અહીં, દેવતાને દારૂની બાટલી ધરાવવામાં આવે છે, જેમાંથી અડધી બાટલી લાલચોળ ગરમ વક (કડાઈ જેવું એક રસોઈ કરવાનું ચીની વાસણ) પર રેડીને તેનું બાષ્પીભવન કરી નખાય છે અને બાકીની અડધીને ભક્તોમાં વહેંચી દેવામાં આવે છે. મંદિરમાં નવા પરિણીત યુગલો અને પરિવારો અવારનવાર આવે છે, જેમાંથી મોટા ભાગનાને આ પ્રસાદ સામે કોઈ તકલીફ નથી. જેઓને દેવતાને શરાબ ધરાવવા સામે વાંધો હોય છે, તેમના માટે રસ્તા પર આગળ જતાં દુધિયા ભૈરવ છે, જે કાચાં દૂધ અને ફળોનો ભોગ સ્વીકારે છે.
કિલકારી એટલે બાળકનું આનંદકારક નિર્દોષ હાસ્ય. કળા તરીકે ભૈરવને બે સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. એક સ્વરૂપ વિકરાળ, લાલચોળ લોહીયાળ આંખો, ટટ્ટાર શિશ્ન, ગળામાં ખોપરીની માળા પહેરેલા પુરુષનું સ્વરૂપ છે. તે પવાલામાંથી લોહી કે દારૂ પીએ છે, હડકાયા કૂતરા પર સવારી કરે છે. બીજું સ્વરૂપ એક બાળક તરીકે કલ્પવામાં આવ્યું છે હાથમાં ખોપરી ઝાલીને કુતરા પર સવારી તે પણ કરે છે. પહેલાં સ્વરૂપને કાળ ભૈરવ અથવા ક્યારેક કાલ ભૈરવ કહેવામાં આવે છે. આ ભૈરવ સમય સાથે સંકળાયેલ છે, તેથી મૃત્યુ અને વિનાશ અને અંધકાર સાથે તેને સાંકળવામાં આવે છે. દેવદૂત જેવાં બાળ સ્વરૂપ ધરાવતાં ભૈરવનાં બીજાં સ્વરૂપને બટુક (બાળસમાન) ભૈરવ અથવા ગોરા (ગૌર વર્ણ) ભૈરવ, કહેવામાં આવે છે. શ્યામ સ્વરૂપ વાળા ભૈરવ દારૂ પીવે છે અને ભાંગ અને ધતુરા જેવા માદક દ્રવ્યોનું સેવન કરવાનું પસંદ કરે છે. ગૌર સ્વરૂપવાળા ભૈરવ દૂધ પીવે છે. બંને ભૈરવો ચીચીયારીઓ કરે છે, રાડારાડ કરે છે અને અમાસ પહેલાંની (વદ ચૌદશ) રાત્રે નગારાના તાલે નૃત્ય કરે છે. એ રાત, શિવ માટે પવિત્ર, શિવરાત્રી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે દિવસના સમયે મંદિરોમાં અપેક્ષિત ધર્મનિષ્ઠાના શિસ્તબદ્ધ વર્તનથી મુક્ત થઈને ભક્તો પણ તેમની સાથે જોડાય છે.
શિવનાં અન્ય પરંપરાગત મંદિરોથી વિપરીત, અહીં નંદીની કોઈ મૂર્તિઓ નથી હોતી. માત્ર ભૈરવનાં વાહન શ્વાનની જ મૂર્તિઓ નજરે પડશે. પરિણામે મંદિર સંકુલ કૂતરાઓથી ભરેલું રહે છે, જેમને ભક્તો દ્વારા તેમને અપાતું વિશેષ ધ્યાન બહુ ગમે છે. અહીં શિવનું પ્રતિનિધિત્વ કરતું જિવેતર લિંગ નથી, પરંતુ ખોપરી છે. સંસ્કૃત પૌરાણિક સાહિત્યમાં ભૈરવની કથાઓ ઓછી છે પરંતુ પ્રાદેશિક, લોક અને ગ્રામીણ સાહિત્યિક પરંપરાઓમાં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે, જેને આપણે મુખ્યપ્રવાહનો હિંદુ ધર્મ કહી શકીએ છીએ. કેમ કે આ વાર્તાઓને સરળતાથી અન્ય પૌરાણિક કથાઓની જેમ ચોખ્ખાં સ્વરૂપમાં રજૂ નથી કરી શકાતી નથી. વાર્તાઓ મર્મસ્પર્શી અને મૌલિક હોય છે અને જે કામ અને હિંસા તરફી માનવસહજ વૃત્તિ સાથે સંકળાયેલી હોય છે. જો ૧૯મી સદીના યુરોપીયન મુલાકાતીને આવા મંદિરો અને પ્રથાઓ 'આદિમ અને અસંસ્કારી' જણાય તો આજે ૨૧મી સદીના નવા યુગના પ્રવાસીને તે 'અધિકૃત અને વાસ્તવિક' લાગે છે. આ આપણું બિન-અબ્રાહમીક ધાર્મિક પ્રથાઓ પ્રત્યેનું વલણ છે, જેને હિંદુસંસ્કૃતિવિદો 'મૂર્તિપૂજક' તરીકે તિરસ્કારપૂર્વક ઉલ્લેખે છે.
એક કથા એવી છે કે દેવીએ તેની ગુફામાં પ્રવેશ કરીને અને ગુફાના દ્વારની રક્ષા કરવા માટે એક વાંનરને બેસાડ્યો. આ વાનરને લંગુર-દેવતા કહેવામાં આવે છે અને તે હનુમાનની સાથે વધુને વધુ નજદીક મનાય છે. દેવીની સેવા કરવા માટે તેણે બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું. તેથી તે દેવીને તેની માતા તરીકે જોતો હતો. જો કે, ભૈરવ દેવી સાથે સંભોગ કરવા ઈચ્છતો હતો. કેટલીક કથાઓ કહે છે કે ભૈરવ રાક્ષસ હતો. કેટલીક કથાઓ મુજબ ભૈરવ એક એવો તાંત્રિક હતો જેમના માટે જાતીય સંસ્કાર તેમની ગુપ્ત પ્રથા અથવા સાધનાનો ભાગ મનાય છે. કેટલીક બીજી કથાઓમાં ભૈરવ દ્વારા બ્રહ્માના લંપટ અને ઘમંડી પાંચમાં માથાંને કાપી નાખ્યા પછી બ્રહ્માનું લોહી પીધા પછી તેનામાં આ વાસના જાગી ઊઠી હતી. ખેર, જે હોય તે, ભૈરવની આ હરકતથી દેવી એટલાં નારાજ થઈ ગયાં કે તેણે ચંડીનું રૂપ ધારણ કર્યું અને ભૈરવનો શિરચ્છેદ કર્યો. વધ થયેલાં મસ્તકે દેવીની માફી માંગી અને તેમની મહિમાના ગીતો ગાયાં. તેથી દેવીએ વરદાન કર્યું કે ભૈરવના મસ્તકની પૂજા કરવામાં આવશે, એ મસ્તક દેવીનું રક્ષણ કરનાર હશે અને ભૈરવની પૂજા વિના દેવીની કરવામાં આવતી કોઈપણ પૂજા પૂર્ણ થશે નહીં.
ભક્તો માટે, ભૈરવ એ ભોલેનાથ અથવા ભોળા શિવનું સ્વરૂપ છે. તે ભોળા છે અને તેથી વિશ્વની રીતોથી અજાણ છે.પરિણામે તે દેવીની અસંમતિની સમજી શકતો નથી. તેથી જ્યારે તે દેવીને તેને અવિચારીપણા માટે અટકાવે છે, ત્યારે તેની નિર્દોષતા તેના ભક્ત તરીકેનાં પરિવર્તનને સ્વીકારવામાં આવે છે, અને તે પોતે એક દેવતા તરીકે સ્વીકારાય છે, જેનું પોતાનું અધમ લંપટ શરીર વિચ્છેદિત થઈ ગયું છે.
તાંત્રિક શરીરવિજ્ઞાનમાં, તેમના વીર્ય તેમના શરીરમાંથી બહાર વહી જાય છે એટલે પુરુષો નશ્વર ગણાય છે. તાંત્રિક પ્રથાઓ વીર્યને કરોડરજ્જુ ઉપર ખસેડવામાં અને મસ્તકમાં અમૃતમાં પરિવર્તિત કરવા સક્ષમ બનાવે છે. તાંત્રિક પ્રથાઓ સાધકને મહાન શક્તિઓ અને ડહાપણ આપે છે. ભૈરવનું મસ્તક અમૃતથી ભરેલું છે અને તેથી તે પૂજાને યોગ્ય બને છે. તેના શરીરથી તે વંચિત છે એટલે તેના માટે એકમાત્ર આનંદ મદ્યપાનથી આવે છે અને તે પ્રાપ્ત થતાં આનંદમાં આવીને તે ચીસો પાડે છે અને તેના ભક્તોને મદ્યના ભોગના બદલામાં તેઓ જે ઇચ્છે તે આપે છે.
એવું કહેવાય છે કે ભીમ પહાડીઓમાંથી પુરાણ કિલાવાળાં મંદિરમાં ભૈરવની મૂર્તિ લાવ્યા હતા. ભૈરવની શરત હતી કે એકવાર ઉપાડ્યા પછી તેને જ્યાં જમીન મુકી દેવામાં અવશે તે ત્યાં જ રહેશે. ભીમ તેને ઈન્દ્રપ્રસ્થની અંદર લઈ જવા ઈચ્છતા હતા, પરંતુ દ્વાર પર આવતાં સુધીમાં તેને ખૂબ ભૂખ લાગી એટલે કંઈક ખાવા માટે તે રોકાયો. ત્યારે તેણે નગરીનાં દ્વાર પાસે ભૈરવનું મસ્તક મુક્યું એટલે નગરનાં દ્વાર પાસે મસ્ત્પક સ્થાયી થઈ ગયું. અને ત્યાં મંદિર બનાવાયું. ભીમને ભૈરવ સાથે ગાઢ સંબંધ છે, કારણ કે ભૈરવની જેમ ભીમ પણ દેવી (દ્રૌપદી)ને વાસનાથી જોનારા પર હુમલો કરવા માટે જાણીતા છે. પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા સારુ, મહાભારતનાં યુદ્ધ દરમ્યાન ભીમે દુર્યોધનનું રક્ત પણ પીધું હતું. મહાભારતના લોક સંસ્કરણોમાં, દ્રૌપદી તેને અપશબ્દો બોલનારાઓનાં લોહીથી પોતાના કેશ ધોવે છે. આમ તે દેવીનું સ્વરૂપ છે.
ઈતિહાસકારોએ કિલ્લાની દિવાલોની અંદરની જગ્યામાં ૧૯૧૩ સુધી અસ્તિત્વમાં હતું એવાં ઈન્દ્રપટ નામના ગામની ઓળખ કરી છે તેમ જ ત્યાં ખોદકામ કરતાં ૩૦૦૦ વર્ષ જૂના માટીનાં વાસણો વગેરે મળી આવે છે. આ દર્શાવે છે કે ખરેખર વૈદિક સમયથી એક પ્રાચીન વસાહત ત્યાં હતી. અત્યારે આપણે જે કિલ્લો જોઈએ છીએ તે હુમાયુ અને શેરશાહ સૂરી દ્વારા બાંધવામાં આવ્યો હતો. જોકે મુઘલ શાસન દરમ્યાન અસ્તિત્વમાં હોવા છતાં તેમ જ કિલા કુહના મસ્જિદની નજીક હોવા છતાં, એ મંદિર હજુ પણ ટકી રહ્યું છે અને સમૃદ્ધ પણ રહ્યું છે. રાજપૂત, તુર્ક કે અફઘાન એમ કોઈ પણ જાતિના સ્થાનિક સૈનિકોની એવા સ્થાનિક દેવતા પ્રત્યેના પ્રેમની કલ્પના કરી શકાય છે, જેનું માથું તેના ધડથી અલગ કરી નખાયું હતું, દેવીએ જેની ઇંદ્રિયવાસના ઓછી કરાવી હતી અને જેને દારૂ પસંદ છે. કદાચ તેઓ પણ હિંસા સાથેના તેમના પોતાના રોજેરોજનાં યુદ્ધની સાથેના અચાનક થતા ભેટાનો સામનો કરવા માટે ભૈરવના મંદિરમાં વારંવાર આવતા હોય.
જેમ કેટલાક સમકાલીન હિંદુ નેતાઓ હિંદુ ધર્મને એક સમાન માન્યતા ધરાવતા રૂઢીવાદી આસ્થામાં ફેરવવા માટે સખત પ્રયત્ન કરે છે, એમ આવાં મંદિરો આપણને આ આસ્થાની સમાવિષ્ટ પ્રકૃતિની , અને તેના બિન-વિવાદાસ્પદ સ્વભાવની યાદ અપાવે છે જ્યાં દેવતા તેમના ભક્તો પર તેમના અભિપ્રાયો લાદતા નથી. અને તેમના ભક્તો પોતાના દેવતાના પોતાનાં મંતવ્યો લાદતા નથી.
- મુંબઈ મિરરમાં ૧ મે, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Bacchus of Bharat નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૩૧ જુલાઈ ૨૦૨૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો