બુધવાર, 14 ઑગસ્ટ, 2024

સમાનતાની પુરાણવિદ્યા - દેવદત્ત પટ્ટનાઈક

પ્રકૃતિમાં સમાનતા છે ખરી? જવાબ બહુ જટિલ છે. કુદરતને કોઈ વહાલું દવલું નથી. દરેક વૃક્ષવેલી અને દરેક પ્રાણીએ ટકી રહેવા માટે પોતાનું રક્ષણ પોતે જ કરવું પડે છે. એટલા પુઅરતી, પ્રકૃતિમાં સમાનતા છે. પરંતુ, કોઈ પણ બે છોડ કે વૃક્ષ કે કોઈ પણ બે પ્રાણીઓ સમાન નથી. પોતપોતાની તકો અને જોખમોની સઆથે, અને સંદર્ભમાં દરેકને પોતાની શક્તિઓ અને પોતાની નબળાઇઓ હોય છે, એ અર્થમાં, પ્રકૃતિમાં સમાનતા નથી.

દરેક વનસ્પતિ અને પ્રાણીની જેમ, દરેક મનુષ્યની તેની પોતાની શક્તિઓ, નબળાઈઓ અને તકોના સમૂહ સાથેનું પોતાનું આગવાપણું છે. દરેક મનુષ્ય પાસે પોત્પોતાની કલ્પના પણ હોય છે: એ કલ્પનાની મદદથી તે વધુ શક્તિ અને તકો તેમજ ઓછી નબળાઈઓ અને ઓછાં જોખમો હોવાની કલ્પના કરી શકે છે. તે એવી દુનિયાની કલ્પના કરી શકે છે. દરેક વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ ગમે તે હોય, પણ દરેક વ્યક્તિ પોતાની કલ્પના શક્તિ વડે સમાન તકો ઊભી કરી લે છે અને સમાન જોખમોથી રક્ષણ મેળવી લે છે. આ કલ્પના ‘સમાનતાની પૌરાણિક કથા’નું આગવું વિશ્વ રચે છે. જ્યારે તેના અનુભવોનું વિશ્વ આ કલ્પનાની દુનિયા સાથે મેળ ખાતું નથી, ત્યારે આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ. એવાં વિશ્વમાં પરિવર્તનની માંગ કરીએ છીએ. આપણને એવા સમયે ઇશ્વરના અવતાર માટે ઝંખવીએ છીએ, અને હવે તો ક્રાંતિ થશે એવી અપેક્ષા સેવવા લાગીએ છીએ.

પરંતુ, માનવી વિશ્વની અલગ રીતે કલ્પના પણ કરી શકે છે. એક પુરૂષ, કે સ્ત્રી, પોતાની જાતને બીજાંથી વિશેષ, અન્યો કરતાં વધુ સારી, અને બીજાઓ પર પ્રભુત્વ મેળવવાની, કે પછી અન્ય લોકોમાં ભય પેદા કરીને પણ પોતાના માટે પ્રિતી કે આદર પામવાની ઝંખના કરે છે. આ કલ્પના વ્યક્તિને વિશેષાધિકારની અનુભૂતિ કરાવતું 'અસમાનતાની પૌરાણિક કથા'નું વિશ્વ રચે છે. પરિણામે લોકોને સ્પર્ધા કરવાની અને સફળ થવા માટે પ્રેરણા મળતી રહે છે. 'જો મારી પાસે વધુ સંપત્તિ, જ્ઞાન કે કોઈ શક્તિ હોય, તો હું બીજાં પર હું પ્રભુત્વ મેળવી શકું છું' એ ભાવના લોકોને બીજાની સાથે વહેંચની કરતાં અટકાવે છે.પોતાનું ચારે તરફ આધિપત્ય કોને વહાલું ન હોય ?

આજે જાહેરમાં, આપણે બધા સમાનતાની પૌરાણિક કથાનાં વિશ્વ માટે માટે ઇચ્છીએ છીએ. પરંતુ ખાનગીમાં, અસમાનતાની પૌરાણિક કથાઓ માટેનાં વિશ્વ માટે અદમ્ય ઝંખના મનમાં પ્રજવળતી રહે છે.: બીજા પર પ્રભુત્વ મેળવવાની, અન્યને નિયંત્રિત કરવાની, ડરાવવાની કે પછી તેની પાસે આદર મેળવવાની તેમ જ એ ભાવનાઓનૂં ફરજિયાતપણે પાલન કરાવવાની ઇચ્છા. સમાનતાની પૌરાણિક કથાઓમાંથી સકારાત્મક ભેદભાવ અને આરક્ષણ જેવી વિભાવનાઓ પેદા કરે છે, જે ન્યાયી અને ઉચિત વિશ્વનું નિર્માણ કરે. અસમાનતાની પૌરાણિક કથાઓમાંથી લાયકાત અધારિત શાસન વ્યવસ્થા અને મુક્ત બજાર અને રાજકીય શુદ્ધતા જેવી વિભાવનાઓ પણ પેદા થવા લાગે છે. જે આપસી સંવાદને અવરોધે છે અને માત્ર એકપક્ષી વ્યવહારો માટે જ અનુમતિ આપે છે.

સમાનતાની પૌરાણિક કથાનાં વિશ્વને અબ્રાહમિક પૌરાણિક કથાઓમાં બહુ જોવા મળે છે. અહીં, ભગવાનની નજર સમક્ષ બધાં માનવી સમાન છે. અસમાનતા તો શેતાન દ્વારા બનાવવામાં આવી છે. અસમાનતાની પૌરાણિક કથાનાં વિશ્વને ગ્રીક પૌરાણિક કથાઓમાં પ્રતિબિંબિત થતું જોવા મળે છે. અહીં, હીરોને અસાધારણ બનવું છે, દેવતાઓમાં સ્થાન મેળવવવું છે, અને જો તેમ ન થઈ શકે તો તે, કમસે કમ, એલિઝિયમ - નાયકોના સ્વર્ગ -માં સ્થાન મેળવવા માટે સખત પ્રયત્ન કરે છે. પરંતુ સામાન્યપણાથી છૂટકારો મેળવવાની આ શોધ જ્યારે આત્યંતિક બની જાય છે ત્યારે તેનેને 'હબ્રિસ / અહંકાર' તરીકે જોવામાં આવે છે. આ સ્થિતિ દેવતાઓને ગુસ્સે કરે છે અને ઘણા નાયકોને ટાર્ટારસ - નરક જેવી દશા -માં ધકેલી દે છે. બ્રહ્માંડમાં પોતાનું સ્થાન ભલે ઉચું અથવા હોય કે નીચું હોય, પણ દરેકે પોતાનું સ્થાન જાણવાની જરૂર છે..

સામ્યવાદ અબ્રાહમિક પૌરાણિક કથાઓથી, અને, તેથી, સમાનતાની પૌરાણિક કથાનાં વિશ્વથી ખૂબ પ્રભાવિત છે. મૂડીવાદ ગ્રીક પૌરાણિક કથાઓ અને અસમાનતાની પૌરાણિક કથાઓનાં વિશ્વથી બહુ પ્રભાવિત થાય છે, કેમકે અહીં 'શ્રેષ્ઠ પુરુષ/સ્ત્રી' જીતે છે અને જે જીતે તેને બજાર વધુ પુરસ્કૃત કરે છે. હિંદુ પૌરાણિક કથાઓ સમાનતા અને અસમાનતાનો સમન્વય છે. બધા જીવોનો આત્મા સમાન છે, પરંતુ દેહ સમાન નથી.

આપણું શરીર એ આપણાં મન, આપણો ભૌતિક દેહ અને આપણે પ્રાપ્ત કરેલ અથવા વારસામાં મેળવેલ સંપતિ તેમ જ વિશેષાધિકારોનું સંયોજન છે. પુનર્જન્મના ચક્રમાં, આત્મા જુદા જુદા શરીરના અનુભવ કરે છે અને છેવટે સમજે છે કે દેહ તો અસ્થાયી છે અને તમામ યાતનાનો સ્ત્રોત છે. શાણપણ એ શરીરની બહાર રહેલ આત્માને, અને એ સમજને કે આપણી અંદર અને આપણી આસપાસના બધાની અંદર આત્મા સમાન છે, જોવામાં રહેલું છે. જ્યારે આવું થાય છે, ત્યારે આપણે આપણી આસપાસના દરેકને, ભલે તે સશક્ત હોય કે પછી નબળા હોય મદદ કરવા માટે જીવનકાર્ય કરીએ છીએ, જીવનમાં તકો શોધીએ છીએ અને જોખમોને ટાળીએ છીએ.તે ઉપરાંત સારી રીતે જાણવા પણ લાગીએ છીએ કે આપણે તેમનું ભાગ્ય બદલી શકવાના નથી, અથવા તો તેમની અપેક્ષાઓ બદલી શકતા નથી કે નથી વિશ્વને સમાન સ્થાન બનાવી શકતાના.

બૌદ્ધ પૌરાણિક કથાઓ આત્મા, સમાનતા અથવા અસમાનતાના વિચારમાં માનતી નથી. તે અસમાન વિશ્વમાં પ્રભુત્વ મેળવવાની તેમજ સમાન વિશ્વની અપેક્ષાઓને જ તમામ દુઃખોના મૂળ કારણ તરીકે જુએ છે. જ્યારે આપણે આપણી ઇચ્છાઓને મહત્ત્વ આપવા લાગી છિએ, ત્યારે આપણે અનુભવોનાં વિશ્વ સાથે કલ્પના કરેલ વિશ્વની નથી તો તુલના કરી શકતા કે નથી તો તફાવતો પારખી શકતાં. પરિવર્તન માટેની ઝંખતા કરવાનું છોડી દઈએ છીએ. બસ, આપણે તો ફક્ત પરિવર્તનના પ્રવાહની સાથે આગળ વધી રહેવામાં સંતોષ માનવા લાગીએ છીએ.

  • મિડ - ડેમાં ૧ મે૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Mythology of equality નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, વૈશ્વિક પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૪ ઓગસ્ટ ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો