, જે ધર્મ છે. તેની સંપત્તિ મન મુકીને વહેંચતા રઘુ દ્વારા અર્થ (આર્થિક) કલ્યાણના સિદ્ધાંતને મૂર્તિમંત કરાયો છે.
દશરથના પુત્ર રામની રામાયણમાં કહેવામાં આવેલી કથા દ્વારા આપણને મર્મમાં સમજાવાયું છે કે રામ દિલીપ, રઘુ અને અજના પાત્રોને મૂર્ત બનાવે છે. તે દિલીપ જેટલા ઉમદા, રઘુ જેવા સેવાભાવી અને અજ જેવા પ્રેમાળ પતિ છે. ઈન્દુમતીનાં મૃત્યુનું કારણ બનતું ફૂલ સ્વર્ગમાંથી પડે છે તે એવાં ભાગ્યનું પ્રતીક છે જે કોઈ પણ સમયે પ્રહાર કરી શકે છે અને અચાનક સૌથી સુખી સપનાનો અંત લાવી શકે છે. રામને પણ આવી જ આફતનો સામનો કરવો પડ્યો, જ્યારે શૂર્પણખાના આગમનથી ઘટનાઓની એક આખી શ્રૃંખલા શરૂ થાય છે જેના પર રામનું કોઈ નિયંત્રણ નથી. શૂર્પણખા અધીરાઈના કારણે વિકૃત માનસ ધરાવતી થઈ જાય છે, તેનો ભાઈ, રાવણ, સીતાનું અપહરણ કરે છે. સીતાને બચાવવા માટે યુદ્ધ છેડવામાં આવે છે પરંતુ આખરે રામે સીતાનો ત્યાગ કરવો પડે છે કારણ કે સીતાની ડાઘવાળી પ્રતિષ્ઠા વિશે ગામમાં થતી કાનાફૂસી અને પંચાત સીતાને રઘુ કુળની રાણી બનવા માટે અયોગ્ય બનાવે છે.
જેમ અજ ઇન્દુમતી વિના જીવી શકતા નથી તેમ રામ સીતા વિના જીવી શકતા નથી. રામ ફરીથી લગ્ન કરવાનો ઇનકાર કરે છે અને, જ્યારે સીતાજી ધરતીમાં સમાઈ જાય છે, ત્યારે રામ સરયુ નદીમાં ચાલ્યા જાય છે અને ફરી ક્યારેય પાણીમાંથી બહાર નથી નીકળતા. આને ભક્તો દ્વારા જલ-સમાધિ (સ્વેચ્છાએ પાણીમાં શરીરનો ત્યાગ કરવો) કહેવાય છે. જ્યાં એક સમયે સ્ત્રીઓ દ્વારા તેમના પતિના અંતિમ સંસ્કાર સાથે સાથે સતી તરીકે અગ્નિદાહ લેવાની અપેક્ષા રાખવામાં આવતી હતી એ પિતૃસત્તાક સમાજમાં કોઈને એવું કહેવાની મંજૂરી નથી કે પતિએ આત્મહત્યા કરી છે કારણ કે તે તેની પત્ની વિના પૃથ્વી પર જીવન સહન કરી શકતો નહોતો.
જોકે, એ બાબતે પરિસ્થિતી આજે પણ એ જ છે.
- મિડ- ડે માં ૨૪ એપ્રિલ , ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The flower that killed Indumati નો અનુવાદ| પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, વૈશ્વિક પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૭ જુલાઈ ૨૦૨૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો