શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2024

સ્વ-વિકાસ : વિચાર વલોણું - કામ માટે તમારી લગન - તમને ગમતો તમારો આઈસક્રીમ

તન્મય વોરા

આપણી ઊર્જાને આપણા કામમાં લગાડવી એ હવે આપણી પસંદ નાપસંદનો વિકલ્પ નથી રહ્યો. કાર્યસ્થળ પર એવા લોકોને જોઈને દુઃખ થાય છે કે જેઓ તેમને સોંપેલું કામ સાથે પોતાની જાતને પરાણે પરાણે ખેંચતાં હોય તેવું લાગે છે. તેઓ આમ કરે છે કારણ કે કામ કરવાથી જ તેઓને મહિનાના અંતે પગાર મળે છે. કોઈ પણ કામ તેઓ ત્યારે જ કરે છે જ્યારે કોઈ તેમને તે કરવાનું કહે. તેમના માટે, કામ એ માત્ર પેટિયું રળવાનું એક સાધન છે, એવું તેમનાં પરિણામોની ગુણવત્તા પરથી જ સ્પષ્ટ થઈ જાય છે.

પોતાના કામનો અર્થ આપણા દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. કેટલાંક માટે, તે માત્ર એક વ્યવસાય છે. તો અન્ય કેટલાંક લોકો માટે, તે એક ઉત્કટ અનુરાગ છે. આપણા કામનો આપણા માટે શું અર્થ થાય છે તે આપણી સફળતા સિદ્ધિમાં મોટો ફરક પાડે છે.

ભરતી પ્રક્રિયા દરમિયાન સેંકડો ઉમેદવારોના ઇન્ટરવ્યુ દરમ્યાન જોવા મળે છે કે કેટલાક લોકો તેઓ જે કરી રહ્યા છે તે એટલા માટે કરે છે કે, માત્ર યોગાનુયોગ જ ,તેમને એ કામ જીવનમાં મળી ગયું છે. અને હવે મળ્યું છે તેઓ તેને ચલાવી રહ્યાં છે. બીજાં કેટલાંક લોકો એવાં હ્તાં કે તેઓએ શું કરવું તે તેમની પસંદગી હતી. આ લોકો પોતાનાં જીવનમાં નોંધપાત્રપણે સફળ થાય છે.

તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે એક ઉમેદવારને પૂછવામાં આવ્યું કે તેણે તેની કારકિર્દી તરીકે સોફ્ટવેર ટેસ્ટિંગને શા માટે પસંદ કર્યું, તો તેણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. તેણે કહ્યું, “દરેકને પોતપોતાના સ્વાદ અનુસારનો જ આઈસક્રીમ ગમે છે. સોફ્ટવેર ટેસ્ટિંગ એ મારી પસંદનો આઈસક્રીમ છે”. કેટલી સહજતાથી એણે કેટલું વિચાર પ્રેરક કહી દીધુ !

બિલ સ્ટ્રીકલેન્ડે લખ્યું છે,

"જીવનમાં અનુરાગનું હોવું અનિવાર્ય છે. તે એવા વિચારો, અપેક્ષાઓ અને સંભાવનાઓ છે જેના પર તમારું મન સ્વાભાવિક રીતે જ આકર્ષિત થાય છે, જેના પર તમારો સમય અને ધ્યાન કેન્દ્રિત કરવાનું તમને આપોઆપ મન થશે."

આપણા કામ પ્રત્યેનો આપણો અનુરાગ એ ઉર્જાનો સ્ત્રોત છે. આ ઉર્જા સ્પષ્ટપણે ભૌતિક ઉર્જામાં પણ પરિવર્તીત થાય છે. તે એક પ્રેરક બળ આપણને શરૂઆત કરવા, સમાપ્ત કરવા, ચાલુ રહેવા, પ્રયોગો રતા રહેવા અને તેમાંથી શીખવા માટે અંદરથી દબાણ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કામ વિશે વાત કરે છે/કાર્ય કરે છે ત્યારે આ ઉર્જા તેની આંખમાં ચમક તરીકે અનુભવી, અને જોઈ, શકાય છે.

આપણે જે કરવાનું પસંદ કરીએ છીએ તે કરવું, અને તે જોમભેર સાથે કરવું એ માત્ર કામ ચલાવવા માટે જ મહત્વપૂર્ણ નથી. તે આપણી જાત પ્રત્યેનું આપણું કર્તવ્ય પણ છે.

વિન્સેન્ટ વેન ગોએ સુંદર રીતે કહ્યું છે,

"તમારો વ્યવસાય તમારૂં ઘર ચલાવવા માટે આવકનું સાધન નથી. તમારો વ્યવસાય એ છે જે એટલી ઉત્કટતા અને એટલી તીવ્રતા સાથે જીવવા માટે તમારા જીવનમાં મૂકવામાં આવ્યો છે કે તે જીવનની આધ્યાત્મિક અનુભૂતિ બની રહે."

સ્ત્રોત સંદર્ભ:: Passion in Work: What’s Your Ice-Cream?

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો