બુધવાર, 16 ઑક્ટોબર, 2024

ટાટા પરિવારનાં મૂલ્યોઃ ટાટા ફાઈનાન્સે તેના થાપણદારોને તેમનાં રોકાણ પહોંચતાં કરવા હેલિકોપ્ટર ખડે પગે રાખ્યું.

એપ્રિલ ૨૦૦૧માં શંકર શર્મા નામની એક વ્યક્તિએ લખેલો પત્ર ટાટા ફાયનાન્સ લિ. ના ડાયરેક્ટરો સહિતના ટાટા ગ્રૂપના ટોચના અધિકારીઓ, ભારતનાં શેર બજારોના નિયમનકાર સીક્યુરિટીઝ એન્ડ એક્ષચેન્જ બૉર્ડ ઑવ ઇન્ડિઆ અને અનેક અગ્રણી અખબારપત્રોને પહોંચ્યો.

પત્રમાં ટાટા ફાયનાન્સ અને તેના એ સમયના મૅનેજિંગ ડાયરેક્ટર દિલીપ પેન્ડસે ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. એક આરોપ એ હતો કે કંપની પ્રેફરન્સ શેરના રાઈટ્સ ઇસ્યુના પ્રોસ્પેક્ટસમાં બનાવેલી કાઢેલ માહિતી છાપવામાં આવી છે. તે ઉપરાંત એ પણ આક્ષેપ કરાયો હતો કે કંપનીમાં બહુ મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી છે.

ટાટા ફાયનાન્સ બહુ મોટી અપેક્ષા રખાતી કંપની હતી. નાણાકીય સેવાઓના ઉદ્યોગમાં એ સમયે ટાટા ફાયનાન્સ ટાટા ગ્રૂપના એ ઉદ્યોગમાં પ્રગતિ માટેના મંચનું એ મોખરાનું વાહન હતી. વ્યાપારી વાહનોની અને કાર તેમજ ઉપબોકતા માટેની ટકાઉ વસ્તુઓની હપ્તેથી ખરીદી માટે નાણાકીય ઋણ પુરૂં પાડવાનાં ક્ષેત્રમાં બહુ મહત્ત્વનું સ્થાન બનાવી ચુકેલ. એ માટે કંપની લોકો પાસેથી જાહેરમાં, આકર્ષક વ્યાજે, ચોક્કસ સમય માટેની થાપણો પણ સ્વીકારતી હતી. ટાટા નામના ભરોસે લાખો લોકોએ તેમની જીવનભરની બચતો ટાટા ફાયનાન્સની આ થાપણોમાં મુકી હતી. કંપનીના મૅનેજિંગ ડાયરેક્ટર, દિલીપ પેન્ડસે, આવી કેટલીક મુખ્ય યોજનાઓના અગ્રણી સ્થપતિ હતા. નણાકીય સેવાઓ ઉદ્યોગનાં કેટલાંક વર્તુળોમાં તેઓ કલ્પનાશીલ ભેજાં તરીકે પંકાયેલા હતા.

આ સંજોગોમાં, શંકર શર્માનો પત્ર ટાટા ગ્રૂપના વરિષ્ઠ અધિકારીઓને હલબલાવી નાખવા માટે પૂરતો હતો. આક્ષેપોમાં દાણા ભાર પણ સાચું છે કે નહીં તે જાણવા માટે તરત જ ટાટા ફાઇનાન્સનું ઑડીટ કરવામાં આવ્યું. એ સમયના ટાટા સન્સના ફાયનાન્સ ડાયરેક્ટર ઈસાત હુસૈન કહે છે કે, 'એ પત્રએ અમને ચૉકાવી નાખ્યા. જે તપાસ થઈ તેમાં એટલું તો જણાયું જ કે મોટા પાયે અનિયમિતતાઓ તો હતી . અમે બધા સ્તબ્ધ થઈ ગયા હતા.'

તપાસમાં કેટલીક પીડાદાયક, પણ સ્પષ્ટ, હકીકતો સામે આવી ગઈ હતી. કંપનીનાં મૅનેજેમૅન્ટ દ્વારા કરવામાં આવેલાં કેટલાંક શંકાસ્પદ રોકાણોને કારણે કંપની દેવું ફૂંકવાની હાલતમાં આવી પડી હતી. કપનીનાં લગભગ રૂ. ૨,૭૦૦ કરોડનાં દેવામાંથી રૂ. ૮૭૫ કરોડ તો ચાર લાખ જેવા નાના થાપણદારોના હતા. આ થાપણદારોમાંથી મોટા ભાગના માટે તો તેમણે મુકેલી થાપણ તેમની જિંદગીભરની બચત હતી. કોઈએ એ બચત પોતાના સંતાનનાં લગ્ન માટે તો કોઈએ આકસ્મિક તબીબી કટોકટી માટે કરી હતી. અને હવે ટાટા ફાઈનાન્સ એ નાણાં પાછાં ચુકવી શકવાની સ્થિતિમાં નહોતું.

આ પરિસ્થિતિ માટે જવાબદાર કારણ પણ તરત જ સ્પષ્ટ થઈ ગયું હતું. દિલીપ પેન્ડસેની આગેવાની હેઠળ રૂ. ૫૨૫ કરોડ તો કંપનીની જ પેટા કંપનીઓ અને સંલગ્ન કંપનીઓને ધીરવામાં આવેલા. આ કંપનીઓમાં એક 'નિષ્કલ્પ' હતી. એ નાણામાંથી મોટા ભાગનું રોકાણ શેર બજારમાં બહુ નબળી આર્થિક સ્થિતિવાળી કંપનીઓની ઈક્વીટીમાં સટ્ટા રૂપે કરાયેલ. એ કંપનીઓના શેર કાગળીયાં થઈ ગયાં હતાં જેને પરિણામે મૂળ રોકાણ પાતાળે જઈ બેઠું હતું, અને કપનીનાં સરવિયામાં મસમોટાં ગાબડાં પડી ગયાં હતાં.

પોતાની નૈતિક નિષ્ઠા માટે જે પોતાની નૈતિક નિષ્ઠા માટે જે ગ્રૂપ સોનાની શુદ્ધ લગડીનાં ધોરણનું ગણાતું હતું એના માટે આ ઘડી આંખ ખોલી નાખનારી હતી. આટલા મોટાપાયે થયેલ ગેરરીતી માટે ગ્રૂપ શું પગલાં લઈ શકે તેમ હતું?


આ કટોકટીની સામે પ્રતિભાવ આપવાની આખી બાબત ટાટા સન્સના એ સમાયના ચેરમેન, રતન ટાટાએ, ખુદ પોતાના હાથમાં લઈ લીધી. તેમણે સૌથી આગળ રહીને મોરચો સંભાળ્યો. ટાટા ફાઈનાન્સની માલિકસમી ટાટા સન્સનાં બોર્ડમાં આ બાબતની તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી, ઈસાત હુસ્સૈન યાદ કરે છે કે, રતન ટાટાએ સુચવ્યું કે ટાટા ફાઈનાન્સ તેની સમગ્ર જવાબદારીઓ અદા કરી શકે એ રીતે ટાટા સન્સે તેની પડખે ઉંભું રહેવું જોઇએ. બોર્ડ આ સુચન સાથે સંપૂર્ણપણે સહમત હતું.

આ જવાબદારીઓનો આંકડો રૂ. ૫૦૦ કરોડ હતો, જે એ સમય માટે નાનીસુની રકમ ન હતી. ટાટા ફાઇનાન્સમાં કરાયેલી આ આનિયમિતતા ટાટા સન્સની કાયદાકીય જવાબદારીથી તો અનેક ગણી વધારે હતી, કેમકે ટાટા ફાયનાન્સમાં બીજા પણ ઘણા શૅરહોલ્ડર્સ હતા. ટાટા સન્સ જરૂર સંસ્થાપક શૅરહોલ્ડર હતા, પણ કાયદામાં તો તેમની જવાબદારી સીમિત જ હતી.

પરંતુ રતન ટાટા અને ટાટા સન્સના અન્ય અગ્રણીઓ માટે આવી કોઈ ગણતરીઓ બાધક નહોતી, કેમકે તેમના માટે આ ઘડીએ કાયદામાં શું જરૂરી છે તેના કરતાં નૈતિક દૃષ્ટિએ શું યોગ્ય છે તે જ માત્ર અગત્યનું હતું. રતન ટાટાએ તો ટાટા સન્સના પ્રતિભાવના માર્ગદર્શન માટે બે સિદ્ધાંતો સ્પષ્ટ કરેલ હતા.

પહેલો સિદ્ધાંત તો એ કે, દરેકે દરેક થાપણદારનું હિત સંપૂર્ણપણે સચવાવું જોઈએ જેથી ટાટાના નામ પર જેમણે ભરોસો મૂક્યો છે તેમનો ટાટા ફાયનાન્સનાં ખોટાં કર્મોને કારણે વિશ્વાસભંગ ન થવો જોઈએ. આ માટે ટાટા સન્સના બૉર્ડ ઑવ ડાયરેક્ટરની મંજૂરીથી આવશ્યક એટલું બધું ભંડોળ પુરૂં પાડવામાં આવશે.

બીજું, તલસ્પર્શી તપાસ કરવામાં આવશે, જેથી ગમે એવડા ચમરબંધી કે ભારેખમ સંબંધો ધરાવતા કોઈ પણ દોષી ઉપર કાયદાની તમામ જોગવાઈઓ અનુસાર કામ ચલાવી શકાય અને તેમને સજા પણ થાય.

આ બન્ને નિર્ણયોને લાગુ કરવા માટે જરૂરી પગલાં સત્વરે લેવાયાં. ૧૫ જુલાઈ ૨૦૦૧ના રોજ એક અસામાન્ય જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું જેમાં સ્વીકારવામાં આવ્યું કે ટાટા ફાયનાન્સ સાથે કરાયેલી છેતરપિંડીને કારણે કંપની બહુ નાજુક આર્થિક પરિસ્થિતિમાં મુકાયેલ છે. એ નિવેદનમાં તે સાથે જ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે કંપનીના એક પણ થાપણદારને તેનું રોકાણ ન ખોવું પડે એ માટે ટાટા મૅનેજમૅન્ટ બધાં જરૂરી પગલાં લઈ રહેલ છે.

બહુ જ ટુંકા સમયમાં ટાટા સન્સ અને તેની સહયોગી કંપની ટાટા ઈન્ડસ્ટ્રીઝે રૂ. ૬૧૫ કરોડ રોકડ અને કોર્પોરેટ બાહેંધરીઓના સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવી આપ્યા, જેથી જેમ જેમ જરૂર પડે તેમ તેમ દરેક થાપણદારને તેના હક્કનાં નાણાં ચુકવી આપી શકાય. આ તબક્કે અતિમહત્ત્વનું એ હતું કે દરેક થાપણદાર પોતાને સુરક્ષિત અનુભવે અને રાતે કોઈ જ ચિંતા વિના ઊંઘી શકે.

તે ઉપરાંત, જે કોઇ થાપણદાર પોતાનું રોકણ પરત લેવા માગે તેને તેની નજદીકની ટાટા ફાયનાન્સની શાખામાંથી વિલંબે નાણા મળી જાય એ માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે, ૨૦૦૧માં, ઈલ્ક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર કે ડિજિટલ નાણાવ્યવહાર જેવી કોઇ સગવડો તો હતી નહી. બહારગામના ચેક તો દસ બાર દિવસે જમા મળતા. એટલે, હવાઈ માર્ગે નાણા મોકલી શકાય એ માટે ટાટા ફાયનાન્સે હેલીકોપ્ટરને પણ ખડે પગે રાખ્યું હતું.


જમશેદજી ટાટાની ઉદ્યોગસાહસિક દુરંદેશી અને સિદ્ધાંતોએ ટાટા ગ્રૂપના સંપોષિત અને સફળ ઔદ્યોગિક કંપનીઓ આ દેશને આપી છે. વ્યાપાર માટેનાં તેમનાં મૂલ્યો તેમના વારસદારોએ પણ સન્નિષ્ઠતાથી સીચ્યાં. સખત મહેનત, કઠોર નિશ્ચય અને સાતત્યપૂર્ણ દીર્ઘદૃષ્ટિને પરિણામે જમશેદજી ટાટાનાં મૂલ્યો ટાટા ગ્રૂપની કંપનીઓમાં એટલાં ઊંડાં ઉતરતાં ગયાં કે સમયની થપાટો પણ તેમને ક્ષીણ નથી કરી શકી. ઘણા કિસ્સઓમાં તો રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં પણ આ મૂલ્યો અને સિદ્ધાંતોએ દીવાદાંડીની ભૂમિકા ભજવી છે.

એટલે જ, આજે આ આખી ઘટના કોઈ પરીકથા જેવી લાગે, પણ ટાટા ગ્રૂપની પરંપરાને જે જાણે છે તેને કોઈ નવાઈ નહીં લાગે.

આજથી સો વર્ષ પહેલાં, નવેમ્બર ૨૦૨૪માં ટાટા સ્ટીલ (એ સમયે ટિસ્કો) પ્રતિકૂળ આર્થિક સંજોગોને કારણે એટલી ભીંસમાં હતું કે કર્મચારીઓનો પગાર પણ થઈ શકે તેમ નહોતું. એ સમયે સર દોરાબજી ટાટાએ, તેમનાં પત્નીના મહામૂલા હીરા સહિતની એમની બધી જ અંગત સંપત્તિ ઇમ્પિરીયલ બેંક ઑવ ઇન્ડિઆને ગીરવે મુકી દીધેલ.

જે આર ડી ટાટા હંમેશાં કહેતા કે 'કોઈ પણ કામ, પછી ભલે એ ગમે એટલું નાનું કેમ ન હોય, પણ તેને શ્રેષ્ઠતાથી, સર્વોત્કૄષ્ટતાથી કરો. તેનાથી જરા પણ ઓછાંમાં ક્યારે પણ સંતોષ ન પામજો.'

Ratan Tata Leaves The Audience SPEECHLESS


ટાટા ગ્રૂપનાં મૂલ્યોથી ઘડાયેલા
આર ગોપાલકૃષ્ણન અને હરિશ ભટનાં પુસ્તક 'Jamsetji Tata: Powerful Learnings for Corporate Success' (પેંગ્વીન, ૨૦૨૪)નાં એક પ્રકરણ 'Principles' ના એક ખંડ Tata Finance Runs into Trouble" નાં એક અવતરણ - Ratan Tata tribute: When Tata Finance kept a helicopter on standby to return investors' money - નો સંકલિત અનુવાદ

વિશેષ સંદર્ભઃ

Most Memorable Moments Of Ratan Tata's Exceptional Journey | Role Of Legend In Tata | Gurcharan Das

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો