એમાં વસતા ભગવાનનાં નામ પરથી ઓળખાતું તિરુપતિ દક્ષિણ ભારતનું એક યાત્રાધામ છે. તમિલ શબ્દ તિરુનો સંસ્કૃતમાં અર્થ શ્રી - સમૃદ્ધિ, વિપુલતા અને શુભત્વ - તરીકે થાય છે. ઋગ્વેદમાં, શ્રી એક દેવી છે, જે પુરાણોમાં લક્ષ્મી તરીકે ઓળખાય છે. એટલે તિરુપતિ, અથવા શ્રી-પતિ, લક્ષ્મીના સ્વામી બને છે, જેને આપણે વિષ્ણુ તરીકે ઓળખીએ છીએ. વિષ્ણુ તેમના વૈકુંઠના સ્વર્ગીય નિવાસસ્થાનમાંથી ઉતરી આવ્યા અને આંધ્ર પ્રદેશના ચિતુર જિલ્લામાં શેષચલમ તરીકે ઓળખાતી સાત ટેકરીઓની શ્રેણીની સાતમી ટેકરી પર તેમનું નિવાસસ્થાન બનાવ્યું. સાતમી ટેકરીને વેંકટચલમ કહેવામાં આવે છે. એટલે ત્યાં રહેવાસ કરવાને કારણે વિષ્ણુ વેંકટેશ્વર તરીકે પણ ઓળખાય છે. તિરુપતિ સાતમા પહાડનાના પ્રવેશદ્વાર પર આવેલ છે.
જ્યારે મંદિરની માન્યતા જણાવે છે કે વિષ્ણુ વર્ષો પહેલા પૃથ્વી પર ઉતરી આવ્યા હતા, ઐતિહાસિક રીતે મંદિર લગભગ ઇ.સ પૂર્વે ૩૦૦ નું છે. પલ્લવ, ચોલ, પાંડ્ય, વિજયનગરના રાજાઓ, તેમજ પછીથી મરાઠાઓ સહિત દક્ષિણ ભારતના મોટા ભાગના મુખ્ય શાસકો દ્વારા તેનું સમર્થન કરાતું આવ્યું છે. રૂઢિચુસ્ત વૈખાણસ સંપ્રદાયના વૈષ્ણવ બ્રાહ્મણો દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. મંદિરમાં અને તેની આસપાસ તાંબા અને પથ્થરના શિલાલેખ તમિલ, તેલુગુ અને કન્નડમાં છે. તેમાં મહાન અન્નમાચાર્ય સહિત કવિ-સંતો દ્વારા રચિત પ્રશંસાના ગીતોનો સમાવેશ થાય છે.
વિષ્ણુએ વૈકુંઠ કેમ છોડ્યું? તે પોતાનાં પ્રિય લક્ષ્મીને અનુસરી રહ્યા હતા. કોઈક વાતે થયેલા અણબનાવમાંથી થયેલા મતભેદને પગલે, નારાજ થઈને લક્ષ્મીજીએ વૈકુંઠ છોડી દીધું હતું. આમ થવા પાછળનું કારણ એવુ છે કે ભૃગુ નામના ઋષિએ વિષ્ણુની છાતી પર, એટલે કે તેમના હૃદય પર લાત મારી હતી. વિષ્ણુના હૃદયમાં તો લક્ષ્મીજીનો વાસ હતો. ભૃગુ ઋષિને સજા કરવાને બદલે, વિષ્ણુ ઋષિના પગે પડી ગયા હતા અને ઋષિની અપેક્ષા મુજબ વૈકુંઠમાં તેમનું સ્વાગત ન કરવા બદલ માફી માંગી હતી. ભૃગુ વિષ્ણુની નમ્રતાથી પ્રભાવિત થયા; પરંતુ લક્ષ્મીજીને વિષ્ણુ દ્વારા મગાયેલી ક્ષમા સ્વીકાર્ય નહોતી. તેમણે નારાજગીમાં વૈકુંઠ છોડ્યું, પૃથ્વી પર ઉતરી આવ્યાં, અને કારાવીરાપુરા (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)માં નિવાસ કર્યો. વિષ્ણુ તેમને શોધતા શોધતા ત્યાં આવ્યાં, પણ લક્ષ્મીજી હજુ પણ ગુસ્સામાં હતાં એટલે તેણે પાછા ફરવા માટે ઇનકાર કર્યો.
વિષ્ણુએ લક્ષ્મી શાંત ન થાય ત્યાં સુધી પૃથ્વી પર રહેવાનું નક્કી કર્યું. તેણે શેષાચલમની સાત ટેકરીઓ પસંદ કરી કારણ કે તે પર્વતમાળા તેમને આદિ-શેષની ફેણની યાદ અપાવતી હતી. આદિ - શેષ દૈવી નાગ છે જેની કુડલિત અવસ્થા વિષ્ણ ભગવાન્નું વિરામ સ્થાન છે. તેમના પોતાના અવતારોમાંના એક, ભૂ (પૃથ્વી)-દેવીના પતિ, વરાહ (સુવર) પાસેથી અહીં રહેવાની તેમણે પરવાનગી લીધી.
પ્રચલિત કથા મુજબ, જ્યારે વિષ્ણુએ સાત ટેકરીઓ પર નિવાસ કર્યો ત્યારે તેમની પાસે ખાવા માટે કંઈ નહોતું. તેથી બ્રહ્મા અને શિવે તેમને દૂધ મળી રહે તે માટે વાછરડા અને ગાયનું રૂપ ધારણ કરવાનું નક્કી કર્યું. એક ગૌપાલકે જોયું કે ગાય ઉધઈના ટેકરી પર દૂધ વહી દેવા જતી હતી. દૂધનો બગાડ થઈ રહ્યો છે એ જોઈને તેણે ગુસ્સામાં તેણે ગાયને લાકડીથી મારી. ગાય ઘાયલ થઈ ગઈ, અને તેના લોહીના ટીપાં વિષ્ણુ પર પડ્યા, જે ઉધઈની ટેકરી નીચે ધ્યાન ધરી રહ્યા હતા. વિષ્ણુએ ગોવાળિયા અને તેના માલિક, ત્યાંના રાજાને શિક્ષા કરી. પછીથી એ બન્નેએ ક્ષમા પણ માગી લીધી હતી.
કથાનાં કેટલાક સંસ્કરણોમાં, રાજાએ વિષ્ણુ પર ગુનેગાર અને ચોર હોવાનો આરોપ મૂક્યો હતો. હવે, વિષ્ણુ ત્યાં રહેવા માટેનો એકમાત્ર રસ્તો રાજાની પુત્રી, પદ્માવતી, સાથે લગ્ન કરવાનો હતો. અન્ય કેટલાંક સંસ્કરણોમાં, પદ્માવતી અન્ય રાજાની દત્તક પુત્રી હતી, જેનો જન્મ કમળના ફૂલથી થયો હતો. તે લક્ષ્મી જેવી જ દેખાતી હતી અને તેથી સ્વાભાવિક રીતે જ વિષ્ણુ તેના પ્રેમમાં પડ્યા અને લગ્ન માટે તેનો હાથ માંગ્યો. પરંતુ પિતાએ કન્યાની ભારે કિંમત અને મોટે પાયે લગ્ન કરવાની માગણી મુકી. લક્ષ્મી વિના વિષ્ણુ પાસે પૈસા નહોતા. તેમને પૈસા માટે લક્ષ્મીના ભાઈ અને દેવતાઓના ખજાનચી કુબેર તરફ વળવું પડ્યું. કુબેરે લગ્ન માટે જરૂરી નાણાં ચૂકવી આપવા શત કરી કે વિષ્ણુએ વ્યાજ સાથે દેવું સંપૂર્ણપણે ચૂકવાય નહીં ત્યાં સુધી પૃથ્વી પર રહેવાનું વચન આપવું. વિષ્ણુ પાસે સંમત થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. લગ્ન થયાં, પરંતુ જેમ મોટા ભાગનાં વિષ્ણુ મંદિરોમાં બને છે કે પતિ-પત્નીના અલગ-અલગ રહેઠાણો હોય છે. એમ વિષ્ણુ ટેકરીની ટોચ પર રહે છે અને સ્થાનિક રીતે અલામેલુ મંગા તરીકે ઓળખાતાં રાજકુમારી-કન્યાનું પોતાનું મંદિર તિરુચાનુરની ટેકરી પર છે.
મંદિરની મુલાકાત લેતા ભક્તો દેવતાને તેમનું દેવું ચૂકવવામાં મદદ કરવા માટે વિશાળ સંપત્તિ અર્પણ કરે છે. બદલામાં, તે ભ્ગવાન તેમની કૃપા એ લોકો પર રહેવા દે છે, જેનો ઉપયોગ ભક્તો દ્વારા વધુ સંપત્તિ ઉત્પન્ન કરવામાં અથવા સંપત્તિ સાથેના જોડાણથી મુક્ત થવા માટે કરી શકાય છે. અનુમાન કરો કે ભક્તો શું પસંદ કરતાં હશે? આમ દાનના પ્રવાહનું ચક્ર ચાલુ રહે છે, ભક્તો વિષ્ણુને સંપત્તિ આપે છે અને ભગવાન તેમને ધનવાન બનાવે છે અને તેથી તેઓ તેમના આ કૃપાના બદલામં વધુ સંપત્તિ આપવા માટે બંધાયેલા છે અને તિરુપતિને સૌથી ધનાઢ્ય હિન્દુ મંદિર બનાવે છે. મંદિરનાં ગર્ભગૃહની છત સંપૂર્ણ રીતે સોનાથી મઢાયેલી છે. ઈચ્છુક ભક્તો દ્વારા તેમને અર્પિત કરવામાં આવેલી તમામ સંપત્તિ છતાં, દેવું બાકી છે અને વિષ્ણુ પૃથ્વી પર ફસાયેલા રહે છે.
દેવું અથવા ઋણ એ હિંદુ ધર્મમાં મુખ્ય વિચારબીજ છે. આપણે આપણા પૂર્વજો, પ્રકૃતિ, દેવતાઓ, ઋષિઓ અને સાથી મનુષ્યોનું ઋણ ચૂકવવા માટે પૃથ્વી પર જન્મ્યા છીએ. તેથી જીવન 'આપવા માટે' છે, 'લેવા માટે' નથી. આપવાથી દેવું ઓછું થાય છે અને આપણને મુક્તિ મળે છે. લેવું આપણને વિશ્વ સાથે જકડી રાખે છે.
તિરુપતિના મંદિરમાં, તેની સંપત્તિ, તેની સુવ્યવસ્થિતતા, તેની સ્વચ્છતા, તેના સંગઠન, લાખો ભક્તોના જીવનને આરામદાયક બનાવવા માટે તેની તકનીકની તેજસ્વી જમાવટ માટે, એક છબી ઘણીવાર ધ્યાન બહાર રહી જાય છે: વેંકટેશ્વર નામના સંન્યાસી સાથે ચોપાટ રમતા હાથીરામ બાબા.
હાથીરામ બાબા લગભગ ૪૦૦ વર્ષ પહેલા તિરુમલાઈ આવ્યા હતા અને કલાકો સુધી દેવતાની પૂજા કરતા હતા. આથી મંદિરના પુજારીને તેમના પર શંકા થઈ. પુજારીએ તપસ્વીને બહાર કાઢી મુક્યા. ગરીબ તપસ્વીએ મંદિરની બહાર, એવી આશામાં, ઝૂંપડીમાં રહેવાનું નક્કી કર્યું કે એક દિવસ તેને અંદર જવા દેવામાં આવશે. પરંતુ પૂજારીઓ મક્કમ રહ્યા. પોતાના ભક્ત માટે દિલગીર થઈને, વેંકટેશ્વરે પોતે મંદિરમાંથી બહાર નીકળીને તેમના ભક્તને મળવાનું નક્કી કર્યું. તેઓએ ચોપાટ રમીને સમય પસાર કર્યો. એક દિવસ, મંદિરના વ્યવ્સ્થાપકોએના ધ્યાન પર આવ્યું એ દેવતાનો રત્ન જડિત હાર ગાયબ છે. સૈનિકોએ આજુબાજુમાં શોધખોળ કરી તો એ હાર હાથીરામ બાબાના ઘરમાં મળી આવ્યો. "ઓહ, ચોપાટનો મારો સાથીદાર છેલ્લી વાર આવ્યો ત્યારે તેને મુકી ગયો હશે !" તેણે નિર્દોષતાથી કહ્યું. કોઈએ બાબા પર વિશ્વાસ ન કર્યો અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.
તે પોતાને હાથી કહેતા હોવાથી, વ્યવસ્થાપકોએ તેના કોષમાં ચોખા અને શેરડીનો ઢગલો મૂક્યો, અને જણાવ્યું કે એક હાથી તરીકે એક જ રાતમાં પીરસવામાં આવેલું બધું તે ખાઈ લે અથવા બીજા દિવસે સવારે મૃત્યુનો સામનો કરે. થોડા કલાકો પછી, રક્ષકોએ રણશિંગડાનો અવાજ સાંભળ્યો. એ હાથીએ બધા ચોખા અને શેરડી ખાઈ લીધા પછી અંદરથી જેલનો દરવાજો તોડી નાખ્યો. અને અદૃશ્ય થઈ ગયો. પરંતુ સૈનિકો અને પૂજારીને કોઈ શંકા ન હતી કે હાથી પોતે વેંકટેશ્વર જ હતો જે તેના મિત્રના બચાવમાં આવ્યો હતો. એ તપસ્વી જેની પાસે દેવાદાર ભગવાનને અર્પણ કરવા માટે પૈસા ન હતા, પરંતુ તેણે પ્રેમ જેવી વધુ મૂલ્યવાન વસ્તુ સામે આપી હતી.
- મુંબઈ મિરરમાં ૧૫ મે, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Tirupati: Playing dice with a god in debt નો અનુવાદ| પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો