બુધવાર, 9 ઑક્ટોબર, 2024

કુસ્તીબાજ કૃષ્ણ - દેવદત્ત પટ્ટનાઈક

કુસ્તીની વાત નીકળે ત્યારે મનમાં પહેલું નામ કૃષ્ણ નથી આવતું. ભારતમાં પરંપરાગત રીતે અખાડા તરીકે ઓળખાતી, માટીથી આચ્છાદિત વ્યાયામશાળામાં દેખાતી હનુમાનની ભગવી છબીઓ આપણા મનમાં આવી રહે છે. સરસવ કે તલના તેલની માલિશ કરેલા, લંગોટ પહેરેલા યુવકો, આ સ્થળોએ દર્શકોને ઉત્સાહિત કરવા માટે એકબીજા સાથે બથ્થંબથ્થા કરતા જોઈ શકાય છે. પ્રાચીન ભારત તેને સંસ્કૃતમાં મલ્લ-યુદ્ધ તરીકે જાણતું હતું, જ્યારે મધ્યયુગીન ભારત તેને પર્શિયન પહેલવાની તરીકે જાણતું હતું, લોકબોલીમાં તે કુસ્તી અથવા દંગલ તરીકે પ્રખ્યાત છે. ભારતના ગામડાઓમાં ખૂબ જ પ્રિય એવી આ વ્યાવ્યામશાળાઓને બોલિવૂડની સલમાન ખાનની સુલતાન અને આમિર ખાનની દંગલ જેવી ફિલ્મો દ્વારા શહેરોમા પણ સ્વીકૃતી મળી છે.

પણ કૃષ્ણ? રેશમી ધોતી અને ચંદનનો લેપ અને સુગંધિત ફૂલોની માળા સાથે, વાંસળી વગાડતી વખતે સ્ત્રીની જેમ પોતાના શરીરને વાળે છે, કૃષ્ણ વધુ સુંદર નથી? હિંદુ ધર્મની ભક્તિ બાજુએ માતાઓના અને પ્રેમીઓના, માખણ-પ્રેમાળ, ટીખળી, જેની વાંસળીના સુર સાંભળતાંવેંત સ્ત્રીઓને ઘરના તમામ કામકાજ છોડી દે છે અને આખી રાત તેમની આસપાસ નૃત્ય કરે છે એવા, કૃષ્ણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે: . તે ગોવાલણોને તેમના આનંદ માટે પોતાને કુમારિકાનો વેશ પણ કરવા દે છે. આ ચિત્રમાં કુસ્તી એકદમ બંધબેસતી નથી.

અને તેમ છતાં, કૃષ્ણ એક મહાન કુસ્તીબાજ છે. ભાગવત પુરાણ આપણને જણાવે છે કે કેવી રીતે કૃષ્ણ બળદ (અરિષ્ટાસુર) અને ઘોડા (કેશી) અને નાગ (કાલિય) અને અજગર (અઘાસુર)નું રૂપ ધારણ કરરતા રાક્ષસો સાથે કુસ્તી કરે છે. સૌથી અગત્યનું એ છે કેવી રીતે કુસ્તી હરીફાઈમાં ભાગ લેવા માટે તેઓ મથુરા ગયા જ્યાં તેમણે રાજ્યના શ્રેષ્ઠ કુસ્તીબાજ, ચાનુર અને મુસ્તિક, અને સરમુખત્યાર કંસને પણ હરાવ્યો. પાછળથી જીવનમાં, લગ્નમાં કોસલના રાજા નાગનાજીતની પુત્રી સત્યાનો હાથ જીતવા માટે તેમણે તે સાત જંગલી બળદોને જોડેલ છે. આપણી સમક્ષ જે છબી તરી અવે છે તે બળદગાડાની હરિફાઈ અથવા તમિલનાડુના હવે વિવાદાસ્પદ જલ્લીકટ્ટુ ઉત્સવોનીબળદની કુસ્તીમાં ભાગ લેતા કૃષિ સમુદાયના, લૂંટારાઓ અને જુલમી રાજાઓથી બચાવવા માટે એક શક્તિશાળી માણસ તેમની પડખે છે એવી સુરક્ષતા અનુભવતા તમામ ગ્રામજનો દ્વારા પોરસાતા, એક વીર ભારતીય યુવાનની છે.

એક રામ-કથા છે કે જાંબુવન, રીંછ, રામ કેટલા તાકાતવાન છે તે જોવા માટે કુસ્તી કરવા માંગતો હતો. રામે તેને વચન આપ્યું હતું કે જ્યારે તે કૃષ્ણ તરીકે જન્મ લેશે ત્યારે તે જાંબુવનની ઈચ્છા પૂરી કરશે. કૃષ્ણ કુસ્તી કરે છે અને જાંબુવનને વશ કરે છે અને લગ્નમાં તેમની પુત્રી જાંબુવતીનો હાથ જીતે છે. આ વાર્તા સૂચવે છે કે કુસ્તી એક અસંસ્કારી રમત તરીકે જોવામાં આવતી હતી, જે એવા વિષ્ણુ માટે યોગ્ય હતી જ્યારે તે ગોવાળો દ્વારા ઉછરેલો સૌથી નાનો પુત્ર હોય, પરંતુ જ્યારે તે રાજાના મોટા પુત્ર તરીકે જન્મે એવા વિષ્ણુ માટે ઉચિત નથી.

કૃષ્ણના મોટા ભાઈ બલરામ ભીમ અને દુર્યોધનને કુસ્તી શીખવે છે. પરંતુ ભીમને કુસ્તીના ખાડામાં જરાસંધ અને દુર્યોધનને હરાવવા અને મારી નાખવાની યુક્તિઓ શીખવેનારા તો કૃષ્ણ જ છે. કૃષ્ણની વાર્તાના બૌદ્ધ સંસ્કરણ, ઘટજાતકમાં, જેમના નામનો છાકો પડતો એવા કૃષ્ણ અને તેના દસ ભાઈઓ કુસ્તીબાજો છે જેઓ કંસને મારી નાખે છે અને સમગ્ર જંબુદ્વીપ પર વિજય મેળવે છે. મલ્લ-પુરાણ એ પણ કહે છે કે કેવી રીતે કૃષ્ણએ ગુજરાતના જેઠ-મલ્લ બ્રાહ્મણોને કુસ્તી શીખવી હતી. કાદવમાં રગદોળાયેલા એ જ કૃષ્ણ છે જે માખણ-લપેડાયેલા અને ચંદન-અભિષિક્ત પણ છે. આવા કૃષ્ણ આપણને ફરી એકવાર યાદ અપાવે છે કે શા માટે તેમને પૂર્ણ-પુરુષ કહેવામાં આવે છે.

  • મિડ - ડેમાં ૨૨ મે૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Krishna, the wrestlerનો અનુવાદહિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖   ઓક્ટોબર ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો